Wednesday, June 15, 2016

ઘર સે નિકલતે હી...

દિવ્યેશ વ્યાસ



80 ટકા મહિલા પૂછ્યા વિના દવાખાને પણ ન જઈ શકતી હોય ત્યારે વધુ શું અપેક્ષા રાખી શકાય?



(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

પૈસાદાર અને પ્રભાવશાળી લોકોની યાદી પ્રસિદ્ધ કરવા માટે જાણીતા ‘ફોર્બ્સ’ મેગેઝિન દ્વારા ગયા સપ્તાહે દુનિયાની સૌથી શક્તિશાળી (અધિકારસંપન્ન) 100 મહિલાઓની યાદી પ્રસિદ્ધ થઈ. આ યાદીમાં ભારતની ચાર મહિલાઓ પણ સામેલ છે. એ જોઈને આપણે રાજી થયા અને થવું જ જોઈએ, પરંતુ સાથે એ પણ સવાલ થવો જોઈએ કે વસ્તીની દૃષ્ટિએ દુનિયાનો બીજા ક્રમનો દેશ હોવા છતાં આ યાદીમાં આપણું પ્રતિનિધિત્વ પાંચ ટકાય નથી, એવું શા માટે?
 

ફોર્બ્સની શક્તિશાળી મહિલાઓની યાદી તો જવા દો, પરંતુ ભારતના શ્રમબળમાં (લેબરફોર્સ) પણ મહિલાઓની ભાગીદારી સતત ઘટતી રહી છે, જેની ભાગ્યે જ ચર્ચા થતી હોય છે. ભારતના કુલ શ્રમબળમાં વર્ષ 2005માં મહિલાઓની ભાગીદારી 36.9 ટકા હતી, જેમાં ઘટાડો થઈને 2012માં મહિલાઓની હિસ્સેદારી માત્ર 26.9 ટકા રહી ગઈ હતી. માનવામાં ન આવે એવી વાત એ છે કે છેલ્લાં દસ વર્ષમાં અઢી લાખ મહિલાઓએ નોકરી-ધંધો-મજૂરી કરવાનું છોડી દીધું છે. એક તરફ મહિલાઓની સ્થિતિમાં સુધારો થતો દેખાય છે, છતાં હજુ એવું ઘણું બધું છે, જે સુધર્યું નથી. હા, માધ્યમિક શાળામાં કન્યાઓના પ્રવેશ લેવાનું પ્રમાણ 2005માં 49.5 ટકા હતું તે વધીને 69.4 ટકા થયું છે. મહિલાઓના સરેરાશ આયુષ્યમાં પણ વધારો થયો છે. આમ, શિક્ષણ અને આરોગ્યની બાબતે ભારતીય મહિલાની સ્થિતિ સુધરી છે, છતાં નોકરી-ધંધો કરવાના મામલે હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે.
 

મહિલા આર્થિક રીતે સ્વાવલંબી બને અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે, એવી સ્થિતિ સર્જવાને આડે સૌથી મોટો કોઈ અવરોધ હોય તો તે છે મહિલાઓ પરનાં નિયંત્રણો. ભારતીય માનવ વિકાસ સર્વે (ઇન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વે)ના આંકડાઓ કહે છે કે દેશની 79.9 ટકા મહિલાઓ આજેય પૂછ્યા વિના દવાખાને પણ જઈ શકતી નથી. ચિંતાજનક વાત એ છે કે 2005માં 74.2 ટકા મહિલાને જ દવાખાને જવું હોય તો પતિ કે પરિવારના કોઈ સભ્યને પૂછવું પડતું, પરંતુ આ આંકડો ઘટવાને બદલે વધ્યો છે. આ સર્વેના જ અન્ય આંકડા જોઈએ તો 2012ની સ્થિતિ પ્રમાણે 71.6 ટકા મહિલાએ સગાંસંબંધી કે મિત્રના ઘરે જવું હોય તોપણ પૂછીને જવું પડે છે, જ્યારે ઘરની બાજુમાં જ આવેલી કરિયાણાની દુકાને જવા માટે પણ 58.5 ટકા મહિલાઓએ પતિ કે પરિવારજનોની મંજૂરી લેવી પડે છે. આશરે 20 ટકા જેટલી મહિલા તો ઘરની બહાર એકલી નીકળી જ નથી શકતી. હદની વાત તો એ છે કે 51.7 ટકા મહિલાઓ વિચારે છે કે તેઓ જો પૂછ્યા વિના ઘર બહાર નીકળે તો પતિનો માર ખાવો પડે!
સમૃદ્ધ અને શહેરી પરિવારની મહિલાઓ પણ આમાંથી બાકાત હોતી નથી. પતિદેવ હાજર ન હોય તો મોબાઇલ ફોન કરીને મંજૂરી લઈને પછી જ તે ઘરની બહાર પગ મૂકી શકતી હોય છે.
કામ-નોકરી કરતી મહિલાઓને પણ તમે જોજો કે તેઓ પોતાના ગામ કે શહેરમાં જ નોકરી લેશે અને ઘરની આજુબાજુમાં જ ક્યાંક કામ મળી જાય એવો આગ્રહ રાખશે. આ બધાં નિયંત્રણો અને મર્યાદાને કારણે જ મહિલાઓનો આર્થિક વિકાસ રૂંધાતો હોય છે અને તેમણે વારંવાર નોકરી-કામકાજ છોડવાં પડે છે. 


મહિલાઓને ઘરની બહાર એકલા નીકળવા કે અમુક સમય પહેલાં ઘરે આવી જવા પાછળ તેમની પારિવારિક ભૂમિકા તથા અસુરક્ષિત માહોલ પણ મોટા પાયે જવાબદાર હોય છે, પરંતુ સૌથી મોટો સવાલ પુરુષપ્રધાન સમાજની માનસિકતાનો છે. માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી મહિલાઓ માટેનો માહોલ બદલાવાનો નથી. ક્યારે બદલાશે માનસિકતા? 

(‘દિવ્ય ભાસ્કર’ની 15મી જૂન, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment