Wednesday, April 6, 2016

હેન્રી ફોર્ડનો વારસો

દિવ્યેશ વ્યાસ

 

 7મી એપ્રિલે હેન્રી ફોર્ડની પુણ્યતિથિ છે ત્યારે તેમના વિચારો અને વારસાનું સ્મરણ કરીએ

(ઇલસ્ટ્રેશન - હોલી સિમોન, ફ્લોરિડા),
(સૌજન્યઃ http://www.mosi.org/what-to-do/mosi-outside/historic-tree-grove/henry-ford-sycamore.aspx)

ઑટોમોબાઇલ્સ ક્ષેત્રે સૌથી અવ્વલ એવું નામ એટલે હેન્રી ફોર્ડ (1863-1947). કાલે એટલે કે 7મી એપ્રિલે હેન્રી ફોર્ડની પુણ્યતિથિ છે. અમેરિકાના મહાન ઉદ્યોગસાહસિક તરીકે જ નહીં, પરંતુ મહાન શખ્સિયત તરીકે તેઓ અમર છે. હેન્રી ફોર્ડની મહાનતા એ હતી કે તેમણે અમેરિકાના મધ્યમ વર્ગના લોકોને મોટરકારમાં ફરતાં જોવાનું સપનું જોયું અને પોતાના અદમ્ય સાહસ અને સૂઝબૂઝથી એ સપનું સાકાર પણ કરી બતાવ્યું હતું. 1 ઑક્ટોબર, 1908ના રોજ તેમણે પોતાની ફોર્ડ કંપનીની કારનું ‘મૉડલ-ટી’ લૉન્ચ કર્યું અને અમેરિકાની ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવી દીધી હતી.

મૉડલ-ટી થકી એફોર્ડેબલ કારનો કૉન્સેપ્ટ આપનારા હેન્રી ફોર્ડનો ઉત્પાદન પ્રક્રિયામાં મૂવિંગ એસેમ્બ્લી લાઇન્સનો કૉન્સેપ્ટ માસ પ્રોડક્શન ક્ષેત્રે અતિ ઉપકારક નીવડ્યો છે. આશરે 161 પેટન્ટ પોતાના નામે ધરાવતા હેન્રી ફોર્ડને બાળપણથી જ યંત્રોમાં અખૂટ રસ હતો, છતાં તેમની માનસિકતામાં ક્યારેય યાંત્રિકતા પ્રવેશી નહોતી. તેઓ આજીવન ‘દેશી’ અને સંવેદનશીલ માનવી તરીકે જીવન જીવ્યા હતા. તેમનું લક્ષ્ય માત્ર કમાણી નહોતી, પરંતુ માનવીઓનું કલ્યાણ પણ હતું, કદાચ એટલે જ તેમને અને તેમના દીકરા એડ્સેલને માનવ-સમાજના કલ્યાણ અને વિકાસ માટે ‘ફોર્ડ ફાઉન્ડેશન’ નામની ચેરિટેબલ સંસ્થા સ્થાપવાનું સૂઝ્યું હતું.

 

(તસવીરમાં હેન્રી ફોર્ડની સાથે તેમના પુત્ર એડ્સેલ ફોર્ડ નજરે પડે છે. આ સહિતની તસવીરો ગૂગલ પરથી મેળવેલી છે.)

આજે બિલ ગેટ્સ અને માર્ક ઝકરબર્ગની દાનવૃત્તિથી અંજાયેલી પેઢીએ યાદ રાખવું રહ્યું કે હેન્રી અને એડ્સેલ ફોર્ડે પોતાની સંપત્તિમાંથી 90 ટકા સંપત્તિ આ સંસ્થાને સમર્પિત કરી દીધી હતી. આપણે ત્યાં ફોર્ડ ફાઉન્ડેશન માટે છેલ્લા કેટલાક સમયથી આશંકાઓ વ્યક્ત થઈ રહી છે, પરંતુ હેન્રી ફોર્ડે 1936માં સ્થાપેલી આ સંસ્થા આજે વિશ્વની ટોચની પાંચ દાનવીર સંસ્થાઓમાં સામેલ છે. વીસમી સદીના મહાન ઉદ્યોગપતિ અને ઉદારદિલ મહામાનવ એવા હેન્રી ફોર્ડના જીવનમાં કેટલાક રસપ્રદ કોર્ટકેસ પણ જોવા મળે છે.
 
ફોર્ડનાં યહૂદીઓ અંગેના નિવેદન મામલે તેમના પર (અમેરિકાના ઇતિહાસમાં સર્વપ્રથમ) હેટ સ્પીચનો કેસ થયેલો. બીજો માનહાનિનો કેસ ફોર્ડે પોતે ‘શિકાગો ટ્રિબ્યુન’ નામના અખબાર સામે કરેલો, જેણે ફોર્ડને એનાર્કિસ્ટ (અરાજકતાવાદી) અને ‘વિચાર કરવા માટે અક્ષમ’ ગણાવેલા. આ બન્ને કેસમાં ફોર્ડનો વિજય થયેલો. કૉલેજનું પગથિયુંય નહીં ચડેલા પણ કોઠાસૂઝથી સફળ થયેલા એવા હેન્રી ફોર્ડના વિચારો આજે પણ પ્રસ્તુત અને પ્રેરણાદાયી છે. ચાલો તેમના કેટલાક વિચારો સ્મરી લઈએ.

સફળતા માટે સંપ-એકતાનો મહિમા કરતાં હેન્રી ફોર્ડે કહેલું, ‘એકસાથે ભેગા થવું-મળવું શરૂઆત છે, એકસાથે રહેવું પ્રગતિ છે, એકસાથે કામ કરવું સફળતા છે.’ નિષ્ફળતા અંગેના ફોર્ડના વિચારો પણ હટકે છે, ‘નિષ્ફળતા તો ફરી પ્રયાસ શરૂ કરવાની તક છે અને એ પણ પહેલાં કરતાં વધારે સમજદારીપૂર્વક.’ ફેસબુક ફ્રેન્ડ સાથેના વર્બલ સંબંધોથી ઘેરાયેલા યુવાનોએ મિત્રની પસંદગી બાબતે ફોર્ડનું એક વાક્ય ધ્યાનમાં રાખવા જેવું છે, ‘મારો સૌથી શ્રેષ્ઠ મિત્ર એ છે જે મારામાંથી સર્વશ્રેષ્ઠને બહાર લાવે છે.’

હેન્રી ફોર્ડે શીખતા રહેવા અંગે સરસ વાત કરેલી, ‘જે કોઈ પણ શીખવાનું છોડી દે છે, એ વૃદ્ધ છે, પછી ભલે તે વીસ વર્ષનો હોય કે એંશી વર્ષનો. જે શીખતો રહે છે તે યુવાન છે. દુનિયામાં સૌથી મહાન ચીજ છે, ખુદના દિમાગને યુવા બનાવી રાખો.’ ફોર્ડે એક સીધી અને સટ્ટ વાત કરેલી, ‘ઊણપ નહીં, ઉકેલ શોધો’, જે આજના મેનેજર્સ માટે પણ પ્રેરણાદાયી છે.

સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયા પર મળતા રેડીમેઇડ સંદેશાઓને સમજ્યા-વિચાર્યા વિના ફોરવર્ડ કરીને રાજી થનારાની સંખ્યા વધતી જાય છે ત્યારે હેન્રી ફોર્ડના એક વ્યંગ-વિધાન સાથે લેખ પૂરો કરીએ, ‘સૌથી અઘરું કામ છે - વિચારવું, કદાચ એટલે જ બહુ ઓછા લોકો વિચાર કરવાની તસ્દી લેતા હોય છે!’

(‘દિવ્ય ભાસ્કર’ની 6 એપ્રિલ, 2016ના રોજ પ્રકાશિત ‘કળશ’ પૂર્તિની ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment