Monday, June 13, 2016

વર્ષાને વધાવજો : જળસિંચન જિંદાબાદ!

દિવ્યેશ વ્યાસ


આપણે સૌ વરસાદની કાગડોળે રાહ જોઈએ છીએ પણ વરસાદની વધામણી કરવાની સાચી રીત જાણીએ છીએ ખરા? વરસાદ નામના આશીર્વાદને જ્યાં ત્યાં વહી જવા થોડા દેવાય?


(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

આ ઉનાળામાં સૂરજદાદા એવા તપ્યા એવા તપ્યા કે હમણાં સુધી લક્ઝરીમાં ખપતું એરકન્ડિશનર હવે જીવનજરૂરિયાતની ચીજ બની ગઈ! દેવું કરીને પણ કૂલર-એસીની હવા ખાવી પડે એવા કાળઝાળ દિવસો આપણે અનુભવી રહ્યા છીએ. ગરમીથી ત્રસ્ત લોકોના જીભે એક વાક્ય કૉમન છે, "ઉફ્ફ... આ ગરમી! હવે તો વરસાદ આવે તો સારું!" ગરમીની તમતમતી તીવ્રતાને લીધે વર્ષાના ઇંતેજારની તીવ્રતા અનેક ગણી વધી ગઈ છે.

વરસાદના વરતારાને સાચાં માનીએ તો આ વર્ષે ચોમાસું પ્રમાણમાં સારું-સંતોષકારક રહેવાનું છે. ગયા વર્ષે એક દાયકા પછી કુદરત ગુજરાતથી થોડી નારાજ જણાઈ હતી અને મોટા ભાગના વિસ્તારમાં વરસાદ ઘણો ઓછો પડયો હતો. ઉનાળો હજુ તો શરૂ પણ નહોતો થયો ત્યાં સૌરાષ્ટ્રમાંથી પાણીના પોકારો ઊઠવા પામ્યા હતા. છેલ્લાં કેટલાંક વર્ષો સારાં ગયાં હોવા છતાં કેટલાક કૃષિકારોએ જીવન ટૂંકાવ્યાની વસમી ઘટનાઓ પણ ઘટી હતી. આપણે ત્યાં સિંચાઈની સગવડો વધી હોવા છતાં આકાશી ખેતીનું પ્રમાણ ઘણું મોટું છે. સિંચાઈ માટે કૂવા-બોરની સગવડ ઊભી થઈ છે તો સામે ભૂતળ વધારે ને વધારે ઊંડાં થતાં ગયાં છે. આમ, રાજ્ય અને દેશના અર્થતંત્ર માટે આજે પણ સારું ચોમાસું અનિવાર્ય છે.

ચોમાસું કેરળથી આગળ નીકળી ગયું છે ત્યારે વરસાદ હવે વધારે રાહ નહીં જોવડાવે, એવું લાગે છે. વરસાદને વધાવવા આપણે તલપાપડ છીએ, પણ શું આપણે વરસાદની વધામણી કરવાની સાચી રીત જાણીએ છીએ ખરા? કોઈ માસૂમ યુવાન કહી શકે, હા અમે તો વરસાદને બહુ એન્જોય કરીએ છીએ, વરસાદ પડે કે તરત મિત્રો સાથે નહાવા નીકળી પડીએ છીએ, ભજિયાં, દાળવડાં અને મકાઈની મોજ માણીએ છીએ, ગરમાગરમ ચાની ચૂસ્કી અને જલસો... જલસો. .. વર્ષાની વધામણીની આ રીત ખોટી નથી, પણ અધૂરી જરૂર ગણાય. વરસાદના પાણીથી ભીંજાઈને મોજમસ્તી જરૂર માણીએ પણ સાથે સાથે અમૃત સમાં વરસાદી પાણીને નક્કામું વહી જતું પણ અટકાવીએ.

આજે જ્યારે બોટલ્ડ વોટર માટે પરિવારદીઠ મહિને ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા ખર્ચાવા લાગ્યા છે, એક લિટર પાણીની બોટલ માટે ૧૫થી ૨૦ રૂપિયા ચૂકવવા પડે છે, છતાં લોકોને વરસાદના એકદમ પ્યોર અને પ્રદૂષણમુક્ત પાણીની કિંમત કેમ નહીં સમજાતી હોય? એવો પ્રશ્ન મનમાં જાગ્યા વિના રહેતો નથી. અનમોલ વરદાન સમા વરસાદી પાણીને એમ વહી જવા થોડું દેવાય? છતાં પણ કાં તો આપણી સભાનતા-સક્રિયતાના અભાવે કે પછી વરસાદી પાણીના સંગ્રહ માટેની પદ્ધતિના જ્ઞાનના અભાવે આપણે વરસાદી પાણીને વેડફાવા દેતા હોઈએ છીએ. વરસાદ વખતે છતના પાણીને બહુ સાદી રીતોથી આપણે ખાનગી બોરવેલમાં વહાવીને બોરવેલને રિચાર્જ કરી શકીએ છીએ તથા શુદ્ધ પાણીને ટાંકામાં ભરી રાખીને આખું વર્ષ ચોખ્ખું પાણી પી શકીએ છીએ. ગ્રામીણ વિસ્તારનાં ઘરો કે શહેરી વિસ્તારનાં બંગલા-ટેનામેન્ટમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ શુદ્ધ પાણી વગરપૈસે મેળવી શકાય છે. તાજેતરમાં બેંગલુરુના એ.આર. શિવાકુમાર નામના ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ સાથે સંકળાયેલા ભાઈની સ્ટોરી વાંચવા મળી હતી, જેઓ વરસાદી પાણીનો આખા વર્ષ માટે સંગ્રહ કરે છે અને છેલ્લાં ૧૯ વર્ષથી તેમણે નગરપાલિકાનો પાણીવેરો ભરવો પડયો નથી! શહેરી વિસ્તારમાં જ્યાં લોકો ફ્લેટ-એપાર્ટમેન્ટ્સમાં વસે છે, તેઓ અંગત ધોરણે કદાચ વરસાદી પાણીનો સંચય ન કરી શકે પણ સામૂહિક ધોરણે તો સોસાયટીની અગાશીઓ પર વરસતા પાણીને બોરવેલ કે ખંભાતી કૂવામાં વાળીને જળસ્તર ઊંચું લાવી શકે છે.

વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વાત આપણા માટે નવી ન ગણાવી જોઈએ, અમદાવાદ સહિતનાં જૂનાં નગરોનાં ઘરો-હવેલીઓમાં વરસાદી પાણીના વિશાળ ટાંકાઓ આજેય જોવા મળે છે. કેટલાંક ઘરોમાં તો નાની કૂઈ જોવા મળે છે, જે પાણીનો એકમાત્ર છતાં સાબૂત સ્રોત હતો. એક અંદાજ પ્રમાણે દરેક ઘરની અગાશી પર એટલું તો પાણી વરસતું જ હોય છે કે જો તેનો સંગ્રહ કરવામાં આવે તો એક પરિવારને આખું વર્ષ પીવાનું પાણી આસાનીથી મળી જાય છે. જૂની પરંપરાને નવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પણ સજીવન કરવાની જરૂર છે. વરસાદ આવવાને આડે હજુ એટલા દિવસો તો બચ્યા જ છે કે તમે જળસિંચન માટે કોઈ વ્યવસ્થા ઊભી કરી શકો. અનેક એનજીઓ અને ખુદ સરકાર પણ આ માટે માર્ગદર્શન અને મદદરૂપ બને છે. તો ચાલો, વર્ષાને ખરા અર્થમાં વધાવવા તૈયાર થઈ જાઓ. જળસિંચન જિંદાબાદ! 

(આ ‘સમય સંકેત’ કૉલમ ‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિમાં 8મી જૂન, 2013ના રોજ પ્રસિદ્ધ થઈ હતી.)

No comments:

Post a Comment