દિવ્યેશ વ્યાસ
19 જાન્યુઆરીના રોજ ઓશોએ આ દુનિયામાંથી વિદાય લીધાને વધુ એક વર્ષ પૂર્ણ થશે. ઓશોના મૃત્યુ વિશેના મૌલિક વિચારો વાગોળીએ
(ઓશોની આ મનોહર તસવીર તેમના અનુયાયીઓ દ્વારા ચાલતી વેબસાઇટ પરથી લીધેલી છે.)
સામાન્ય રીતે ગુરુ આપણને શીખવે છે કે કઈ રીતે જીવવું, કઈ રીતે રહેવું, કેવું વર્તન રાખવું, કેવી રીતે સંકટ કે સમસ્યાઓનો સામનો કરવો, કઈ રીતે આગળ વધવું, કઈ રીતે સફળ થવું, કઈ રીતે મોક્ષ મેળવવો... પણ ઓશો રજનીશ નામના ગુરુએ આપણને શીખવ્યું હતું કે કઈ રીતે મૃત્યુને ભેટવું, કઈ રીતે મરવું, કઈ રીતે મૃત્યુના અવસરને ઉત્સવ બનાવવો, મૃત્યુને કઈ દૃષ્ટિએ જોવું, કઈ રીતે મૃત્યુનું મૂલ્યાંકન કરવું. મૃત્યુ શીખવનારા ગુરુ ઓશો રજનીશને પરમ દિવસે (19 જાન્યુઆરી, 1990) આ દુનિયામાંથી વિદાય લીધાને વધુ એક વર્ષ પૂર્ણ થશે.
ઓશો એક મૌલિક વિચારક હતા. ઓશો સાથે સહમત થઈ શકીએ કે નહીં, પરંતુ એટલું નિશ્ચિત છે કે તેમના સ્ફોટક વિચારો આજેય આપણને વિચારવા મજબૂર કરે છે. મૃત્યુ અંગે તેમને પોતાનાં અનેક ભાષણોમાં વાત કરી છે. તેમની પુણ્ય તિથિ નિમિત્તે તેમના મૃત્યુ વિશેના મૌલિક વિચારોને વાગોળવાની તક ઝડપવા જેવી છે.
ઓશો એક ઘા ને બે કટકા જેવી વાત કહેવા માટે જાણીતા હતા, તેનો એક સ્ફોટક નમૂનો જુઓ: ‘મૃત્યુ વિશે પહેલી વાત તમને એ કહેવા માગીશ કે મૃત્યુ કરતાં મોટું અસત્ય બીજું એકેય નથી. પરંતુ આપણને મૃત્યુ જ સત્ય જણાય છે. જીવનને આપણે જે સ્વરૂપ આપ્યું છે, તે પણ મૃત્યના ભયને કારણે જ આપ્યું છે. મૃત્યુના ડરથી સમાજ બનાવ્યો છે, રાષ્ટ્ર બનાવ્યું છે, પરિવાર બનાવ્યો છે, મિત્ર ભેગા કર્યા છે. મૃત્યુના ડરથી જ ધન એકઠું કરવાની દોડ જામી છે, મૃત્યુના ડરે જ પદોની આકાંક્ષા પેદા કરી છે. અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે મૃત્યુના ડરથી જ આપણે ભગવાન અને મંદિર પણ રચ્યાં છે. અને મૃત્યુ કરતાં વધારે મોટું અસત્ય બીજું એકેય નથી. એટલે મૃત્યુને સાચું માનીને આપણે જે પણ જીવનની વ્યવસ્થા ઊભી કરી છે, તે બધી પણ અસત્ય જ બની ગઈ છે.’
મૃત્યુથી આપણે સૌ ડરતા હોઈએ છીએ, પરંતુ ભાગ્યે જ એ અંગે વિચારવા તૈયાર નથી. આપણી આ ભાગેડુવૃત્તિ પર પ્રહાર કરતા ઓશોએ કહેલું, ‘આપણને મૃત્યુમાં જરાય રસ નથી. આપણને જીવન માટે જ ચિંતા છે. જીવન માટેની આ અતિ-ચિંતા માત્ર ભાગેડુવૃત્તિ છે, બસ એક ભય છે... જીવન પ્રત્યેના આ આગ્રહમાં પરિવર્તન લાવો, તમારું ધ્યાન ચારેકોર લઈ જાવ. તમે જો મૃત્યુ સાથે જોડાઈ જશો, તો પહેલી વાર તમારું જીવન પ્રગટ થઈ જશે, કારણ કે જે ક્ષણે તમે મૃત્યુ સાથે સહજ થઈ જાવ છો, તમે એવું જીવન પ્રાપ્ત કરી લો છો, જેનું મૃત્યુ થઈ શકતું નથી. જે ક્ષણે તમે મૃત્યુને જાણી લીધું, તમે એ જીવન જાણી લીધું, જે શાશ્વત છે.’
મૃત્યુને બહુ સહજ પ્રક્રિયા ગણાવીને ઓશોએ એક સુંદર વાત કરી હતી કે, ‘દરેક વસ્તુ પોતાના મૂળભૂત સ્રોત પર પાછી ફરે છે, તેણે પોતાના મૌલિક સ્રોત પર આવવું જ પડે છે. તમે જો જીવનને સમજતા હો તો તમે મૃત્યુને પણ સમજી શકો છો. જીવન પોતાના મૂળભૂત સ્રોતનું વિસ્મરણ છે, મૃત્યુ તેનું ફરીથી સ્મરણ. જીવન પોતાના મૂળ સ્રોતથી દૂર જવું છે, મૃત્યુ પોતાના ઘરે પાછા ફરવા સમાન છે.’
જીવન કરતાં મૃત્યુ કઈ રીતે વધારે મહત્ત્વપૂર્ણ છે, એ સમજાવતા ઓશો બોલેલા કે, ‘મૃત્યુ જીવન કરતાં વધારે મહત્ત્વપૂર્ણ છે. જીવન તો તુચ્છ છે, મૃત્યુ ગહન છે... જીવન તો માત્ર મૃત્યુ તરફની યાત્રા છે. તમે જો સમજી શકો કે તમારું સમગ્ર જીવન માત્ર એક યાત્રા છે અને બીજું કંઈ નહીં, ત્યારે તમે જીવનમાં ઓછા અને મૃત્યુમાં વધારે રસ લેતા થશો. અને કોઈ એક વાર જ્યારે મૃત્યુ વિશે જાણવા વધારે ઉત્સુક બને પછી તે જીવનના ગહનતમ ઊંડાણમાં જઈ શકો છો, નહિ તો તમે માત્ર સપાટી પર રહી જશો.’
મૃત્યુનું માહાત્મ્ય સમજાવતાં રજનીશ કહેતા, ‘જીવનનું મહાનતમ રહસ્ય જીવન પોતે નથી, પરંતુ મૃત્યુ છે. મૃત્યુ જીવનની પરાકાષ્ઠા છે, જીવનની પૂર્ણ ખીલવણી છે. મૃત્યુમાં સમગ્ર જીવન સમાઈ જાય છે, મૃત્યુમાં તમે ઘરે પાછા ફરો છો. જીવન, મૃત્યુ તરફ લઈ જતી તીર્થ યાત્રા છે.’
મૃત્યુની સુંદરતા કેવી હોય અને તે ક્યારે પ્રગટી શકે, એની સમજ આપતાં ઓશોએ કહેલું, ‘મૃત્યુ કુરૂપ નથી, મૃત્યુ સુંદર છે. પરંતુ મૃત્યુ એ લોકો માટે જ સુંદર છે, જેમણે પોતાની જિંદગી કોઈ અવરોધ વિના, કોઈ અંતરાયો વિના અને કોઈ પણ દબાણ-દમન વિના જીવી છે. મૃત્યુ એ લોકો માટે જ સુંદર છે જેમણે જીવવાનું સાહસ કર્યું છે, જેમણે પ્રેમ કર્યો છે, જેમણે નૃત્ય કર્યું છે, જેમણે ઉત્સવ મનાવ્યો છે.’
ઓશો રજનીશે મૃત્યુ સાથે સંકળાયેલો જીવન અંગેનો એક માપદંડ પણ આપણને આપ્યો છે, ‘આ માપદંડ હંમેશા યાદ રાખજો. કોઈ વ્યક્તિ જો પોતાના મૃત્યુનો પણ આનંદ અને ઉત્સવ મનાવી શકે તો તે દર્શાવે છે કે તેણે પોતાનું જીવન સારી રીતે જીવ્યું છે. આ ઉપરાંત બીજો કોઈ માપદંડ નથી. તમારું મૃત્યુ સાબિત કરી દેશે કે તમે કઈ રીતે જીવ્યા.’
‘આત્મા અમર છે’ એવું આપણે ત્યાં બધા કહેતા હોય છે, એમાંય ખાસ કોઈના મૃત્યુ પછી આવું આશ્વાસન અપાતું હોય છે. આ સંદર્ભે ઓશોએ ધારદાર રીતે કહેલું, ‘હું એમ નથી કહી રહ્યો કે આત્મા અમર નથી. હું એમ કહી રહ્યો છું કે આત્માની અમરતાનો સિદ્ધાંત મોતથી ડરનાર લોકોનો સિદ્ધાંત છે. આત્માની અમરતાને જાણવી બિલકુલ જુદી વાત છે. અને એ પણ ધ્યાનમાં રાખજો કે આત્માની અમરતાને એ જ જાણી શકે છે, જે જીવતેજીવત મરવાનો પ્રયોગ કરી લે છે. આ સિવાય જાણવાનો બીજો કોઈ ઉપાય નથી.’
જીવતેજીવ મરવાનો પ્રયોગ પણ ઓશોએ શીખવાડ્યો હતો. તેમણે કહેલું, ‘સમાધિમાં સાધક પોતે જ મરે છે, અને તે પોતે મૃત્યુમાં પ્રવેશ કરે છે, એટલે તે આ સત્ય જાણી લે છે કે હું અલગ છું, શરીરથી અલગ. અને જો એક વખત ખબર પડી જાય કે હું અગલ છું તો મૃત્યુ ખતમ થઈ જાય. અને એક વાર ખ્યાલ આવી જાય કે હું અલગ છું તો જીવનનો અનુભવ શરૂ થઈ જાય. મૃત્યુની સમાપ્તિ અને જીવનનો અનુભવ એક જ સરહદ પર થાય છે, એક જ સાથે થાય છે. જીવનને જાણ્યું કે મૃત્યુ ગયું, મૃત્યુને જાણ્યું તો જીવન થયું. સારી રીતે સમજી લઈએ તો આ એક જ વાતને કહેવાની બે રીત છે. આ એક જ દિશામાં ઇંગિત કરનારા બે ઈશારા છે.’
કેવી વ્યક્તિ મૃત્યુનો ઉત્સવ મનાવી શકે, એની સમજ આપતા ઓશો બોલ્યા હતા, ‘જો કોઈ વ્યક્તિ પોતાનું જીવન કોઈ ભય વિના, પ્રામાણિક રીતે, સહજ રીતે જીવી હોય તો મૃત્યુ તેનામાં કોઈ ભય પેદા નહીં કરે, જરાય નહીં. ખરેખર તો એમના માટે મૃત્યુ એક મહાન વિશ્રાંતી સ્વરૂપે આવશે. ત્યારે મૃત્યુ જીવનની પરમ ખીલવણીની જેમ આવશે. તે મૃત્યુનો પણ આનંદ લઈ શકશે, તે મૃત્યુનો પણ ઉત્સવ મનાવી શકશે.’
મૃત્યુ અંગે સાવ અલગ જ એન્ગલથી ઓશોએ કહેલુ, ‘જીવનમાં તમે ગરીબ કે અમીર હોઈ શકો છો, પરંતુ મૃત્યુમાં સૌ સમાન છે. મૃત્યુમાં સર્વાધિક સામ્યવાદ છે. તમે ગમે તે રીતે જીવો, તેનાથી કોઈ ફરક પડતો નથી. મૃત્યુ એકસમાન રીતે જ ઘટે છે. જીવનમાં સમાનતા અશક્ય છે, મૃત્યુમાં અસમાનતા અશક્ય છે.’
ઓશોના મૃત્યુ પરના મૌલિક વિચારો આપણું મૃત્યુ કેટલું સુધારી શકશે ખબર નથી પણ તેમના વિચારો આપણા જીવનને તો ચોક્કસ સુધી શકે છે. મિસ યુ ઓશો!
(‘દિવ્ય ભાસ્કર’ની 17મી જાન્યુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)
No comments:
Post a Comment