Wednesday, April 26, 2017

પેરુમલ મુરુગન પોંખાય છે ત્યારે...

દિવ્યેશ વ્યાસ


પેરુમલ મુરુગનની જે કૃતિ પર કટ્ટરવાદીઓ પ્રતિબંધ લાદવા માગતા હતા, તેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે, એ શું સૂચવે છે?

(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)


વ્યક્તિ પોતાના શબ્દસામર્થ્યથી લેખક બની શકે છે. એક લેખકનું શરીર અમુક વર્ષો પછી નાશ પામે છે, પરંતુ તેનો શબ્દદેહ-સર્જનો તેના મૃત્યુ પછી પણ જીવંત રહેતાં હોય છે અને એટલે જ લેખક મૃત્યુ પછી પણ ઘણાં વર્ષો સુધી જીવતો રહેતો હોય છે! પણ શું તમે એવા કમનસીબ સાહિત્યકારને જાણો છો, જેણે જીવતેજીવ પોતાનામાં રહેલા લેખકની હત્યા કરી દેવી પડી હોય? આ કમનસીબ સાહિત્યકારનું નામ છે - પેરુમલ મુરુગન. આ તમિલ સાહિત્યકારે પોતાની નવલકથા ‘મધોરુબગન’ માટે કટ્ટરવાદી હિન્દુ સંગઠનો અને પોતાના જ સમાજની એવી સતામણી સહેવી પડી હતી કે પોતાનું ઘર-શહેર છોડવાં પડ્યાં. કટ્ટરવાદીઓએ ધાકધમકી આપીને પુસ્તક પાછું ખેંચાવ્યું અને બિનશરતી માફી મગાવી. ઉગ્ર વિરોધ અને ધાકધમકીના ઘટનાક્રમ પછી સ્થિતિ એવી સર્જાઈ કે આખરે પેરુમલ મુરુગને એક લેખક તરીકે પોતે મૃત્યુ પામ્યા છે, એવું જાહેર કરવું પડ્યું. પેરુમલ મુરુગને 12મી જાન્યુઆરી, 2015ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકેલી, ‘લેખક પેરુમલ મુરુગન મરી ગયો છે. એ ઈશ્વર નથી કે ફરીથી જન્મ લેશે. હવે તે ફક્ત પી. મુરુગન છે. ફક્ત એક શિક્ષક. એને એકલો છોડી દો.’

 પેરુમલ મુરુગનની આ પોસ્ટ સમગ્ર દેશમાં ચર્ચિત બની હતી. એક વ્યક્તિને જીવતેજીવ લેખક તરીકે મરી જવા મજબૂર કરે, એવા ઘટનાક્રમે સમગ્ર દેશના સાહિત્યકારો અને સંવેદનશીલ લોકોને ઝકઝોરી નાખ્યા હતા. આ મામલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પડેલા પડઘા જોઈને કટ્ટરવાદીઓએ જાહેરમાં વિરોધ પ્રદર્શનો તો બંધ કર્યાં, પણ લેખક પર યેનકેન પ્રકારેણ દબાણ લાવવા અશ્લીલતા, ઈશનિંદાથી માંડીને ધાર્મિક લાગણી દુભાવવાના તેમજ સ્ત્રીના અપમાન સુધીના આરોપો લગાવીને પુસ્તકને પ્રતિબંધિત કરવા કેસ કર્યા હતા. તો સામે પીયુસીએલ જેવી સંસ્થાઓએ લેખકની તરફેણમાં તેમના રક્ષણ માટે કોર્ટકાર્યવાહીનો માર્ગ લીધો હતો. આખરે જુલાઈ-2016માં મદ્રાસ હાઇકોર્ટે પેરુમલ મુરુગન તરફી આપેલા સજ્જડ ચુકાદાએ સૌનાં મોં બંધ કરી દીધાં હતાં. પેરુમલ મુરુગન નામના લેખકના શ્વાસમાં શ્વાસ આવ્યો હતો અને તેમણે ફરી હાથમાં કલમ પકડી હતી. મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો અભિવ્યક્તિની આઝાદીની લડાઈ માટેનો એક માઇલસ્ટોન ગણાયો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી ધર્મ-સંપ્રદાય કે જાતિ-સમાજના નામે જે કટ્ટરતા અને અસહિષ્ણુતા વધતી જાય છે ત્યારે આ ચુકાદો લેખકો-સર્જકો-કલાકારો માટે આઝાદ પંછીની જેમ ઊડવાનો જાણે પરવાનો લઈને આવ્યો હતો!

તાજેતરમાં એક સારા સમાચાર આવ્યા છે કે પેરુમલ મુરુગનને પોતાની જે તમિલ નવલકથા ‘મધોરુબગન’ માટે અનેક સતામણી સહેવી પડી હતી, હવે એ જ પુસ્તકના અંગ્રેજી અનુવાદ ‘વન પાર્ટ વુમન’ને સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પોંખવામાં આવ્યો છે. આ પુસ્તકના અનુવાદક અનિરુદ્ધ વાસુદેવનને એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અહીં નોંધનીય બાબત એ છે કે મધોરુબગન નવલકથા આમ તો 2010માં પ્રકાશિત થઈ હતી, જે અંગ્રેજીમાં અનુદિત થઈને  2014માં ‘વન પાર્ટ વુમન’ના નામે પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં એક નિ:સંતાન દંપતીની વ્યથા અને સમાજમાં એક સમયે ચાલતી અમુક પ્રથાઓનું વર્ણન કરવામાં આવેલું, જેની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ અને તેને કારણે હિન્દુત્વવાદી સંસ્થાઓએ તેનો વિરોધ શરૂ કરેલો. જોકે, દેશના બંધારણે અને ન્યાયપાલિકાએ એક લેખકની અભિવ્યક્તિની આઝાદીનું ચિરહરણ અટકાવ્યું હતું.

જે પુસ્તક પર પ્રતિબંધ લાદવા માટે કટ્ટરવાદીઓ તરફથી ધમપછાડા કરવામાં આવ્યા, એ જ પુસ્તક જ્યારે રાષ્ટ્રીય સ્તરે પોંખાય છે ત્યારે કટ્ટરવાદીઓ-સંકુચિત સંસ્થાઓએ આત્મમંથન કરવું જોઈએ. કટ્ટરતા કોઈ એક ધર્મનો ઇજારો નથી. દરેક ધર્મમાં કટ્ટરવાદી પરિબળો હોય જ છે અને અમુક રાજકીય કારણસર તેમને પોષવામાં પણ આવતાં હોય છે. આપણો દેશ બહુ સહિષ્ણુ છે, એવા અધકચરા સત્યના સહારે ગૌરવમાં જ રાચવાનું આપણને પોષાય નહીં. અસહિષ્ણુતાના મામલાની મજાક ઉડાવનારાઓએ એક વખત પેરુમલ મુરુગનનો આખો કિસ્સો જાણવો જોઈએ.એક નાગરિક તરીકે આપણે કટ્ટરતાનો તો વિરોધ કરવો જ પડે, પણ સાથે સાથે એ કટ્ટરતાને પોષક એવાં પરિબળોને પણ શોધવા પડે, ઓળખવાં પડે અને ‘સુધારવાં’ પડે.

(‘દિવ્ય ભાસ્કર’ની 26મી એપ્રિલ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, April 19, 2017

દલાઈ લામા પ્રત્યે દ્વેષ શા માટે?

દિવ્યેશ વ્યાસ


પ્રેમ અને પ્રસન્નતાનો સંદેશ આપનારા દલાઈ લામા પ્રત્યે ધિક્કાર પેદા થવો મુશ્કેલ છે, પણ ચીનને કોણ સમજાવે?

(તસવીર ગૂગલ પરથી લીધેલી છે.)

થોડા દિવસ પહેલાં જ સમાચાર જાણવા મળ્યા કે આંધ્રપ્રદેશે પણ હવે હેપ્પીનેસ મંત્રાલય શરૂ કર્યું છે. દેશમાં સૌથી પહેલાં હેપ્પીનેસ મંત્રાલય સ્થાપવાનો યશ મધ્યપ્રદેશને જાય છે. અન્ય રાજ્યો પણ હેપ્પીનેસ મંત્રાલય સ્થાપવાનું અનુકરણ કરે તો નવાઈ પામવા જેવું નથી. આજનો માનવી તાણગ્રસ્ત છે ત્યારે આનંદ-પ્રસન્નતા માટે સરકાર દ્વારા ભરવામાં આવતાં પગલાં આવકાર્ય છે. જોકે, સરકાર સુવિધા-સગવડ ઊભી કરી શકે, મનોરંજન પૂરી પાડતી પ્રવૃત્તિઓ પણ કરી શકે, પણ એનાથી લોકોના જીવનમાં આનંદ અને પ્રસન્નતા છવાઈ જાય, એવું માનવું વધારેપડતું ગણાય. હેપ્પીનેસ- પ્રસન્નતાની વાત માંડી છે ત્યારે તરત યાદ આવતું નામ દલાઈ લામાનું છે. દલાઈ લામા એટલે જાણે કરુણા અને પ્રસન્નતાનું જળ સીંચતી અમૃતધારા! દલાઈ લામાએ પ્રસન્નતા (હેપ્પીનેસ) પર લખેલું પુસ્તક બેસ્ટસેલર બન્યું હતું. દલાઈ લામા કહે છે કે, "ખુશ રહેવું આપણા જીવનનો ઉદ્દેશ છે.’ હેપ્પીનેસ મંત્રાલયના દોરમાં દલાઈ લામાની બીજી એક વાત પણ ધ્યાને લેવા જેવી છે કે "પ્રસન્નતા કંઈ રેડીમેઇડ મળતી ચીજ નથી, તે આપણાં પોતાનાં કાર્યોમાંથી જ સર્જાય છે.’ દલાઈ લામા ખુશી-આનંદ કઈ રીતે મળે તેની ગુરુચાવી પણ આપવાનું ચૂકતા નથી, તેમણે લખ્યું છે, "તમે જો અન્યોને ખુશ જોવા માગતા હોવ તો કરુણાનો ભાવ રાખો. જો તમે પોતે પણ ખુશ રહેવા માગતા હોવ તોપણ કરુણાનો ભાવ રાખો.’ આમ, પ્રસન્નતા માટે કરુણાનો ભાવ અનિવાર્ય છે. દલાઈ લામા બુદ્ધની કરુણાને જ પોતાનો ધર્મ માને છે. તમારી કરુણા જ તમને સંવેદનશીલ બનાવી રાખે છે અને સંવેદનશીલતા જ તમારી પાસે એવાં કાર્યો કરાવે છે, જે અન્યોને સુખી કરે છે અને તમને પોતાને પણ સુખ અને સંતોષ આપે છે.

કરુણામૂર્તિ દલાઈ લામાનું શુદ્ધ, સરળ અને સંવેદનશીલ વ્યક્તિત્વ જોતાં કોઈ પણને જરૂર સવાલ થઈ શકે કે આવી વ્યક્તિ પ્રત્યે કોઈ વ્યક્તિ કે રાષ્ટ્ર દ્વેષ કઈ રીતે કરી શકે? છતાં પણ ચીનને તો તેઓ આંખના કણાની જેમ ખટકે છે. તાજેતરમાં દલાઈ લામાએ જ્યારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી ત્યારે ચીન એ યાત્રાને અટકાવવા માટે આડોડાઈ પર ઊતરી આવ્યું હતું. ભારત સરકારે આ મામલે સ્થિર અને કડક વલણ અપનાવીને ચીનને ચોખ્ખું પરખાવી દીધું હતું કે દલાઈ લામાની આ યાત્રા ધાર્મિક છે, તેને રાજકીય કે અન્ય રંગ આપવાની જરૂર નથી. આ મામલે દલાઈ લામાએ એક સંતને શોભે એવું જ નિવેદન આપતાં જણાવેલું કે, ‘ભારતે ક્યારેય મારો રાજકીય ઉપયોગ કર્યો નથી!’ આ સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને દલાઈ લામાની પ્રતિષ્ઠા વધી તો ચીન માટે વધુ એક વખત નીચાજોણું થયું છે.

ભૂતકાળ સૌ જાણે છે કે ચીનના તિબેટ પરના આક્રમણ પછી દલાઈ લામા ઈ.સ. 1959માં હિજરત કરીને ભારત આવી ગયા હતા અને ભારતે તેમને આશ્રય આપ્યો હતો. આ જ વાતે ભારત અને ચીનના સંબંધોમાં ખટાશ પણ આવી હતી. દલાઈ લામાના મામલે માત્ર ભારતની સાથે જ નહીં, પરંતુ અન્ય દેશો સાથે ચીન આવી જ અવળચંડાઈ કરતું રહ્યું છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ હોય કે અમેરિકાના તત્કાલીન પ્રમુખ બરાક ઓબામા હોય, તેમણે જ્યારે પણ દલાઈ લામાની મુલાકાત લીધી ત્યારે ચીને રોડાં નાખવાની કોશિશ કરી હતી. જોકે, એન્જેલા હોય કે ઓબામા તેમણે ચીનને ગણકાર્યા વિના એક સંત તરીકે દલાઈ લામાને મળવાનું પસંદ કર્યું હતું.

વિસ્તારવાદી ચીન તિબેટને ગળી ગયું છે, પરંતુ તિબેટિયન્સ ચીનના શાસનને સ્વીકારવા તૈયાર નથી, કારણ કે તેઓ પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. દલાઈ લામા ચીન પાસે તિબેટની સ્વતંત્રતા નહીં, પણ સ્વાયત્તતા માગે છે, પણ ચીન આજેય તુમાખીમાંથી બહાર આવવા તૈયાર નથી.

ચીનની આટઆટલી આડોડાઈ અને અન્યાય સહન કરવા છતાં ગાંધી વિચારોમાં માનનારા અને શાંતિનો નોબેલ પારિતોષિક મેળવનારા દલાઈ લામા ચીનને મહાન દેશ ગણાવે છે, એટલું જ નહીં તેઓ તહેદિલથી ઇચ્છે છે કે ભારત અને ચીન વચ્ચે મૈત્રી સ્થપાવી જોઈએ. જોકે, દલાઈ લામા ચીનમાં લોકશાહી વ્યવસ્થા હોવી જોઈએ, એવી વાત કરે છે ત્યારે ચીનનું પેટ ચૂંકાવા માંડે છે. ચીને આજે નહીં તો કાલે દલાઈ લામાના ડહાપણને અનુસરવું જ પડશે. દલાઈ લામાના એક શાણા સુવાક્યથી લેખનો અંત લાવીએ, "આપણે ધર્મ અને ચિંતન વિના રહી શકીએ, માનવીય પ્રેમ વિના નહીં.’

(‘દિવ્ય ભાસ્કર’ની 19મી એપ્રિલ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ )

Wednesday, April 12, 2017

‘ધરમરાજ’ માટે લડનારા નાયકો

દિવ્યેશ વ્યાસ


સત્તા સામે લડવું આસાન નથી હોતું ત્યારે દોઢસો વર્ષ પહેલાંનો આદિવાસી નાયક સમુદાયનો સંઘર્ષ જુસ્સાપ્રેરક છે

(ડૉ. અરુણ વાઘેલાના પુસ્તક ‘વિસરાયેલા શહીદો’ માટે દીપકભાઈ રાઠોડે દોરેલાં ચિત્રો)

ઇતિહાસ આપણી મહામૂલી મૂડી છે. આપણા દાદા-પરદાદાઓનાં લોહી અને પરસેવામાંથી ઘડાયેલા ઇતિહાસની સંપત્તિનો ઉપયોગ આપણે અહંકારને પોષવા માટે કરવો છે કે અક્કલને વધારવા માટે, એનો નિર્ણય આપણે જ કરવાનો છે. ઇતિહાસ આપણામાં જુસ્સો પણ વધારી શકે અને અધકચરી સમજ સાથે જાણ્યો હોય તો ગુસ્સો પણ વધારી શકે છે. આજે આપણા રાજ્યમાં જ રચાયેલા એક એવા ઇતિહાસની વાત કરવી છે, જે અન્યાય સામે લડવાનો આપણો જુસ્સો વધારી શકે એમ છે. પંચમહાલ જિલ્લાના નાયક આદિવાસીઓએ બ્રિટિશર્સ સામે લડેલા યુદ્ધ અને વહોરેલી શહીદીઓની કથા દરેક ગુજરાતીએ જાણવી જ જોઈએ. આ ઇતિહાસની વાત માંડવાનું એક કારણ એ છે કે તેનાથી મોટાભાગના ગુજરાતીઓ અજાણ છે અને બીજું કારણ એ છે કે આગામી 16મી એપ્રિલના રોજ આ શહાદતની ઐતિહાસિક ઘટનાને 149 વર્ષ પૂરાં થશે અને શૌર્યવાન શહીદીનું 150મું વર્ષ પ્રારંભાશે.

શૌર્યપૂર્ણ સંઘર્ષની વાત કરતા પહેલાં આપણે નાયક શબ્દને સમજી લેવો જોઈએ: નાયક એટલે મુખિયો, નેતા (લીડર), માર્ગદર્શક, સેનાપતિ (કમાન્ડર), કથા-નાટક-ફિલ્મનો હીરો વગેરે અર્થો થતા હોય છે. પંચમહાલમાં વસતો નાયક નામનો આદિવાસીનો સમૂહ પોતાના નામ મુજબના તમામ ગુણો ધરાવે છે. લડાયક મિજાજ ધરાવતા નાયક આદિવાસીઓના વડવાઓનો શૌર્યપૂર્ણ ઇતિહાસ રહ્યો છે. ભારતમાં મોગલો વિસ્તર્યા અને અંગ્રેજો ફાવ્યા એમાં આપણી વિભાજિત સમાજવ્યવસ્થા અને નબળી રાજવ્યવસ્થા મોટા પાયે જવાબદાર હતી. ઇતિહાસ જોઈએ તો શૌર્યપૂર્ણ લડત કરતાં તો શરણાગતિના કિસ્સા વધારે જોવા મળે છે. અંગ્રેજો વિરુદ્ધ ઈ.સ. 1857માં લડવામાં આવેલી આઝાદીની સૌપ્રથમ લડાઈનું નેતૃત્વ દેશના ગણ્યાગાંઠ્યા રાજાઓએ જ લીધું હતું. 1857ની લડાઈમાં ગુજરાતના રાજા-મહારાજાઓની ભૂમિકાની વાત જવા દઈએ, પણ નાયક આદિવાસીઓના સમુદાયે જબરી ઝીંક ઝીલી હતી, જેના તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. નાયક સમુદાયના સંઘર્ષના ઇતિહાસને ડૉ. અરુણ વાઘેલાએ ‘વિસરાયેલા શહીદો’ નામના પુસ્તકમાં સવિસ્તાર વર્ણવ્યો છે. નાયક, નાયકા કે નાયકડા સમુદાય તરીકે જાણીતા આ આદિવાસી સમુદાયનું નેતૃત્વ લીધું હતું ડાંડિયાપુરના રહેવાસી રૂપસિંહ નાયકે. નારૂકોટ સંસ્થાનની ઝીંઝરી ગામની જાગીરના વારસ રૂપસિંહે તાત્યા ટોપેની લશ્કરી મદદ અને સ્થાનિક મકરાણી લડવૈયાઓનો સાથ મેળવીને હાલોલથી દેવગઢ બારિયા સુધીના વિસ્તારમાં આશરે એકાદ વર્ષ સુધી અંગ્રજોને નાકે દમ લાવી દીધો હતો. રૂપસિંહની આશરે પાંચ હજાર લડવૈયાઓની ફોજ તીરકામઠાં અને દેશી બંદૂકોથી અંગ્રેજોના વહીવટદારો અને પિઠ્ઠુઓને નિશાનો બનાવતા હતા. તેમની ધાક અને પ્રભાવ એટલાં વિસ્તર્યા હતાં કે તેમને નિયંત્રણમાં લેવા અંગ્રેજ અફસરો ઉપરાંત આજુબાજુનાં ત્રણ-ચાર રાજ્યોની સેના બોલાવવી પડી હતી. આખરે ભીલ સેનાની મદદથી રૂપસિંહ પકડાયો પણ હતો. રૂપસિંહે ચતુરાઈપૂર્વક માફી માગીને અંગ્રેજોની ચુંગાલમાંથી છટકી જવામાં સફળતા મેળવી હતી. આમ તો નાયક સમુદાયનો અંગ્રેજો સાથેનો સંઘર્ષ ઈ.સ. 1837થી ચાલ્યો આવતો હતો. જોકે, 1838 અને 1858માં કારણો અને સંજોગોને કારણે હથિયાર હેઠાં મૂકવાં પડ્યાં હતાં, છતાં નાયકોની અંદર આક્રોશ ભડભડતો રહ્યો હતો.

દરમિયાન ડેસર ગામના 30 વર્ષના યુવાન જોરિયા કાલિયા નાયકે ‘ભગત’ થઈને સમાજ-ધર્મ સુધારાનું એક આંદોલન શરૂ કરેલું. જોરિયા નાયક ધીમે ધીમે ઈશ્વરીય શક્તિનું પ્રતીક બની ગયા અને તેઓ સમગ્ર પંથકમાં જોરિયો પરમેશ્વર તરીકે જ ઓળખાવા જ નહીં, પૂજાવા લાગ્યા હતા. જોરિયો પરમેશ્વર અંગ્રેજો અને દેશી રજવાડાંઓની કાર્યપદ્ધતિ તથા વનવાસીઓના શોષણથી ભારે નારાજ હતા. તેમનું લક્ષ્ય હતું ‘ધરમરાજ’ની સ્થાપના કરવાનું, એમાં વળી ‘નાયકી રાજ’ માટે મથતા રૂપસિંહનો સાથ મળ્યો અને 1868માં નાયક આક્રોશનો ત્રીજો તબક્કો પ્રારંભાયો હતો. નાયક સમુદાયની સાથે બારિયા સહિતના અન્ય સમુદાયો પણ આ સંઘર્ષમાં જોડાયા હતા. ફેબ્રુઆરી-1868માં આ સંઘર્ષ ચરમસીમા પર હતો અને એક તબક્કો એવો પણ આવી ગયો હતો કે જાંબુઘોડા પંથકમાંથી અંગ્રેજરાજમાંથી મુક્તિ પણ મળી ગઈ હતી. જોકે, ઓક્ટોપસ જેવા અંગ્રેજોએ લશ્કરીબળે નાયક સમુદાયને કચડી નાખ્યો હતો અને રૂપસિંહ અને જારિયો પરમેશ્વર સહિતના નેતાઓને પકડી લીધા હતા. તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી ચલાવવા જાંબુઘોડા ખાતે ખાસ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી, જેણે 16મી એપ્રિલ, 1868ના રોજ જોરિયો પરમેશ્વર, રૂપસિંહ નાયક સહિત પાંચને ફાંસીની સજા, ભઈજી બારિયા સહિત 23 ક્રાંતિકારીઓને આજીવન કેદની સજા અને અન્ય 16 લડવૈયાઓને 3થી 7 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ લડત પછી અંગ્રેજોએ ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ અમલમાં મૂક્યો હતો, જેને સ્થાનિક ભાષામાં ‘ઢૂંઢીમારો’નો કાયદો કહેવામાં આવ્યો, કારણ કે તે અંતર્ગત નાયક આદિવાસીઓને શોધી શોધીને મારવાનું શરૂ થયું હતું.

અંગ્રેજોએ અને ઇતિહાસે તો આ નાયક આદિવાસી શહીદોને અન્યાય કર્યો છે, શું આપણે પણ તેમની શહીદીને વિસરાવીને અન્યાય જારી રાખીશું?

(‘દિવ્ય ભાસ્કર’ની 12મી એપ્રિલ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, April 5, 2017

રંગભેદની ભીંત્યું ભાંગનાર

દિવ્યેશ વ્યાસ


દ. આફ્રિકામાં નેલ્સલ મંડેલાની સજાથી લઈને સત્તા સુધીના સાથી રહેલા અહેમદ કથરાડા આજીવન સંઘર્ષવીર હતા

(તસવીરો kathradafoundation.org પરથી લીધી છે.)

દ. આફ્રિકા હંમેશાં એક વાતે ગૌરવ લેતું રહ્યું છે કે તમે અમને મોહનદાસ ગાંધી આપ્યા અમે તમને મહાત્મા ગાંધી આપ્યા! ગાંધીજીની એડવોકેટમાંથી આંદોલનવીર બનવાની યાત્રાએ દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર જ આકાર લીધો હતો, એ હકીકત છે, પરંતુ સાથે સાથે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી રહી કે ગાંધીજીના આંદોલને સમગ્ર દ. આફ્રિકાને એવું તો આંદોલિત કરેલું કે તેની અસર દાયકાઓ સુધી જળવાઈ રહી. આ અસર હેઠળ જ નેલ્સન મંડેલા જેવા નેતા પેદા થયા. આ અસરનું જ પરિણામ છે કે દ. આફ્રિકા આજે ભેદભાવમુક્ત અને ન્યાયી રાષ્ટ્ર તરીકે સ્થાપિત થઈ શક્યું છે અને ટકી પણ રહ્યું છે.

દ. આફ્રિકાની આટલી વાત અને મંડેલાનું સ્મરણ કરવા પાછળ એક કારણ છે અને કમનસીબે આ કારણ દુખદ છે. નેલ્સન મંડેલાના નિકટતમ સાથીઓમાંના એક એવા ભારતીય મૂળના સંઘર્ષવીર અહેમદ કથરાડાનું ગત 28મી માર્ચ, 2017ના રોજ 87 વર્ષની વયે નિધન થયું. રંગભેદ અને અન્યાય સામે આખી જિંદગી આંદોલન રૂપી તલવાર તાણનારા અહેમદ કથરાડા માત્ર દ. આફ્રિકામાં જ નહીં, સમગ્ર વિશ્વમાં એક આંદોલનપુરુષ-રાજપુરુષ તરીકે નામના ધરાવતા હતા. કથરાડાના સંઘર્ષનો અંદાજ માંડવો હોય તો એક આંકડો પૂરતો છે કે તેમણે 87 વર્ષના આયુષ્યમાં 75 વર્ષ જાહેરજીવન-સેવા-સંઘર્ષ પ્રવૃત્તિઓમાં ગાળ્યાં હતાં, માત્ર 17 વર્ષની વયે વિરોધ આંદોલન કરતાં કરતાં ધરપકડ વહોરી હતી. તેમણે પોતાની જિંદગીનાં 26થી વધુ વર્ષો જેલમાં વિતાવવા પડેલાં, જેમાંથી 18 વર્ષ તો કુખ્યાત રોબેન ટાપુ પર આકરી સજા વેઠી હતી.
અહેમદ કથરાડાને આપણે ગુજરાતીઓએ તો ખાસ ઓળખવા જોઈએ અને આદર્શ બનાવી પ્રેરણા મેળવવી જોઈએ, કારણ કે તેઓ મૂળે તો ગુજરાતી પરિવારનું જ ફરજંદ હતા. તેમનો પરિવાર સુરતથી સ્થળાંતર કરીને આફ્રિકામાં સ્થાયી થયો હતો. અલબત્ત, કથરાડાનો જન્મ (21 ઑગસ્ટ, 1929) અને ઉછેર દ. આફ્રિકામાં જ થયો હતો. ભારતીય મૂળના હોવાને કારણે જ સ્વાભાવિક રીતે જ તેઓ મહાત્મા ગાંધીએ દ. આફ્રિકામાં ચલાવેલા આંદોલનના પ્રભાવ અને પ્રવૃત્તિઓના સંપર્કમાં આવ્યા. કથરાડા યુવા વયે જ ભારતીય મૂળના લોકોના રાજકીય પક્ષ ટ્રાન્સવાલ ઇન્ડિયન યૂથ કૉંગ્રેસ સાથે જોડાયા હતા અને બહુ ઝડપથી સંગઠનકાર તરીકે આગળ વધ્યા હતા. આગળ જતાં તેઓ નેલ્સન મંડેલાના સંઘર્ષના સાથી બની રહ્યા હતા.


કથરાડા અને નેલ્સન મંડેલા આજીવન ગાઢ મિત્રો બની રહ્યા હતા. મંડેલા કથરાડાને પોતાના ‘મિરર’ તરીકે ઓળખાવતા તો કથરાડા મંડેલાને ‘મોટા ભાઈ’ માનતા હતા. જોકે, તેઓ યુવા વયમાં પહેલી વખત મળ્યા તેનો કિસ્સો બહુ જ રસપ્રદ છે અને તેઓ હંમેશાં તે વાત વાગોળતા હતા. મંડેલાએ તો પોતાની આત્મકથા ‘લૉંગ વૉક ટુ ફ્રીડમ’માં પણ આ કિસ્સો નોંધેલો છે. નેલ્સન મંડેલા જે પક્ષ સાથે જોડાયેલા હતા, એ આફ્રિકન નેશનલ કૉંગ્રેસ (એએનસી) દર વર્ષે પહેલી મેના રોજ રંગભેદી કાયદાઓ વિરુદ્ધ સ્વતંત્રતા દિવસ મનાવતી હતી. ઈ.સ. 1950માં યોજાયેલા આ કાર્યક્રમમાં એએનસી ઉપરાંત કથરાડા જેમાં સક્રિય હતા એ ટ્રાન્સવાલ ઇન્ડિયન યૂથ કૉંગ્રેસ તથા દ.આફ્રિકાની કમ્યુનિસ્ટ પાર્ટી પણ જોડાઈ હતી. એ વખતે મંડેલાને લાગતું હતું કે આફ્રિકન નેશનલ કૉંગ્રેસે અન્ય પક્ષો સાથે અંતર જાળવી રાખવું જોઈએ, જેથી પક્ષના મૂળ ઉદ્દેશો પર જ ફોકસ રહે. મંડેલાના વલણથી 22 વર્ષના અહેમદ કથરાડા તમતમી ગયા હતા. એ દિવસોમાં એક દિવસ અચાનક મંડેલા અને કથરાડાનો ભેટો રસ્તા વચ્ચે જ થઈ ગયો. કથરાડાએ કોઈ ખચકાટ વિના પોતાનો વાંધો-વિરોધ નોંધાવી દીધો અને મંડેલાને સંભળાવી દીધું કે તમે ભારતીયો સાથે કામ કરવા જ માગતા નથી. મંડેલા પણ ત્યારે તપી ગયેલા અને તેમણે કથરાડા વિરુદ્ધ ફરિયાદ પણ કરેલી. જોકે, પક્ષના અન્ય સભ્યોની સમજાવટથી ફરિયાદ પાછી પણ ખેંચી લીધેલી. આ પહેલી મુલાકાત ભલે તીખી રહી, પણ પછી મંડેલા અને કથરાડા વચ્ચે દોસ્તી એવી તે જામી કે તેઓ સજાથી લઈને સત્તા સુધી એકબીજાના વિશ્વાસુ સાથી બની રહ્યા હતા. ઈ.સ. 1964માં કુખ્યાત રિવોનિયા કેસમાં મંડેલા ઉપરાંત જે ત્રણ લોકોને રાજકીય કેદી તરીકે જનમટીપની સજા મળેલી, એમાંના એક અહેમદ કથરાડા હતા. મંડેલાની જેમ રોબેન ટાપુ પર તેમણે પણ આકરી સજા કાપી હતી. સંઘર્ષની જેમ જ  નેલ્સલ મંડેલા જ્યારે દ. આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા ત્યારે પણ કથરાડાએ તેમના પાર્લમેન્ટરી કાઉન્સેલર તરીકે જોડાઈને દેશમાં રંગભેદમુક્ત નવી નીતિ નિર્ધારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દ. આફ્રિકાના અન્ય દેશો સાથેના સંબંધો સ્થાપવા અને વધારવામાં પણ કથરાડાનું મોટું પ્રદાન રહ્યું છે. છેલ્લાં વર્ષોમાં તેમણે રાજકારણ છોડીને સમાજસેવા અને રંગભેદ વિરોધી લોકજાગૃતિ માટે પ્રયાસો કર્યા હતા.

‘અંકલ કેથી’ તરીકે જાણીતા કથરાડાએ ક્યારેય સત્તા કે પદ માટે રાજકારણ કર્યું નહોતું. દ. આફ્રિકામાં આઝાદી, લોકશાહી અને શાંતિ માટેના તેમના આજીવન સંઘર્ષને સલામ!

(‘દિવ્ય ભાસ્કર’ની 5મી એપ્રિલ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - બિનસંપાદિત)