દિવ્યેશ વ્યાસ
રિયાલિટી શૉથી લઈને રિયલ લાઇફમાં ગુરુ, મેન્ટર, કોચ વગેરેની વધતી ભરમાર વચ્ચે ‘રાહુલ સર’ ઉમદા છાપ છોડે છે
ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક મોહક માઇલસ્ટોન એટલે રાહુલ દ્રવિડ. ક્રિકેટવિશ્વમાં ખુદની વિકેટનું મહત્ત્વ જેટલું રાહુલ દ્રવિડે પારખ્યું અેટલું ભાગ્યે જ કોઈએ પારખ્યું છે. રાહુલની આ સમજ અને અભિગમને કારણે જ તેઓ ‘ધ વૉલ’ તરીકે વિશ્વવિખ્યાત બન્યા હતા. રન કરવાની ખોટી ઉતાવળ કે બાઉન્ડ્રી ફટકારીને ‘બહાદુર’ સાબિત થવાની ઘેલછા તેમનામાં ભાગ્યે જ જોવા મળી છે. તેઓ ‘તેલ જુઓ, તેલની ધાર જુઓ’નું ડહાપણ દાખવીને બૉલર દ્વારા ફેંકાયેલા દડાની ગતિ અને દિશાને ધ્યાનથી પારખીને જ શોટ રમવાનો આગ્રહ રાખતા હતા. દ્રવિડ દ્વારા રમાતા એક એક શોટ નયનરમ્ય બનતા હતા. દ્રવિડ ક્લાસિક બેટ્સમેન તરીકે સમગ્ર વિશ્વમાં એક અનોખું માન અને સ્થાન ધરાવે છે. અનેક કીર્તિમાનોના સર્જક અને ઉમદા ખેલાડી એવા રાહુલ દ્રવિડને એક ક્રિકેટર તરીકે દુનિયાભરમાં જબરદસ્ત નામના મળી ચૂકી છે. રાહુલ દ્રવિડે ક્રિકેટના ત્રણેય સ્વરૂપમાંથી ખેલાડી તરીકે નિવૃત્તિ વર્ષ 2012માં લઈ લીધેલી છે અને છતાં આજે પણ દ્રવિડ સતત ચર્ચામાં રહે છે. રાહુલ દ્રવિડ હવે એક નવી ભૂમિકામાં જોવા મળી રહ્યો છે અને આ ભૂમિકા પણ તેની બેટિંગ જેવી જ ક્લાસિક ગણાઈ રહી છે. હા, તમે જાણો જ છો કે રાહુલ દ્રવિડ આજકાલ ભારત-એ અને અંડર-19ની ટીમના કોચ તરીકે કાર્યરત છે અને સિઝન પૂરતું આઈપીએલની દિલ્હી ડેરડેવિલ્સ ટીમના મેન્ટર તરીકે પણ સક્રીય છે.
રિયાલિટી શૉથી માંડીને રિયલ લાઇફમાં ગુરુ, ધર્મ ગુરુ કે આધ્યાત્મિક ગુરુ, મેનેજમેન્ટ ગુરુ, યોગ ગુરુ, મેન્ટર, કોચ વગેરેની ભરમાર વધી રહી છે. આ ગુરુઓની વચ્ચે ‘રાહુલ સર’ એક અનોખી છાપ છોડી રહ્યા છે. એક કોચ કે ગુરુ કેવો હોવો જોઈએ, એની આદર્શમૂર્તિ તરીકે દ્રવિડ સ્થાપિત થતા જાય છે. આઈપીએલમાં ગયા સપ્તાહે (મે-2017ના પહેલા સપ્તાહમાં) દિલ્હી ડેરડેવિલ્સની ટીમે જ્યારે 200 કરતાં પણ ઊંચા ટાર્ગેટ સામે 7 વિકેટે ભવ્ય વિજય હાંસલ કર્યો ત્યારે ઋષભ પંત અને સંજુ સેમસનની ફાંકડી બેટિંગની સાથે સાથે રાહુલ દ્રવિડના કોચિંગની પણ ભરપૂર પ્રશંસા થઈ હતી. આ નિમિત્તે જ ટેલિવિઝન પર વિજયના હીરોઝની મુલાકાત તેમના કોચ એટલે કે રાહુલ દ્રવિડ દ્વારા જ લેવાતી હોય, એવું જોવા મળ્યું હતું. એ ત્રણેય વચ્ચેની વાતચીત પરથી તેમની વચ્ચેની કેમેસ્ટ્રી કેટલી સ્ટ્રોંગ છે, તેનો અંદાજ આવી જતો હતો. શાનદાર વિજય અપાવનારા યુવા ખેલાડીઓ પર રાહુલ દ્રવિડે કોચ તરીકે માત્ર પ્રશંસાનાં પુષ્પો જ નહોતાં વેર્યાં. કોઈ ક્રિકેટચાહક એકાદ શાનદાર ઇનિંગ પર ઓળઘોળ થઈ શકે, પણ કોચ નહીં! દ્રવિડે આ તબક્કે પણ યુવા ખેલાડીઓને ટપારતાં કહેલું, ‘હું સંજુ અને ઋષભના પરફોર્મન્સથી ખુશ છું, પરંતુ હું ઇચ્છું છું કે આ બન્ને મેચ ફિનિશર બને અને અણનમ રહીને પાછા ફરે.’ રાહુલ દ્રવિડ જાણે છે કે એક મેચ કે એક ઇનિંગથી મહાન ખેલાડી બની જવાતું નથી. પોતાની રમતમાં રોજેરોજ સુધારો કરવો પડે છે. સતત શ્રેષ્ઠ પરફોર્મ કરવું પડે છે અને એટલે જ ખેલાડીઓના પરફોર્મન્સ માટે રાજીપો વ્યક્ત કર્યા પછી તેઓ તેમને ‘ગુરુવચન’ સંભાળવવાનું ચૂકતા નથી.
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટમાં જે નામો ચમક્યાં છે, તેની યાદી જોઈએ તો અજિંક્ય રહાણે, લોકેશ રાહુલ, કરુણ નાયર, ઋષભ પંત, મનીષ પાંડે, જયંત યાદવ, સંજુ સેમસન વગેરેને યાદ કરવા જ પડે. આ તમામ યુવા ખેલાડીઓએ એવો દમખમ દેખાડ્યો છે કે ટીમ ઇન્ડિયાના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે નિંશ્ચિંત રહી શકીએ. આ તમામ નામોમાં જો કોઈ એક સામાન્ય પરિબળ હોય તો તે છે - રાહુલ સર! તમને વિશ્વાસ ન આવતો હોય તો આ યુવા ક્રિકેટર્સના લેટેસ્ટ ઇન્ટરવ્યૂ પર એક નજર ફેરવી લેજો. સંજુ સેમસને તો ત્યાં સુધી કહેલું છે કે કોચ રાહુલ દ્રવિડ અમારા માટે ઈશ્વરના આશીર્વાદ જેવા છે! ભારતીય ખેલાડીઓ જ નહીં, પરંતુ દ્રવિડનો લાભ મેળવનારા વિદેશી ખેલાડીઓ પણ તેમની પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી.
કોચમાં અપેક્ષિત હોય એવાં આદર્શ લક્ષણો રાહુલ દ્રવિડમાં જોવા મળી રહ્યાં છે. રાહુલ દ્રવિડ પોતાની કળા, કૌશલ્ય અને અનુભવનો પૂરેપૂરો લાભ યુવા ખેલાડીઓને દિલ ખોલીને આપી રહ્યા છે. કોઈ ખેલાડી મારા કરતાં વધારે સારી નામના મેળવી લેશે તો? એવી કોઈ માંદલી માનસિકતા રાહુલના વલણ-વર્તનમાં જોવા મળતી નથી. રાહુલમાં પોતે વિશ્વવિખ્યાત ક્રિકેટર છે, એવું સહેજેય ગુમાન જોવા મળતું નથી. તેઓ યુવા ખેલાડીઓ સાથે બહુ સાહજિકતાથી જ વાતો કરે છે. ‘કોચ હું છું, હું કહું એટલું જ કરવાનું, તમને આજકાલનાને શું ખબર પડે?’ એવી વાત કે વલણ રાહુલ સર પાસેથી કદી જોવા મળતું નથી, ઊલટું કહેવાય છે કે તેઓ દરેક ખેલાડીને પોતાની વાત કરવાનો, મત રજૂ કરવાનો મોકો આપે છે. રાહુલ દ્રવિડ દરેક ખેલાડીની વાત બહુ શાંતિથી સાંભળે છે અને તેમના મંતવ્ય-મુશ્કેલીને સમજવામાં રસ દાખવે છે. ખેલાડીઓમાં આત્મવિશ્વાસનો સંચાર કરવાની કળા તો કોઈ તેમની પાસેથી શીખે! પોતાની ટીમને જ્યારે નિષ્ફળતા મળે ત્યારે ખેલાડીઓને આગળ ધરવાને બદલે પોતે જ પ્રેસ કૉન્ફરન્સમાં જવાબ આપવા પહોંચી જઈને ખેલાડીઓનો બચાવ પણ કરી જાણે છે. રાહુલ દ્રવિડ કડક કોચ નથી, પરંતુ તેમની શિસ્ત અને અભિગમની સામે યુવા ખેલાડીઓમાં આપોઆપ સમજ કેળવાય છે.
રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયાના કોચ બનવાને બદલે અંડર-19 અને ઇન્ડિયા-એ ટીમના કોચ બનવાનું પસંદ કરીને જ બતાવી આપ્યું છે કે તેમને ગ્લેમર કરતાં પણ પોતાની ગમતી એવી રમતના વિકાસમાં રસ છે. રાહુલ દ્રવિડ જેવા ગુરુ કે કોચ મળે તો બેડો પાર!
(‘દિવ્ય ભાસ્કર’ની 10મી મે, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-મૂળ પ્રત)
No comments:
Post a Comment