Wednesday, March 16, 2016

મિઝોરમની આ માતાને સો સો સલામ!

દિવ્યેશ વ્યાસ


જમાનો બદલાય, જનેતાનું હૃદય નહીં, આ પંક્તિને ચરિતાર્થ કરી છે મિઝોરમની રોઝી લાલ્નુંસાંગીએ


(આ તસવીર મેઇલ ટુડેના સૌજન્યથી ઉપલબ્ધ થઈ છે.)

જનેતાને માતા કહેવાય, મા કે બા કહેવાય, અમ્મી કે અમ્મા કહેવાય, મમ્મી કે મોમ કહેવાય, કોઈ પણ નામે બોલાવો, તેના વ્યક્તિત્વમાં રહેલા માધુર્ય અને મમતામાં કોઈ ફરક પડતો નથી. માતા પ્રથમ સખી પણ છે અને શિક્ષક પણ. આપણી નબળી માનસિકતાને કારણે મહિલાઓને આપણે ગમે તેટલી કમતર આંકતા હોઈએ, પરંતુ તેના માતૃસ્વરૂપ સામે ભલભલા નતમસ્તક ઊભા રહી જતાં હોય છે. જમાનો બદલાયાે છે, પરંતુ જનેતાનું હૃદય એવું ને એ‌વું જ અમૃતમય રહે છે.

માતાની ભૂમિકા અને ભાવનામાં જરાય બદલાવ આવ્યો નથી અને એટલે જ માતા પ્રત્યેની માયા-મમતામાં પણ સહેજેય ફરક પડ્યો નથી. આજે નથી મહિલા દિવસ કે નથી મધર્સ ડે છતાં માતા અંગેની આટલી વાતો કરવાનું કારણ-નિમિત્ત છે મિઝોરમની એક માતા, જેમનું નામ છે - રોઝી લાલ્નુંસાંગી. રોઝીના મક્કમ માતૃત્વની વાત જાણીને તમને પણ તેને સો સો સલામ કે શત શત વંદન કરવાનું મન થઈ જશે. આપણે પ્રસૂતિના ઘણા કિસ્સામાં સાંભળતા હોઈએ છીએ કે સંકટ સમયે પરિવારજનોને ડૉક્ટર દ્વારા પૂછવામાં આવતું હોય છે કે માતા કે બાળક બેમાંથી કોઈ એકને બચાવી શકાશે.

બોલો, કોને બચાવવા પ્રયાસ કરીએ? સામાન્ય જવાબ હોય છે - માતાને. જોકે, આ જ સવાલ જો ખુદ માતાને પૂછવામાં આવે તો? 41 વર્ષની રોઝી લાલ્નુંસાંગીને આવો સવાલ પૂછાયો ત્યારે તેણે એક માતાને શોભે એવો જ, બાળકને બચાવી લેવાનો નિર્ણય કરેલો. અલબત્ત, રોઝીની સ્થિતિ જોતાં આવો નિર્ણય કરવો આસાન નહોતો. મિઝોરમમાં રહેતી રોઝીને જ્યારે બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે તે સગર્ભા હતી. સગર્ભા સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર ભાગ્યે જ થતું હોય છે.

મિઝોરમના ડૉક્ટરે સલાહ આપી કે દિલ્હી જાવ તો કંઈક ઉપાય થાય. રોઝી દિલ્હી આવી ત્યારે તેની કૂખમાં 20 સપ્તાહનો ગર્ભ હતો. બ્રેસ્ટ કેન્સર બીજા તબક્કામાં હતું, એટલે કીમોથેરપી વિના ચાલે એમ નહોતું. ડૉક્ટરે તેને સલાહ આપી કે ગર્ભ હજુ કાચો છે ત્યારે આસાનીથી ગર્ભપાત કરાવી શકાશે, પણ માતાનું હૃદય ન માન્યું. તેણે નિશ્ચય કરી લીધેલો કે મારું જે થવું હોય તે થાય, પણ ગર્ભસ્થ શિશુને જન્મ તો આપીને જ રહીશ. નસીબની બલિહારી તો જુઓ કે રોઝીના ગર્ભમાં એક નહીં બે બે જીવ વિકસી રહ્યા હતા!

ગયા સપ્તાહે દિલ્હીમાં સંસદની અંદર અને બહાર જેએનયુ, શ્રી શ્રી રવિશંકર, સ્મૃતિ ઈરાની, ઇશરત અને વિજય માલ્યા વગેરેના અનેક વિવાદો ચાલી રહ્યા હતા ત્યારે જ પોતાની જિંદગીનું જોખમ લઈને એક માતાએ બે શિશુઓને, એમાંય બે બાળાઓને જન્મ આપ્યાની સુખદ ઘટનાએ આકાર લીધો હતો. આવી ઘટનાઓ આપણી જાણબહાર ઘટતી રહેતી હોય છે અને આવી ઘટનાઓના પ્રતાપે જ માનવતા ટકી છે, આપણે સૌ ટકી રહ્યા છીએ. ખરુંને?
(‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં 16મી માર્ચ, 2016ના રોજ પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment