Wednesday, April 20, 2016

ચંદાના પત્રનો ચળકાટ

દિવ્યેશ વ્યાસ


દેશનાં વિખ્યાત બેન્કર ચંદા કોચરે પોતાની દીકરીને લખેલો પત્ર એક વાર તો અચૂક વાંચવા જેવો છે


(તસવીર ચંદા કોચરની પુત્રી આરતીના ફેસબુક પેજ પરથી લીધી છે)

પત્ર-સાહિત્ય એ વળી કઈ બલા? એવો સવાલ આજના ઈ-મેઇલ, ટેક્સ્ટ મેસેજ અને ટ્વીટમાં રમમાણ લોકોને થઈ શકે છે. પત્રલેખન હવે આઉટ ઑફ ડેટ પ્રવૃત્તિ બની ગઈ છે, એ આજના જમાનાની મોટી કમનસીબી ગણવી રહી. લેખિત શબ્દની અને એમાંય વ્યક્તિગત સંબોધનથી લખાયેલી વાતની કેટલી મોટી અસર હોય છે, એનો અંદાજ આપણે ગુમાવતા જઈએ છીએ. વ્યક્તિની ઓળખનો ક્યાસ તેની આત્મકથા કરતાં પણ તેના પત્રો પરથી વધારે સારી રીતે કાઢી શકાય, એમાં બેમત નથી, કારણ કે પત્ર એ અંગત અને અનૌપચારિક માધ્યમ છે, જેમાં વ્યક્તિ ખૂલીને અને ખીલીને હૃદય ઠાલવતી હોય છે. ભગતસિંહ હોય કે ગાંધી-નેહરુ-પટેલ જેવા નેતાઓ કે પછી ટાગોર જેવા વિશ્વમાનવો કે કૃષ્ણમૂર્તિ જેવા આધ્યાત્મિક ચિંતકો... આ મહાનુભાવોના સંગ્રહિત પત્રો આજે મૂલ્યવાન મૂડી સમા છે. ગુજરાતના નેતાઓ અને મેઘાણી જેવા સાહિત્યકારોના પત્રોના સંપાદિત ગ્રંથો ઉપલબ્ધ છે, જેનું વાંચન દિલને ઠારે અને આંખને ઉઘાડે એવું ગુણકારી નીવડી શકે છે.

પત્ર-સાહિત્યની યાદ તાજી કરાવવાનું નિમિત્ત બન્યું છે સુધા મેનન દ્વારા સંપાદિત પુસ્તક ‘લીગસી : લેટર્સ ફ્રોમ એમિનન્ટ પેરેન્ટ્સ ટુ ધેર ડૉટર્સ’. આ પુસ્તકનું નામ સૂચવે છે એમ તેમાં માંધાતા માતા-પિતા દ્વારા તેમની દીકરીને લખાયેલા પત્રોનું સંપાદન કરાયું છે. ગયા સપ્તાહે આ પુસ્તકમાં સમાવિષ્ટ દેશનાં વિશ્વવિખ્યાત બેન્કર ચંદા કોચરનો તેમની દીકરી આરતીને લખેલો પત્ર વાઇરલ થયો હતો. આ પત્ર એક વાર અચૂક વાંચવા જેવો છે. વર્કિંગ વુમન તરીકે ચંદાબહેનના સંઘર્ષની વાતોની સાથે સાથે પોતાના અનુભવના નિચોડ રૂપ તેમણે પોતાની દીકરીને આપેલી શિખામણ સૌ કોઈ માટે પ્રેરક નીવડી શકે એવી સત્ત્વશીલ છે.

ચંદાબહેન પત્રમાં પોતાની દીકરીને ‘જોજે કોઈ તને ફોસલાવી ન જાય’ પ્રકારની કોઈ સલાહ આપતાં નથી અને એનું કારણ પત્રના પ્રારંભમાં તેમણે લખેલી એક વાત પરથી મળી જાય છે, ‘મારા જીવનનાં પ્રારંભિક વર્ષોમાં તેમણે (મારાં માતા-પિતાએ) જે મૂલ્યોનું મારામાં સિંચન કર્યું તેણે મારા વ્યક્તિત્વના પાયા ઘડ્યા, જેના પર આજેય હું જીવન જીવી રહી છું. અમારાં માતા-પિતાએ અમને ત્રણેય એટલે કે બે બહેનો અને એક ભાઈ સાથે કાયમ સમાન વ્યવહાર કર્યો. વાત શિક્ષણની હોય કે અમારા ભવિષ્યના આયોજનની. તેમણે અમારા લિંગના આધારે કદી પણ ભેદભાવ કર્યો નહોતો.’ આગળ લખે છે, ‘એ પ્રારંભિક પહેલે અમને આત્મવિશ્વાસી વ્યક્તિના સ્વરૂપે ઊભા કર્યા, જે પોતાના નિર્ણયો લેવા ખુદ સક્ષમ હોય.’

ચંદાબહેનના પત્ર પરથી સ્પષ્ટ સમજાય છે કે તેમનાં માતાનો તેમના પર જબરો પ્રભાવ છે અને એટલે જ પોતે માતા પાસેથી શું શીખ્યાં એની વાત કરીને એ જ શીખવા-સમજવાની ભલામણ તેઓ વારંવાર કરે છે.
ચંદાબહેન માત્ર 13 વર્ષનાં હોય છે ત્યારે તેમના પિતાનું અવસાન થાય છે. એ સંજોગોમાં તેમની માતાએ કઈ રીતે ગૃહિણીમાંથી ગૃહલક્ષ્મી બનીને પરિવારની તમામ જવાબદારીઓ એકલા હાથે ઉઠાવી લીધેલી એ યાદ કરીને ચંદા લખે છે, ‘એકલા પડી ગયા પછી પરિવારની સમગ્ર જવાબદારી એકલા ખભે ઊંચકી લેવી, એ તેમના માટે કેટલો મોટો પડકાર હશે, પરંતુ તેમણે ક્યારેય અમને એ વાતનો અંદાજ પણ આવવા દીધો નહોતો.’ પછી આગળ લખ્યું છે, ‘મેં મારી માતા પાસેથી એ પણ શીખેલું કે કંઈ પણ થઈ જાય, જિંદગીમાં આગળ વધતાં રહેવા માટે એ બહુ જરૂરી છે કે કપરા સંજોગો સામે લડવા માટે ક્ષમતા હોવી જોઈએ. વિપરીત સંજોગોમાં તૂટી જવાને બદલે તમારે પડકારોનો સામનો કરવો પડશે અને મજબૂત બનીને ઊભા થવું પડશે.’ પોતાની માતા પાસેથી શીખેલી બીજી એક વાત પણ તેઓ પુત્રીને લખે છે, ‘હું મારી માતા પાસેથી એ પણ શીખી કે કોઈ અજાણ્યા ડરના સંજોગોમાં સામંજસ્ય સ્થાપવું કેટલું જરૂરી છે! ખુદની કરિયર માટે સખત મહેનત કરવાની સાથે સાથે મારે મારા પરિવારની પણ સંભાળ લેવી પડતી હતી. જરૂર પડ્યે માતા પાસે કે સાસરી પક્ષના લોકો પાસે પણ જવું પડતું હતું. આના બદલામાં તેમણે ઉદારતા દેખાડીને મારી કરિયરને સમર્થન આપ્યું અને કોઈ શરત વિનાનો પ્રેમ આપ્યો. ધ્યાન રાખજે કે સંબંધો બહુ જરૂરી હોય છે, તેને પાળવા-પોષવા પડે છે. હંમેશાં એ પણ ધ્યાન રાખજે કે સંબંધો દ્વિમાર્ગી હોય છે. એટલે કોઈ પણ સંબંધમાં તમને સામેવાળી વ્યક્તિ પાસેથી જે મેળવવાની અપેક્ષા હોય, એવું જ આપવા પણ તૈયાર રહેવું.’

પોતાના પતિના સહકારનો ઉલ્લેખ કરીને ચંદાએ લખ્યું છે, ‘ઘરની બહાર વીતતા મારા સમય અંગે તારા પિતાએ મને ક્યારેય પણ ફરિયાદ કરી નથી કરી, બાકી આજે મારી જે કારકિર્દી છે, એ પ્રકારની પ્રગતિ શક્ય ન બની હોત.’

પ્રારબ્ધ અને પુરુષાર્થ અંગે ચંદાએ પોતાની દીકરીને બહુ સરસ વાત લખી છે, ‘હું નિયતિમાં માનું છું, પરંતુ તેની સાથે સાથે એ વાત પણ માનું છું કે સખત મહેનત અને કર્મઠતાની આપણા જીવનમાં અતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. વ્યાપક રીતે જોઈએ તો આપણે સૌ આપણી નિયતિ ખુદ ઘડતા હોઈએ છીએ. તમારા નસીબને તમારા હાથમાં લો, જે પ્રાપ્ત કરવા માગતા હો તેનાં સપનાં જુઓ અને એ મુજબ તમારું ભાગ્ય ઘડો.’

સફળતા અંગે સુંદર વાત કરતાં દીકરીને ચંદાએ લખ્યું છે, ‘હું ઇચ્છું છું કે સફળતાની સીડી એક એક કરીને ચડે. આસમાન જેવું લક્ષ્ય ભલે બનાવ, પણ માર્ગના દરેક ડગલાનો આનંદ ઉઠાવતાં ઉઠાવતાં ધીમે ધીમે આગળ વધ. આ નાનાં નાનાં પગલાં જ તને મંજિલ સુધી પહોંચાડશે.’

આજની પેઢી તણાવગ્રસ્ત છે ત્યારે ચંદાએ દીકરીને આપેલી ટિપ્સ સાથે લેખ સમાપ્ત કરીએ, ‘તું જો તણાવને તારા પર હાવી થવાની તક નહીં આપે તો એ ક્યારેય તારી જિંદગીમાં સમસ્યારૂપ નહીં બને.’

નોંધ : ચંદા કોચરનો આખો પત્ર હિંદીમાં વાંચવા માટે આ લિંક (http://hindi.catchnews.com/culture/everyone-should-read-this-letter-of-icici-ceo-chanda-kochhar-1460642943.html) ક્લિક કરો અને અંગ્રેજીમાં વાંચવા માટે આ લિંકની (http://indianexpress.com/article/trending/trending-in-india/chanda-kochhar-letter-to-daughter/) મદદ લો.

(‘દિવ્ય ભાસ્કર’ના 20મી એપ્રિલ, 2016ના અંક સાથે પ્રસિદ્ધ ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમનો બિનસંપાદિત લેખ)

No comments:

Post a Comment