Wednesday, June 27, 2018

જેલ ખાલી કરો અભિયાન

દિવ્યેશ વ્યાસ


ઇંગ્લેન્ડમાં હોમ ડિટેક્શન કર્ફ્યૂ યોજના અંતર્ગત સામાન્ય ગુનેગારોને વહેલા મુક્ત કરવામાં આવે છે


(આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવેલી છે.)

જંગલમાં જેલ હોતી નથી. જંગલનો કાયદો કોઈ પણ નાનો કે મોટો ગુનો કરનારને એક જ સજા ફરમાવે છે, સજા-એ-મોત. માનવીએ આ જંગલમાં જ પોતાની અલગ વસાહત ઊભી કરી. વસાહતના પોતાના અલગ કાયદા બનાવવામાં આવ્યા, જે ‘માનવીય’ હોવા જોઈએ, એવી સમજ ધીમે ધીમે કેળવાતી ગઈ. ગુના મુજબ સજા કરવા માટે દંડ સંહિતાઓ રચવામાં આવી. સજાનાં સ્વરૂપો અને પ્રકારો પણ સમય સાથે બદલાતાં રહ્યાં છે. આજના સમયની વાત કરીએ તો મૃત્યુદંડની પદ્ધતિ બદલવી જોઈએથી માંડીને મૃત્યુદંડ નાબૂદ જ કરી દેવા સુધીની ચર્ચાઓ ચાલી રહી છે. આવા માહોલમાં સજા તરીકે કારાવાસનો જ વિકલ્પ વધારે અજમાવાય છે. ભારત અને ચીન જ નહિ, પરંતુ અમેરિકા અને યુરોપના દેશોમાં પણ જેલની ક્ષમતા કરતાં કેદીઓની સંખ્યા વધતી જાય છે. આ કારણે જેલનું ભારણ-ખર્ચમાં વધારો થાય છે, સાથે સાથે વ્યવસ્થાપનના પ્રશ્નો વધી રહ્યા છે. આ સમસ્યા દિવસે દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.

ઇંગ્લેન્ડમાં આ સમસ્યાનો ઉકેલ ‘જેલ ખાલી કરો’ના અભિગમ સાથે શરૂ કરવામાં આવેલી નવી યોજના દ્વારા લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. ઇંગ્લેડની સ્થિતિ પર નજર નાખીએ તો વર્ષ 1993થી 2016ના ગાળામાં જેલોમાં કેદીઓની સંખ્યા બમણી થઈ ગઈ. ઓવરક્રાઉડેડ જેલની વધતી સમસ્યાનો ઉકેલ લાવવા માટે સામાન્ય પ્રકારના ગુનામાં પકડાયેલા કેદીઓને સમય કરતાં થોડા વહેલા છોડવાની નીતિ અખત્યાર કરવામાં આવી. આ માટે ક્રાઇમ એન્ડ ડિસઓર્ડર એક્ટ - 1998 અંતર્ગત હોમ ડિટેક્શન કર્ફ્યૂ (HDC) યોજનાને કાયદાકીય રીતે સ્વીકારવામાં આવી અને વર્ષ 1999થી હોમ  ડિટેક્શન કરફ્યૂ સ્કીમનો પ્રારંભ કરવામાં આવ્યો. જોકે, ગુનેગારને વહેલો છોડવાની પ્રક્રિયા ખૂબ જટિલ હતી અને કેદીઓની અરજીઓ લાલફિતાશાહીમાં અટવાઈ જતી હતી. યોજના અમલમાં મૂક્યા છતાં જેલની સ્થિતિમાં કોઈ સુધારો ન જણાયો. વર્ષ 2016માં 35,000 કેદીઓ મુક્તિ મેળવવા માટે લાયક જણાયા હતા, પરંતુ માત્ર 9000ને (21 ટકા)આ યોજનાનો ફાયદો અપાયો હતો.  આમ, યોજનાનો હેતુ બર આવતો નહોતો. યોજનાના અમલીકરણમાં ક્યાં મુશ્કેલી આવે છે અને મામલો ક્યાં અટવાય છે તેનો અભ્યાસ કર્યા પછી આ વર્ષના પ્રારંભે જાન્યુઆરીથી એક નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી અને HDCની પ્રક્રિયાને સુગમ કરવામાં આવી.

ઇંગ્લેન્ડમાં હોમ ડિટેક્શન કર્ફ્યૂ યોજના હવે ગતિ પકડી રહી છે અને તેનાં સારાં પરિણામો પણ મળી રહ્યા છે. ગત 22મી જૂનના રોજ એક જ દિવસમાં કુલ 1,108 કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા અને આ જૂન મહિનામાં જ 22મી તારીખ સુધીમાં 2,196 કેદીઓને જેલમુક્તિ અપાઈ છે. આ સાથે જેલમાં બંધ કેદીઓની સંખ્યા છેલ્લાં આઠ વર્ષની સપાટી પર પહોંચી ગઈ છે. જાન્યુઆરી 2010માં ઇંગ્લેન્ડની જેલોમાં કેદીઓની કુલ સંખ્યા 82,653 હતી અને હવે 22મી જૂન, 2018ના રોજ કેદીઓની સંખ્યાનો આંક 82,694ની સપાટીએ પહોંચ્યી શક્યો છે.

હોમ ડિટેક્શન કર્ફ્યૂ યોજનાનો લાભ દરેક કેદી લઈ શકતો નથી. તેના માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. ચાર વર્ષથી વધુ સજા મળી હોય એવા કેદીઓ જેમણે ગંભીર ગુનો કર્યો હોય, તેમને આ યોજનાનો લાભ મળતો નથી તો છેડતી કે બળાત્કાર જેવા જાતિય ગુનાઓમાં દોષિત ઠરેલાને પણ આ યોજનામાં છૂટછાટ મળતી નથી. યોજના અંતર્ગત ત્રણ મહિનાથી ચાર વર્ષની જેલની સજા ભોગવતા કેદીઓની વર્તણૂકના આધારે તેમને આ યોજનાનો લાભ આપવાનું નિર્ધારિત થાય છે. આ કેદીઓને છોડી મૂકવામાં કેટલું જોખમ રહેલું છે, તેનો પણ અંદાજ કાઢીને નિર્ણય લેવામાં આવે છે. કેદીને બે અઠવાડિયાથી લઈને 120 દિવસ વહેલા છોડવામાં આવે છે.

હોમ ડિટેક્શન કરફ્યૂ અંતર્ગત કેદીને વહેલો મુક્ત કરવામાં આવે છે, પરંતુ તેની હલચલ પર દેખરેખ રાખવામાં આવે છે. કેદીના શરીર પર ઇલેક્ટ્રોનિક ટેગ લગાડવામાં આવે છે, જેના થકી તેની હલચલનું મોનિટરિંગ થઈ શકે. કેદીએ આપેલા સરનામા પર સાંજે 7થી સવારના 7 સુધી ફરજિયાતપણે રહેવું પડે છે. તેઓ રાત્રે ક્યાંય જઈ શકતા નથી. કેદીના ઘરમાં પણ એક મશીન લગાવાય છે, જેના આધારે ખ્યાલ આવે છે કે કેદી ખરેખર ઘરમાં જ છે. આમ, જેલમુક્ત કરાયેલા કેદીને સાવ છોડી મૂકવામાં નથી આવતો. વળી, આવા કેદી જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરે તો તેને ફરી જેલમાં મોકલવામાં આવે છે અને અગાઉ કરતાં વધારે સમય માટે જેલમાં રાખવામાં આવે છે.આમ, આ યોજના થકી કેદીઓની મુક્તિની સાથે સાથે સમાજમાં કોઈ જોખમ ઊભું ન થાય, તેની પણ કાળજી રાખવામાં આવે છે.

જેલ ખરેખર તો સુધારણા ગૃહ બનવી જોઈએ, પરંતુ એવું ભાગ્યે જ બનતું હોય છે અને તેનું એક કારણ જેલની ક્ષમતા કરતાં કેદીઓની વધારે સંખ્યા પણ છે. સામાન્ય ગુનો કરનારા કે આવેશમાં આવી જઈને ગુનો આચરી નાખનારાને સુધરવા માટે, સામાન્ય જીવન જીવવા માટે અને પોતાની ભૂલ સુધારવા માટે તક જરૂર મળવી જોઈએ.

ઇંગ્લેન્ડ ઉપરાંત સ્કોટલેન્ડ જેવા દેશોમાં પણ HDC અમલમાં છે. આપ ણા દેશમાં તો કાચા કામના કેદીઓની સંખ્યા પણ મોટા પાયે છે. આપણી જેલોની હાલત ગંભીર છે ત્યારે HDC જેવી યોજનાઓ લાગુ પાડવાની દિશામાં વિચારવા જેવું છે.

(દિવ્ય ભાસ્કરની 27મી જૂન, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment