Showing posts with label Guru. Show all posts
Showing posts with label Guru. Show all posts

Wednesday, January 17, 2018

ઓશો : મૃત્યુ શીખવનારા ગુરુ

દિવ્યેશ વ્યાસ


19 જાન્યુઆરીના રોજ ઓશોએ આ દુનિયામાંથી વિદાય લીધાને વધુ એક વર્ષ પૂર્ણ થશે. ઓશોના મૃત્યુ વિશેના મૌલિક વિચારો વાગોળીએ 

(ઓશોની આ મનોહર તસવીર તેમના અનુયાયીઓ દ્વારા ચાલતી વેબસાઇટ પરથી લીધેલી છે.)

સામાન્ય રીતે ગુરુ આપણને શીખવે છે કે કઈ રીતે જીવવું, કઈ રીતે રહેવું, કેવું વર્તન રાખવું, કેવી રીતે સંકટ કે સમસ્યાઓનો સામનો કરવો, કઈ રીતે આગળ વધવું, કઈ રીતે સફળ થવું, કઈ રીતે મોક્ષ મેળવવો... પણ ઓશો રજનીશ નામના ગુરુએ આપણને શીખવ્યું હતું કે કઈ રીતે મૃત્યુને ભેટવું, કઈ રીતે મરવું, કઈ રીતે મૃત્યુના અવસરને ઉત્સવ બનાવવો,  મૃત્યુને કઈ દૃષ્ટિએ જોવું, કઈ રીતે મૃત્યુનું મૂલ્યાંકન કરવું. મૃત્યુ શીખવનારા ગુરુ ઓશો રજનીશને પરમ દિવસે (19 જાન્યુઆરી, 1990) આ દુનિયામાંથી વિદાય લીધાને વધુ એક વર્ષ પૂર્ણ થશે.

ઓશો એક મૌલિક વિચારક હતા. ઓશો સાથે સહમત થઈ શકીએ કે નહીં, પરંતુ એટલું નિશ્ચિત છે કે તેમના સ્ફોટક વિચારો આજેય આપણને વિચારવા મજબૂર કરે છે. મૃત્યુ અંગે તેમને પોતાનાં અનેક ભાષણોમાં વાત કરી છે. તેમની પુણ્ય તિથિ નિમિત્તે તેમના મૃત્યુ વિશેના મૌલિક વિચારોને વાગોળવાની તક ઝડપવા જેવી છે.

ઓશો એક ઘા ને બે કટકા જેવી વાત કહેવા માટે જાણીતા હતા, તેનો એક સ્ફોટક નમૂનો જુઓ: ‘મૃત્યુ વિશે પહેલી વાત તમને એ કહેવા માગીશ કે મૃત્યુ કરતાં મોટું અસત્ય બીજું એકેય નથી. પરંતુ આપણને મૃત્યુ જ સત્ય જણાય છે. જીવનને આપણે જે સ્વરૂપ આપ્યું છે, તે પણ મૃત્યના ભયને કારણે જ આપ્યું છે. મૃત્યુના ડરથી સમાજ બનાવ્યો છે, રાષ્ટ્ર બનાવ્યું છે, પરિવાર બનાવ્યો છે, મિત્ર ભેગા કર્યા છે. મૃત્યુના ડરથી જ ધન એકઠું કરવાની દોડ જામી છે, મૃત્યુના ડરે જ પદોની આકાંક્ષા પેદા કરી છે. અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે મૃત્યુના ડરથી જ આપણે ભગવાન અને મંદિર પણ રચ્યાં છે. અને મૃત્યુ કરતાં વધારે મોટું અસત્ય બીજું એકેય નથી. એટલે મૃત્યુને સાચું માનીને આપણે જે પણ જીવનની વ્યવસ્થા ઊભી કરી છે, તે બધી પણ અસત્ય જ બની ગઈ છે.’

મૃત્યુથી આપણે સૌ ડરતા હોઈએ છીએ, પરંતુ ભાગ્યે જ એ અંગે વિચારવા તૈયાર નથી. આપણી આ ભાગેડુવૃત્તિ પર પ્રહાર કરતા ઓશોએ કહેલું, ‘આપણને મૃત્યુમાં જરાય રસ નથી. આપણને જીવન માટે જ ચિંતા છે. જીવન માટેની આ અતિ-ચિંતા માત્ર ભાગેડુવૃત્તિ છે, બસ એક ભય છે... જીવન પ્રત્યેના આ આગ્રહમાં પરિવર્તન લાવો, તમારું ધ્યાન ચારેકોર લઈ જાવ. તમે જો મૃત્યુ સાથે જોડાઈ જશો, તો પહેલી વાર તમારું જીવન પ્રગટ થઈ જશે, કારણ કે જે ક્ષણે તમે મૃત્યુ સાથે સહજ થઈ જાવ છો, તમે એવું જીવન પ્રાપ્ત કરી લો છો, જેનું મૃત્યુ થઈ શકતું નથી. જે ક્ષણે તમે મૃત્યુને જાણી લીધું, તમે એ જીવન જાણી લીધું, જે શાશ્વત છે.’

મૃત્યુને બહુ સહજ પ્રક્રિયા ગણાવીને ઓશોએ એક સુંદર વાત કરી હતી કે, ‘દરેક વસ્તુ પોતાના મૂળભૂત સ્રોત પર પાછી ફરે છે, તેણે પોતાના મૌલિક સ્રોત પર આવવું જ પડે છે. તમે જો જીવનને સમજતા હો તો તમે મૃત્યુને પણ સમજી શકો છો. જીવન પોતાના મૂળભૂત સ્રોતનું વિસ્મરણ છે, મૃત્યુ તેનું ફરીથી સ્મરણ. જીવન પોતાના મૂળ સ્રોતથી દૂર જવું છે, મૃત્યુ પોતાના ઘરે પાછા ફરવા સમાન છે.’

જીવન કરતાં મૃત્યુ કઈ રીતે વધારે મહત્ત્વપૂર્ણ છે, એ સમજાવતા ઓશો બોલેલા કે, ‘મૃત્યુ જીવન કરતાં વધારે મહત્ત્વપૂર્ણ છે. જીવન તો તુચ્છ છે, મૃત્યુ ગહન છે... જીવન તો માત્ર મૃત્યુ તરફની યાત્રા છે. તમે જો સમજી શકો કે તમારું સમગ્ર જીવન માત્ર એક યાત્રા છે અને બીજું કંઈ નહીં, ત્યારે તમે જીવનમાં ઓછા અને મૃત્યુમાં વધારે રસ લેતા થશો. અને કોઈ એક વાર જ્યારે મૃત્યુ વિશે જાણવા વધારે ઉત્સુક બને પછી તે જીવનના ગહનતમ ઊંડાણમાં જઈ શકો છો, નહિ તો તમે માત્ર સપાટી પર રહી જશો.’

મૃત્યુનું માહાત્મ્ય સમજાવતાં રજનીશ કહેતા, ‘જીવનનું મહાનતમ રહસ્ય જીવન પોતે નથી, પરંતુ મૃત્યુ છે. મૃત્યુ જીવનની પરાકાષ્ઠા છે, જીવનની પૂર્ણ ખીલવણી છે. મૃત્યુમાં સમગ્ર જીવન સમાઈ જાય છે, મૃત્યુમાં તમે ઘરે પાછા ફરો છો. જીવન, મૃત્યુ તરફ લઈ જતી તીર્થ યાત્રા છે.’

મૃત્યુની સુંદરતા કેવી હોય અને તે ક્યારે પ્રગટી શકે, એની સમજ આપતાં ઓશોએ કહેલું, ‘મૃત્યુ કુરૂપ નથી, મૃત્યુ સુંદર છે. પરંતુ મૃત્યુ એ લોકો માટે જ સુંદર છે, જેમણે પોતાની જિંદગી કોઈ અવરોધ વિના, કોઈ અંતરાયો વિના અને કોઈ પણ દબાણ-દમન વિના જીવી છે. મૃત્યુ એ લોકો માટે જ સુંદર છે જેમણે જીવવાનું સાહસ કર્યું છે, જેમણે પ્રેમ કર્યો છે, જેમણે નૃત્ય કર્યું છે, જેમણે ઉત્સવ મનાવ્યો છે.’

ઓશો રજનીશે મૃત્યુ સાથે સંકળાયેલો જીવન અંગેનો એક માપદંડ પણ આપણને આપ્યો છે, ‘આ માપદંડ હંમેશા યાદ રાખજો. કોઈ વ્યક્તિ જો પોતાના મૃત્યુનો પણ આનંદ અને ઉત્સવ મનાવી શકે તો તે દર્શાવે છે કે તેણે પોતાનું જીવન સારી રીતે જીવ્યું છે. આ ઉપરાંત બીજો કોઈ માપદંડ નથી. તમારું મૃત્યુ સાબિત કરી દેશે કે તમે કઈ રીતે જીવ્યા.’

‘આત્મા અમર છે’ એવું આપણે ત્યાં બધા કહેતા હોય છે, એમાંય ખાસ કોઈના મૃત્યુ પછી આવું આશ્વાસન અપાતું હોય છે. આ સંદર્ભે ઓશોએ ધારદાર રીતે કહેલું, ‘હું એમ નથી કહી રહ્યો કે આત્મા અમર નથી. હું એમ કહી રહ્યો છું કે આત્માની અમરતાનો સિદ્ધાંત મોતથી  ડરનાર લોકોનો સિદ્ધાંત છે. આત્માની અમરતાને જાણવી બિલકુલ જુદી વાત છે. અને એ પણ ધ્યાનમાં રાખજો કે આત્માની અમરતાને એ જ જાણી શકે છે, જે જીવતેજીવત મરવાનો પ્રયોગ કરી લે છે. આ સિવાય જાણવાનો બીજો કોઈ ઉપાય નથી.’

જીવતેજીવ મરવાનો પ્રયોગ પણ ઓશોએ શીખવાડ્યો હતો. તેમણે કહેલું, ‘સમાધિમાં સાધક પોતે જ મરે છે, અને તે પોતે મૃત્યુમાં પ્રવેશ કરે છે, એટલે તે આ સત્ય જાણી લે છે કે હું અલગ છું, શરીરથી અલગ. અને જો એક વખત ખબર પડી જાય કે હું અગલ છું તો મૃત્યુ ખતમ થઈ જાય. અને એક વાર ખ્યાલ આવી જાય કે હું અલગ છું તો જીવનનો અનુભવ શરૂ થઈ જાય. મૃત્યુની સમાપ્તિ અને જીવનનો અનુભવ એક જ સરહદ પર થાય છે, એક જ સાથે થાય છે. જીવનને જાણ્યું કે મૃત્યુ ગયું, મૃત્યુને જાણ્યું તો જીવન થયું. સારી રીતે સમજી લઈએ તો આ એક જ વાતને કહેવાની બે રીત છે. આ એક જ દિશામાં ઇંગિત કરનારા બે ઈશારા છે.’

કેવી વ્યક્તિ મૃત્યુનો ઉત્સવ મનાવી શકે, એની સમજ આપતા ઓશો બોલ્યા હતા, ‘જો કોઈ વ્યક્તિ પોતાનું જીવન કોઈ ભય વિના, પ્રામાણિક રીતે, સહજ રીતે જીવી હોય તો મૃત્યુ તેનામાં કોઈ ભય પેદા નહીં કરે, જરાય નહીં. ખરેખર તો એમના માટે મૃત્યુ એક મહાન વિશ્રાંતી સ્વરૂપે આવશે. ત્યારે મૃત્યુ જીવનની પરમ ખીલવણીની જેમ આવશે. તે મૃત્યુનો પણ આનંદ લઈ શકશે, તે મૃત્યુનો પણ ઉત્સવ મનાવી શકશે.’

મૃત્યુ અંગે સાવ અલગ જ  એન્ગલથી ઓશોએ કહેલુ, ‘જીવનમાં તમે ગરીબ કે અમીર હોઈ શકો છો, પરંતુ મૃત્યુમાં સૌ સમાન છે. મૃત્યુમાં સર્વાધિક સામ્યવાદ છે. તમે ગમે તે રીતે જીવો, તેનાથી કોઈ ફરક પડતો નથી. મૃત્યુ એકસમાન રીતે જ ઘટે છે. જીવનમાં સમાનતા અશક્ય છે, મૃત્યુમાં અસમાનતા અશક્ય છે.’

ઓશોના મૃત્યુ પરના મૌલિક વિચારો આપણું મૃત્યુ કેટલું સુધારી શકશે ખબર નથી પણ તેમના વિચારો આપણા જીવનને તો ચોક્કસ સુધી શકે છે. મિસ યુ ઓશો!

(‘દિવ્ય ભાસ્કર’ની 17મી જાન્યુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, May 10, 2017

કોચ હોય તો રાહુલ જેવા!

દિવ્યેશ વ્યાસ

રિયાલિટી શૉથી લઈને રિયલ લાઇફમાં ગુરુ, મેન્ટર, કોચ વગેરેની વધતી ભરમાર વચ્ચે ‘રાહુલ સર’ ઉમદા છાપ છોડે છે



ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક મોહક માઇલસ્ટોન એટલે રાહુલ દ્રવિડ. ક્રિકેટવિશ્વમાં ખુદની વિકેટનું મહત્ત્વ જેટલું રાહુલ દ્રવિડે પારખ્યું અેટલું ભાગ્યે જ કોઈએ પારખ્યું છે. રાહુલની આ સમજ અને અભિગમને કારણે જ તેઓ ‘ધ વૉલ’ તરીકે વિશ્વવિખ્યાત બન્યા હતા. રન કરવાની ખોટી ઉતાવળ કે બાઉન્ડ્રી ફટકારીને ‘બહાદુર’ સાબિત થવાની ઘેલછા તેમનામાં ભાગ્યે જ જોવા મળી છે. તેઓ ‘તેલ જુઓ, તેલની ધાર જુઓ’નું ડહાપણ દાખવીને બૉલર દ્વારા ફેંકાયેલા દડાની ગતિ અને દિશાને ધ્યાનથી પારખીને જ શોટ રમવાનો આગ્રહ રાખતા હતા. દ્રવિડ દ્વારા રમાતા એક એક શોટ નયનરમ્ય બનતા  હતા. દ્રવિડ ક્લાસિક બેટ્સમેન તરીકે સમગ્ર વિશ્વમાં એક અનોખું માન અને સ્થાન ધરાવે છે. અનેક કીર્તિમાનોના સર્જક અને ઉમદા ખેલાડી એવા રાહુલ દ્રવિડને એક ક્રિકેટર તરીકે દુનિયાભરમાં જબરદસ્ત નામના મળી ચૂકી છે. રાહુલ દ્રવિડે ક્રિકેટના ત્રણેય સ્વરૂપમાંથી ખેલાડી તરીકે નિવૃત્તિ વર્ષ 2012માં લઈ લીધેલી છે અને છતાં આજે પણ દ્રવિડ સતત ચર્ચામાં રહે છે. રાહુલ દ્રવિડ હવે એક નવી ભૂમિકામાં જોવા મળી રહ્યો છે અને આ ભૂમિકા પણ તેની બેટિંગ જેવી જ ક્લાસિક ગણાઈ રહી છે. હા, તમે જાણો જ છો કે રાહુલ દ્રવિડ આજકાલ ભારત-એ અને અંડર-19ની ટીમના કોચ તરીકે કાર્યરત છે અને સિઝન પૂરતું આઈપીએલની દિલ્હી ડેરડેવિલ્સ ટીમના મેન્ટર તરીકે પણ સક્રીય છે.

રિયાલિટી શૉથી માંડીને રિયલ લાઇફમાં ગુરુ, ધર્મ ગુરુ કે આધ્યાત્મિક ગુરુ, મેનેજમેન્ટ ગુરુ, યોગ ગુરુ, મેન્ટર, કોચ વગેરેની ભરમાર વધી રહી છે. આ ગુરુઓની વચ્ચે ‘રાહુલ સર’ એક અનોખી છાપ છોડી રહ્યા છે. એક કોચ કે ગુરુ કેવો હોવો જોઈએ, એની આદર્શમૂર્તિ તરીકે દ્રવિડ સ્થાપિત થતા જાય છે. આઈપીએલમાં ગયા સપ્તાહે (મે-2017ના પહેલા સપ્તાહમાં) દિલ્હી ડેરડેવિલ્સની ટીમે જ્યારે 200 કરતાં પણ ઊંચા ટાર્ગેટ સામે 7 વિકેટે ભવ્ય વિજય હાંસલ કર્યો ત્યારે ઋષભ પંત અને સંજુ સેમસનની ફાંકડી બેટિંગની સાથે સાથે રાહુલ દ્રવિડના કોચિંગની પણ ભરપૂર પ્રશંસા થઈ હતી. આ નિમિત્તે જ ટેલિવિઝન પર વિજયના હીરોઝની મુલાકાત તેમના કોચ એટલે કે રાહુલ દ્રવિડ દ્વારા જ લેવાતી હોય, એવું જોવા મળ્યું હતું. એ ત્રણેય વચ્ચેની વાતચીત પરથી તેમની વચ્ચેની કેમેસ્ટ્રી કેટલી સ્ટ્રોંગ છે, તેનો અંદાજ આવી જતો હતો. શાનદાર વિજય અપાવનારા યુવા ખેલાડીઓ પર રાહુલ દ્રવિડે કોચ તરીકે માત્ર પ્રશંસાનાં પુષ્પો જ નહોતાં વેર્યાં. કોઈ ક્રિકેટચાહક એકાદ શાનદાર ઇનિંગ પર ઓળઘોળ થઈ શકે, પણ કોચ નહીં! દ્રવિડે આ તબક્કે પણ યુવા ખેલાડીઓને ટપારતાં કહેલું, ‘હું સંજુ અને ઋષભના પરફોર્મન્સથી ખુશ છું, પરંતુ હું ઇચ્છું છું કે આ બન્ને મેચ ફિનિશર બને અને અણનમ રહીને પાછા ફરે.’ રાહુલ દ્રવિડ જાણે છે કે એક મેચ કે એક ઇનિંગથી મહાન ખેલાડી બની જવાતું નથી. પોતાની રમતમાં રોજેરોજ સુધારો કરવો પડે છે. સતત શ્રેષ્ઠ પરફોર્મ કરવું પડે છે અને એટલે જ ખેલાડીઓના પરફોર્મન્સ માટે રાજીપો વ્યક્ત કર્યા પછી તેઓ તેમને ‘ગુરુવચન’ સંભાળવવાનું ચૂકતા નથી.

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટમાં જે નામો ચમક્યાં છે, તેની યાદી જોઈએ તો અજિંક્ય રહાણે, લોકેશ રાહુલ, કરુણ નાયર, ઋષભ પંત, મનીષ પાંડે, જયંત યાદવ, સંજુ સેમસન વગેરેને યાદ કરવા જ પડે. આ તમામ યુવા ખેલાડીઓએ એવો દમખમ દેખાડ્યો છે કે ટીમ ઇન્ડિયાના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે નિંશ્ચિંત રહી શકીએ. આ તમામ નામોમાં જો કોઈ એક સામાન્ય પરિબળ હોય તો તે છે - રાહુલ સર! તમને વિશ્વાસ ન આવતો હોય તો આ યુવા ક્રિકેટર્સના લેટેસ્ટ ઇન્ટરવ્યૂ પર એક નજર ફેરવી લેજો. સંજુ સેમસને તો ત્યાં સુધી કહેલું છે કે કોચ રાહુલ દ્રવિડ અમારા માટે ઈશ્વરના આશીર્વાદ જેવા છે! ભારતીય ખેલાડીઓ જ નહીં, પરંતુ દ્રવિડનો લાભ મેળવનારા વિદેશી ખેલાડીઓ પણ તેમની પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી.

કોચમાં અપેક્ષિત હોય એવાં આદર્શ લક્ષણો રાહુલ દ્રવિડમાં જોવા મળી રહ્યાં છે. રાહુલ દ્રવિડ પોતાની કળા, કૌશલ્ય અને અનુભવનો પૂરેપૂરો લાભ યુવા ખેલાડીઓને દિલ ખોલીને આપી રહ્યા છે. કોઈ ખેલાડી મારા કરતાં વધારે સારી નામના મેળવી લેશે તો? એવી કોઈ માંદલી માનસિકતા રાહુલના વલણ-વર્તનમાં જોવા મળતી નથી. રાહુલમાં પોતે વિશ્વવિખ્યાત ક્રિકેટર છે, એવું સહેજેય ગુમાન જોવા મળતું નથી. તેઓ યુવા ખેલાડીઓ સાથે બહુ સાહજિકતાથી જ વાતો કરે છે. ‘કોચ હું છું, હું કહું એટલું જ કરવાનું, તમને આજકાલનાને શું ખબર પડે?’ એવી વાત કે વલણ રાહુલ સર પાસેથી કદી જોવા મળતું નથી, ઊલટું કહેવાય છે કે તેઓ દરેક ખેલાડીને પોતાની વાત કરવાનો, મત રજૂ કરવાનો મોકો આપે છે. રાહુલ દ્રવિડ દરેક ખેલાડીની વાત બહુ શાંતિથી સાંભળે છે અને તેમના મંતવ્ય-મુશ્કેલીને સમજવામાં રસ દાખવે છે. ખેલાડીઓમાં આત્મવિશ્વાસનો સંચાર કરવાની કળા તો કોઈ તેમની પાસેથી શીખે! પોતાની ટીમને જ્યારે નિષ્ફળતા મળે ત્યારે ખેલાડીઓને આગળ ધરવાને બદલે પોતે જ પ્રેસ કૉન્ફરન્સમાં જવાબ આપવા પહોંચી જઈને ખેલાડીઓનો બચાવ પણ કરી જાણે છે. રાહુલ દ્રવિડ કડક કોચ નથી, પરંતુ તેમની શિસ્ત અને અભિગમની સામે યુવા ખેલાડીઓમાં આપોઆપ સમજ કેળવાય છે.

રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયાના કોચ બનવાને બદલે અંડર-19 અને ઇન્ડિયા-એ ટીમના કોચ બનવાનું પસંદ કરીને જ બતાવી આપ્યું છે કે તેમને ગ્લેમર કરતાં પણ પોતાની ગમતી એવી રમતના વિકાસમાં રસ છે. રાહુલ દ્રવિડ જેવા ગુરુ કે કોચ મળે તો બેડો પાર!

(‘દિવ્ય ભાસ્કર’ની 10મી મે, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-મૂળ પ્રત)