Sunday, June 19, 2016

રાષ્ટ્રપિતા નહિ, માત્ર પિતા તરીકે ગાંધીજીની મહાનતા

દિવ્યેશ વ્યાસ



ગાંધીજી એક પિતા તરીકે પણ મહાન હતા અને તેમની મહાનતાના પુરાવા તેમણે પોતાના દીકરાઓ અને પુત્રવધૂઓને લખેલા પત્રોમાંથી સાંપડે છે



(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

મહાત્મા ગાંધીને આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ, સન્માનીએ છીએ. અલબત્ત, માત્ર પિતા તરીકે ગાંધીજી કેવા હતા, એવું પુછાય તો મોટા ભાગના લોકોને ગાંધીજીના વંઠેલા સંતાન હરિલાલની યાદ આવી જાય અને ગાંધીજી એક નિષ્ફળ પિતા હતા એવું અનુમાન બંધાઈ જતું હોય છે. પણ, આવું અનુમાન બાંધી લેવામાં ઉતાવળ કરવા જેવી નથી, કારણ કે હરિલાલે તેમના પિતા સામે બળવો ચોક્કસ કરેલો પણ બાકીના ત્રણેય દીકરાઓ તો ગાંધીજીના માર્ગે જ ચાલ્યા હતા. એટલું જ નહીં તેમનાં ચૌદ પૌત્ર-પૌત્રીઓ અને ગાંધીજીની વર્તમાન પેઢી સુધ્ધાં ગાંધીજીનો વિચાર-આચારનો વારસો બહુ સારી રીતે જાળવતી આવી છે, જેનાં મૂળમાં ગાંધીજી અને કસ્તૂરબાનું સંસ્કારસિંચન જ રહેલું છે. ગાંધીજીનાં પૌત્રી (દીકરા રામદાસની દીકરી) સુમિત્રાબહેન કુલકર્ણીએ પોતાના પુસ્તક 'અણમોલ વિરાસત (ગાંધી : વ્યક્તિત્વ અને પરિવાર)'માં લખ્યું છે, "બાપુજી જીવનભર એટલા બધા પ્રવાસમાં રહ્યા હતા કે કુટુંબને માટે તેમની પાસે ભાગ્યે જ વખત રહેતો. આ કારણે દાદા-દાદીનો નિરંતર સહવાસ અમને મળી શકતો નહીં. અમને યાદ નથી કે દાદાએ અમને પાસે બેસાડીને નિરાંતે વાતો કહી હોય અથવા તો ખોળામાં બેસાડીને લાડ કર્યાં હોય. તેમ છતાં એવી ઊણપની અમને કલ્પનાય નહોતી આવતી." પણ એવી ઊણપ કેમ નહોતી અનુભવાતી તેની સ્પષ્ટતા આગળના લખાણમાં મળે છે, "૧૯૨૪ની ૨૦મી સપ્ટેમ્બરે હિન્દુ-મુસલમાન એકતા માટે બાપુજીએ દિલ્હીમાં ઉપવાસ આદરેલા. ઉપવાસના ચોથા દિવસે તેમણે મારા પિતા રામદાસ ગાંધીને લખેલું કે, 'ઈશ્વરે મને એવા દીકરા આપ્યા છે કે એ દીકરાઓના પુણ્યપ્રતાપે જ હું જીવતો રહેવાનો છું.' આવી અપૂર્વ શ્રદ્ધાને કારણે બાપ અને દીકરાઓ વચ્ચે અગાધ પ્રેમ હતો અને અમને બાળકોને પણ એટલી હદે જ મળ્યો હતો. તેથી તેઓ પાસે હોય કે દૂર, દાદાજી સાથેનો અમારો સંબંધ છૂટનો હતો. આમાં વધારે ફાળો દાદાનો (ગાંધીજીનો) હતો, કેમ કે સતત કામમાં હોવા છતાં લગભગ દર અઠવાડિયે તેઓ અમને પત્ર લખતા અને અમારાં સુખદુઃખની ખબર રાખતા. નવાઈ તો એ વાતની થાય કે આટઆટલા પ્રવાસો અને થોકબંધ કામોની વચ્ચે તેઓ અમને શી રીતે યાદ રાખી શકતા હશે! પત્ર લખવામાં તો શ્રમ, શક્તિ બન્નેની જરૂર પડે, તેમ છતાં મૃત્યુ સુધી કુટુંબ સાથે તેમણે ઘનિષ્ઠ તથા નિર્વ્યાજ પ્રેમનો સંબંધ જાળવી રાખ્યો હતો." ગાંધીજીએ અપાર વ્યસ્તતા વચ્ચે પણ પત્રોના સહારે પોતાનાં પુત્રો, પુત્રવધૂઓ અને પૌત્ર-પૌત્રીઓ સાથે સંપર્ક અને સંબંધનો સેતુ જાળવી રાખ્યો હતો.
ગાંધીજી સાથે કસ્તુરબા
હરિલાલ અને ગાંધીજીના સંબંધો વિશે જાતજાતની વાતો થતી હોય છે પણ હરિલાલનાં પત્ની ગુલાબબહેનના અવસાન પછી ગાંધીજી હરિલાલને લગભગ રોજ પત્ર લખતા! તેમણે એક પત્રમાં લખ્યું હતું, "તમે સ્વસ્થ થાઓ અને રહો એવું કેમ બને એ જ વિચાર્યા કરું છું... તમારા જે કાંઈ ઉદ્ગારો હોય તે તમે વગર સંકોચે મારી પાસે ઠાલવજો. જો મારી પાસે તમે તમારું હ્ય્દય ખાલી ન કરી શકો તો કોની પાસે કરશો? હું તમારો સાચો મિત્ર થઈશ અને તમારી કંઈ પણ યોજનાને વિશે આપણી વચ્ચે મનભેદ થશે તો શી અડચણ છે? આપણે ગોષ્ઠિ કરીશું. છેવટનો નિકાલ તો તમારે હાથ જ રહેશે..."

ગાંધીજીએ પાંચમી નવેમ્બર, ૧૯૨૯ના રોજ નવા વર્ષની શુભેચ્છા આપતાં અલીગઢથી દીકરા રામદાસને લખેલો પત્ર પણ વાંચવા જેવો છે, "આજકાલ કાંઈ વાંચે છે ખરો? પાંચેક મિનિટ તેને માટે રાખી હોય તો તે બહુ ઉપયોગી થઈ પડે છે. એક એક મિનિટનો સંઘરો કરનાર પોતાનું આયુષ્ય વધારે છે, પોતાનો ભાર ઓછો કરે છે અને જ્ઞાન વધારતો જાય છે."

દીકરા મણિલાલે કિશોરલાલ મશરૂવાળાની ભત્રીજી સુશીલા સાથે લગ્ન નક્કી કર્યાં ત્યારે ગાંધીજી તેમને ૮મી ફેબ્રુઆરી, ૧૯૨૭ના રોજ પત્રમાં લખેલું, "હવે તમારી સંમતિની સાથે મારે તમારી પ્રતિજ્ઞા જોઈએ કે, તમે સુશીલાની સ્વતંત્રતા જાળવશો. તેને તમારી સહચરી ગણશો, ગુલામ કદી નહીં." પુત્રવધૂની તેઓ કેટલી કાળજી લેતા એ તેમને લખેલા પત્રોમાં સ્પષ્ટ વર્તાય છે.

ગાંધીજીએ પ્રત્યક્ષ રીતે નહીં પણ પોતાના પત્રો દ્વારા પોતાનાં સંતાનો-વંશજોમાં સંસ્કારસિંચન કર્યું હતું. ગાંધીજીએ પોતાના પુત્ર અને પુત્રવધૂઓને લખેલા પત્રોનું સુંદર સંકલન નીલમ પરીખે 'જ્યાં રહો ત્યાં મહેકતા રહો' નામના પુસ્તકમાં કર્યું છે. ફાધર્સ ડે નિમિત્તે રાષ્ટ્રપિતાને માત્ર પિતા તરીકે ઓળખવામાં આવે તોપણ તેમના પ્રત્યેનું માન અનેકગણું વધી જશે!

(15મી જૂન, 2013ની ‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમનો લેખ)

No comments:

Post a Comment