દિવ્યેશ વ્યાસ
કેન્સર ધીમે ધીમે પોતાનો કાળો કેર વર્તાવતું જાય છે ત્યારે તેની સામે યુદ્ધ લડવા સ્ટ્રોંગર ધેન કેન્સર્સ બનવું જરૂરી છે
(તસવીરો ગૂગલ ઇમેજ અને આ બન્ને યૌદ્ધાઓની વેબસાઇટ્સ પરથી લીધેલી છે, જેનો દિપક ઇનામદારે કોલાજ કરી આપ્યો છે.)
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા પ્રકાશિત એક અહેવાલ અનુસાર વૈશ્વિક સ્તરે પાંચ પુરુષોમાંથી એક પુરુષ અને છ મહિલાઓમાંથી એક મહિલાને 75 વર્ષની ઉંમર પહેલાં કેન્સર થઈ શકે છે. આઠ પુરુષોમાંથી એક પુરુષ અને 12 મહિલાઓમાંથી એક મહિલા કેન્સરને કારણે મૃત્યુ પામી શકે છે. તાજા આંકડા અનુસાર દર વર્ષે 1 કરોડ 40 લાખ લોકોને કેન્સરનું નિદાન થાય છે. એક અંદાજ મુજબ 2025 સુધીમાં આ આંકડો વધીને 1 કરોડ 90 લાખે પહોંચી શકે અને 2035માં તો 2 કરોડ 40 લાખ લોકો દર વર્ષે કેન્સરનો ભોગ બને, એવી આશંકા સેવાઈ રહી છે. આ આંકડા ગંભીર ચેતવણી રૂપ છે. આપણી બદલાયેલી જીવનશૈલી, ભોજનની ટેવો, ખોરાકની ગુણવત્તા અને પ્રદૂષણને લીધે બદલાયેલા હવા-પાણીને કારણે કેન્સરના કેસોમાં દિનબદિન વધારો થતો જાય છે. માન્યામાં ન આવે તો કોઈ પણ કેન્સર હોસ્પિટલમાં ક્યારેક ડોકિયું કરજો, કેન્સરના દર્દીઓની લંબાતી લાઇન સતત વધતી જ જોવા મળે છે.
નિદાન અને સારવારની આધુનિક તકનીક અને પદ્ધતિઓ ઉપલબ્ધ બની છે ત્યારે ‘કેન્સર એટલે કેન્સલ’વાળી વાત હવે ભૂતકાળ બની ગઈ છે. પ્રારંભિક તબક્કાના કેન્સર હવે ક્યોરેબલ બન્યા છે. જોકે, કેન્સરની સારવાર હજુ અફોર્ડેબલ નથી બની, પણ એ ચર્ચાનો સાવ જુદો જ મુદ્દો છે, એટલે એની વિગતમાં ઊંડા ઊતરવું નથી. ટૂંકમાં, કેન્સર સામે લડાઈ લડી શકાય છે અને જીતી પણ શકાય છે. અહીં સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે લડાઈ લડવી પડે છે! કેન્સરના દર્દીની સેવા-સુવિધા માટે સમગ્ર પરિવાર હાજર હોય, છતાં પણ રોગ સામેની ખરી લડાઈ તો દર્દીએ પોતે જ લડવી પડતી હોય છે. શરીરમાં પેસેલા કર્ક રોગના ઝેર અને જાળાને મારી-હટાવીને કેન્સરને દેહવટો આપવા માટે એક લાંબી લડાઈ માટે શારીરિક અને ખાસ તો માનસિક રીતે સજ્જ થવું જરૂરી છે.
કેન્સરની સારવારમાં સર્જરી, કીમોથેરપી કે રેડિયેશન જેવી પ્રક્રિયામાંથી પસાર થવું એ આગના દરિયાને પાર કરવા જેટલું કપરું હોય છે. આ પ્રક્રિયામાં અપાર સહનશક્તિની સાથે સાથે સકારાત્મક વલણ તથા કેન્સરને હરાવવા માટે શૌર્યની ખાસ જરૂર પડતી હોય છે.
કેન્સર સામે કેસરિયા કર્યા વિના જંગ જીતી શકાતો નથી. કેન્સરના દર્દીઓમાં જુસ્સો ટકાવવા અને મદદરૂપ થવા માટે રાહુલ યાદવ નામના દિલ્હીના એક કેન્સરપીડિત યુવાને ‘યોદ્ધાઝ’ નામનું ભારતનું સૌપ્રથમ ઓનલાઇન સપોર્ટ નેટવર્ક (https://www.yoddhas.com/)ઊભું કર્યું છે. આ નેટવર્કમાં કેન્સર સામે ઝઝૂમી રહેલા લોકો પોતાની વાત રજૂ કરી છે અને અન્યોની વાત જાણી શકે છે. આ નેટવર્ક થકી તેમને માર્ગદર્શન પણ મળે છે અને સાંત્વના પણ સાંપડે છે. એટલું જ નહીં, કેન્સર સામે જંગે ચડેલા યોદ્ધાઓ એકબીજાને મદદરૂપ પણ બને છે. પોતાના જુસ્સા અને ઝુંઝારું વૃત્તિથી ત્રણ ત્રણ વખત કેન્સરને હરાવનારા રાહુલ યાદવનું 2017ના અંતમાં મોત થયું, પરંતુ એમનું મોત યુદ્ધ મેદાનમાં લડતાં લડતાં થયું. મોત થયું પણ તેઓ હાર્યા નહીં.
દિલ્હીનાં જ મોનિકા બક્ષી, જેઓ બ્લડ કેન્સરથી પીડિત હતાં, તેમણે કેન્સર સામેનો જંગ જીતી ગયેલા લોકોની વાત કરતી વેબસાઇટ શરૂ કરી હતી, જેનું નામ રાખ્યું હતું. www.strongerthancancers.com. મોનિકાબહેન આ વેબસાઇટ થકી એવું પુરવાર કરવાનો પ્રયાસ કરવા માગતાં હતાં કે કેન્સર સામે લડી શકાય છે અને જંગ જીતી શકાય છે. કેન્સર સામેનો જંગ જીતવો હોય તો સ્વાભાવિક છે કે કેન્સર કરતાં પણ સ્ટ્રોંગર થવું પડે. જે લોકો સ્ટ્રોંગર બની બતાવે છે, તેઓ જંગ જીતી શકે છે.
રાહુલભાઈ અને મોનિકાબહેન જેવાં અન્ય પણ લોકો અને સંસ્થાઓ પણ છે, જેઓ કેન્સર સામેના જંગમાં જુસ્સો વધારવાનું પુણ્ય કાર્ય કરી રહ્યાં છે. સૌ કેન્સર યોદ્ધાઓને નવા વર્ષનાં અભિનંદન!
(‘દિવ્ય ભાસ્કર’ની 3 જાન્યુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)
No comments:
Post a Comment