Wednesday, May 24, 2017

રેડ કાર્પેટ પર નોખી ભાત

દિવ્યેશ વ્યાસ


આત્મહત્યાના વિચારો છોડીને આત્મવિશ્વાસનું શિખર સર કરનાર વિશ્વવિખ્યાત મૉડલ વિન્ની હાર્લો એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે


(કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2017ની આ તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું નામ પડતાં જ એક ગૌરવવંતું સંભારણું યાદ આવી જાય છે. વર્ષ 1946માં યોજાયેલા સૌપ્રથમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ચેતન આનંદની ‘નીચા નગર’ ફિલ્મે મેદાન માર્યું હતું અને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનાં 70 વર્ષ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત ક્લાસિક ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ યોજાયું હતું. કમનસીબે આ ફિલ્મોની યાદીમાં ‘નીચા નગર’ને સ્થાન મળ્યું નહોતું. બેસ્ટ ફિલ્મનો પ્રથમ એવોર્ડ મેળવનાર ફિલ્મની જ અવગણના પાછળનાં કારણોમાંનું એક મુખ્ય કારણ એ મનાય છે કે ‘નીચા નગર’ ફિલ્મની પ્રિન્ટ સચવાઈ નથી! આ જ આપણી સમસ્યા છે. આપણે ભવ્ય ભૂતકાળનાં ગૌરવગાનમાં એટલા ગુલતાન રહીએ છીએ કે ભૂતકાળના અવશેષો-દસ્તાવેજો-વિગતો સાચવી રાખવાની સૂધબૂધ જ રહેતી નથી!

ચેતન આનંદ અને ‘નીચા નગર’ તો આપણે લગભગ ભૂલી જ ગયા છીએ. ઐશ્વર્યા રાય છેલ્લાં પંદરેક વર્ષથી કાન્સ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર છવાઈ જાય છે અને તેની ઝાકમઝોળ પ્રસિદ્ધિને લીધે આપણામાંના મોટા ભાગના લોકો માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જાણે રેડ કાર્પેટની ‘શૉબાજી’ છે! અધૂરામાં પૂરું છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતની અન્ય અભિનેત્રીઓને પણ રેડ કાર્પેટ પર મહાલવાનો લહાવો મળી રહ્યો છે. આ વર્ષે જ ઐશ્વર્યાની સાથે સોનમ કપૂર અને દીપિકા પાદુકોણેએ પણ રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવ્યો હતો. જોકે, આજે આ બધાથી હટીને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર ‘નોખી ભાત’ પાડનાર એક મૉડલની વાત માંડવી છે.


આ મૉડલનું નામ છે વિન્ની હાર્લો. 22 વર્ષની વિશ્વવિખ્યાત મૉડલનું સાચું નામ તો ચેન્ટેલી બ્રાઉન-યંગ છે. જમૈકાથી કેનેડામાં સ્થાયી થયેલા અશ્વેત પરિવારની આ યુવતી એક અસાધારણ ત્વચારોગથી પીડાય છે. વિન્ની જ્યારે માત્ર ચાર વર્ષની હતી ત્યારે તેની ત્વચામાં સફેદ ડાઘ પડવા માંડ્યા. અંગ્રેજીમાં વિટિલિગો તરીકે ઓળખાતો આ ત્વચારોગ ગુજરાતીમાં કોઢ તરીકે જાણીતો છે. ‘ભગવદ્્ગોમંડળ’માં લખ્યું છે કે કોઢ 18 જાતના હોય છે! વિન્નીને થયેલા કોઢમાં બીજી કોઈ શારીરિક સમસ્યા-પીડા નથી, પરંતુ શરીરના અમુક હિસ્સામાં પિગ્મેન્ટનો અભાવ પેદા થતાં ત્વચા રંગ ગુમાવીને સફેદ થઈ જાય છે. શરીર પરના આ સફેદ ડાઘ શારીરિક નહીં, પણ માનસિક પીડા જરૂર નોંતરતા હોય છે. વિન્નીએ પોતાની એક મુલાકાતમાં જણાવેલું કે, ‘હું જ્યારે શાળામાં ભણવા જતી ત્યારે સહપાઠી છોકરા-છોકરીઓ મને ‘ગાય કે ઝિબ્રા’ કહીને ચીડવતાં. કિશોરાવસ્થામાં આવી સતામણીથી પેદા થતા માનસિક સંતાપને કારણે મારે અનેક શાળાઓ છોડવી પડેલી.’

અવગણના અને અપમાનને કારણે એક તબક્કો એવો પણ આવેલો કે વિન્નીને સતત આત્મહત્યા કરવાના વિચારો આવવા લાગ્યા. વિન્નીએ એકાદ-બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કરેલો. જોકે, તેની નિયતિ કંઈક જુદી હતી. માતા-પિતા અને બહેનના સતત સાથ અને પ્રોત્સાહનને કારણે એક તબક્કા પછી તેના અભિગમમાં હકારાત્મકતાનો સંચાર થયો. જુલાઈ-2011માં વિન્નીએ યુટ્યૂબ પર ‘વિટિલિગો : અ સ્કિન કન્ડિશન, નોટ અ લાઇફ ચેન્જર’ નામનો એક વીડિયો અપલોડ કર્યો. આ વીડિયો ખૂબ જ ચર્ચિત બન્યો હતો. આ વીડિયો માટે મળેલા પ્રતિભાવોએ વિન્નીમાં આત્મવિશ્વાસ જગાડ્યો અને કંઈક કરવાની તમન્ના પેદા થઈ. આ વીડિયોના આધારે જ વિન્નીને ‘અમેરિકાઝ નેક્સ્ટ ટોપ મૉડલ’ સ્પર્ધામાં તેનાં સંચાલિકા ટાયરા બેન્ક્સ દ્વારા તક આપવામાં આવી. આ સ્પર્ધામાં વિન્ની ફાઇનલિસ્ટ બની હતી અને એ રીતે મૉડલિંગના ક્ષેત્રમાં તેની નામના પેદા થઈ હતી.

વિન્ની આજે વિશ્વભરમાં જાણીતી મૉડલ છે અને અનેક પ્રતિષ્ઠિત ફેશન મેગેઝિનોનાં કવર પર પણ ચમકી ચૂકી છે. વિન્ની પોતાના શરીર પરના ડાઘ સાથે બિન્ધાસ્ત-આત્મવિશ્વાસપૂર્વક રેમ્પ પર ઊતરે છે અને છવાઈ જાય છે.  ત્વચારોગ છતાં મૉડલિંગ ક્ષેત્રે પોતાના અાત્મવિશ્વાસના બળે એક પછી એક સફળતાનાં શિખરો સર કરનાર વિન્ની આજે એક પ્રેરણાદાયી હસ્તિ બની ગઈ છે. બીબીસી દ્વારા જારી કરવામાં આવેલી વર્ષ 2016ની ‘100 વિમેન્સ’ની યાદીમાં પણ તેને ગૌરવપૂર્ણ સ્થાન હાંસલ થયું હતું. છેલ્લે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર પણ વિન્ની છવાઈ ગઈ હતી. સૌંદર્ય અંગે આપણા દિમાગમાં છવાયેલી ભ્રમણાઓ વિન્નીના ઉદાહરણ પછી થોડીઘણી ભાંગે તો કેવું સારું!

(‘દિવ્ય ભાસ્કર’ની 24મી મે, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-મૂળપ્રત)


No comments:

Post a Comment