Wednesday, May 17, 2017

સુરેશભાઈનો સ્વાવલંબન મંત્ર

દિવ્યેશ વ્યાસ


ઊર્જાના મામલે સંપૂર્ણ સ્વાવલંબન કેળવનારા ચેન્નઈના સુરેશભાઈ પાસેથી આપણે સૌએ ઘણું શીખવા જેવું છે

(સુરેશભાઈની તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

જરા વિચાર કરો કે તમારા ઘરમાં 25 બલ્બ અને ટ્યૂબલાઇટ્સ, 11 પંખા,  ટીવી, રેફ્રિજરેટર, કમ્પ્યૂટર, પાણી માટેનો પમ્પ, વૉશિંગ મશીન, મિક્સર-ગ્રાઇન્ડર, ઓવન અને એસી પણ હોય તો તમારું લાઇટ (વીજળી) બિલ કેટલું આવે? ત્રણેક હજાર તો પાક્કું અને ઉનાળો હોય તો પાંચ હજાર કરતાં પણ વધારે લાઇટ બિલ આવી જાય, ખરુંને? પણ ચેન્નાઈમાં રહેતા ડી. સુરેશ આ તમામ વીજ ઉપકરણો છૂટથી વાપરે છે, પરંતુ તેમનું વીજળીનું બિલ છે - ઝીરો (શૂન્ય)! છેલ્લાં ચાર વર્ષથી તેમના ઘરે એક પણ મિનિટ માટે વીજપ્રવાહ અટક્યો નથી. ચેન્નાઈમાં વાવાઝોડું ફુંકાયેલું ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગૂલ હતી ત્યારે પણ સુરેશભાઈના ઘરના દીવા ઝળહળતા હતા. સુરેશભાઈ પાસે એક જબરદસ્ત શક્તિ છે, જેનો ઉપયોગ કરીને તેઓ પોતાના ઘરમાં ચોવીસેય કલાક વીજળી મેળવે છે. તમારી પાસે એવી કોઈ જબરદસ્ત શક્તિ હોય તો? લાંબું વિચારવાની જરૂર નથી, મારી, તમારી અને આપણી સૌ પાસે એ શક્તિ ઉપલબ્ધ જ છે, પરંતુ કદાચ આપણને એની પરવા નથી. એ શક્તિ એટલે સૌરઊર્જા.

ઉનાળાના ધોમધખતા તાપમાં આપણે મનોમન સૂરજદાદા પર ‘ગરમ’ થઈ જતાં હોઈએ છીએ, પરંતુ સૂરજદાદાના તાપ અને તેજનો ઉપયોગ કરવાના મામલે સાવ ‘ટાઢા’ પુરવાર થઈ રહ્યા છીએ. સૂર્યદેવના આશીર્વાદથી ઊર્જા સ્વાવલંબી બનેલા ચેન્નાઈના સુરેશભાઈએ એક અંગ્રેજી પોર્ટલને જણાવેલું કે થોડાં વર્ષો પહેલાં એમણે જ્યારે જર્મનીની મુલાકાત લીધી ત્યારે જોયું કે ત્યાંનાં ઘરો પર સોલર પેનલ લાગેલી હતી અને તેઓ સૌર ઊર્જાનો ભરપૂર લાભ ઉઠાવતા હતા. એ જોઈને તેમને થયું કે જર્મની કરતાં તો આપણા દેશ પર સૂરજદાદાની વધારે કૃપા છે એટલે આપણા દેશમાં સૌર ઊર્જાનો મહત્તમ લાભ લેવાવો જોઈએ. તેમણે પાછા આવીને પોતાના ઘર પર રૂફ ટોપ સોલર પેનલ લગાવીને સૌર ઊર્જાનો લાભ લેવાનું શરૂ કર્યું. સૌર ઊર્જા થકી સ્વાવલંબનનો સફળ પ્રયોગ કરનારા સુરેશભાઈ હવે ‘સોલાર સુરેશ’ તરીકે જાણીતા બન્યા છે અને ‘ડાઉન ટુ અર્થ’ જેવા પર્યાવરણવાદી સામયિકોમાં ચમક્યા છે.

સુરેશભાઈએ આઈઆઈટી-મદ્રાસ અને આઈઆઈએમ-અમદાવાદમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં લાંબી કારકિર્દી દરમિયાન એમડીથી સીઈઓ સુધીનાં મહત્ત્વપૂર્ણ પદો પર કામ કરવાનો અનુભવ ધરાવે છે. 70થી વધારે દિવાળીઓ જોઈ ચૂકેલા સુરેશભાઈ સૌર ઊર્જા મેળવવા ઉપરાંત સ્વાવલંબી જીવનશૈલી માટે પ્રયોગો કરતા રહે છે. સુરેશભાઈએ રૂફ ટોપ સોલર પેનલ ઉપરાંત પોતાના ઘરમાં વરસાદી પાણીના જળસંગ્રહની વ્યવસ્થા ઊભી કરી છે. તેમના ઘર-છાપરા પર પડતું એક પણ ટીપું વેડફાતું નથી. પાઇપલાઇન થકી પાણી આપોઆપ ફિલ્ટર થઈને સમ્પ (બોરવેલ)માં વહી જાય અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય એવી સિસ્ટમ તેમણે ગોઠવી છે. સુરેશભાઈના ઘરના રસોડામાંથી નીકળતો કચરો અને એંઠવાડને ફેંકી દેવાતો નથી, પરંતુ તેને બાયોગેસ પ્લાન્ટમાં નાખવામાં આવે છે. બાયોગેસ પ્લાન્ટ થકી તેમના ઘરના રસોડાને પૂરતા પ્રમાણમાં ગેસ મળી રહે છે. વળી, બાયોગેસ પ્લાન્ટમાંથી પેદા થતા ખાતરનો પણ તેઓ પોતાના કિચન ગાર્ડનમાં જ ઉપયોગ કરી લે છે. હા, તેમણે પોતાના ઘરના ધાબે કિચન ગાર્ડન પણ વિકસાવ્યો છે. સુરેશભાઈ કહે છે કે કિચન ગાર્ડનમાં તેઓ રોજિંદાં શાકભાજી આસાનીથી ઉગાડી લે છે.

આમ, સુરેશભાઈ સૌર ઊર્જા, બાયોગેસ પ્લાન્ટ, વરસાદી પાણીના સંગ્રહ, કિચન ગાર્ડન વગેરે થકી તેઓ એક ‘સ્વાવલંબી ઘર અને જીવન’ની કલ્પના સાકાર કરવા મથે છે. સુરેશભાઈ કરી શકે છે, એવું કે એમાંનું કંઈક તો આપણે કરી જ શકીએને?

(‘દિવ્ય ભાસ્કર’ની 17મી મે, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment