Wednesday, June 29, 2016

એક ડૉક્ટર-રત્નનું સ્મરણ

દિવ્યેશ વ્યાસ


ડૉ. બિધાન ચંદ્ર રૉયની યાદમાં 1લી જુલાઈએ રાષ્ટ્રીય ડૉક્ટર દિન ઊજવાય છે.  ભારત રત્ન ડૉ. બી.સી. રૉયના નામ અને કામથી તમે પરિચિત છો?


(ડૉ. બી.સી. રૉયનું ચિત્ર http://saltyart.in/potrait/ પરથી લીધેલું છે.)

યરવડા જેલમાં હરિજનકાર્ય ન કરવા દેવાના મુદ્દે ગાંધીજીએ 1933માં આમરણ ઉપવાસ શરૂ કરેલા. અંગ્રેજ સરકારે ગભરાઈને ગાંધીજીને જેલમુક્ત કર્યા. ગાંધીજીએ પૂનામાં જ સર વિઠ્ઠલદાસ ઠાકરશીના ‘પર્ણકુટી’ બંગલામાં રહેવાનો નિર્ણય કર્યો. ઉપવાસને કારણે તેમની તબિયત લથડી હતી. એક યુવાન ડૉક્ટરે તેમને દવાઓ આપી.  ગાંધીએ પૂછ્યું, ‘મારે તમારી સારવાર શા માટે લેવી જોઈએ? શું તમે મારા ચાળીસ કરોડ દેશવાસીઓને નિ:શુલ્ક સારવાર આપશો?’ પેલા યુવાન ડૉક્ટરે જવાબ આપ્યો, ‘ના ગાંધીજી, હું તમામ દર્દીઓની મફતમાં સારવાર ન કરી શકું. હા, હું મો.ક. ગાંધીની સારવાર નથી કરતો, પણ હું એ વ્યક્તિની સારવાર કરું છું, જે દેશના ચાળીસ કરોડ દેશબંધુઓનું પ્રતિનિધિત્વ કરે છે.’ આવો જવાબ સાંભળીને ગાંધીજી દવા-સારવાર લેવા તૈયાર થઈ ગયેલા.
 

વિશ્વભરમાં ભારતીય સિનેમાની શિરમોર ગણાતી ફિલ્મ ‘પાથેર પાંચાલી’ માટે સત્યજિત રેને કોઈ નાણાં ધીરવા તૈયાર નહોતું. ફિલ્મ અટવાઈ પડી હતી. આખરે સત્યજિત રેએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને અડધી-અધૂરી ફિલ્મ બતાવી અને કળાપારખું મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો કે રાજ્ય સરકાર જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે અને દેશ-દુનિયાને એક ઉત્તમ સિનેકૃતિ ઉપલબ્ધ થઈ હતી.

ગાંધીજીની સારવાર કરનારા ડૉક્ટર અને સત્યજિત રેને મદદ કરનાર મુખ્યમંત્રી હતા - ડૉ. બિધાન ચંદ્ર રૉય. પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉ. બી.સી. રૉય આધુનિક પશ્ચિમ બંગાળના નિર્માતા ગણાય છે. રૉયસાહેબે આઝાદી જંગના લડવૈયા, પરોપકારી ચિકિત્સક, આરોગ્ય ક્ષેત્રમાં મેડિકલ સંસ્થાઓ (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વગેરે)ના સ્થાપક અને કુશળ રાજકર્તા તરીકે દેશની મહામૂલી સેવા કરી હતી. આઝાદી પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ કરતાં તેમને તો દર્દીઓની સેવા વહાલી હતી, પરંતુ ગાંધીજીના અનુરોધને આંખે ચડાવીને તેમણે મુખ્યમંત્રી પદ સંભાળેલું. જોકે, દિવસનો એક કલાક તેઓ ગરીબ દર્દીઓની સારવાર-સંભાળ માટે ફાળવતા હતા. એક ડૉક્ટર તરીકે તેમનું પ્રદાન વધારે ઉત્કૃષ્ટ હતું કે એક રાજનેતા તરીકેનું, એનો નિર્ણય અઘરો પડે, એવાં અનેક મહાકાર્યો ડૉ. રૉયના નામે બોલે છે. અને એટલે જ તેમને ઈ.સ. 1961માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા.
 

પરમ દિવસે એટલે કે પહેલી જુલાઈના રોજ દેશમાં રાષ્ટ્રીય ડૉક્ટર ડેની ઉજવણી કરાશે. દેશમાં મેડિકલ ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન આપનારા ડૉ. બી.સી. રૉયના સ્મરણમાં જ રાષ્ટ્રીય ડૉક્ટર ડે ઊજવાય છે. ડૉ. રૉય અને શેક્સપિયર વચ્ચે એક સામ્યતા એ છે કે બન્નેના જન્મ દિવસ અને મૃત્યુ દિવસ એક જ તારીખે આવે છે. આમ, 1 જુલાઈ, 1882ના રોજ બિહારના પટના ખાતે જન્મેલા ડૉ. રૉયનું નિધન કોલકાતા ખાતે 1 જુલાઈ, 1962ના રોજ થયું હતું. 

આજે મેડિકલ ક્ષેત્રનું વેપારીકરણ થઈ ગયું છે અને ડૉક્ટરની ભાવના અને ભૂમિકામાં બહુ ફરક પડી ગયો છે. ડૉક્ટરમાં દેવનાં દર્શન કરનારા દર્દીઓ જ્યારે હોસ્પિટલનું બિલ જુએ છે ત્યારે જાણે કોઈ દૈત્યે લૂંટી લીધા હોય, એવા ભાવ જાગી જાય એવો સમય આવી ગયો છે. દેશના ડૉક્ટર્સ જો ડૉ. બી.સી. રૉય જેવાને પોતાના રોલમૉડલ ગણે તો ભાગ્યે જ કોઈ દર્દી સારવારથી વંચિત રહે. જીવન અને મૃત્યુ તો ઉપરવાળાના હાથમાં છે, પણ દેશના દરેક નાગરિકને સમયસર સારવાર મળે, એ તો દેશના ડૉક્ટરની નૈતિક ફરજ છે. દર્દીના દુ:ખો દૂર કરનારા ડૉક્ટર્સને સલામ સાથે હેપી ડૉક્ટર્સ ડે ઇન એડવાન્સ!


(‘દિવ્ય ભાસ્કર’ની 29 જૂન, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Tuesday, June 28, 2016

તમે નરસિંહ રાવને ઓળખો તો છોને?

દિવ્યેશ વ્યાસ


28 જૂન, 1921ના રોજ જન્મેલા પી.વી. નરસિંહ રાવનો આજે જન્મ દિવસ છે, પણ ભાગ્યે જ તેમનો જન્મ દિવસ કે પુણ્ય તિથિ મનાવાતી હોય છે. આવું શા માટે?



(નરસિંહ રાવનું આ સુંદર ચિત્ર www.kostalife.com પરથી લેવામાં આવ્યું છે.)


આઝાદી પછી ભારતને મળેલા શક્તિશાળી, વ્યવહારુ અને ટ્રેન્ડસેટર ગણાય એવા વડાપ્રધાનોમાં પી.વી. નરસિંહ રાવનો અચૂક સમાવેશ કરવો પડે, પણ દેશના આ દસમા વડાપ્રધાનની પીએમ પદેથી ઊતર્યા પછી એવી દશા બેઠી કે જાહેરજીવનમાં ભાગ્યે જ તેમનો નામોલ્લેખ કરવામાં આવે છે. તમે જ યાદ કરો નરસિંહ રાવનો જન્મદિવસ કે પુણ્યતિથિ કોઈ દ્વારા મનાવવામાં આવી હોય, તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હોય એવું ક્યારેય સાંભળ્યું કે જોયું છે? કપરા સંજોગોમાં કૉંગ્રેસને નેતૃત્વ પૂરું પાડવા ઉપરાંત કૉંગ્રેસની લઘુમતી સરકારને પૂરાં પાંચ વર્ષ ટકાવવાની સાથે સાથે તેમના નેતૃત્વમાં આપણા દેશે જે આર્થિક અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં હરણફાળ ભરી હોવા છતાં ખુદ કૉંગ્રેસ પક્ષ દ્વારા પણ ભાગ્યે જ તેમને સન્માનપૂર્વક યાદ કરવામાં આવ્યા છે. હા, વર્તમાન એનડીએ સરકારે તેમના યોગદાનની કદર કરીને નવી દિલ્હીમાં તેમનું સ્મારક બનાવવાનો નિર્ણય ગયા માર્ચ મહિના (2015)માં કર્યો છે, એ આવકાર્ય બાબત છે. બાકી નરસિંહ રાવ તો સાવ ભુલાઈ ગયા હતા. યોગ્યતા અને યોગદાન છતાં નરસિંહ રાવની તેમના જ પક્ષ અને તેમના પક્ષની સરકાર દ્વારા પણ શા માટે અવગણના કરવામાં આવે છે, તે સંશોધનનો વિષય છે. નરસિંહ રાવ જ નહીં પણ કૉંગ્રેસના જ અન્ય મોટા નેતાઓ જેમ કે, લાલ બહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈની પણ દેશમાં ભારે અવગણના થઈ છે, એ યાદ આવ્યા વિના રહેતું નથી.

ખેર, આજે નરસિંહ રાવનો જન્મદિવસ છે, ત્યારે કડવી વાસ્તવિકતાની લાંબી ચર્ચા કરવાને બદલે દેશના વિકાસમાં તેમણે આપેલા નોંધનીય પ્રદાન અને યોગદાનની નોંધ લઈને તેમનું સ્મરણ કરી લેવાની તક ચૂકવા જેવી નથી.

૨૮ જૂન, ૧૯૨૧ના રોજ હાલના તેલંગણા રાજ્યના વારંગલ જિલ્લાના લાકિનેપલ્લી ગામમાં તમિલ બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમણે કાયદાશાસ્ત્રમાં પારંગતની પદવી (માસ્ટર ડિગ્રી) મેળવી હતી. કાયદાના અભ્યાસ પછી વ્યવસાયે વકીલાત કરનારા નરસિંહ રાવ બહુ ઓછું બોલનારા વડાપ્રધાન તરીકે જાણીતા બનેલા. જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ પોતાની માતૃભાષા તેલુગુ ઉપરાંત મરાઠી, હિન્દી, ઓરિયા, બંગાળી, તમિલ અને ઉર્દૂ જેવી કુલ સાત ભારતીય ભાષા પર કમાંડ ધરાવતા હતા. એટલું જ નહીં તેઓ અંગ્રેજી, ફ્રેન્ચ, અરેબિક, સ્પેનિશ, જર્મન અને ફારસી જેવી વિદેશી ભાષામાં પણ ધાણીફૂટ બોલી શકતા હતા. જોકે, તેમણે વડાપ્રધાન તરીકે કે પછી વડાપ્રધાન પદ છોડયા પછી પણ ભાગ્યે બોલવાનું પસંદ કર્યું હતું, કારણ કે તેઓ બોલવામાં નહીં કામ કરવામાં માનનારા નેતા હતા.

નરસિંહ રાવ વડાપ્રધાન બન્યા એ પહેલાં તેમણે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારોમાં ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય તથા વિદેશ મંત્રાલય જેવાં મહત્ત્વપૂર્ણ મંત્રાલયોમાં ફરજ બજાવી હતી. એટલું જ નહીં તેમણે દોઢેક વર્ષના ટૂંકા ગાળા માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી અને જમીન મર્યાદા કાયદાનું સખત પાલન કરાવીને સામાન્ય લોકોને જમીન અપાવી હતી. તેમના આ યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે.

નરસિંહ રાવને વડાપ્રધાનનું પદ આકસ્મિક રીતે મળી ગયું હતું. તેમણે રાજકીય સંન્યાસ લેવાનું નક્કી કરી લીધેલું, પરંતુ રાજીવ ગાંધીની હત્યા બાદ કૉંગ્રેસની સરકારને સંભાળવાની જવાબદારી તેમના માથે આવી પડી અને તેઓ કૉંગ્રેસની લઘુમતી સરકારના વડાપ્રધાન બની ગયા. એ રીતે નરસિંહ રાવ પણ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર જ હતા. ૨૧ જૂન, ૧૯૯૧થી ૧૬ મે, ૧૯૯૬ દરમિયાન દસમા વડાપ્રધાન તરીકે કામ કરવું આસાન નહોતું. એક તરફ સરકાર પાસે પૂરતી બહુમતી નહોતી તો બીજી તરફ દેશ આર્થિક સંકટોથી ઘેરાયેલો હતો, પરંતુ નરસિંહ રાવે બ્રિલિયન્ટ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહને દેશના નાણા મંત્રાલયનું સુકાન સોંપ્યું અને વિરોધી પક્ષોના (ભાજપ અને ડાબેરીઓના) આકરા વિરોધ છતાં આર્થિક સુધારા અમલી બનાવીને દેશને વિકાસના પંથે આગળ ધપાવ્યો હતો. આર્થિક ઉપરાંત વિદેશ સંબંધોની બાબતમાં પણ નરસિંહ રાવે એક વડાપ્રધાન તરીકે ખાસ્સું મોટું યોગદાન આપ્યું છે. અયોધ્યામાં બાબરી ધ્વંસ વખતે તેમની શંકાસ્પદ ભૂમિકાને કારણે કૉંગ્રેસ નેતૃત્વ તેમનાથી અંતર રાખતું હોવાનું ચર્ચાય છે, પરંતુ કોઈ એક વિવાદાસ્પદ બાબત માટે વ્યક્તિનું સમગ્ર યોગદાન અવગણવું એ ક્યાંનો ન્યાય? આશા રાખીએ ઇતિહાસ નરસિંહ રાવને અન્યાય નહીં કરે!

(‘સંદેશ’ની 28મી જૂન, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Thursday, June 23, 2016

વર્ષાઋતુમાં જાગતો વેરી

દિવ્યેશ વ્યાસ


મલેરિયા દર વર્ષે પાંચ લાખ લોકોને ભરખી જાય છે. જોકે, 26 વર્ષના જ્હોન લેવાનડોવ્સ્કીની નવી શોધે આશા જગવી છે


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

વર્ષાઋતુનું આગમન થઈ ચૂક્યું છે. ઝરમરતા વરસાદની મજા કંઈક ઔર જ હોય છે. પ્રેમ હોય કે વિરહ, લાગણીઓને તીવ્ર કરતી આ ઋતુમાં સર્જાતો માહોલ મનભાવન હોય છે. વર્ષાઋતુમાં વરસતું જળ ખરા અર્થમાં જીવન સમું હોય છે. ધરતી પર અનેક જીવોને નવજીવન બક્ષતી ઋતુનું એક કાળું પાસું પણ છે. અલબત્ત, એ માટે કુદરત નહીં, આપણે જ જવાબદાર છીએ. વરસાદની મજાની સાથે ચોમાસામાં મચ્છરની સજા પણ મળતી હોય છે. આ ઋતુમાં મચ્છરજન્ય રોગો કાળો કેર વર્તાવતા હોય છે. મચ્છરજન્ય રોગોમાં સૌથી જૂની બીમારી છે- મલેરિયા. છેલ્લાં કેટલાંક વર્ષોથી ડેન્ગ્યૂ, ચિકનગુનિયા અને ઝિકા વાયરસે પણ માથું ઊંચક્યું છે, પરંતુ મલેરિયાનું જોખમ બહુ વ્યાપક છે.

મલેરિયાનું નામ પડતાં કેન્સર કે એઇડ્સ જેવો ભય વ્યાપતો નથી, છતાં પણ વિશ્વ આરોગ્ય સંસ્થાનો લેટેસ્ટ રિપોર્ટ જણાવે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મલેરિયાના કેસો અને તેનાથી થતાં મૃત્યુમાં ઘટાડો થયો છે, છતાં આજે પણ દર 30 સેકન્ડે એક બાળક મલેરિયાને કારણે મરણને શરણ થાય છે. ભારત જેવા એશિયાના દેશોમાં મલેરિયા માત્ર અંતરિયાળ વિસ્તારોમાં જ ઘાતક બને છે, છતાં આફ્રિકન દેશોમાં મલેરિયા એટલે મોત, એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી. મલેરિયાનું સૌથી વધુ જોખમ સગર્ભા મહિલાઓ અને 0થી 5 વર્ષનાં બાળકો પર રહેતું હોય છે. મલેરિયાને કારણે મૃત્યુ પામતાં બાળકોમાં 90 ટકા આફ્રિકન દેશોનાં હોય છે.

વિશ્ન આરોગ્ય સંસ્થાના અહેવાલ અનુસાર 2000 પછીનાં વર્ષોમાં મલેરિયાથી મરનારા લોકોની સંખ્યામાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે. છતાં 2015માં બે કરોડ, 14 લાખ લોકોને મલેરિયાએ પોતાની ઝપટમાં લીધા હતા અને તેમાંથી ચાર લાખ 38 હજાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. દુનિયામાં આતંકવાદની આપણે જેટલી ગંભીરતાથી ચર્ચા અને ચિંતા કરીએ છીએ, એટલી મલેરિયા જેવી માનવભક્ષી બીમારીઓ વિશે ભાગ્યે જ કરીએ છીએ.

ગત 25મી એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ નિમિત્તે અહેવાલો વાંચવા મળ્યા હતા કે વર્ષોની જહેમત અને જનજાગૃતિને કારણે યુરોપ હવે મલેરિયાથી સાવ મુક્ત થઈ ગયું છે. 2015ના વર્ષમાં સમગ્ર યુરોપમાં મલેરિયાનો એક પણ કેસ નોંધાયો નહોતો. વિશ્વ આરોગ્ય સંસ્થા અને અનેક દેશોની સરકારોએ 2020 સુધીમાં 21 દેશોને મલેરિયામુક્ત કરવાનો નિર્ધાર કરેલો છે. ગત ફેબ્રુઆરીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ દેશની 82 ટકા વસતી પર મલેરિયાનું જોખમ હોવાનું સ્વીકારવા સાથે દેશને 2030 સુધીમાં મલેરિયામુક્ત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મલેરિયા નિવારી શકાય એવો રોગ છે, પરંતુ જાગૃતિ અને ઝડપી સારવારના અભાવે તે ઘાતક પુરવાર થતો હોય છે. મલેરિયાથી થતાં મોતને નિવારવા માટે ઝડપી નિદાન અતિ આવશ્યક છે. મલેરિયાનું નિદાન બે પદ્ધતિથી થાય છે, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં માઇક્રોસ્કોપિક ટેસ્ટ માટેની સુવિધા ઉપલબ્ધ હોતી નથી. વળી, આ ટેસ્ટ માટેનાં સાધનો-યંત્રો પણ બહુ મોંઘાં હોવાથી ગરીબ દેશો અને ગ્રામીણ પ્રદેશો સુધી તેની પહોંચ શક્ય બનતી નથી. જોકે, તાજેતરમાં થયેલી એક ડિવાઇસની શોધે ઘણી આશા જગાવી છે.

અમેરિકાની માસાચ્યુસેટ્સ યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી. કરતા વિદ્યાર્થી અને માત્ર 26 વર્ષના જ્હોન લેવાનડોવ્સ્કી (John Lewandowski)એ રેપિડ એસેસમેન્ટ ઑફ મલેરિયા (રેમ) નામનું ડિવાઇસ વિકસાવ્યું છે. બેટરીથી ચાલતું આ ડિવાઇસ માત્ર 100થી 120 ડૉલર એટલે કે 6000થી 7000માં ઉપલબ્ધ થઈ શકે એમ છે. આ ટચૂકડું અને સસ્તું ડિવાઇસ મલેરિયાથી થતાં મૃત્યુને નિવારવામાં બહુ ઉપકારક નીવડી શકે એમ છે. ચાર બાય ચારના પ્લાસ્ટિક બૉક્સમાં આવી જતાં આ ડિવાઇસમાં લેસર, ચુંબકો, એલસીડી સ્ક્રીન અને એસડી કાર્ડ સ્લોટ અપાયેલાં છે. નિષ્ણાતોના મતે આ ડિવાઇસ આગળ જતાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝિકા વાઇરસ જેવા મચ્છરજન્ય રોગોના નિદાનમાં પણ ઉપયોગી બની શકે છે.

જ્હોન લેવાનડોવ્સ્કીના આ ડિવાઇસનું ઇન્ડિયા કનેક્શન એ છે કે તેના પ્રયોગો ભારતમાં કરવામાં આવ્યા છે. 2013થી ભારતમાં આશરે 250 પેશન્ટ્સનું નિદાન આ ડિવાઇસથી કરાયું છે અને તેનાં પરિણામમાં 93થી 97 ટકા સુધી ચોકસાઈ હોવાનું જોવા મળ્યું છે. નાઇજીરિયામાં 5000 દર્દીઓ પર આનો પ્રયોગ કરવામાં આવશે અને પછી તેને માર્કેટમાં મુકાશે.

આપણી મુશ્કેલી એ છે કે હત્યારા મતીનની ચર્ચા કરીએ છીએ, એટલી ચર્ચા જ્હોન લેવાનડોવ્સ્કીની કરતા નથી.

(‘દિવ્ય ભાસ્કર’ની 22મી જૂન, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Tuesday, June 21, 2016

સૌમ્ય સત્યાગ્રહીની શાણી ફિલસૂફી

દિવ્યેશ વ્યાસ


વર્ષ 2015માં પ્રથમ વિશ્વ યોગ દિવસ અને દલાઈ લામાના 80મા જન્મ દિનનો સુભગ સમન્વય સધાયો હતો

 
(તસવીર ‘હફિંગ્ટન પોસ્ટ’ની વેબસાઇટ પરથી મેળવેલી છે)

આશરે સાડા પાંચ દાયકાથી નિરાશ્રિત જીવન જીવતા હોવા છતાં તિબેટિયનોના ૧૪મા ધર્મગુરુ એવા દલાઈ લામા પ્રત્યે સમગ્ર વિશ્વમાં સહાનુભૂતિને બદલે સન્માનની ભાવના જોવા મળે છે, એ જ તેમની મહાનતાનો સૌથી મોટો પુરાવો છે. આજે સમગ્ર વિશ્વમાં ધર્મના નામે ધિક્કાર વધારે ફેલાવવામાં આવે છે ત્યારે દલાઈ લામા એક એવું વ્યક્તિત્વ છે, જે પ્રેમ, કરુણા અને માનવતાનો સંદેશ અસ્ખલિતપણે વહાવી રહ્યા છે. ધર્મને પોથીપંથી કે જડ પરંપરાવાદી બનાવવાને બદલે સતત વહેતી કરુણાની નદી જેવો રાખવા માટેની તેમની મથામણ જ સૌને તેમના પ્રત્યે માન ઉપજાવે છે. બુદ્ધનો ૭૪મો અવતાર ગણાતા દલાઈ લામાને આજે યાદ કરવાનું વિશેષ નિમિત્ત છે, તેમનો ૮૦મો જન્મદિવસ. આમ તો દલાઈ લામાનો જન્મદિવસ છઠ્ઠી જુલાઈએ આવશે, પરંતુ તિબેટિયન તારીખિયા અનુસાર પાંચમા ચંદ્ર માસનો પાંચમો દિવસ દલાઈ લામાનો જન્મદિન છે, જે આ વર્ષે (2015) ૨૧મી જૂને એટલે કે આજે છે. સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે હંમેશાં પ્રસન્ન યોગમાં રાચતા સૌમ્ય સત્યાગ્રહી એવા દલાઈ લામાના જન્મદિવસે અનોખો સંયોગ રચી આપ્યો છે.

મહાત્મા ગાંધીના વિચારોને અનુસરનારા દલાઈ લામાને પોતાના 'રાજપાટ' પડાવી લેનારા ચીન પ્રત્યે પણ સહેજેય કડવાશ નથી, ઊલટું તેઓ ચીનને એક મહાન દેશ ગણાવવાની ઉદારતા દાખવી શકે છે, એટલું જ નહીં ભારત-ચીનની દોસ્તીને દ્વેષરહિત દિલે આવકારી શકે છે. હા, ચીનમાં લોકશાહી વ્યવસ્થા હોવી જોઈએ અને દુનિયાના દેશોએ એ માટે મથવું જોઈએ, એવું આંતરરાષ્ટ્રીય મંચો પરથી કહેવાનું સાહસ દાખવવામાં તેઓ કદી પાછા પડતા નથી.

દલાઈ લામા આજે બૌદ્ધધર્મીઓના જ નહીં કરોડો લોકોના આદર્શ-સન્માનનીય વ્યક્તિ છે. ટ્વિટર પર સૌથી લોકપ્રિય વ્યક્તિઓમાં દલાઈ લામાનો સમાવેશ થાય છે. એ જ બતાવે છે કે આજની યુવા પેઢીને તેમના વિચારો આકર્ષી રહ્યા છે. દલાઈ લામાના ૮૦મા જન્મદિનની ઉજવણીમાં આપણે ભલે ધર્મશાળા ન જઈ શકીએ, પરંંતુ તેમની ફિલસૂફી જાણીને હેપ્પી બર્થડે જરૂર મનાવી શકીએ.

પ્રસન્નતા પર બેસ્ટસેલર પુસ્તકો લખનારા દલાઈ લામા દૃઢપણે માને છે કે, "ખુશ રહેવું આપણા જીવનનો ઉદ્દેશ છે." જોકે, ખુશી કે પ્રસન્નતા બાબતે તેઓ બહુ સ્પષ્ટ છે. "પ્રસન્નતા કંઈ રેડીમેઇડ મળતી ચીજ નથી, તે આપણાં પોતાનાં કાર્યોમાંથી જ સર્જાય છે." દલાઈ લામા ખુશીની ચાવી પણ આપે છે, "તમે જો અન્યોનેે ખુશ જોવા માગતા હોવ તો કરુણાનો ભાવ રાખો. જો તમે પોતે પણ ખુશ રહેવા માગતા હોવ તોપણ કરુણાનો ભાવ રાખો."

દલાઈ લામાની સમગ્ર ફિલસૂફી ભગવાન બૌદ્ધની કરુણા અને મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતના પાયા પર ઊભેલી જોવા મળે છે. તેઓ કહે છે, "બને ત્યાં સુધી દયાવાન બની રહો અને દયાવાન બની રહેવું હંમેશાં શક્ય છે." સંગઠિત ધર્મનાં દૂષણોથી વાકેફ દલાઈ લામા ખુદ ધર્મગુરુ હોવા છતાં બિન્ધાસ્તપણે કહી શકે છે, "તમે કોઈ એક વિશેષ શ્રદ્ધા કે ધર્મમાં આસ્થા રાખતા હોવ તો એ સારી વાત છે, બાકી તમે તેના વિના પણ જીવતા રહી શકો છો." તેઓ દૃઢપણે માને છે કે, "આપણે ધર્મ અને ચિંતન વિના રહી શકીએ, માનવીય પ્રેમ વિના નહીં."

તેમણે કહ્યું છે, "નથી મંદિરોની જરૂર કે નથી જટિલ તત્ત્વજ્ઞાાનની. મારું દિમાગ અને મારું દિલ મારાં મંદિરો છે અને મારી ફિલસૂફી છે - કરુણા." દુનિયાના ચોથા ક્રમના સૌથી મોટા ધર્મ એવા બૌદ્ધના ધર્મગુરુ હોવા છતાં દલાઈ લામા એમ નથી કહેતા કે મારો ધર્મ બૌદ્ધ છે, તેઓ કહે છે, "મારો ધર્મ બહુ સરળ છે, મારો ધર્મ કરુણા છે." દુનિયાના દરેક ધર્મ શાશ્વત માનવમૂલ્યોની જ વાત કરે છે, છતાં પણ દરેક ધર્મગુરુ માનવમૂલ્યોનો જ સંદેશ આપતા નથી. બધાય દલાઈ લામા જેવા થોડા હોય? કદાચ આજના વિશ્વની આ જ સૌથી મોટી કરુણતા છે!

(‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિના 21મી જૂન, 2015ના અંકમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Sunday, June 19, 2016

રાષ્ટ્રપિતા નહિ, માત્ર પિતા તરીકે ગાંધીજીની મહાનતા

દિવ્યેશ વ્યાસ



ગાંધીજી એક પિતા તરીકે પણ મહાન હતા અને તેમની મહાનતાના પુરાવા તેમણે પોતાના દીકરાઓ અને પુત્રવધૂઓને લખેલા પત્રોમાંથી સાંપડે છે



(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

મહાત્મા ગાંધીને આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ, સન્માનીએ છીએ. અલબત્ત, માત્ર પિતા તરીકે ગાંધીજી કેવા હતા, એવું પુછાય તો મોટા ભાગના લોકોને ગાંધીજીના વંઠેલા સંતાન હરિલાલની યાદ આવી જાય અને ગાંધીજી એક નિષ્ફળ પિતા હતા એવું અનુમાન બંધાઈ જતું હોય છે. પણ, આવું અનુમાન બાંધી લેવામાં ઉતાવળ કરવા જેવી નથી, કારણ કે હરિલાલે તેમના પિતા સામે બળવો ચોક્કસ કરેલો પણ બાકીના ત્રણેય દીકરાઓ તો ગાંધીજીના માર્ગે જ ચાલ્યા હતા. એટલું જ નહીં તેમનાં ચૌદ પૌત્ર-પૌત્રીઓ અને ગાંધીજીની વર્તમાન પેઢી સુધ્ધાં ગાંધીજીનો વિચાર-આચારનો વારસો બહુ સારી રીતે જાળવતી આવી છે, જેનાં મૂળમાં ગાંધીજી અને કસ્તૂરબાનું સંસ્કારસિંચન જ રહેલું છે. ગાંધીજીનાં પૌત્રી (દીકરા રામદાસની દીકરી) સુમિત્રાબહેન કુલકર્ણીએ પોતાના પુસ્તક 'અણમોલ વિરાસત (ગાંધી : વ્યક્તિત્વ અને પરિવાર)'માં લખ્યું છે, "બાપુજી જીવનભર એટલા બધા પ્રવાસમાં રહ્યા હતા કે કુટુંબને માટે તેમની પાસે ભાગ્યે જ વખત રહેતો. આ કારણે દાદા-દાદીનો નિરંતર સહવાસ અમને મળી શકતો નહીં. અમને યાદ નથી કે દાદાએ અમને પાસે બેસાડીને નિરાંતે વાતો કહી હોય અથવા તો ખોળામાં બેસાડીને લાડ કર્યાં હોય. તેમ છતાં એવી ઊણપની અમને કલ્પનાય નહોતી આવતી." પણ એવી ઊણપ કેમ નહોતી અનુભવાતી તેની સ્પષ્ટતા આગળના લખાણમાં મળે છે, "૧૯૨૪ની ૨૦મી સપ્ટેમ્બરે હિન્દુ-મુસલમાન એકતા માટે બાપુજીએ દિલ્હીમાં ઉપવાસ આદરેલા. ઉપવાસના ચોથા દિવસે તેમણે મારા પિતા રામદાસ ગાંધીને લખેલું કે, 'ઈશ્વરે મને એવા દીકરા આપ્યા છે કે એ દીકરાઓના પુણ્યપ્રતાપે જ હું જીવતો રહેવાનો છું.' આવી અપૂર્વ શ્રદ્ધાને કારણે બાપ અને દીકરાઓ વચ્ચે અગાધ પ્રેમ હતો અને અમને બાળકોને પણ એટલી હદે જ મળ્યો હતો. તેથી તેઓ પાસે હોય કે દૂર, દાદાજી સાથેનો અમારો સંબંધ છૂટનો હતો. આમાં વધારે ફાળો દાદાનો (ગાંધીજીનો) હતો, કેમ કે સતત કામમાં હોવા છતાં લગભગ દર અઠવાડિયે તેઓ અમને પત્ર લખતા અને અમારાં સુખદુઃખની ખબર રાખતા. નવાઈ તો એ વાતની થાય કે આટઆટલા પ્રવાસો અને થોકબંધ કામોની વચ્ચે તેઓ અમને શી રીતે યાદ રાખી શકતા હશે! પત્ર લખવામાં તો શ્રમ, શક્તિ બન્નેની જરૂર પડે, તેમ છતાં મૃત્યુ સુધી કુટુંબ સાથે તેમણે ઘનિષ્ઠ તથા નિર્વ્યાજ પ્રેમનો સંબંધ જાળવી રાખ્યો હતો." ગાંધીજીએ અપાર વ્યસ્તતા વચ્ચે પણ પત્રોના સહારે પોતાનાં પુત્રો, પુત્રવધૂઓ અને પૌત્ર-પૌત્રીઓ સાથે સંપર્ક અને સંબંધનો સેતુ જાળવી રાખ્યો હતો.
ગાંધીજી સાથે કસ્તુરબા
હરિલાલ અને ગાંધીજીના સંબંધો વિશે જાતજાતની વાતો થતી હોય છે પણ હરિલાલનાં પત્ની ગુલાબબહેનના અવસાન પછી ગાંધીજી હરિલાલને લગભગ રોજ પત્ર લખતા! તેમણે એક પત્રમાં લખ્યું હતું, "તમે સ્વસ્થ થાઓ અને રહો એવું કેમ બને એ જ વિચાર્યા કરું છું... તમારા જે કાંઈ ઉદ્ગારો હોય તે તમે વગર સંકોચે મારી પાસે ઠાલવજો. જો મારી પાસે તમે તમારું હ્ય્દય ખાલી ન કરી શકો તો કોની પાસે કરશો? હું તમારો સાચો મિત્ર થઈશ અને તમારી કંઈ પણ યોજનાને વિશે આપણી વચ્ચે મનભેદ થશે તો શી અડચણ છે? આપણે ગોષ્ઠિ કરીશું. છેવટનો નિકાલ તો તમારે હાથ જ રહેશે..."

ગાંધીજીએ પાંચમી નવેમ્બર, ૧૯૨૯ના રોજ નવા વર્ષની શુભેચ્છા આપતાં અલીગઢથી દીકરા રામદાસને લખેલો પત્ર પણ વાંચવા જેવો છે, "આજકાલ કાંઈ વાંચે છે ખરો? પાંચેક મિનિટ તેને માટે રાખી હોય તો તે બહુ ઉપયોગી થઈ પડે છે. એક એક મિનિટનો સંઘરો કરનાર પોતાનું આયુષ્ય વધારે છે, પોતાનો ભાર ઓછો કરે છે અને જ્ઞાન વધારતો જાય છે."

દીકરા મણિલાલે કિશોરલાલ મશરૂવાળાની ભત્રીજી સુશીલા સાથે લગ્ન નક્કી કર્યાં ત્યારે ગાંધીજી તેમને ૮મી ફેબ્રુઆરી, ૧૯૨૭ના રોજ પત્રમાં લખેલું, "હવે તમારી સંમતિની સાથે મારે તમારી પ્રતિજ્ઞા જોઈએ કે, તમે સુશીલાની સ્વતંત્રતા જાળવશો. તેને તમારી સહચરી ગણશો, ગુલામ કદી નહીં." પુત્રવધૂની તેઓ કેટલી કાળજી લેતા એ તેમને લખેલા પત્રોમાં સ્પષ્ટ વર્તાય છે.

ગાંધીજીએ પ્રત્યક્ષ રીતે નહીં પણ પોતાના પત્રો દ્વારા પોતાનાં સંતાનો-વંશજોમાં સંસ્કારસિંચન કર્યું હતું. ગાંધીજીએ પોતાના પુત્ર અને પુત્રવધૂઓને લખેલા પત્રોનું સુંદર સંકલન નીલમ પરીખે 'જ્યાં રહો ત્યાં મહેકતા રહો' નામના પુસ્તકમાં કર્યું છે. ફાધર્સ ડે નિમિત્તે રાષ્ટ્રપિતાને માત્ર પિતા તરીકે ઓળખવામાં આવે તોપણ તેમના પ્રત્યેનું માન અનેકગણું વધી જશે!

(15મી જૂન, 2013ની ‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમનો લેખ)

Wednesday, June 15, 2016

ઘર સે નિકલતે હી...

દિવ્યેશ વ્યાસ



80 ટકા મહિલા પૂછ્યા વિના દવાખાને પણ ન જઈ શકતી હોય ત્યારે વધુ શું અપેક્ષા રાખી શકાય?



(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

પૈસાદાર અને પ્રભાવશાળી લોકોની યાદી પ્રસિદ્ધ કરવા માટે જાણીતા ‘ફોર્બ્સ’ મેગેઝિન દ્વારા ગયા સપ્તાહે દુનિયાની સૌથી શક્તિશાળી (અધિકારસંપન્ન) 100 મહિલાઓની યાદી પ્રસિદ્ધ થઈ. આ યાદીમાં ભારતની ચાર મહિલાઓ પણ સામેલ છે. એ જોઈને આપણે રાજી થયા અને થવું જ જોઈએ, પરંતુ સાથે એ પણ સવાલ થવો જોઈએ કે વસ્તીની દૃષ્ટિએ દુનિયાનો બીજા ક્રમનો દેશ હોવા છતાં આ યાદીમાં આપણું પ્રતિનિધિત્વ પાંચ ટકાય નથી, એવું શા માટે?
 

ફોર્બ્સની શક્તિશાળી મહિલાઓની યાદી તો જવા દો, પરંતુ ભારતના શ્રમબળમાં (લેબરફોર્સ) પણ મહિલાઓની ભાગીદારી સતત ઘટતી રહી છે, જેની ભાગ્યે જ ચર્ચા થતી હોય છે. ભારતના કુલ શ્રમબળમાં વર્ષ 2005માં મહિલાઓની ભાગીદારી 36.9 ટકા હતી, જેમાં ઘટાડો થઈને 2012માં મહિલાઓની હિસ્સેદારી માત્ર 26.9 ટકા રહી ગઈ હતી. માનવામાં ન આવે એવી વાત એ છે કે છેલ્લાં દસ વર્ષમાં અઢી લાખ મહિલાઓએ નોકરી-ધંધો-મજૂરી કરવાનું છોડી દીધું છે. એક તરફ મહિલાઓની સ્થિતિમાં સુધારો થતો દેખાય છે, છતાં હજુ એવું ઘણું બધું છે, જે સુધર્યું નથી. હા, માધ્યમિક શાળામાં કન્યાઓના પ્રવેશ લેવાનું પ્રમાણ 2005માં 49.5 ટકા હતું તે વધીને 69.4 ટકા થયું છે. મહિલાઓના સરેરાશ આયુષ્યમાં પણ વધારો થયો છે. આમ, શિક્ષણ અને આરોગ્યની બાબતે ભારતીય મહિલાની સ્થિતિ સુધરી છે, છતાં નોકરી-ધંધો કરવાના મામલે હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે.
 

મહિલા આર્થિક રીતે સ્વાવલંબી બને અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે, એવી સ્થિતિ સર્જવાને આડે સૌથી મોટો કોઈ અવરોધ હોય તો તે છે મહિલાઓ પરનાં નિયંત્રણો. ભારતીય માનવ વિકાસ સર્વે (ઇન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વે)ના આંકડાઓ કહે છે કે દેશની 79.9 ટકા મહિલાઓ આજેય પૂછ્યા વિના દવાખાને પણ જઈ શકતી નથી. ચિંતાજનક વાત એ છે કે 2005માં 74.2 ટકા મહિલાને જ દવાખાને જવું હોય તો પતિ કે પરિવારના કોઈ સભ્યને પૂછવું પડતું, પરંતુ આ આંકડો ઘટવાને બદલે વધ્યો છે. આ સર્વેના જ અન્ય આંકડા જોઈએ તો 2012ની સ્થિતિ પ્રમાણે 71.6 ટકા મહિલાએ સગાંસંબંધી કે મિત્રના ઘરે જવું હોય તોપણ પૂછીને જવું પડે છે, જ્યારે ઘરની બાજુમાં જ આવેલી કરિયાણાની દુકાને જવા માટે પણ 58.5 ટકા મહિલાઓએ પતિ કે પરિવારજનોની મંજૂરી લેવી પડે છે. આશરે 20 ટકા જેટલી મહિલા તો ઘરની બહાર એકલી નીકળી જ નથી શકતી. હદની વાત તો એ છે કે 51.7 ટકા મહિલાઓ વિચારે છે કે તેઓ જો પૂછ્યા વિના ઘર બહાર નીકળે તો પતિનો માર ખાવો પડે!
સમૃદ્ધ અને શહેરી પરિવારની મહિલાઓ પણ આમાંથી બાકાત હોતી નથી. પતિદેવ હાજર ન હોય તો મોબાઇલ ફોન કરીને મંજૂરી લઈને પછી જ તે ઘરની બહાર પગ મૂકી શકતી હોય છે.
કામ-નોકરી કરતી મહિલાઓને પણ તમે જોજો કે તેઓ પોતાના ગામ કે શહેરમાં જ નોકરી લેશે અને ઘરની આજુબાજુમાં જ ક્યાંક કામ મળી જાય એવો આગ્રહ રાખશે. આ બધાં નિયંત્રણો અને મર્યાદાને કારણે જ મહિલાઓનો આર્થિક વિકાસ રૂંધાતો હોય છે અને તેમણે વારંવાર નોકરી-કામકાજ છોડવાં પડે છે. 


મહિલાઓને ઘરની બહાર એકલા નીકળવા કે અમુક સમય પહેલાં ઘરે આવી જવા પાછળ તેમની પારિવારિક ભૂમિકા તથા અસુરક્ષિત માહોલ પણ મોટા પાયે જવાબદાર હોય છે, પરંતુ સૌથી મોટો સવાલ પુરુષપ્રધાન સમાજની માનસિકતાનો છે. માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી મહિલાઓ માટેનો માહોલ બદલાવાનો નથી. ક્યારે બદલાશે માનસિકતા? 

(‘દિવ્ય ભાસ્કર’ની 15મી જૂન, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Monday, June 13, 2016

વર્ષાને વધાવજો : જળસિંચન જિંદાબાદ!

દિવ્યેશ વ્યાસ


આપણે સૌ વરસાદની કાગડોળે રાહ જોઈએ છીએ પણ વરસાદની વધામણી કરવાની સાચી રીત જાણીએ છીએ ખરા? વરસાદ નામના આશીર્વાદને જ્યાં ત્યાં વહી જવા થોડા દેવાય?


(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

આ ઉનાળામાં સૂરજદાદા એવા તપ્યા એવા તપ્યા કે હમણાં સુધી લક્ઝરીમાં ખપતું એરકન્ડિશનર હવે જીવનજરૂરિયાતની ચીજ બની ગઈ! દેવું કરીને પણ કૂલર-એસીની હવા ખાવી પડે એવા કાળઝાળ દિવસો આપણે અનુભવી રહ્યા છીએ. ગરમીથી ત્રસ્ત લોકોના જીભે એક વાક્ય કૉમન છે, "ઉફ્ફ... આ ગરમી! હવે તો વરસાદ આવે તો સારું!" ગરમીની તમતમતી તીવ્રતાને લીધે વર્ષાના ઇંતેજારની તીવ્રતા અનેક ગણી વધી ગઈ છે.

વરસાદના વરતારાને સાચાં માનીએ તો આ વર્ષે ચોમાસું પ્રમાણમાં સારું-સંતોષકારક રહેવાનું છે. ગયા વર્ષે એક દાયકા પછી કુદરત ગુજરાતથી થોડી નારાજ જણાઈ હતી અને મોટા ભાગના વિસ્તારમાં વરસાદ ઘણો ઓછો પડયો હતો. ઉનાળો હજુ તો શરૂ પણ નહોતો થયો ત્યાં સૌરાષ્ટ્રમાંથી પાણીના પોકારો ઊઠવા પામ્યા હતા. છેલ્લાં કેટલાંક વર્ષો સારાં ગયાં હોવા છતાં કેટલાક કૃષિકારોએ જીવન ટૂંકાવ્યાની વસમી ઘટનાઓ પણ ઘટી હતી. આપણે ત્યાં સિંચાઈની સગવડો વધી હોવા છતાં આકાશી ખેતીનું પ્રમાણ ઘણું મોટું છે. સિંચાઈ માટે કૂવા-બોરની સગવડ ઊભી થઈ છે તો સામે ભૂતળ વધારે ને વધારે ઊંડાં થતાં ગયાં છે. આમ, રાજ્ય અને દેશના અર્થતંત્ર માટે આજે પણ સારું ચોમાસું અનિવાર્ય છે.

ચોમાસું કેરળથી આગળ નીકળી ગયું છે ત્યારે વરસાદ હવે વધારે રાહ નહીં જોવડાવે, એવું લાગે છે. વરસાદને વધાવવા આપણે તલપાપડ છીએ, પણ શું આપણે વરસાદની વધામણી કરવાની સાચી રીત જાણીએ છીએ ખરા? કોઈ માસૂમ યુવાન કહી શકે, હા અમે તો વરસાદને બહુ એન્જોય કરીએ છીએ, વરસાદ પડે કે તરત મિત્રો સાથે નહાવા નીકળી પડીએ છીએ, ભજિયાં, દાળવડાં અને મકાઈની મોજ માણીએ છીએ, ગરમાગરમ ચાની ચૂસ્કી અને જલસો... જલસો. .. વર્ષાની વધામણીની આ રીત ખોટી નથી, પણ અધૂરી જરૂર ગણાય. વરસાદના પાણીથી ભીંજાઈને મોજમસ્તી જરૂર માણીએ પણ સાથે સાથે અમૃત સમાં વરસાદી પાણીને નક્કામું વહી જતું પણ અટકાવીએ.

આજે જ્યારે બોટલ્ડ વોટર માટે પરિવારદીઠ મહિને ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા ખર્ચાવા લાગ્યા છે, એક લિટર પાણીની બોટલ માટે ૧૫થી ૨૦ રૂપિયા ચૂકવવા પડે છે, છતાં લોકોને વરસાદના એકદમ પ્યોર અને પ્રદૂષણમુક્ત પાણીની કિંમત કેમ નહીં સમજાતી હોય? એવો પ્રશ્ન મનમાં જાગ્યા વિના રહેતો નથી. અનમોલ વરદાન સમા વરસાદી પાણીને એમ વહી જવા થોડું દેવાય? છતાં પણ કાં તો આપણી સભાનતા-સક્રિયતાના અભાવે કે પછી વરસાદી પાણીના સંગ્રહ માટેની પદ્ધતિના જ્ઞાનના અભાવે આપણે વરસાદી પાણીને વેડફાવા દેતા હોઈએ છીએ. વરસાદ વખતે છતના પાણીને બહુ સાદી રીતોથી આપણે ખાનગી બોરવેલમાં વહાવીને બોરવેલને રિચાર્જ કરી શકીએ છીએ તથા શુદ્ધ પાણીને ટાંકામાં ભરી રાખીને આખું વર્ષ ચોખ્ખું પાણી પી શકીએ છીએ. ગ્રામીણ વિસ્તારનાં ઘરો કે શહેરી વિસ્તારનાં બંગલા-ટેનામેન્ટમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ શુદ્ધ પાણી વગરપૈસે મેળવી શકાય છે. તાજેતરમાં બેંગલુરુના એ.આર. શિવાકુમાર નામના ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ સાથે સંકળાયેલા ભાઈની સ્ટોરી વાંચવા મળી હતી, જેઓ વરસાદી પાણીનો આખા વર્ષ માટે સંગ્રહ કરે છે અને છેલ્લાં ૧૯ વર્ષથી તેમણે નગરપાલિકાનો પાણીવેરો ભરવો પડયો નથી! શહેરી વિસ્તારમાં જ્યાં લોકો ફ્લેટ-એપાર્ટમેન્ટ્સમાં વસે છે, તેઓ અંગત ધોરણે કદાચ વરસાદી પાણીનો સંચય ન કરી શકે પણ સામૂહિક ધોરણે તો સોસાયટીની અગાશીઓ પર વરસતા પાણીને બોરવેલ કે ખંભાતી કૂવામાં વાળીને જળસ્તર ઊંચું લાવી શકે છે.

વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વાત આપણા માટે નવી ન ગણાવી જોઈએ, અમદાવાદ સહિતનાં જૂનાં નગરોનાં ઘરો-હવેલીઓમાં વરસાદી પાણીના વિશાળ ટાંકાઓ આજેય જોવા મળે છે. કેટલાંક ઘરોમાં તો નાની કૂઈ જોવા મળે છે, જે પાણીનો એકમાત્ર છતાં સાબૂત સ્રોત હતો. એક અંદાજ પ્રમાણે દરેક ઘરની અગાશી પર એટલું તો પાણી વરસતું જ હોય છે કે જો તેનો સંગ્રહ કરવામાં આવે તો એક પરિવારને આખું વર્ષ પીવાનું પાણી આસાનીથી મળી જાય છે. જૂની પરંપરાને નવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પણ સજીવન કરવાની જરૂર છે. વરસાદ આવવાને આડે હજુ એટલા દિવસો તો બચ્યા જ છે કે તમે જળસિંચન માટે કોઈ વ્યવસ્થા ઊભી કરી શકો. અનેક એનજીઓ અને ખુદ સરકાર પણ આ માટે માર્ગદર્શન અને મદદરૂપ બને છે. તો ચાલો, વર્ષાને ખરા અર્થમાં વધાવવા તૈયાર થઈ જાઓ. જળસિંચન જિંદાબાદ! 

(આ ‘સમય સંકેત’ કૉલમ ‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિમાં 8મી જૂન, 2013ના રોજ પ્રસિદ્ધ થઈ હતી.)

Wednesday, June 8, 2016

બિરસા મુંડાની ખરી મુક્તિ

દિવ્યેશ વ્યાસ


બિરસા મુંડાની ખરી મુક્તિ દેશના વનવાસીઓના રોજિંદા સંઘર્ષના સકારાત્મક અંતમાં છે


(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

કાલે 9મી જૂન છે, અંગ્રેજો સામે અન્યાય વિરુદ્ધ લડનારા વિરલ યોદ્ધા બિરસા મુંડાની પુણ્યતિથિ. તમે નોંધજો એકેય અખબારમાં બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતી આખા પાના તો ઠીક અરધા કે પોણા પાનાનીય જાહેરખબર જોવા નહીં મળે! (ઝારખંડ અપવાદ હોઈ શકે) બની શકે કે ઘણા વાચકોને બિરસા મુંડા નામ પણ અજાણ્યું લાગ્યું હોય. આમાં સામાન્ય વાચકોનો કોઈ વાંક નથી, આપણે ત્યાં ઇતિહાસ લેખનમાં પણ ધરાર ભેદભાવ અને પૂર્વગ્રહો રખાતા હોય છે. અંગ્રેજો સામે લડનારા યોદ્ધાઓમાં સુપરહીરોની કક્ષાના બિરસા મુંડાનું નામ તમને આઝાદીની લડાઈના લેખો-પુસ્તકો-કાર્યક્રમોમાં ભાગ્યે જ વાંચવા-સાંભળવા મળશે. શું તેમનો એટલો જ વાંક હતો કે તેમણે શહેરી અને ઉજળિયાત વર્ગ માટે નહીં પણ અંતરિયાળ વિસ્તારમાં વસતા વનવાસીઓના અધિકાર માટે શહીદી વહોરી હતી? માત્ર 25 વર્ષની વયે અંગ્રેજોની જેલમાં જ શહીદી પામનારા આ ઐતિહાસિક વીરને આપણે વીસરી ગયા છીએ, એ આપણી જ કમનસીબી છે અને એના પાપે જ આપણે ફાલતુ અને ભ્રષ્ટ લોકોને વીર તરીકે બિરદાવવા પડે છે!


ગયા સપ્તાહે બિરસા મુંડા સમાચારોમાં ચમક્યા હતા. ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો કે બિરસા મુંડાની પ્રતિમાઓ બેડીઓથી મુક્ત થવી જોઈએ. ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું હતું કે બેડીઓથી જકડાયેલી બિરસા મુંડાની પ્રતિમાઓ અંગ્રેજોની ગુલામીની પ્રતીક છે, જેનાથી આજની યુવા પેઢીની મનોભાવના પર ખરાબ અસર પડી શકે છે. એટલે બેડીઓમાં જકડાયેલા બિરસા મુંડાની તસવીરો અને પ્રતિમાઓને તત્કાળ હટાવી દેવામાં આવશે. બિરસા મુંડાના મૃત્યુના આશરે 116 વર્ષ પછી તેમની પ્રતિમાઓને બેડીઓથી મુક્ત કરવામાં આવશે, એ ચોક્કસ આવકાર્ય ઘટના છે. જોકે, વિચારવાનો અને શરમજનક મુદ્દો એ છે ઇતિહાસના આ અવગણાયેલા વીરની પ્રતિમાઓને બેડીઓથી મુક્ત કરવાનો વિચાર આપણને આઝાદીના સાત દાયકા પછી આવ્યો છે!

જોકે, મૂળ મુદ્દો એ છે કે શું મૂર્તિઓની બેડીઓ હટાવી દેવા માત્રથી બિરસા મુંડાને મુક્તિ મળી જશે? શું બિરસા મુંડાનું આદિવાસીઓની શોષણમુક્તિનું સપનું પૂરું થઈ જશે? આજે પણ આપણે ત્યાં આદિવાસીઓની સ્થિતિ એટલી બદતર છે કે તેઓ પોતાના મૂળભૂત અધિકારો માટે પણ હથિયાર ઉપાડવા મજબૂર છે. આપણે નક્સલવાદની સમસ્યાના સમાચાર વાંચીએ કે સાંભળીએ છીએ ત્યારે આપણને આ સમસ્યાનાં મૂળ અંગે ભાગ્યે જ અંદાજ હોય છે. આઝાદીના સાત દાયકા પછી પણ દેશના આદિવાસીઓને મુખ્યધારામાં સમાવી શકાયા નથી, ઊલટું ખાણમાફિયાઓ અને શોષણખોરો દ્વારા તેમની જિંદગી હરામ થઈ રહી છે, એ શરમજનક હકીકત છે.

આદિવાસી સમાજમાં ‘ધરતીબાબા’ તરીકે પૂજાતા બિરસા મુંડાએ અંગ્રેજોની જળ, જમીન અને જંગલમાં ખોટી દખલ અને દાદાગીરી સામે સંઘર્ષ માંડ્યો હતો. બિરસાના નેતૃત્વમાં 1897થી 1900 દરમિયાન મુંડાઓ અને અંગ્રેજી સૈનિકો વચ્ચે અનેક નાની-મોટી લડાઈઓ થઈ હતી અને મુંડાઓએ અનેક લડાઈ જીતી હતી. અંગ્રેજોની બંદૂકો અને તોપો સામે વિષયુક્ત તીરોથી તેમણે શૌર્યપૂર્ણ સંઘર્ષ કર્યો હતો. બિરસાએ માત્ર અંગ્રેજો સામે જ નહિ, સામંતી અને જમીનદારી પ્રથાને કારણે થતાં આદિવાસીઓના શોષણ સામે પણ સંઘર્ષ આદર્યો હતો. બિરસાના ‘ઉલગુલાન’ (ભારે કોલાહલ અને ઊથલપાથલ) આંદોલનનો અંત 3 ફેબ્રુઆરી, 1900ના રોજ તેમની ચક્રધરપુરમાં થયેલી ધરપકડ બાદ આવ્યો હતો. 9મી જૂન, 1900ના રોજ માંડ 25 વર્ષના બિરસાને રાંચીની જેલમાં જ શહીદી પ્રાપ્ત થઈ હતી. કહેવાય છે કે તેમને અંગ્રેજોએ ધીમું ઝેર આપ્યું હતું.

ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને આજે ભગવાન તરીકે પૂજવામાં આવે છે. બિરસા મુંડાની ખરી મુક્તિ ઇચ્છતા હોઈએ તો દેશના આદિવાસીઓને શોષણમુક્ત કરવા પડશે, તેમને તેમના અધિકારો સોંપવા પડશે. તેમને સન્માનપૂર્ણ-ભેદભાવમુક્ત જીવન જીવવાની તક આપવી પડશે. શું આ માટે આપણે પ્રતિબદ્ધ છીએ?

(‘દિવ્ય ભાસ્કર’ની 8 જૂન, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Tuesday, June 7, 2016

મોહનદાસનું મહાભિનિષ્ક્રમણ

દિવ્યેશ વ્યાસ

 

 ગાંધીજીને તેમના જન્મ દિવસ બીજી ઑક્ટોબરે કે નિર્વાણ દિન 30મી જાન્યુઆરી કરતાં પણ 7મી જૂને યાદ કરવા શા માટે વધારે જરૂરી છે, એ આપ જાણો છો?


(તસવીર ‘ધ હિંદુ’ના આ વેબ પેજ http://www.thehindu.com/features/kids/train-to-freedom/article6316328.ece પરથી લીધી છે)

દરેકના જીવનમાં એવી ક્ષણ આવતી હોય છે, જે અંદરથી ઝકઝોરી દે છે. તમારા દિમાગને ધરતીકંપ જેવા આંચકા આપે છે અને જાતજાતના વિચારોની ત્સુનામી તમારા મનોભાવો, માન્યતાઓ, ધારણાઓ અને માનસિક સમીકરણોે ઉપરાંત તમારી શ્રદ્ધા કે વિશ્વાસનો પણ સત્યાનાશ વાળી દેતી હોય છે. અલબત્ત, આ માનસિક વલોપાતને અંતે નવનીત રૂપે તમને નવી દૃષ્ટિ અને સમજ પણ સાંપડતાં હોય છે. આવી ઘટના તમને સાવ નવેસરથી જિંદગીને જોવાની અને જીવવાની શીખ તથા તક આપી જતી હોય છે. મોહનદાસ કરમચંદ ગાંધી નામના શરમાળ અને રૂપિયા કમાવા વિદેશ ગયેલા યુવાનના જીવનમાં એક એવી ઘટના બને છે, જે તેમને આગળ જતાં મહાત્મા બનવાનો માર્ગ પ્રશસ્ત કરી દે છે.

ગાંધીજીના આત્માને ઝકઝોરી નાખતી આ ઘટના ૭મી જૂન, ૧૮૯૩ના રોજ દ. આફ્રિકામાં બની હતી. આ ઘટનાને ગાંધીજીએ પોતાની આત્મકથા 'સત્યના પ્રયોગો'ના બીજા ભાગના આઠમા પ્રકરણ 'પ્રિટોરિયા જતાં'માં સવિસ્તાર વર્ણવી છે. અબ્દુલા શેઠના કામસર ગાંધીજીને પ્રિટોરિયા જવાનું થયેલું. ડરબનથી પહેલા વર્ગની ટિકિટ લઈને ગાંધીજી પ્રિટોરિયા જવા રવાના થયા. ટ્રેન રાતે નવેક વાગ્યે નાતાલની રાજધાની મેરિત્સબર્ગ પહોંચી. જ્યાં એક ગોરા મુસાફરે ફરિયાદ કરતાં ટ્રેનના અમલદારે ગાંધીજીને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી ઊતરીને છેલ્લા એટલે કે જનરલ ડબ્બામાં જતા રહેવા જણાવ્યું, પણ ગાંધીજીએ પહેલા વર્ગની ટિકિટ હોવાની વાત કરીને પ્રતિકાર કર્યો. અમલદારે જાતે નહીં ઊતરો તો સિપાહી ઉતારશે, એવી ધમકી આપી ત્યારે ગાંધીજીએ પોતાના જીવનનો પહેલો સત્યાગ્રહ આદર્યો અને મક્કમ સ્વરે જણાવ્યું, "ત્યારે ભલે સિપાહી ઉતારે, હું મારી મેળે નહીં ઊતરું." આખરે સિપાહીએ તેમને ધક્કા મારીને નીચે ઉતાર્યા અને તેમનો સામાન પણ ઉતારી લીધો. ટ્રેન રવાના થઈ ગઈ છતાં ગાંધીજી બીજા ડબામાં જવા તૈયાર ન જ થયા. ગાંધીજી પોતાના ફેંકાયેલા સામાનને અડક્યા પણ નહીં અને વેઇટિંગ રૂમમાં જઈને બેઠા. શિયાળાની કડકડતી ઠંડીમાં આખી રાત વિતાવી. એ આખી રાત ગાંધીજીના મનમાં જે વૈચારિક ધમસાણ ચાલ્યું, તેનો ટૂંકસાર આપતાં ગાંધીજીએ લખ્યું છે, મેં મારો ધર્મ વિચાર્યો, "કાં તો મારે મારા હકોને સારુ લડવું અથવા પાછા જવું, નહીં તો જે અપમાનો થાય તે સહન કરવાં ને પ્રિટોરિયા પહોંચવું અને કેસ પૂરો કરી દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર દુઃખ પડયું તે તો ઉપરચોટિયું દરદ હતું. ઊંડે રહેલા એક મહારોગનું તે લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવાં અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો."

આમ, ૭મી જૂનની રાતે હડધૂત-અપમાનિત થયેલો મોહનદાસ નામનો યુવાન મહાભિનિષ્ક્રમણમાંથી પસાર થાય છે અને અન્યાય સામે લડવાનો મક્કમ નિર્ધાર કરે છે. અન્યાયના પ્રતિકાર રૂપે બીજા દિવસે ગાંધીજી જનરલ મેનેજરને ફરિયાદનો લાંબો તાર કરે છે, એટલું જ નહીં ટ્રેનમાં પહેલા વર્ગમાં મુસાફરી કરીને પ્રિટોરિયા પહોંચે છે. ડરબનથી નીકળેલા મોહનદાસ અને પ્રિટોરિયા પહોંચેલા મોહનદાસ વચ્ચે મોટો ફરક આવી ગયો હોય છે. મોહનદાસમાં સત્યાગ્રહના માર્ગે મહાત્મા બનવાનાં બીજ અંકુરિત થઈ ગયાં હોય છે, જે દ. આફ્રિકા અને પછી ભારતમાં સામાન્ય લોકોની સ્વતંત્રતા, સ્વમાન, સમાનતા અને સામાજિક ન્યાય માટે આજીવન સંઘર્ષ કરીને મહાત્મા પુરવાર થાય છે.

બત્રીસ કોઠે દીવા કરનારા આવા ર્ટિંનગ પોઇન્ટ દરેકના જીવનમાં આવે છે, પણ કોઈ નવેસરથી જિંદગી જીવવાના પડકારને ઝીલી લે છે, જ્યારે કોઈ આવી ઘટનાને દુઃખદ બનાવ કે અનુભવ ગણી લઈને તેને ભૂલી જાય છે. પડકાર ઝીલીને સંઘર્ષ કરનારા મહામાનવ બની જતા હોય છે અને આવી ઘટનાને ભૂલી જનારા લોકોને ઇતિહાસમાં કોઈ યાદ રાખતું નથી. ક્યારેય વિચાર્યું છે કે તમે કઈ કેટેગરીમાં આવો છો?

(‘સંદેશ’ની 7મી જૂન, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ. આ લેખ તમે ‘ઓપિનિયનની વેબસાઇટ http://opinionmagazine.co.uk/details/1445/મોહનદાસનું-મહાભિનિષ્ક્રમણ પરથી પણ વાંચી શકો છો.)

Wednesday, June 1, 2016

હેલન કેલરની હૃદયસ્પર્શી વાતો

દિવ્યેશ વ્યાસ


હેલન કેલરની પુણ્યતિથિ નિમિત્તે તેમના કેટલાક હૃદયસ્પર્શી વિચારોને સંભારી લેવાની તક ઝડપવી જોઈએ


(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

આજે પહેલી જૂનના રોજ હેલન કેલરની પુણ્યતિથિ છે. 1968માં હેલનબહેને 87 વર્ષનું આયુષ્ય ભોગવીને હસતાં મોંએ દુનિયાની વિદાય લીધી હતી, પરંતુ તેમનાં જેવા પ્રેરક વ્યક્તિત્વનું જવું દુનિયાના લાખો લોકો માટે દુ:ખદાયક હતું. હેલન કેલર એક એવી વ્યક્તિ હતી, જેમના પ્રત્યેનો આદર અને અહોભાવ તેમના મૃત્યુનાં આટલાં વર્ષો પછી પણ ટકી રહ્યો છે. નાની વયે આંખો અને કાન ગુમાવનારાં હેલને એવું જીવન જીવી બતાવ્યું હતું, જેે સમગ્ર વિશ્વના પ્રજ્ઞાચક્ષુ અને મૂક-બધીર લોકો માટે પ્રેરણાસ્રોત બની રહ્યું છે. આજે પણ હેલન કેલર અનેક વિકલાંગ લોકો માટે રોલ મૉડલ તરીકે વિખ્યાત છે.
હેલન કેલરનાં શિક્ષિકા એની સુલિવને તેમના વ્યક્તિત્વ ઘડતર અને વિકાસમાં સિંહફાળો આપ્યો હતો અને શિક્ષક ક્યારેય સાધારણ ન હોઈ શકે, એ વાત પશ્ચિમમાં પણ પુરવાર કરી હતી. હેલને શિક્ષણ મેળવ્યું અને આગળ જતાં સાહિત્યકાર અને વક્તા તરીકે બહુ નામના મેળવેલી. આજે હેલનની પુણ્યતિથિ છે ત્યારે તેમના કેટલાક હૃદયસ્પર્શી વિચારોને સંભારી લેવાની તક ઝડપવી જોઈએ.

હેલન કેલરનું એક હૃદયસ્પર્શી ક્વૉટ છે, ‘દુનિયાની સૌથી ખૂબસૂરત વસ્તુઓ ન જોઈ શકાય છે અને ન સ્પર્શી શકાય, તેને તો બસ દિલથી મહેસૂસ કરી શકાય છે.’ આ એક જ વાક્ય વિકલાંગ અને સામાન્ય વ્યક્તિ વચ્ચેનો ભેદ ઓગાળી નાખવા પૂરતું છે. ખરેખર સૌથી ખૂબસૂરત વસ્તુને તો દિલથી મહેસૂસ જ કરી શકાતી હોય છે. આમેય અદ્્ભુત પ્રકારના અહેસાસ માટે ચર્મચક્ષુઓ કે અન્ય ઇન્દ્રિયો વામણા પુરવાર થતા હોય છે.

ટીમ વર્કની વાતો કરનારાઓથી માંડીને રાષ્ટ્રીય એકતા માટે ચિંતા કરનારાઓને ગમે એવું હેલન કેલરનું એક જાણીતું વાક્ય છે, ‘આપણે એકલા તો કેટલું ઓછું હાંસલ કરી શકીએ, પણ એકસાથે હોઈએ તો કેટલું બધું હાંસલ કરી શકાય છે.’ સાથે રહેવાથી, સંગઠિત રીતે મથવાથી આપણી શક્તિ અનેક ગણી વધી જતી હોય છે. મોટાં લક્ષ્યો હાંસલ કરવાં હોય ત્યારે ‘સબ કા સાથ’ વિના ચાલતું નથી.

હેલન કેલરે બીજી એક સુંદર વાત કરેલી, ‘વિજ્ઞાને કદાચ તમામ દુશ્મનો પર વિજય હાંસલ કરી લીધો હોય, પરંતુ સૌથી ખતરનાક શત્રુ આજે પણ અવિજિત છે અને એ છે - મનુષ્યની ઉદાસીનતા’ કેટલી મોટી વાત છે! ઓશો રજનીશ હંમેશાં કહેતા કે પ્રેમનો વિરોધી શબ્દ ઘૃણા કે નફરત નથી, પરંતુ ઉદાસીનતા છે. આ શબ્દ આપણને ભાગ્યે સમજાતો હોય છે, જ્યાં કશું કરવાનો ઉત્સાહ સાવ શૂન્ય હોય ત્યાં ઉદાસીનતા હોય છે અને પ્રેમ એવું તત્ત્વ છે, જે તમારામાં ઉત્સાહનો સંચાર કરતું હોય છે. તમારો ઉત્સાહ ત્યારે જ ઠંડો પડે જ્યારે પ્રેમ ઘટતો હોય છે. આમ, ઉદાસીનતાને કારણે જ આપણી સક્રિયતા ઘટતી હોય છે. દુનિયાને પ્રેમ કરનારા દુનિયા માટે કંઈક કરી છૂટવા તૈયાર હોય છે, પરંતુ ઉદાસીન વ્યક્તિ તો ખુદ પોતાના માટે પણ કંઈ વિચારવા માગતી હોતી નથી.

લોકોની સેવામાંથી જ ખરો આનંદ મળતો હોય છે. હેલન કેલરે એક સરસ વાત કરેલી કે, ‘આપણને સાચી ખુશી ત્યાં સુધી નથી મળતી જ્યાં સુધી આપણે અન્યની જિંદગીમાં આનંદ-ખુશી લાવવાની કોશિશ નથી કરતા.’

અહીં નોંધનીય છે કે હેલન કેલરે અભ્યાસની સાથે સાથે મહાન લોકોનાં પુસ્તકો વાંચ્યાં હતાં, જેમાં મહાત્મા ગાંધી અને ટાગોરનો પણ સમાવેશ થાય છે. હેલન કેલરથી જવાહરલાલ પણ પ્રભાવિત હતાં.
માર્ક ટ્વેઇને હેલન કેલરને દુનિયાનું સૌથી મોટું સર્ટિફિકેટ આપતાં કહેલું, ‘19મી સદીના બે સૌથી
રસપ્રદ મહાનુભાવ છે - નેપોલિયન અને હેલન કેલર’. ખરે જ બન્ને લડવૈયા હતા. હેલન કેલરે જે લડાઈ લડેલી એ કદાચ નેપોલિયનની લડાઈ કરતાં પણ મહાન હતી. તમે શું માનો છો?

(‘દિવ્ય ભાસ્કર’ની 1 જૂન, 2015ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)