Showing posts with label Medical. Show all posts
Showing posts with label Medical. Show all posts

Wednesday, May 2, 2018

આંખના ઈશારાઓની ભાષા

દિવ્યેશ વ્યાસ


વિશ્વમાં પહેલીવાર ભારતમાં આંખોની ભાષા તૈયાર કરવામાં આવી છે. ‘બ્લિન્ક ટુ સ્પીક’ પુસ્તિકા વાચાહીનો માટે આશીર્વાદસમી છે


(બ્લિન્ક ટુ સ્પીક પુસ્તકનું એક પાન)

ગત ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન્સના દિવસોમાં પ્રિયા પ્રકાશ વરિયરનો આંખોના ઈશારા કરતો  એક વિડિયો જબરદસ્ત વાઇરલ થયો હતો. પ્રિયાના વિડિયો સાથે જ આંખના ઈશારાની ભાષા પણ ચર્ચામાં આવી હતી અને વાત છેક આપણાં પરંપરાગત નૃત્યોમાં આંખોના હાવભાવ સુધી પહોંચી હતી. માનવીના શરીરમાં તેની આંખો સૌથી વધારે બોલકી ગણાય છે. વ્યક્તિ જ્યારે કશું છુપાવવા માગતી હોય ત્યારે તે સામેવાળાથી પોતાની નજરો છુપાવતી હોય છે, કારણ કે આંખોમાં તમે તમારા ભાવ-લાગણીઓને છુપાવી શકતા નથી. ગુજરાતીમાં આંખોને લગતી અનેક કહેવતો પણ છે, જેનાથી ખ્યાલ આવે છે કે સંવાદ સાધવામાં કે સંદેશા પાઠવવામાં આંખોની કેટલી મોટી ભૂમિકા હોય છે.

સંદેશાવ્યવહારમાં આંખોની અસરકારકતાને ધ્યાનમાં રાખીને જ વાચાહીન લોકો માટે આંખોના ચોક્કસ ઈશારા થકી ચોક્કસ પ્રકારનો સંદેશો પહોંચાડવા માટે એક નવી જ ભાષા ઘડવામાં આવી છે. ભારત માટે ગૌરવ લેવા જેવી વાત એ છે વિશ્વની પહેલી આંખ-ભાષા આપણા દેશમાં તૈયાર કરવામાં આવી છે. કેટલાકને સવાલ થઈ શકે કે મૂકબધિર લોકો માટે આપણે ત્યાં હોઠ, આંખો અને હાથના ઈશારાની ભાષા તો છે જ તો પછી આ આંખ-ભાષાની જરૂરિયાત શું છે? આ ભાષા ખાસ કરીને બ્રેઇન સ્ટ્રોક કે સ્પાઇનલ કોડની ઈજાઓને કારણે લકવાગ્રસ્ત સ્થિતિમાં આવી ગયા પછી બોલવા માટે સક્ષમ રહ્યા નથી, એવા લોકો માટે વિકસાવવામાં આવી છે. વળી, આ ભાષા એમિયોટ્રોફિક લેટરલ સ્કલરોસિસ (ALS)અને મોટર ન્યૂટ્રોન ડિસીઝથી (MND) પીડાતા લોકો માટે પણ આશીર્વાદસમી છે. આ બધી બીમારીઓમાં સાજીસારી વ્યક્તિ અચાનક પોતાની વાચા ગુમાવી બેસે છે. હાથ-પગ પણ જ્યારે પેરેલાઇઝ્ડ થઈ ગયા હોય ત્યારે ઈશારો કરવા પણ સક્ષમ હોતા નથી. આવા લોકો માટે વધીને આંખના હાવભાવ થકી સંદેશો આપી શકે, પરંતુ તેઓ એક હદથી વધારે પોતાની વાત કરી શકતા નથી. આંતરરાષ્ટ્રીય એડ એજન્સી TBWA Indiaમાં ક્રિએટિવ ડિરેક્ટર તરીકે કાર્યરત ગીત રાઠીને એએલએસથી પીડિત વ્યક્તિના સંપર્કમાં આવવાનું બન્યું અને તેને વિચાર આવ્યો કેે આંખોના ચોક્કસ ઈશારા થકી ચોક્ક્સ સંદેશા પહોંચાડવા માટે નવી જ આંખ-ભાષા વિકસાવવામાં આવે તો આવા દર્દીઓનું જીવન થોડુંઘણું આસાન થઈ શકે. આ ઉત્સાહી યુવતીએ પોતાનો વિચાર કંપનીના સાથીઓ સમક્ષ રજૂ કર્યો અને તેમણે આંખ-ભાષા વિકસાવવાનો મનસૂબો ઘડ્યો અને આર્શિયા જૈન વગેરે સાથીઓના સહયોગથી પાર પણ પાડ્યો. તેમણે દર્દીઓ, ડૉક્ટર્સ, સારવાર-સંભાળ કરનારા કર્મચારીઓ, દર્દીનાં સગાંસંબંધીઓ સાથે વાતચીતો - ચર્ચાઓ કરીને આંખના એવા પચાસથી વધારે ઈશારા નક્કી કર્યા, જેના થકી દર્દી અને સારવારકર્તા કે સંબંધી વચ્ચેનો વ્યવહાર આસાન થાય.

આંખને પટપટાવી શકાય, એક આંખ બંધ-ખોલ કરી શકાય, આંખની કીકીઓને ડાબે-જમણે કે ઉપર-નીચે લઈ જઈ શકાય છે, કીકીઓને ગોળ ગોળ ફેરવી શકાય. આંખના આવા ઈશારાને જ આંખ-ભાષાના આલ્ફાબેટ્સ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા છે. વ્યક્તિ એક સાથે એક કે એકથી વધુ ઈશારા કરીને પોતાની વાત જણાવી શકે છે. ઉદાહરણ તરીકે, વ્યક્તિ એક વાર આંખ પટપટાવે તો ‘હા’ સમજવાનું અને બે વાર પટપટાવે તો ‘ના’. વ્યક્તિ સતત ત્રણ વખત આંખ પટપટાવીને તેને સારું છે, એમ જણાવી શકે અને આંખની કીકીને પહેલા ડાબી તરફ પછી જમણી તરફ લઈને જો આંખ એક વખત પટપટાવે તો તેને સારું નથી લાગતું, એવું જણાવી શકે છે. આંખ એક વાર પટપટાવીને કીકી જમણી તરફ ફેરવીને ડૉક્ટરને બોલાવવાનું કહી શકે છે... આવા તો પચાસ ઈશારા નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અંગ્રેજીના દરેક મૂળાક્ષર (આલ્ફાબેટ) માટે પણ આંખના જુદા જુદા ઈશારા નક્કી કરાયા છે, જેનાથી વ્યક્તિ પોતાની વાત રજૂ કરી શકે છે.

દર્દીઓ અને ડૉક્ટર સહિતના તેમને સંભાળનારા લોકોને આંખ-ભાષા શીખવતી એક પુસ્તિકા ‘બ્લિન્ક ટુ સ્પીક’ તાજેતરમાં જ પ્રકાશિત કરવામાં આવી છે. આશા એક હોપ ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થા તથા ન્યૂરોજેન બ્રેઇન એન્ડ સ્પાઇન ઇનસ્ટિટ્યૂટ દ્વારા આ પુસ્તિકાનું પ્રકાશન કરવામાં આવ્યું છે. સૌથી સારી વાત એ છે કે આ પુસ્તિકા તમે પીડીએફ સ્વરૂપે ફ્રીમાં ઇન્ટરનેટ (http://www.ashaekhope.com/pdf/blink-to-speak.pdf) પરથી ડાઉનલોડ કરી શકો છો. સંસ્થા ભારતની તમામ ભાષાઓમાં આ માર્ગદર્શક પુસ્તિકાની આવૃત્તિ કરવા માગે છે.

વ્યક્તિની વાચા હણાઈ જાય ત્યારે તે જાણે લાચાર સ્થિતિમાં મુકાઈ જાય છે, પરંતુ આશા રાખીએ આ નવી આંખ-ભાષા તેમના જીવનને આસાન બનાવશે.

(દિવ્ય ભાસ્કરની 2જી મે, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, January 3, 2018

યોદ્ધાઝ : કેન્સર સામે કેસરિયા

દિવ્યેશ વ્યાસ


કેન્સર ધીમે ધીમે પોતાનો કાળો કેર વર્તાવતું જાય છે ત્યારે તેની સામે યુદ્ધ લડવા સ્ટ્રોંગર ધેન કેન્સર્સ બનવું જરૂરી છે

(તસવીરો ગૂગલ ઇમેજ અને આ બન્ને યૌદ્ધાઓની વેબસાઇટ્સ પરથી લીધેલી છે, જેનો દિપક ઇનામદારે કોલાજ કરી આપ્યો છે.)


વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા પ્રકાશિત એક અહેવાલ અનુસાર વૈશ્વિક સ્તરે પાંચ પુરુષોમાંથી એક પુરુષ અને છ મહિલાઓમાંથી એક મહિલાને 75 વર્ષની ઉંમર પહેલાં કેન્સર થઈ શકે છે. આઠ પુરુષોમાંથી એક પુરુષ અને 12 મહિલાઓમાંથી એક મહિલા કેન્સરને કારણે મૃત્યુ પામી શકે છે. તાજા આંકડા અનુસાર દર વર્ષે 1 કરોડ 40 લાખ લોકોને કેન્સરનું નિદાન થાય છે. એક અંદાજ મુજબ 2025 સુધીમાં આ આંકડો વધીને 1 કરોડ 90 લાખે પહોંચી શકે અને 2035માં તો 2 કરોડ 40 લાખ લોકો દર વર્ષે કેન્સરનો ભોગ બને, એવી આશંકા સેવાઈ રહી છે. આ આંકડા ગંભીર ચેતવણી રૂપ છે. આપણી બદલાયેલી જીવનશૈલી, ભોજનની ટેવો, ખોરાકની ગુણવત્તા અને પ્રદૂષણને લીધે બદલાયેલા હવા-પાણીને કારણે કેન્સરના કેસોમાં દિનબદિન વધારો થતો જાય છે. માન્યામાં ન આવે તો કોઈ પણ કેન્સર હોસ્પિટલમાં ક્યારેક ડોકિયું કરજો, કેન્સરના દર્દીઓની લંબાતી લાઇન સતત વધતી જ જોવા મળે છે.

નિદાન અને સારવારની આધુનિક તકનીક અને પદ્ધતિઓ ઉપલબ્ધ બની છે ત્યારે ‘કેન્સર એટલે કેન્સલ’વાળી વાત હવે ભૂતકાળ બની ગઈ છે. પ્રારંભિક તબક્કાના કેન્સર હવે ક્યોરેબલ બન્યા છે. જોકે, કેન્સરની સારવાર હજુ અફોર્ડેબલ નથી બની, પણ એ ચર્ચાનો સાવ જુદો જ મુદ્દો છે, એટલે એની વિગતમાં ઊંડા ઊતરવું નથી. ટૂંકમાં, કેન્સર સામે લડાઈ લડી શકાય છે અને જીતી પણ શકાય છે. અહીં સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે લડાઈ લડવી પડે છે! કેન્સરના દર્દીની સેવા-સુવિધા માટે સમગ્ર પરિવાર હાજર હોય, છતાં પણ રોગ સામેની ખરી લડાઈ તો દર્દીએ પોતે જ લડવી પડતી હોય છે. શરીરમાં પેસેલા કર્ક રોગના ઝેર અને જાળાને મારી-હટાવીને કેન્સરને દેહવટો આપવા માટે એક લાંબી લડાઈ માટે શારીરિક અને ખાસ તો માનસિક રીતે સજ્જ થવું જરૂરી છે.

કેન્સરની સારવારમાં સર્જરી, કીમોથેરપી કે રેડિયેશન જેવી પ્રક્રિયામાંથી પસાર થવું એ આગના દરિયાને પાર કરવા જેટલું કપરું હોય છે. આ પ્રક્રિયામાં અપાર સહનશક્તિની સાથે સાથે સકારાત્મક વલણ તથા કેન્સરને હરાવવા માટે શૌર્યની ખાસ જરૂર પડતી હોય છે.

કેન્સર સામે કેસરિયા કર્યા વિના જંગ જીતી શકાતો નથી. કેન્સરના દર્દીઓમાં જુસ્સો ટકાવવા અને મદદરૂપ થવા માટે રાહુલ યાદવ નામના દિલ્હીના એક કેન્સરપીડિત યુવાને ‘યોદ્ધાઝ’ નામનું ભારતનું સૌપ્રથમ ઓનલાઇન સપોર્ટ નેટવર્ક (https://www.yoddhas.com/)ઊભું કર્યું છે. આ નેટવર્કમાં કેન્સર સામે ઝઝૂમી રહેલા લોકો પોતાની વાત રજૂ કરી છે અને અન્યોની વાત જાણી શકે છે. આ નેટવર્ક થકી તેમને માર્ગદર્શન પણ મળે છે અને સાંત્વના પણ સાંપડે છે. એટલું જ નહીં, કેન્સર સામે જંગે ચડેલા યોદ્ધાઓ એકબીજાને મદદરૂપ પણ બને છે. પોતાના જુસ્સા અને ઝુંઝારું વૃત્તિથી ત્રણ ત્રણ વખત કેન્સરને હરાવનારા રાહુલ યાદવનું 2017ના અંતમાં મોત થયું, પરંતુ એમનું મોત યુદ્ધ મેદાનમાં લડતાં લડતાં થયું. મોત થયું પણ તેઓ હાર્યા નહીં.

દિલ્હીનાં જ મોનિકા બક્ષી, જેઓ બ્લડ કેન્સરથી પીડિત હતાં, તેમણે કેન્સર સામેનો જંગ જીતી ગયેલા લોકોની વાત કરતી વેબસાઇટ શરૂ કરી હતી, જેનું નામ રાખ્યું હતું. www.strongerthancancers.com. મોનિકાબહેન આ વેબસાઇટ થકી એવું પુરવાર કરવાનો પ્રયાસ કરવા માગતાં હતાં કે કેન્સર સામે લડી શકાય છે અને જંગ જીતી શકાય છે. કેન્સર સામેનો જંગ જીતવો હોય તો સ્વાભાવિક છે કે કેન્સર કરતાં પણ સ્ટ્રોંગર થવું પડે. જે લોકો સ્ટ્રોંગર બની બતાવે છે, તેઓ જંગ જીતી શકે છે.

રાહુલભાઈ અને મોનિકાબહેન જેવાં અન્ય પણ લોકો અને સંસ્થાઓ પણ છે, જેઓ કેન્સર સામેના જંગમાં જુસ્સો વધારવાનું પુણ્ય કાર્ય કરી રહ્યાં છે. સૌ કેન્સર યોદ્ધાઓને નવા વર્ષનાં અભિનંદન!

(‘દિવ્ય ભાસ્કર’ની 3 જાન્યુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, June 29, 2016

એક ડૉક્ટર-રત્નનું સ્મરણ

દિવ્યેશ વ્યાસ


ડૉ. બિધાન ચંદ્ર રૉયની યાદમાં 1લી જુલાઈએ રાષ્ટ્રીય ડૉક્ટર દિન ઊજવાય છે.  ભારત રત્ન ડૉ. બી.સી. રૉયના નામ અને કામથી તમે પરિચિત છો?


(ડૉ. બી.સી. રૉયનું ચિત્ર http://saltyart.in/potrait/ પરથી લીધેલું છે.)

યરવડા જેલમાં હરિજનકાર્ય ન કરવા દેવાના મુદ્દે ગાંધીજીએ 1933માં આમરણ ઉપવાસ શરૂ કરેલા. અંગ્રેજ સરકારે ગભરાઈને ગાંધીજીને જેલમુક્ત કર્યા. ગાંધીજીએ પૂનામાં જ સર વિઠ્ઠલદાસ ઠાકરશીના ‘પર્ણકુટી’ બંગલામાં રહેવાનો નિર્ણય કર્યો. ઉપવાસને કારણે તેમની તબિયત લથડી હતી. એક યુવાન ડૉક્ટરે તેમને દવાઓ આપી.  ગાંધીએ પૂછ્યું, ‘મારે તમારી સારવાર શા માટે લેવી જોઈએ? શું તમે મારા ચાળીસ કરોડ દેશવાસીઓને નિ:શુલ્ક સારવાર આપશો?’ પેલા યુવાન ડૉક્ટરે જવાબ આપ્યો, ‘ના ગાંધીજી, હું તમામ દર્દીઓની મફતમાં સારવાર ન કરી શકું. હા, હું મો.ક. ગાંધીની સારવાર નથી કરતો, પણ હું એ વ્યક્તિની સારવાર કરું છું, જે દેશના ચાળીસ કરોડ દેશબંધુઓનું પ્રતિનિધિત્વ કરે છે.’ આવો જવાબ સાંભળીને ગાંધીજી દવા-સારવાર લેવા તૈયાર થઈ ગયેલા.
 

વિશ્વભરમાં ભારતીય સિનેમાની શિરમોર ગણાતી ફિલ્મ ‘પાથેર પાંચાલી’ માટે સત્યજિત રેને કોઈ નાણાં ધીરવા તૈયાર નહોતું. ફિલ્મ અટવાઈ પડી હતી. આખરે સત્યજિત રેએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને અડધી-અધૂરી ફિલ્મ બતાવી અને કળાપારખું મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો કે રાજ્ય સરકાર જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે અને દેશ-દુનિયાને એક ઉત્તમ સિનેકૃતિ ઉપલબ્ધ થઈ હતી.

ગાંધીજીની સારવાર કરનારા ડૉક્ટર અને સત્યજિત રેને મદદ કરનાર મુખ્યમંત્રી હતા - ડૉ. બિધાન ચંદ્ર રૉય. પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉ. બી.સી. રૉય આધુનિક પશ્ચિમ બંગાળના નિર્માતા ગણાય છે. રૉયસાહેબે આઝાદી જંગના લડવૈયા, પરોપકારી ચિકિત્સક, આરોગ્ય ક્ષેત્રમાં મેડિકલ સંસ્થાઓ (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વગેરે)ના સ્થાપક અને કુશળ રાજકર્તા તરીકે દેશની મહામૂલી સેવા કરી હતી. આઝાદી પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ કરતાં તેમને તો દર્દીઓની સેવા વહાલી હતી, પરંતુ ગાંધીજીના અનુરોધને આંખે ચડાવીને તેમણે મુખ્યમંત્રી પદ સંભાળેલું. જોકે, દિવસનો એક કલાક તેઓ ગરીબ દર્દીઓની સારવાર-સંભાળ માટે ફાળવતા હતા. એક ડૉક્ટર તરીકે તેમનું પ્રદાન વધારે ઉત્કૃષ્ટ હતું કે એક રાજનેતા તરીકેનું, એનો નિર્ણય અઘરો પડે, એવાં અનેક મહાકાર્યો ડૉ. રૉયના નામે બોલે છે. અને એટલે જ તેમને ઈ.સ. 1961માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા.
 

પરમ દિવસે એટલે કે પહેલી જુલાઈના રોજ દેશમાં રાષ્ટ્રીય ડૉક્ટર ડેની ઉજવણી કરાશે. દેશમાં મેડિકલ ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન આપનારા ડૉ. બી.સી. રૉયના સ્મરણમાં જ રાષ્ટ્રીય ડૉક્ટર ડે ઊજવાય છે. ડૉ. રૉય અને શેક્સપિયર વચ્ચે એક સામ્યતા એ છે કે બન્નેના જન્મ દિવસ અને મૃત્યુ દિવસ એક જ તારીખે આવે છે. આમ, 1 જુલાઈ, 1882ના રોજ બિહારના પટના ખાતે જન્મેલા ડૉ. રૉયનું નિધન કોલકાતા ખાતે 1 જુલાઈ, 1962ના રોજ થયું હતું. 

આજે મેડિકલ ક્ષેત્રનું વેપારીકરણ થઈ ગયું છે અને ડૉક્ટરની ભાવના અને ભૂમિકામાં બહુ ફરક પડી ગયો છે. ડૉક્ટરમાં દેવનાં દર્શન કરનારા દર્દીઓ જ્યારે હોસ્પિટલનું બિલ જુએ છે ત્યારે જાણે કોઈ દૈત્યે લૂંટી લીધા હોય, એવા ભાવ જાગી જાય એવો સમય આવી ગયો છે. દેશના ડૉક્ટર્સ જો ડૉ. બી.સી. રૉય જેવાને પોતાના રોલમૉડલ ગણે તો ભાગ્યે જ કોઈ દર્દી સારવારથી વંચિત રહે. જીવન અને મૃત્યુ તો ઉપરવાળાના હાથમાં છે, પણ દેશના દરેક નાગરિકને સમયસર સારવાર મળે, એ તો દેશના ડૉક્ટરની નૈતિક ફરજ છે. દર્દીના દુ:ખો દૂર કરનારા ડૉક્ટર્સને સલામ સાથે હેપી ડૉક્ટર્સ ડે ઇન એડવાન્સ!


(‘દિવ્ય ભાસ્કર’ની 29 જૂન, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Thursday, June 23, 2016

વર્ષાઋતુમાં જાગતો વેરી

દિવ્યેશ વ્યાસ


મલેરિયા દર વર્ષે પાંચ લાખ લોકોને ભરખી જાય છે. જોકે, 26 વર્ષના જ્હોન લેવાનડોવ્સ્કીની નવી શોધે આશા જગવી છે


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

વર્ષાઋતુનું આગમન થઈ ચૂક્યું છે. ઝરમરતા વરસાદની મજા કંઈક ઔર જ હોય છે. પ્રેમ હોય કે વિરહ, લાગણીઓને તીવ્ર કરતી આ ઋતુમાં સર્જાતો માહોલ મનભાવન હોય છે. વર્ષાઋતુમાં વરસતું જળ ખરા અર્થમાં જીવન સમું હોય છે. ધરતી પર અનેક જીવોને નવજીવન બક્ષતી ઋતુનું એક કાળું પાસું પણ છે. અલબત્ત, એ માટે કુદરત નહીં, આપણે જ જવાબદાર છીએ. વરસાદની મજાની સાથે ચોમાસામાં મચ્છરની સજા પણ મળતી હોય છે. આ ઋતુમાં મચ્છરજન્ય રોગો કાળો કેર વર્તાવતા હોય છે. મચ્છરજન્ય રોગોમાં સૌથી જૂની બીમારી છે- મલેરિયા. છેલ્લાં કેટલાંક વર્ષોથી ડેન્ગ્યૂ, ચિકનગુનિયા અને ઝિકા વાયરસે પણ માથું ઊંચક્યું છે, પરંતુ મલેરિયાનું જોખમ બહુ વ્યાપક છે.

મલેરિયાનું નામ પડતાં કેન્સર કે એઇડ્સ જેવો ભય વ્યાપતો નથી, છતાં પણ વિશ્વ આરોગ્ય સંસ્થાનો લેટેસ્ટ રિપોર્ટ જણાવે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મલેરિયાના કેસો અને તેનાથી થતાં મૃત્યુમાં ઘટાડો થયો છે, છતાં આજે પણ દર 30 સેકન્ડે એક બાળક મલેરિયાને કારણે મરણને શરણ થાય છે. ભારત જેવા એશિયાના દેશોમાં મલેરિયા માત્ર અંતરિયાળ વિસ્તારોમાં જ ઘાતક બને છે, છતાં આફ્રિકન દેશોમાં મલેરિયા એટલે મોત, એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી. મલેરિયાનું સૌથી વધુ જોખમ સગર્ભા મહિલાઓ અને 0થી 5 વર્ષનાં બાળકો પર રહેતું હોય છે. મલેરિયાને કારણે મૃત્યુ પામતાં બાળકોમાં 90 ટકા આફ્રિકન દેશોનાં હોય છે.

વિશ્ન આરોગ્ય સંસ્થાના અહેવાલ અનુસાર 2000 પછીનાં વર્ષોમાં મલેરિયાથી મરનારા લોકોની સંખ્યામાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે. છતાં 2015માં બે કરોડ, 14 લાખ લોકોને મલેરિયાએ પોતાની ઝપટમાં લીધા હતા અને તેમાંથી ચાર લાખ 38 હજાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. દુનિયામાં આતંકવાદની આપણે જેટલી ગંભીરતાથી ચર્ચા અને ચિંતા કરીએ છીએ, એટલી મલેરિયા જેવી માનવભક્ષી બીમારીઓ વિશે ભાગ્યે જ કરીએ છીએ.

ગત 25મી એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ નિમિત્તે અહેવાલો વાંચવા મળ્યા હતા કે વર્ષોની જહેમત અને જનજાગૃતિને કારણે યુરોપ હવે મલેરિયાથી સાવ મુક્ત થઈ ગયું છે. 2015ના વર્ષમાં સમગ્ર યુરોપમાં મલેરિયાનો એક પણ કેસ નોંધાયો નહોતો. વિશ્વ આરોગ્ય સંસ્થા અને અનેક દેશોની સરકારોએ 2020 સુધીમાં 21 દેશોને મલેરિયામુક્ત કરવાનો નિર્ધાર કરેલો છે. ગત ફેબ્રુઆરીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ દેશની 82 ટકા વસતી પર મલેરિયાનું જોખમ હોવાનું સ્વીકારવા સાથે દેશને 2030 સુધીમાં મલેરિયામુક્ત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મલેરિયા નિવારી શકાય એવો રોગ છે, પરંતુ જાગૃતિ અને ઝડપી સારવારના અભાવે તે ઘાતક પુરવાર થતો હોય છે. મલેરિયાથી થતાં મોતને નિવારવા માટે ઝડપી નિદાન અતિ આવશ્યક છે. મલેરિયાનું નિદાન બે પદ્ધતિથી થાય છે, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં માઇક્રોસ્કોપિક ટેસ્ટ માટેની સુવિધા ઉપલબ્ધ હોતી નથી. વળી, આ ટેસ્ટ માટેનાં સાધનો-યંત્રો પણ બહુ મોંઘાં હોવાથી ગરીબ દેશો અને ગ્રામીણ પ્રદેશો સુધી તેની પહોંચ શક્ય બનતી નથી. જોકે, તાજેતરમાં થયેલી એક ડિવાઇસની શોધે ઘણી આશા જગાવી છે.

અમેરિકાની માસાચ્યુસેટ્સ યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી. કરતા વિદ્યાર્થી અને માત્ર 26 વર્ષના જ્હોન લેવાનડોવ્સ્કી (John Lewandowski)એ રેપિડ એસેસમેન્ટ ઑફ મલેરિયા (રેમ) નામનું ડિવાઇસ વિકસાવ્યું છે. બેટરીથી ચાલતું આ ડિવાઇસ માત્ર 100થી 120 ડૉલર એટલે કે 6000થી 7000માં ઉપલબ્ધ થઈ શકે એમ છે. આ ટચૂકડું અને સસ્તું ડિવાઇસ મલેરિયાથી થતાં મૃત્યુને નિવારવામાં બહુ ઉપકારક નીવડી શકે એમ છે. ચાર બાય ચારના પ્લાસ્ટિક બૉક્સમાં આવી જતાં આ ડિવાઇસમાં લેસર, ચુંબકો, એલસીડી સ્ક્રીન અને એસડી કાર્ડ સ્લોટ અપાયેલાં છે. નિષ્ણાતોના મતે આ ડિવાઇસ આગળ જતાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝિકા વાઇરસ જેવા મચ્છરજન્ય રોગોના નિદાનમાં પણ ઉપયોગી બની શકે છે.

જ્હોન લેવાનડોવ્સ્કીના આ ડિવાઇસનું ઇન્ડિયા કનેક્શન એ છે કે તેના પ્રયોગો ભારતમાં કરવામાં આવ્યા છે. 2013થી ભારતમાં આશરે 250 પેશન્ટ્સનું નિદાન આ ડિવાઇસથી કરાયું છે અને તેનાં પરિણામમાં 93થી 97 ટકા સુધી ચોકસાઈ હોવાનું જોવા મળ્યું છે. નાઇજીરિયામાં 5000 દર્દીઓ પર આનો પ્રયોગ કરવામાં આવશે અને પછી તેને માર્કેટમાં મુકાશે.

આપણી મુશ્કેલી એ છે કે હત્યારા મતીનની ચર્ચા કરીએ છીએ, એટલી ચર્ચા જ્હોન લેવાનડોવ્સ્કીની કરતા નથી.

(‘દિવ્ય ભાસ્કર’ની 22મી જૂન, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)