Wednesday, July 4, 2018

જંગલની જાત્રાનો જાદુ

દિવ્યેશ વ્યાસ


હેન્રી ડેવિડ થોરોએ વોલ્ડન તળાવના કાંઠે સાદું અને સૃષ્ટિમય જીવન જીવવાનો પ્રયોગ કર્યો હતો

(તસવીર ગૂગલ ઇમેજ પરથી લીધેલી છે.)

આજે ચોથી જુલાઈ એટલે અમેરિકાનો આઝાદી દિવસ છે. અમેરિકા ઈ.સ. 1776માં બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવીને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. અમેરિકામાં આ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના ઇતિહાસમાં ચોથી જુલાઈના દિવસે એક બીજી મોટી ઘટના પણ ઘટી હતી. આઝાદી દિનની ઉજવણીમાં આ ઘટના વિસરાતી જતી હોય છે. આ ઘટના માત્ર અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે પણ યાદગાર ગણી શકાય એવી છે. વર્ષ 1845માં ચોથી જુલાઈના રોજ હેન્રી ડેવિડ થોરોએ સાદું અને સૃષ્ટિમય જીવન જીવવાનો પ્રયોગ શરૂ કર્યો હતો અને તેઓ વોલ્ડન તળાવના કાંઠે કુટિર બાંધીને રહેવા ગયા હતા.

વોલ્ડનના કાંઠે થોરો બે વર્ષ, બે મહિના અને બે દિવસ રહ્યા હતા. વોલ્ડન કાંઠે વિતાવેલા ગોલ્ડન પિરિયડ દરમિયાન થોરોને જે અનુભવો અને અનુભૂતિઓ થઈ તેને તેમણે પોતાના પુસ્તક ‘વોલ્ડન : લાઇફ ઇન ધ વૂડ્સ’માં શબ્દસ્થ કરેલી છે. થોરોની આ જંગલ જાત્રાની પ્રસાદી આ પુસ્તકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. થોરોના વિચારો અને વોલ્ડન પુસ્તકની વાતો આજે એમના જમાના કરતાં પણ વધારે પ્રસ્તુત બની છે. આજે જ્યારે ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઇમેટ ચેઇન્જના પડકારોની ચિંતા વધતી જાય છે ત્યારે સાદું અને પર્યાવરણ-સંગત (ઇકો ફ્રેન્ડલી) જીવનની ઉપયોગિતા હવે દુનિયાને સમજાઈ રહી છે.

થોરોના જન્મને આગામી 12મી જુલાઈના રોજ 200 વર્ષ પૂરાં થશે. ગત વર્ષે થોરોની 200મી જન્મજયંતી નિમિત્તે અમેરિકામાં એક પુસ્તક પ્રગટ થયું હતું. અમેરિકન લેખિકા લૌરા દાસો વૉલ્સનાં એ પુસ્તકનું શીર્ષક છે, ‘હેન્રી ડેવિડ થોરો : અ લાઇફ’. આ પુસ્તકમાં થોરોના સમગ્ર જીવનમાંથી તેમણે વોલ્ડન તળાવના કાંઠે વિતાવેલાં બે વર્ષ કરતાં વધારે સમયને વધારે મહત્ત્વ આપ્યું છે અને થોરોના પર્યાવરણ-સૃષ્ટિ અંગેના વિચારોને વધારે અગ્રતા આપવામાં આવી છે. આજના ક્લાઇમેટ ચેઇન્જ અને ગ્લોબલ વૉર્મિંગના પડકારોના સમયમાં થોરોનું જીવન અને વિચારો કઈ રીતે ઉપયોગી-પ્રેરણાદાયી બની શકે છે, તે લોરાબહેને વિગતે સમજાવ્યું છે.

થોરો સૃષ્ટિ પ્રત્યે અનહદ ચાહના ધરાવતા હતા. ‘વોલ્ડન’માં પ્રકૃતિનાં મનોહર વર્ણનોની સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીઓના બોધપાઠ પણ મળે છે. તેમણે સાદું જીવન અને ઉચ્ચ વિચારોનું સૂત્ર ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું હતું. થોરોનું એક જાણીતું વાક્ય છે, ‘તમામ પ્રકારની લક્ઝરી અને સુવિધાઓના સન્માન સાથે સૌથી સમજદાર વ્યક્તિ વધુમાં વધુ સાદું જીવન જીવે છે અને ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવે છે.’ પ્રકૃતિ સાથે ઓતપ્રોત થવામાં સાર્થકતા સમજતા થોરો કહેતાં, ‘પ્રકૃતિ આપણી નબળાઈઓ અને ખૂબીઓ સાથે તાલમેળ સાધી લેતી હોય છે.’ મોર્નિંગ વૉક માટે પ્રેરે એવું થોરોનું એક વાક્ય છે, ‘પ્રાત:કાળે ચાલવા નીકળવું એ સમગ્ર દિવસ માટે વરદાનરૂપ છે.’

જીવન અંગેના થોરોના વિચારો પણ બહુ મનનીય છે. તેમણે એક બહુ સુંદર વાત કરેલી છે, ‘કોઈ પણ વસ્તુની કિંમત એ હોય છે કે તમે તેના બદલામાં તમારી જિંદગીનો કેટલો સમય ફાળવો છો.’ થોરોનું બીજું એક વાક્ય પણ આ સાથે યાદ આવે છે, ‘વ્યસ્ત રહેવું પૂરતું નથી, કારણ કે વ્યસ્ત તો કીડીઓ પણ રહે છે, મૂળ સવાલ એ છે કે આપણે શાના માટે વ્યસ્ત રહીએ છીએ.’ થોરોના પ્રાર્થનાની પંક્તિ સમાન એક વાક્ય સાથે લેખ પૂરો કરીએ: ‘પ્રેમ કરતાં, પૈસા કરતાં, પ્રસિદ્ધિ કરતાં મને સત્ય આપજે.’

(દિવ્ય ભાસ્કરની 4 જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment