Wednesday, June 13, 2018

યત્ર નાર્યસ્તુ શાસન્તિ...

દિવ્યેશ વ્યાસ


સ્પેનમાં વિશ્વનું સૌથી વધારે મહિલા મંત્રીઓ ધરાવતું મંત્રીમંડળ રચાયું છે, જે આગામી શાસકીય પરિવર્તનનો સંકેત છે

(સ્પેનના નવા મંત્રીમંડળની તસવીર જેમાં 11 મહિલા મંત્રીઓ નજરે પડે છે. તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધેલી છે.)


લેખનું શીર્ષક વાંચીને કોઈને શંકા પડી શકે કે કંઈક લોચો વાગ્યો છે, શીર્ષક તો ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે...’ હોવું જોઈએ. પણ ના, કોઈ લોચો વાગ્યો નથી. વાત નારીની જ્યાં પૂજા થતી હોય તેની નથી કરવી, પરંતુ નારી જ્યાં શાસન કરતી હોય એની કરવી છે. ગયા સપ્તાહે 7મી જૂને સ્પેનમાં નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. કેબિનેટના જે 17 મંત્રીઓએ શપથ લીધા, તેમાં 6 પુરુષ મંત્રીઓની સામે મહિલા મંત્રીઓની સંખ્યા અધધ લાગે એટલી 11 હતી! સ્પેન અને યુરોપ જ નહિ, કદાચ વિશ્વની કોઈ પણ સરકારમાં આટલી મોટી સંખ્યામાં મહિલાઓનું નેતૃત્વ જોવા મળ્યું નથી. સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર આશરે 65 ટકા મહિલા મંત્રીઓ સાથે આ નવું સ્પેનિશ મંત્રીમંડળ વિશ્વનું સૌથી વધુ મહિલા વર્ચસ્વ ધરાવતું મંત્રીમંડળ છે.
કોઈ પણ દેશની સરકારમાં મોટી સંખ્યામાં મહિલાઓને પ્રતિનિધિત્વ મળ્યું હોય, એવો આ પહેલાનો દાખલો સ્વીડનનો છે. સ્વીડનમાં 12 મહિલા અને 11 પુરુષ મંત્રીઓ ધરાવતી સરકાર રચાઈ ચૂકી છે. હાલમાં મહિલા મંત્રીઓ મોટી સંખ્યામાં હોય એવું મંત્રીમંડળ ફ્રાંસ, સ્વીડન અને કેનેડા ધરાવે છે. આ ત્રણેય દેશોના મંત્રીમંડળોમાં આશરે 50 ટકા જેટલાં મહિલા મંત્રીઓ ફરજ બજાવી રહ્યાં છે. આ આંકડા દર્શાવે છે કે રાજકીય-શાસકીય ક્ષેત્રે મહિલાઓનો દબદબો વધી રહ્યો છે. એમાંય સ્પેને સ્થાપેલો નવો રેકોર્ડ, આગામી શાસકીય પરિવર્તનનો એક મોટો સંકેત ગણી શકાય.

સ્પેનની રાજકીય સ્થિતિની થોડી વિગતો જોઈએ તો ભ્રષ્ટાચારના મુદ્દે વર્તમાન સરકાર પડી ભાંગતાં નવી સરકાર રચવાની નોબત આવી. વર્ષ 2011થી સત્તા પર રહેલા વડાપ્રધાન મારિયાનો રાજોયને તેમના પક્ષના કાર્યકરો-નેતાઓ દ્વારા આચરવામાં આવેલાં કૌભાંડોનો ભાંડો ફૂટતાં તેમણે સત્તાથી હાથ ધોવા પડ્યા. નવી સ્થિતિમાં 350 સંસદીય બેઠકોમાંથી માત્ર 84 બેઠકો ધરાવતા સ્પેનિશ સોશિયાલિસ્ટ વર્કર્સ પાર્ટીના યુવા નેતા પેડ્રો સાંચેઝને યુરોપીયન યુનિયનના સપોર્ટને કારણે સરકાર રચવાની તક મળી ગઈ. અર્થશાસ્ત્રના પ્રોફેસર રહી ચૂકેલા માત્ર 46 વર્ષના સાંચેઝે હવે લઘુમતી સરકાર ચલાવવાની છે. સાંચેઝે મંત્રીમંડળમાં પોતાના પક્ષના નેતાઓ ઉપરાંત અન્ય પક્ષના નેતાઓને તેમજ જે તે ક્ષેત્રના નિષ્ણાતોને પણ મંત્રીમંડળમાં સમાવીને સંતુલન સાધવાની કોશિશ કરી છે, પરંતુ આ કોશિશમાં તેમણે પોતાના મંત્રીમંડળમાં શક્ય એટલી વધારે મહિલાઓને સમાવીને એક તીરે અનેક લક્ષ્ય સાધી લીધા છે. તેમના આ નિર્ણયે તેમને વિશ્વભરમાં રાતોરાત પ્રસિદ્ધિ અપાવવા ઉપરાંત તેમણે સ્પેન દેશની મહિલાઓના દિલ પણ જીતી લીધા છે.

સાંચેઝે માત્ર દેખાડા પૂરતું જ મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન નથી આપ્યું, બલકે સરકારનાં મહત્ત્વપૂર્ણ મંત્રાલયોનાં સુકાન નારીશક્તિને સોંપ્યાં છે. સૌથી પહેલાં તો તેમણે નાયબ વડાપ્રધાનનું પદ એક મહિલા નેતાને આપ્યું છે. આ ઉપરાંત નાણાં, સંરક્ષણ, કાયદા,  શિક્ષણ, આરોગ્ય, વિજ્ઞાન, પર્યાવરણ અને સાંસ્કૃતિક બાબતો જેવા મહત્ત્વપૂર્ણ ખાતાં-મંત્રાલયોની જવાબદારી મહિલા મંત્રીઓને સોંપી છે. અનુભવી મહિલા નેતા કાર્મન કાલ્વોને નાયબ વડાપ્રધાન બનાવવા ઉપરાંત તેમને સમાનતા મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે. કાર્મન કાલ્વોએ શપથગ્રહણ પછી નિવેદન આપ્યું હતું કે ‘આ સરકાર લોકશાહી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવું અસમાનતા ઘટાડવાનું કામ રોજેરોજ કરશે અને દેશમાં વ્યાપકપણે સમાનતા, ખાસ કરીને પુરુષ અને મહિલા વચ્ચેની સમાનતા લાવવા માટે મથશે.’

વડાપ્રધાન સાંચેઝે જણાવ્યું હતું કે અમારું મંત્રીમંડળ ‘પ્રો-જેન્ડર ઇક્વાલિટી, ક્રોસ જનરેશનલ, સમગ્ર વિશ્વ માટે ખુલ્લું છતાં યુરોપીયન યુનિયન સાથે જોડાયેલું છે.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમે દેશ-સમાજમાં સમાનતા સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

સ્પેનના મંત્રીમંડળમાં મહિલાઓને મોટી સંખ્યામાં સ્થાન મળ્યું એ માટે એ દેશની મહિલાઓની વધતી જાગૃતિ અને તાકાત જવાબદાર છે. ભારતમાં મહિલા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળવું તો દૂરની વાત છે, પરંતુ 30 ટકા અનામત આપવાનું વિધેયક પણ સંસદમાં વર્ષોથી ઠેબાં ખાઈ રહ્યું છે. રાજકીય પક્ષો જાગવાના નથી, મહિલાઓએ જ જાગવું પડશે!

(દિવ્ય ભાસ્કરની 13 મી જૂન, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમ)

No comments:

Post a Comment