દિવ્યેશ વ્યાસ
ઘણા યુવાનો પેડલ-મેન બનવા ઉત્સુક હોય છે, પરંતુ માળખાકીય સુવિધાનો અભાવ અને પ્રતિષ્ઠાના પોકળ ખ્યાલો નડી જતા હોય છે
(નોએડામાં ખાસ સાઇકલ માટે બનાવાયેલો ટ્રેક. આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)
સાઇકલ. આ ચાર અક્ષરનું નામ ધરાવતી સાઇકલ વાહન-વિશ્વમાં કક્કા (એબીસીડી) જેવું સ્થાન અને માન ધરાવે છે. મોટા ભાગના લોકો પોતાની જિંદગીમાં સૌથી પહેલું કોઈ વાહન શીખતા-ચલાવતા હોય તો તે સાઇકલ જ છે. સાઇકલ સાથે દરેકનાં કોઈ ને કોઈ સંભારણાં જોડાયેલાં જ હોય છે. ક્યારેક ‘સાઇકલ મારી સરરર જાય... ટ્રિન ટ્રિન ટોકરી વગાડતી જાય...’ ગીત સંભળાઈ જાય તો બાળપણ અને શાળાજીવનના અનેક પ્રસંગો માનસપટ પર ઊપસી આવતા હોય છે.
આમ તો સાઇકલ આપણું લાડકું વાહન છે, પરંતુ મોટા થયા પછી સાઇકલ સાથેની લેણાદેણી પૂરી કરી નાખવામાં આવતી હોય છે. સાઇકલ સાથેનો સંબંધ ખોટકી-અટકી પડવા પાછળનું કારણ એ છે કે આપણે ત્યાં વાહનને પણ મોભા-પ્રતિષ્ઠાની દૃષ્ટિએ જોવામાં આવે છે. પ્રતિષ્ઠા ઉપરાંતનો બીજો મહત્ત્વપૂર્ણ મુદ્દો આપણી ખામીયુક્ત માર્ગ-પરિવહન વ્યવસ્થાનો પણ છે. સાંકડા અને દબાણથી વધારે સાંકડા બનેલા રસ્તાઓ, બેફામ ડ્રાઇવિંગ, સતત વધતી ટ્રાફિક સમસ્યાઓ, ટ્રાફિક સેન્સનો અભાવ, માર્ગ-વ્યવસ્થામાં તકનીકી ખામીઓ અને ખાડાઓના સામ્રાજ્યને કારણે સાઇકલચાલક માટે આપણા રસ્તાઓ જોખમી પુરવાર થઈ રહ્યા છે. માર્ગ પરિવહન અને હાઇ-વે મંત્રાલયના ટ્રાન્સપોર્ટ રિસર્ચ વિંગના અહેવાલ અનુસાર વર્ષ 2011થી 2015ના પાંચ વર્ષના ગાળામાં 25,435 સાઇકલ-ચાલકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. આ આંકડો જોતાં આપણા દેશમાં સાઇકલ ચલાવવી કેટલી જોખમી છે, એ સમજાય છે. જોકે, છેલ્લા એક દાયકાથી આપણાં શહેરોમાં સાઇકલ ચલાવવાનું ચલણ વધે એ માટે પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સરકાર તથા નગરપાલિકાઓ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમુક શહેરોમાં તો સાઇકલ સંબંધિત પ્રોજેક્ટને સ્માર્ટ સિટી યોજના સાથે જોડીને પણ આગળ વધારવામાં આવી રહ્યા છે.
સાઇકલ સૌથી વધારે ઇકો-ફ્રેન્ડલી વાહન છે. સાઇકલ ન તો વાયુ કે ન ધ્વનિ પ્રદૂષણ વધારે છે એ ઉપરાંત તેનું ચલણ વધે તો ટ્રાફિક-પાર્કિંગની સમસ્યાઓ પણ હળવી બની શકે છે, એટલે નાગરિકોને સાઇકલ ચલાવવા માટે પ્રોત્સાહન આપવાના પ્રયાસો શરૂ થયા છે. ગત 3 ડિસેમ્બર, 2017ના રોજ ન્યૂઝ મળ્યા કે મુંબઈના સાઇકલ શોખીનો માટે હવે દર રવિવારે સ્પેશિયલ સાઇકલ ટ્રેક ઉપલબ્ધ થશે. એનસીપીએ (નરિમાન પોઇન્ટ)થી વરલી સી લિંક સુધીનો 11 કિલોમીટરનો માર્ગ ‘સન્ડે સાઇકલ ટ્રેક’ તરીકે જાહેર કરાયો હતો, જેમાં સવારે છથી 10 સુધીના સમયમાં માત્ર સાઇકલ જ ચાલશે. આ ટ્રેક પર ચાર પોઇન્ટ્સ પર સાઇકલ અને હેલ્મેટ ભાડે મળે, એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ અગાઉ મહારાષ્ટ્ર સરકારે 2 સપ્ટેમ્બર, 2017ના રોજ મુંબઈમાં સાઇકલ ટ્રેક ડેવલપ કરવા માટે 300 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી. દસ મીટર પહોળા 39 કિલોમીટર લાંબો ટ્રેક તૈયાર કરવાની યોજના છે.
મહારાષ્ટ્રના જ અન્ય શહેરની વાત કરીએ તો એક સમયે ‘સાઇક્લિંગ કેપિટલ ઑફ ઇન્ડિયા’ ગણાતું પુના ફરી પોતાની આ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે મથી રહ્યું છે. આમ તો પુનામાં સાઇકલ માટે 300 કિમીના અલગ ટ્રેક બનાવાયેલા છે, પરંતુ તેની હાલત સારી નથી. જોકે, હવે પુના મ્યુનિ. કોર્પો. દ્વારા 2030 સુધીમાં શહેરના અડધોઅડધ રસ્તાઓ પર માત્ર સાઇકલ જ દોડે એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વર્ષ 2017માં સાઇકલ નેટવર્ક પ્લાન તૈયાર કરાયો છે અને 470 કિલોમીટરના અલગ સાઇકલ ટ્રેક માટે 300 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
સપ્ટેમ્બર, 2017માં સમાચાર મળેલા કે ન્યૂ ટાઉન કોલકાતા ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા નવા વિકસેલા શહેરમાં સાઇકલ ટ્રેક તૈયાર કરાયો છે અને લોકોને ભાડેથી સાઇકલ મળી રહે એ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો રાજકોટમાં વર્ષ 2012માં જ સાઇકલ માટે અલગ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો. લોકોને સાઇકલ ભાડે મળી રહે એ માટેના બાઇસિકલ શેરિંગ પ્રોગ્રામ માટે રાજકોટ મ્યુનિ. કોર્પો.ને 2015માં રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો. અમદાવાદમાં પણ બીઆરટીએસ અને રિવર ફ્રંટના પ્રોજેક્ટમાં સાઇક્લિંગને પ્રોત્સાહન મળે, એવા પ્રયાસો કરવામાં આવે છે.
નોએડામાં સાઇકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે અને ઘાટા લાલ રંગથી રંગવામાં આવ્યો છે. 25 કિલોમીટર લાંબો ટ્રેક બનાવાયો છે. તો ચેન્નાઈમાં પણ કુલ 14 કિલોમીટરના સાઇકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને 14 શાળાઓની આજુબાજુના વિસ્તારોમાં સાઇકલ ચલાવતા 7000 વિદ્યાર્થીઓ આનો લાભ મેળવી રહ્યા છે.
ન્યૂ યૉર્ક, સિડની, કોપનહેગન, કુઆલાલમ્પુર જેવાં આંતરરાષ્ટ્રીય શહેરોમાં સાઇક્લિંગને જબરદસ્ત પ્રોત્સાહન મળે છે અને તેનાં સારાં પરિણામો જોવા મળ્યાં છે. સાઇક્લિંગ માટે માળખાકીય સુવિધાઓ (અલાયદા રસ્તા) વધારવાની તાતી જરૂર છે. સાઇકલ માટેના અલગ ટ્રેકની સારસંભાળ-સુરક્ષા પણ થવી જોઈએ. આશા રાખીએ આપણા દેશમાં પણ સાઇકલ-ચાલકને સન્માનની નજરે જોવાનું શરૂ થાય અને એવો માહોલ સર્જાય કે યુવા પેઢી પેડલ-મેન બનવામાં સહેજેય નાનપ ન અનુભવે.
(‘દિવ્ય ભાસ્કર’ની 10 જાન્યુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)
No comments:
Post a Comment