Thursday, June 23, 2016

વર્ષાઋતુમાં જાગતો વેરી

દિવ્યેશ વ્યાસ


મલેરિયા દર વર્ષે પાંચ લાખ લોકોને ભરખી જાય છે. જોકે, 26 વર્ષના જ્હોન લેવાનડોવ્સ્કીની નવી શોધે આશા જગવી છે


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

વર્ષાઋતુનું આગમન થઈ ચૂક્યું છે. ઝરમરતા વરસાદની મજા કંઈક ઔર જ હોય છે. પ્રેમ હોય કે વિરહ, લાગણીઓને તીવ્ર કરતી આ ઋતુમાં સર્જાતો માહોલ મનભાવન હોય છે. વર્ષાઋતુમાં વરસતું જળ ખરા અર્થમાં જીવન સમું હોય છે. ધરતી પર અનેક જીવોને નવજીવન બક્ષતી ઋતુનું એક કાળું પાસું પણ છે. અલબત્ત, એ માટે કુદરત નહીં, આપણે જ જવાબદાર છીએ. વરસાદની મજાની સાથે ચોમાસામાં મચ્છરની સજા પણ મળતી હોય છે. આ ઋતુમાં મચ્છરજન્ય રોગો કાળો કેર વર્તાવતા હોય છે. મચ્છરજન્ય રોગોમાં સૌથી જૂની બીમારી છે- મલેરિયા. છેલ્લાં કેટલાંક વર્ષોથી ડેન્ગ્યૂ, ચિકનગુનિયા અને ઝિકા વાયરસે પણ માથું ઊંચક્યું છે, પરંતુ મલેરિયાનું જોખમ બહુ વ્યાપક છે.

મલેરિયાનું નામ પડતાં કેન્સર કે એઇડ્સ જેવો ભય વ્યાપતો નથી, છતાં પણ વિશ્વ આરોગ્ય સંસ્થાનો લેટેસ્ટ રિપોર્ટ જણાવે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મલેરિયાના કેસો અને તેનાથી થતાં મૃત્યુમાં ઘટાડો થયો છે, છતાં આજે પણ દર 30 સેકન્ડે એક બાળક મલેરિયાને કારણે મરણને શરણ થાય છે. ભારત જેવા એશિયાના દેશોમાં મલેરિયા માત્ર અંતરિયાળ વિસ્તારોમાં જ ઘાતક બને છે, છતાં આફ્રિકન દેશોમાં મલેરિયા એટલે મોત, એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી. મલેરિયાનું સૌથી વધુ જોખમ સગર્ભા મહિલાઓ અને 0થી 5 વર્ષનાં બાળકો પર રહેતું હોય છે. મલેરિયાને કારણે મૃત્યુ પામતાં બાળકોમાં 90 ટકા આફ્રિકન દેશોનાં હોય છે.

વિશ્ન આરોગ્ય સંસ્થાના અહેવાલ અનુસાર 2000 પછીનાં વર્ષોમાં મલેરિયાથી મરનારા લોકોની સંખ્યામાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે. છતાં 2015માં બે કરોડ, 14 લાખ લોકોને મલેરિયાએ પોતાની ઝપટમાં લીધા હતા અને તેમાંથી ચાર લાખ 38 હજાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. દુનિયામાં આતંકવાદની આપણે જેટલી ગંભીરતાથી ચર્ચા અને ચિંતા કરીએ છીએ, એટલી મલેરિયા જેવી માનવભક્ષી બીમારીઓ વિશે ભાગ્યે જ કરીએ છીએ.

ગત 25મી એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ નિમિત્તે અહેવાલો વાંચવા મળ્યા હતા કે વર્ષોની જહેમત અને જનજાગૃતિને કારણે યુરોપ હવે મલેરિયાથી સાવ મુક્ત થઈ ગયું છે. 2015ના વર્ષમાં સમગ્ર યુરોપમાં મલેરિયાનો એક પણ કેસ નોંધાયો નહોતો. વિશ્વ આરોગ્ય સંસ્થા અને અનેક દેશોની સરકારોએ 2020 સુધીમાં 21 દેશોને મલેરિયામુક્ત કરવાનો નિર્ધાર કરેલો છે. ગત ફેબ્રુઆરીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ દેશની 82 ટકા વસતી પર મલેરિયાનું જોખમ હોવાનું સ્વીકારવા સાથે દેશને 2030 સુધીમાં મલેરિયામુક્ત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મલેરિયા નિવારી શકાય એવો રોગ છે, પરંતુ જાગૃતિ અને ઝડપી સારવારના અભાવે તે ઘાતક પુરવાર થતો હોય છે. મલેરિયાથી થતાં મોતને નિવારવા માટે ઝડપી નિદાન અતિ આવશ્યક છે. મલેરિયાનું નિદાન બે પદ્ધતિથી થાય છે, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં માઇક્રોસ્કોપિક ટેસ્ટ માટેની સુવિધા ઉપલબ્ધ હોતી નથી. વળી, આ ટેસ્ટ માટેનાં સાધનો-યંત્રો પણ બહુ મોંઘાં હોવાથી ગરીબ દેશો અને ગ્રામીણ પ્રદેશો સુધી તેની પહોંચ શક્ય બનતી નથી. જોકે, તાજેતરમાં થયેલી એક ડિવાઇસની શોધે ઘણી આશા જગાવી છે.

અમેરિકાની માસાચ્યુસેટ્સ યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી. કરતા વિદ્યાર્થી અને માત્ર 26 વર્ષના જ્હોન લેવાનડોવ્સ્કી (John Lewandowski)એ રેપિડ એસેસમેન્ટ ઑફ મલેરિયા (રેમ) નામનું ડિવાઇસ વિકસાવ્યું છે. બેટરીથી ચાલતું આ ડિવાઇસ માત્ર 100થી 120 ડૉલર એટલે કે 6000થી 7000માં ઉપલબ્ધ થઈ શકે એમ છે. આ ટચૂકડું અને સસ્તું ડિવાઇસ મલેરિયાથી થતાં મૃત્યુને નિવારવામાં બહુ ઉપકારક નીવડી શકે એમ છે. ચાર બાય ચારના પ્લાસ્ટિક બૉક્સમાં આવી જતાં આ ડિવાઇસમાં લેસર, ચુંબકો, એલસીડી સ્ક્રીન અને એસડી કાર્ડ સ્લોટ અપાયેલાં છે. નિષ્ણાતોના મતે આ ડિવાઇસ આગળ જતાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝિકા વાઇરસ જેવા મચ્છરજન્ય રોગોના નિદાનમાં પણ ઉપયોગી બની શકે છે.

જ્હોન લેવાનડોવ્સ્કીના આ ડિવાઇસનું ઇન્ડિયા કનેક્શન એ છે કે તેના પ્રયોગો ભારતમાં કરવામાં આવ્યા છે. 2013થી ભારતમાં આશરે 250 પેશન્ટ્સનું નિદાન આ ડિવાઇસથી કરાયું છે અને તેનાં પરિણામમાં 93થી 97 ટકા સુધી ચોકસાઈ હોવાનું જોવા મળ્યું છે. નાઇજીરિયામાં 5000 દર્દીઓ પર આનો પ્રયોગ કરવામાં આવશે અને પછી તેને માર્કેટમાં મુકાશે.

આપણી મુશ્કેલી એ છે કે હત્યારા મતીનની ચર્ચા કરીએ છીએ, એટલી ચર્ચા જ્હોન લેવાનડોવ્સ્કીની કરતા નથી.

(‘દિવ્ય ભાસ્કર’ની 22મી જૂન, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment