દિવ્યેશ વ્યાસ
અમેરિકાના સૌથી વધુ લોકપ્રિય રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગન દર સપ્તાહે રેડિયો થકી દેશને સંબોધન કરતા હતા
(રોનાલ્ડ રીગનની આ તસવીર ગૂગલ પરથી મેળવી છે.)
ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બે કહેવતો જેટલો ફરક છે. મનમોહનસિંહ ‘ન બોલ્યામાં નવ ગુણ’માં માનતા હતા તો નમો ‘બોલે તેના બોર વેચાય’માં માને છે! મનમોહનસિંહની ‘મૌનીબાબા’ તરીકે મજાક પણ ઉડાડવામાં આવતી હતી તો સામે નમો માટે ‘મેરા ભાષણ હી મેરા શાસન હૈ!’ જેવી ટિખળ કરવામાં આવી રહી છે. કેટલાક નેતાઓ નિવેદનો આપવાના મામલે બેફામ હોય છે, છતાં મોટા ભાગના રાજકીય નેતાઓ ગણતરીપૂર્વકનું જ બોલતા હોય છે. કઈ વાત કહેવાથી લોકોમાં છવાઈ જવાશે અને કયા મુદ્દે કેટલો રાજકીય લાભ થશે, એનો લાંબો વિચાર કરીને જ નિવેદનો કે ભાષણો કરવામાં આવતાં હોય છે. કાબા રાજકારણીઓ જાણતા હોય છે કે ક્યારે ગળાફાડ ગર્જનતર્જન કરવું અને ક્યારે મીંઢું મૌન ધારણ કરી લેવું!
લોકો સુધી પોતાની વાત-વિચાર પહોંચાડવા માટે ભાષણ સર્વસામાન્ય અને સર્વસ્વીકાર્ય માધ્યમ છે. ભાષણનું પ્રસારણ કરવાનાં સાધનો સતત આધુનિક થતાં ગયાં છે. ભાષણને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે લાઉડસ્પીકરથી માંડીને ફેસબુક લાઇવ સુધીના વિકલ્પો વિકાસ પામ્યા છે. જોકે, આજથી 70-80 દાયકા પહેલાં કમ્યૂનિકેશન-ટેલિકમ્યૂનિકેશનનાં સાધનો સીમિત હતાં ત્યારે રેડિયોનો જમાનો હતો. સુભાષબાબુનું ‘તુમ મુઝે ખુન દો મૈં તુમ્હે આઝાદી દુંગા’થી માંડીને પં. જવાહરલાલ નેહરુનું ‘નિયતિ સાથે આપણે એક કરાર કર્યો હતો’વાળું ભાષણ રેડિયો થકી જ દેશવાસીઓ સુધી પહોંચ્યું હતું. આપણે ત્યાં 15મી ઑગસ્ટ અને 26મી જાન્યુઆરી વગેરે રાષ્ટ્રીય પર્વો નિમિત્તે રાષ્ટ્રપતિના રાષ્ટ્રજોગ સંબોધનની લાંબી પરંપરા રહી છે, જે દાયકાઓ સુધી લોકોએ રેડિયો પર જ સાંભળ્યાં છે. અનેક નવાં માધ્યમોના ઉદય પછી રેડિયો જરા હાંસિયામાં ધકેલાઈ ગયેલો, પણ છેલ્લાં બે વર્ષથી આપણા દેશમાં રેડિયો ફરી ચર્ચામાં આવ્યો છે. પ્રચારમાં પાવરધા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો થકી લોકો સાથે સીધો સંવાદ સાધવા માટે ‘મન કી બાત’ કાર્યક્રમ શરૂ કર્યો હતો. વડાપ્રધાન મોદી દર મહિનાના છેલ્લા રવિવારે ‘મન કી બાત’ કરે છે. 3 ઑક્ટોબર-2014થી શરૂ થયેલા આ કાર્યક્રમના આજ સુધી 32 હપ્તા થયા છે. કેન્દ્ર સરકારની 3 વર્ષની ઉજવણીના માહોલમાં વડાપ્રધાનના આ રેડિયો કાર્યક્રમ અંગેનાં બે પુસ્તકો : પહેલું, ‘મન કી બાત : રેડિયો પર એક સામાજિક ક્રાંતિ’ લેખક - રાજેશ જૈન અને બીજું, ‘માર્ચિંગ વિથ અ બિલિયન’ લેખક - ઉદય માહુરકર, પ્રકાશિત થયાં છે, જેનું વિમોચન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીના હસ્તે ગયા સપ્તાહમાં થયું હતું.
રેડિયો થકી જનતાને સંબોધવાની પરંપરા મૂળે તો અમેરિકાના સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપ્રમુખોમાંના એક થિયોડોર રૂઝવેલ્ટે શરૂ કરેલી. વર્ષ 1929માં ન્યૂ યૉર્કના ગવર્નર તરીકે રૂઝવેલ્ટે ‘ફાયરસાઇડ ચેટ’ સ્વરૂપે રેડિયો સંબોધનો શરૂ કરેલા. 1933માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી રૂઝવેલ્ટે રેડિયો વાટે રાષ્ટ્રજોગ સંબોધનો કરવાની પરંપરા ઊભી કરેલી. જોેકે, તેમના પછી આવેલા રાષ્ટ્રપ્રમુખોને આવાં રેડિયો સંબોધનની કદાચ જરૂર નહીં લાગી હોય, પરંતુ અભિનેતામાંથી રાજકીય નેતા બનેલા રોનાલ્ડ રીગનને લોકો સુધી પહોંચવા માટે રૂઝવેલ્ટના રેડિયો-માર્ગે ચાલવાનું મુનાસિબ લાગ્યું હતું.
રોનાલ્ડ રીગન ઈ.સ. 1981માં અમેરિકાના 40મા રાષ્ટ્રપ્રમુખ તરીકે સત્તા પર આવ્યા હતા. રીગને રાષ્ટ્રપ્રમુખ તરીકેના પોતાનાં બે કાર્યકાળમાં આર્થિક સુધારા, કરવેરામાં ઘટાડો અને લશ્કરને વધારે સક્ષમ-સજ્જડ બનાવીને અમેરિકાને વધુ ખમીરવંતુ અને ખડતલ બનાવ્યું હતું. રાષ્ટ્રપ્રમુખ તરીકે તેમણે લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે પોતાના ગમતા એવા માધ્યમ રેડિયો પર પસંદગી ઉતારી હતી. રીગનને રેડિયો પસંદ હોવાનું પાયાનું કારણ એ હતું કે હોલિવૂડમાં અભિનેતા બન્યા પહેલાં રીગને 1932થી 1937 તરીકે રેડિયોમાં કામ કર્યું હતું. રમતગમતના રસિક એવા રીગને સ્પોર્ટ્સકાસ્ટર તરીકે અનેક રેડિયો સ્ટેશનોમાં ફરજ બજાવી હતી. રૂઝવેલ્ટનું રેડિયો સંબોધન અનિયમિત કે અમુક વિશેષ પ્રસંગો પૂરતું રહેતું પરંતુ રીગને તો રેડિયો સંબોધનને સાપ્તાહિક ધોરણે શરૂ કર્યું. રીગન નિયમિત રીતે દર શનિવારે રેડિયો થકી રાષ્ટ્રને સંબોધન કરતા હતા અને પોતાની ‘મન કી બાત’ રજૂ કરતા હતા. રીગન પછીના અમેરિકી રાષ્ટ્રપ્રમુખોએ રેડિયો સંબોધનોની પરંપરા જાળવી રાખી છે. અલબત્ત, રેડિયોનું સ્થાન સમયાંતરે વિડિયોએ લીધું છે. બરાક ઓબામા અને હવે ટ્રમ્પ પણ નિયમિત રાષ્ટ્રજોગ વિડિયો સંબોધન કરે છે.
અમેરિકાના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપ્રમુખોમાંના એક એવા રીગને પોતાના દેશના આર્થિકતંત્રને પાટા પર ચડાવવા ઉપરાંત અમેરિકન મૂલ્યો પર ભાર મૂકીને અમેરિકન જનતાના આત્મવિશ્વાસને ફરી બેઠો કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપેલું છે અને આ યોગદાનમાં તેમના રેડિયો સંબોધનોનો મોટો ફાળો મનાય છે.
રીગનના રેડિયો સંબોધનોની વાત નીકળી જ છે ત્યારે એક ચર્ચિત કિસ્સો પણ ટાંકવાનો લોભ રોકી શકાતો નથી. 11 ઑગસ્ટ, 1984ના રોજ રીગન રેડિયો સંબોધન માટે માઇક ટેસ્ટિંગ કરવા માટે એક રમૂજ કરી હતી. રીગન બોલ્યા હતા કે ‘મારા અમેરિકન ભાઈ-બહેનો, આપ સૌને એ જણાવતા મને અનહદ આનંદ થાય છે કે મેં એક હુકમ પર હસ્તાક્ષર કરી દીધા છે, જેને કારણે રશિયાનું નખોદ વળી જશે. આપણે પાંચ મિનિટ્સમાં (રશિયા પર ) બૉમ્બિંગ શરૂ કરી રહ્યા છીએ.’ આ રમૂજ કૉલ્ડવૉરના સમયગાળામાં થઈ હતી અને એટલે જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી. અલબત્ત, અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો સુધારવા માટે રીગને ખાસ્સી મહેનત કરેલી, એ પણ નોંધવું રહ્યું.
રેડિયો સંબોધનો ઉપરાંત પણ રીગનની શાસનશૈલીની એવી અનેક બાબતો છે, જે કોઈ પણ સત્તાધીશને પ્રેરણા આપી શકે.
(‘દિવ્ય ભાસ્કર’ની 31મી મે, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)
No comments:
Post a Comment