દિવ્યેશ વ્યાસ
સત્તા સામે લડવું આસાન નથી હોતું ત્યારે દોઢસો વર્ષ પહેલાંનો આદિવાસી નાયક સમુદાયનો સંઘર્ષ જુસ્સાપ્રેરક છે
![]() |
(ડૉ. અરુણ વાઘેલાના પુસ્તક ‘વિસરાયેલા શહીદો’ માટે દીપકભાઈ રાઠોડે દોરેલાં ચિત્રો) |
ઇતિહાસ આપણી મહામૂલી મૂડી છે. આપણા દાદા-પરદાદાઓનાં લોહી અને પરસેવામાંથી ઘડાયેલા ઇતિહાસની સંપત્તિનો ઉપયોગ આપણે અહંકારને પોષવા માટે કરવો છે કે અક્કલને વધારવા માટે, એનો નિર્ણય આપણે જ કરવાનો છે. ઇતિહાસ આપણામાં જુસ્સો પણ વધારી શકે અને અધકચરી સમજ સાથે જાણ્યો હોય તો ગુસ્સો પણ વધારી શકે છે. આજે આપણા રાજ્યમાં જ રચાયેલા એક એવા ઇતિહાસની વાત કરવી છે, જે અન્યાય સામે લડવાનો આપણો જુસ્સો વધારી શકે એમ છે. પંચમહાલ જિલ્લાના નાયક આદિવાસીઓએ બ્રિટિશર્સ સામે લડેલા યુદ્ધ અને વહોરેલી શહીદીઓની કથા દરેક ગુજરાતીએ જાણવી જ જોઈએ. આ ઇતિહાસની વાત માંડવાનું એક કારણ એ છે કે તેનાથી મોટાભાગના ગુજરાતીઓ અજાણ છે અને બીજું કારણ એ છે કે આગામી 16મી એપ્રિલના રોજ આ શહાદતની ઐતિહાસિક ઘટનાને 149 વર્ષ પૂરાં થશે અને શૌર્યવાન શહીદીનું 150મું વર્ષ પ્રારંભાશે.
શૌર્યપૂર્ણ સંઘર્ષની વાત કરતા પહેલાં આપણે નાયક શબ્દને સમજી લેવો જોઈએ: નાયક એટલે મુખિયો, નેતા (લીડર), માર્ગદર્શક, સેનાપતિ (કમાન્ડર), કથા-નાટક-ફિલ્મનો હીરો વગેરે અર્થો થતા હોય છે. પંચમહાલમાં વસતો નાયક નામનો આદિવાસીનો સમૂહ પોતાના નામ મુજબના તમામ ગુણો ધરાવે છે. લડાયક મિજાજ ધરાવતા નાયક આદિવાસીઓના વડવાઓનો શૌર્યપૂર્ણ ઇતિહાસ રહ્યો છે. ભારતમાં મોગલો વિસ્તર્યા અને અંગ્રેજો ફાવ્યા એમાં આપણી વિભાજિત સમાજવ્યવસ્થા અને નબળી રાજવ્યવસ્થા મોટા પાયે જવાબદાર હતી. ઇતિહાસ જોઈએ તો શૌર્યપૂર્ણ લડત કરતાં તો શરણાગતિના કિસ્સા વધારે જોવા મળે છે. અંગ્રેજો વિરુદ્ધ ઈ.સ. 1857માં લડવામાં આવેલી આઝાદીની સૌપ્રથમ લડાઈનું નેતૃત્વ દેશના ગણ્યાગાંઠ્યા રાજાઓએ જ લીધું હતું. 1857ની લડાઈમાં ગુજરાતના રાજા-મહારાજાઓની ભૂમિકાની વાત જવા દઈએ, પણ નાયક આદિવાસીઓના સમુદાયે જબરી ઝીંક ઝીલી હતી, જેના તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. નાયક સમુદાયના સંઘર્ષના ઇતિહાસને ડૉ. અરુણ વાઘેલાએ ‘વિસરાયેલા શહીદો’ નામના પુસ્તકમાં સવિસ્તાર વર્ણવ્યો છે. નાયક, નાયકા કે નાયકડા સમુદાય તરીકે જાણીતા આ આદિવાસી સમુદાયનું નેતૃત્વ લીધું હતું ડાંડિયાપુરના રહેવાસી રૂપસિંહ નાયકે. નારૂકોટ સંસ્થાનની ઝીંઝરી ગામની જાગીરના વારસ રૂપસિંહે તાત્યા ટોપેની લશ્કરી મદદ અને સ્થાનિક મકરાણી લડવૈયાઓનો સાથ મેળવીને હાલોલથી દેવગઢ બારિયા સુધીના વિસ્તારમાં આશરે એકાદ વર્ષ સુધી અંગ્રજોને નાકે દમ લાવી દીધો હતો. રૂપસિંહની આશરે પાંચ હજાર લડવૈયાઓની ફોજ તીરકામઠાં અને દેશી બંદૂકોથી અંગ્રેજોના વહીવટદારો અને પિઠ્ઠુઓને નિશાનો બનાવતા હતા. તેમની ધાક અને પ્રભાવ એટલાં વિસ્તર્યા હતાં કે તેમને નિયંત્રણમાં લેવા અંગ્રેજ અફસરો ઉપરાંત આજુબાજુનાં ત્રણ-ચાર રાજ્યોની સેના બોલાવવી પડી હતી. આખરે ભીલ સેનાની મદદથી રૂપસિંહ પકડાયો પણ હતો. રૂપસિંહે ચતુરાઈપૂર્વક માફી માગીને અંગ્રેજોની ચુંગાલમાંથી છટકી જવામાં સફળતા મેળવી હતી. આમ તો નાયક સમુદાયનો અંગ્રેજો સાથેનો સંઘર્ષ ઈ.સ. 1837થી ચાલ્યો આવતો હતો. જોકે, 1838 અને 1858માં કારણો અને સંજોગોને કારણે હથિયાર હેઠાં મૂકવાં પડ્યાં હતાં, છતાં નાયકોની અંદર આક્રોશ ભડભડતો રહ્યો હતો.
દરમિયાન ડેસર ગામના 30 વર્ષના યુવાન જોરિયા કાલિયા નાયકે ‘ભગત’ થઈને સમાજ-ધર્મ સુધારાનું એક આંદોલન શરૂ કરેલું. જોરિયા નાયક ધીમે ધીમે ઈશ્વરીય શક્તિનું પ્રતીક બની ગયા અને તેઓ સમગ્ર પંથકમાં જોરિયો પરમેશ્વર તરીકે જ ઓળખાવા જ નહીં, પૂજાવા લાગ્યા હતા. જોરિયો પરમેશ્વર અંગ્રેજો અને દેશી રજવાડાંઓની કાર્યપદ્ધતિ તથા વનવાસીઓના શોષણથી ભારે નારાજ હતા. તેમનું લક્ષ્ય હતું ‘ધરમરાજ’ની સ્થાપના કરવાનું, એમાં વળી ‘નાયકી રાજ’ માટે મથતા રૂપસિંહનો સાથ મળ્યો અને 1868માં નાયક આક્રોશનો ત્રીજો તબક્કો પ્રારંભાયો હતો. નાયક સમુદાયની સાથે બારિયા સહિતના અન્ય સમુદાયો પણ આ સંઘર્ષમાં જોડાયા હતા. ફેબ્રુઆરી-1868માં આ સંઘર્ષ ચરમસીમા પર હતો અને એક તબક્કો એવો પણ આવી ગયો હતો કે જાંબુઘોડા પંથકમાંથી અંગ્રેજરાજમાંથી મુક્તિ પણ મળી ગઈ હતી. જોકે, ઓક્ટોપસ જેવા અંગ્રેજોએ લશ્કરીબળે નાયક સમુદાયને કચડી નાખ્યો હતો અને રૂપસિંહ અને જારિયો પરમેશ્વર સહિતના નેતાઓને પકડી લીધા હતા. તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી ચલાવવા જાંબુઘોડા ખાતે ખાસ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી, જેણે 16મી એપ્રિલ, 1868ના રોજ જોરિયો પરમેશ્વર, રૂપસિંહ નાયક સહિત પાંચને ફાંસીની સજા, ભઈજી બારિયા સહિત 23 ક્રાંતિકારીઓને આજીવન કેદની સજા અને અન્ય 16 લડવૈયાઓને 3થી 7 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ લડત પછી અંગ્રેજોએ ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ અમલમાં મૂક્યો હતો, જેને સ્થાનિક ભાષામાં ‘ઢૂંઢીમારો’નો કાયદો કહેવામાં આવ્યો, કારણ કે તે અંતર્ગત નાયક આદિવાસીઓને શોધી શોધીને મારવાનું શરૂ થયું હતું.
અંગ્રેજોએ અને ઇતિહાસે તો આ નાયક આદિવાસી શહીદોને અન્યાય કર્યો છે, શું આપણે પણ તેમની શહીદીને વિસરાવીને અન્યાય જારી રાખીશું?
(‘દિવ્ય ભાસ્કર’ની 12મી એપ્રિલ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)
No comments:
Post a Comment