Wednesday, March 30, 2016

ડિંકન દેવ કી જય!

દિવ્યેશ વ્યાસ


લોઢું લોઢાને કાપે એ ન્યાયે ધર્મના નામે ચાલતાં ધતિંગોને ખુલ્લાં પાડવાં સ્થપાયો છે એક નવો ધર્મ - ડિંકોવાદ

(ડિંકન ‘દેવ’ અને અન્ય તસવીરો જુદી જુદી ન્યૂઝ પોર્ટલ પરથી મેળવી છે)

વાત ગયા જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોની છે. કેરળમાં ‘પ્રોફેસર ડિંકન’ નામની મલયાલમ ભાષાની 3ડી ફિલ્મની જાહેરાત થઈ. આ ફિલ્મમાં દિલીપ નામના મલયાલમ સ્ટાર જાદુગરનું મુખ્ય પાત્ર ભજવવાના હતા અને શૂટિંગ શરૂ થવામાં જ હતું ત્યાં તો સડકથી લઈને સોશિયલ મીડિયા સુધી તેનો વિરોધ શરૂ થઈ ગયો, કારણ કે કેટલાક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. (લાગણી અને એમાંય ધાર્મિક લાગણી હોય એ તો દુભાય જ ને!) ડિંકોવાદી શ્રદ્ધાળુઓ સડક પર ઊતરી આવ્યા અને શરૂ કર્યો પોતાના દેવાધિદેવ ડિંકનના નામે શરૂ થયેલી ફિલ્મનો આકરો વિરોધ.



વિરોધનું કારણ એ હતું કે ફિલ્મમાં ડિંકન દેવને એક જાદુગર તરીકે ચિત્રિત કરાયા હતા. પોતાના દેવનું આવું અપમાન કોણ સાંખી લે? કેટલાક કટ્ટર શ્રદ્ધાળુઓએ તો સ્ટાર દિલીપને કહી દીધું કે પહેલાં તું ડિંકન દેવ વિશે જાણ અને પછી તેના પર ફિલ્મ બનાવ, તો કેટલાક શાણા શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ અપીલ કરી કે ભાઈ દિલીપ, પહેલાં તું ‘બાલમંગલમ્’ વાંચ પછી તને જ્ઞાન લાધશે કે ડિંકન દેવ કેટલો દયાળુ છે. પછી તું તેમની આવી ફિરકી નહીં લે.

ડિંકોઇવાદની ‘મુષકસેના’એ ચેતવણી આપી દીધી કે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તો અમે થિયેટર બાળી નાખીશું! ધર્મ માટે બાળઝાળ તો કરવી પડે, બાકી ધર્મ લાજે! 


ડિંકોવાદ નામના આ ધર્મનું નામ કદાચ તમારા કાને નહીં પડ્યું હોય કે આંખે નહીં અથડાયું હોય, પરંતુ આ ધર્મ પાળનારા દિવસે દિવસે વધી રહ્યા છે અને તેમનો દાવો છે કે દુનિયામાં એક અબજ કરતાં વધારે લોકો અમારો ધર્મ પાળે છે અને અમે સૌથી વધારે ઝડપથી ફેલાતો ધર્મ છીએ. ધર્મના શ્રદ્ધાળુઓ પોતાનો ધર્મ સૌથી પૌરાણિક હોવાનો દાવો કરે છે. એટલું જ નહીં તેમના મતે પૃથ્વી જ નહીં, સમગ્ર સૃષ્ટિનું સર્જન તેમના દેવાધિદેવ ડિંકને કર્યું છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?

ડિંકનને દેવ નહીં, પરંતુ સુપર ગોડ ગણવામાં આવે છે, જેમનાં વસ્ત્ર પરિધાન સુપરહીરો જેવાં છે. ડિંકન દેવને પૂજનારાનો દાવો છે કે તેઓ કેરળમાં પેદા થયા હોવાને કારણે જ આ રાજ્ય દેવોનો પ્રદેશ ગણાય છે. ડિંકન દેવનો દેખાવ મુષક (ઉંદર ન કહેવાય ક્યાંક કોઈની ધાર્મિક લાગણી દુભાઈ જાય તો!) જેવો છે, પણ તેના પરચા અપાર છે, ક્યારેક તેમની આકૃતિ પ્લુટો ગ્રહ પર જોવા મળે છે તો ક્યારેક તેઓ બ્રેડ કે માછલી પર દેખા દે છે!


આ ધર્મનો પવિત્ર ગ્રંથ છે - ‘બાળમંગલમ્’
(હાલમાં બંધ પડેલું પરંતુ કેરળનું લોકપ્રિય કૉમિક મેગેઝિન). ‘બાળમંગલમ્’ને ડિંકનના પરચાઓનું સચિત્ર પુરાણ માનવામાં આવે છે. આ ધર્મનું અલગ ચિહ્ન પણ છે અને અલગ ધૂન-ગીતો પણ છે (અલબત્ત, તેમનો દાવો છે કે અમારા ભગવાન અમારા વિશે બધું જાણે છે એટલે તેમને પ્રાર્થના કરવાની જરૂર જ નથી!) તેમનો એક દાવો તો સૌથી રસપ્રદ છે કે આ ધર્મ વિશ્વનો સૌથી વધુ વુમન-ફ્રેન્ડલી ધર્મ છે. ડિંકોવાદીઓ હવે લઘુમતીનો દરજ્જો પણ માગી રહ્યા છે. આગળ જતાં તેઓ ડિંકનવાદીઓ માટે એક અલગ રાજકીય પક્ષની સ્થાપના કરવાનો પણ ઈરાદો ધરાવે છે.



ડિંકોવાદની વાતો વાંચી-જાણીને તમને કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના જેવો ભાવ મનમાં પેદા થાય તો માની લેવું કે ડિંકોવાદનો વિજય થયો! કેરળના બૌદ્ધિકો-તર્કવાદીઓએ ડિંકન નામના કૉમિક પાત્રને દેવ તરીકે સ્થાપીને ડિંકોઇઝમ-ડિંકોવાદ નામનો એક પેરોડી ધર્મ, મોક સંપ્રદાય સ્થાપ્યો છે, જે અન્ય ધર્મો જેવા જ દાવાઓ અને દેખાવો કરીને ધર્મના નામે ચાલતાં ધતિંગો, પરંપરાના નામે ચાલતી પાપલીલાઓ તથા (અંધ)શ્રદ્ધાના નામે થતા શોષણને ખુલ્લું પાડવા મથે છે. ભારત જ નહીં, દુનિયાભરના લોકો આ વ્યંગ્યબાણ ચલાવતા વેધક ધર્મના ‘ભક્ત’ બની રહ્યા છે. બોલો, ડિંકન દેવ કી જય!

(‘દિવ્ય ભાસ્કર’ની 30મી માર્ચ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

1 comment: