Wednesday, March 28, 2018

ગુડી પડવાની ગિફ્ટ

દિવ્યેશ વ્યાસ


મરાઠીઓના નવા વર્ષ નિમિત્તે પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ લાદવા ઉપરાંત મહારાષ્ટ્ર સરકારે ભરેલાં પોઝિટિવ પગલાં આવકાર્ય છે

(તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

આપણી ખરાબ આદત છે - ખતરો સે ખેલના. ભ્રમમાં રાચવું હોય તો આ વાત મનમાં મમળાવી શકાય, પરંતુ જરા ઊંડાણથી વિચારીએ તો આ વાક્યમાં સુધારો કરવો પડે - ખતરો સે ખેલના, એ આપણી મજબૂરી બની ગઈ છે!  કારણ કે આપણે ખતરા પ્રત્યે એટલા બધા બેધ્યાન અને લાપરવા હોઈએ છીએ કે ખતરાની ઘંટી ખરેખર વાગે ત્યારે જ જાગીએ છીએ અને પછી ભોગવ્યા વિના છૂટકો હોતો નથી. ક્ષણિક સુવિધાના લોભે આપણે ક્યારે લાંબા ગાળાની વ્યાધિ વહોરી લઈએ છીએ, તેનો આપણને અંદાજ જ નથી હોતો. આનું શ્રેષ્ઠ ઉદાહરણ આપવું હોય તો એ છે પ્લાસ્ટિકનો બેખૌફ અને બેફામ ઉપયોગ. પ્લાસ્ટિકની શોધ તો હમણાં 20મી સદીમાં થઈ છે, છતાં તે આપણો જનમોજનમનો સાથી હોય એમ આપણે તેને વળગી રહ્યા છીએ. ટૂથ-બ્રશ હોય કે પેન, રમકડું હોય કે રડાર, કમ્પ્યૂટર હોય કે કાર, રસોડું હોય કે ઑફિસ... અત્ર-તત્ર-સર્વત્ર પ્લાસ્ટિકનો પ્રભાવ જોવા મળે છે. આપણે અત્યારે તો એટલા પ્લાસ્ટિકમય બની ગયા છીએ કે પ્લાસ્ટિક વિનાની જિંદગીની કલ્પના કરવા પણ જાણે સમર્થ નથી. આપણી કચરો પેદા કરવાની ક્ષમતા પ્રચંડગતિએ વધતી જ જાય છે, એનો મોટા ભાગનો કુશ્રેય પ્લાસ્ટિકને જ જાય છે.
પ્લાસ્ટિકને કારણે પૃથ્વીના પેટ પર પડતું પ્રચંડ પાટું હવે પર્યાવરણની ચિંતાનો વિષય બની ગયું છે. કદાચ એટલે જ વર્ષ 2018ના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ રખાઈ છે - ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ (પ્લાસ્ટિક પ્રદૂષણને નાથો). આપણા માટે ગૌરવ લેવા જેવી બીજી માહિતી એ છે કે આ વર્ષે ભારત વિશ્વ પર્યાવરણ દિવસનું વૈશ્વિક યજમાન છે! વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં વ્યક્તિદીઠ પ્લાસ્ટિક વપરાશ ભલે ઓછો છે, પરંતુ આપણી અધધ વસતી જોતાં પ્રદૂષણની સ્થિતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે. ભારતમાં પ્લાસ્ટિક, ખાસ કરીને પોલિથીનની  કોથળીઓનો વપરાશ ઘટાડવા માટે સ્વૈચ્છિક  સંસ્થાઓની ઝુંબેશોથી માંડીને સરકારના કાયદાઓએ પણ ધારી સફળતા મેળવી નથી, એ હકીકત છે. પ્લાસ્ટિકની થેલી અને બોટલ એટલી સુલભ, સુવિધાજનક અને સસ્તી છે કે તેના મોહમાંથી છૂટવું મુશ્કેલ છે. જોકે, સસ્તી અને સુવિધાપૂર્ણ થેલીઓ આપણને લાંબા ગાળે કેટલી મોટી મુશ્કેલીમાં મૂકશે કે કેટલી મોંઘી પડશે, એનો આપણે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. કેન્સર જેવી બીમારી દાવાનળની માફક ફેલાઈ રહી છે અને હજું આપણને સમજનો કૂવો ખોદવાનું સૂઝતું નથી.
પ્લાસ્ટિકને નાથવા માટે સરકાર તરફથી પણ પ્રતિબંધો સહિતનાં પગલાં  ભરાયાં છે, પણ લોકજાગૃતિના અભાવે આપણે ઠેરના ઠેર રહીએ છીએ અને પ્લાસ્ટિકના ઢેરના ઢેર વધતાં જ જાય છે. જોકે, મહારાષ્ટ્ર સરકારે આ મામલે નવો અભિગમ અપનાવ્યો છે અને એ પણ નવા વર્ષથી. આપણે જાણીએ જ છીએ કે મરાઠીઓનું નવું વર્ષ એટલે ગુડી પડવો, જેની ઉજવણી ગત 18મી માર્ચે જ કરવામાં આવી. મહારાષ્ટ્ર સરકારે ગુડી પડવાના દિવસથી પ્લાસ્ટિક અને થર્મોકોલની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લાદી દીધો છે. પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતી 50 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી થેલીઓ, થર્મોકોલ (પેલીસ્ટારિન) કે પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતી ડિસ્પોઝેબલ થાળી, વાટકા, કપ, ચમચી, છરી-કાંટા, સ્ટ્રો, કટલરી અને પ્લાસ્ટિક પાઉચ વગેરે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સંપૂર્ણ પ્રતિબંધ એટલે આ બધા પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ, ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ અને હેરફેર કરવા પર જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
પ્લાસ્ટિક કે પોલિથીન કોથળીઓ પર પ્રતિબંધ એ આમ તો કાંંઈ નવાઈની વાત નથી. દેશના લગભગ તમામ રાજ્યોમાં આ પ્રકારના પ્રતિબંધો જાહેર કરાયા છે. જોકે, આ વખતે મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધના શસ્ત્રની સાથે સાથે અમુક પોઝિટિવ-ઇનોવેટિવ પગલાં પણ ભર્યાં છે, એ આવકાર્ય છે. અમુક જગ્યાએ પ્લાસ્ટિકનો વપરાશ અનિવાર્ય છે, તેને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે રિફન્ડેબલ ચાર્જનો વિકલ્પ અજમાવ્યો છે. દૂધની થેલી કે પાણી-પીણાંની બોટલ વગેરેમાં પ્લાસ્ટિકનો વિકલ્પ નથી. આથી સરકારે નક્કી કર્યું છે કે દૂધની દરેક થેલી પર 50 પૈસા અને દરેક પ્લાસ્ટિકની બોટલ પર રૂ. 1નો રિફન્ડેબલ ચાર્જ લેવામાં આવશે. ગ્રાહક જ્યારે દૂધની થેલી અને ખાલી થયેલી બોટલ વેપારીને પાછી આપશે ત્યારે તેને એ નાણાં પાછાં આપી દેવામાં આવશે. પહેલી નજરે યોગ્ય અને આવકાર્ય લાગે એવો આ વિચાર કેવી રીતે અમલીકરણ પામે છે, એ જોવું ખરેખર રસપ્રદ રહેશે. મહારાષ્ટ્રમાં જો આ અભિગમ સફળ થાય તો સમગ્ર દેશમાં તેનું અમલીકરણ કરવાનું વિચારી શકાય. પ્લાસ્ટિકનો નાશ શક્ય નથી, પરંતુ તેનો પુન: પુન: ઉપયોગ શક્ય છે. રિસાઇક્લિંગની મદદથી પ્લાસ્ટિકને ફરી ફરી વપરાશમાં લઈને આપણે પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકીએ છીએ. આમ, વપરાયેલી કોથળી કે બોટલનું જો રિસાઇક્લિંગ થાય તો આપણો માર્ગ ઘણો આસાન બને.
સંયુક્ત રાષ્ટ્રની વેબસાઇટ પર પર્યાવરણ દિવસ-2018ની થીમની વાત કરવાની સાથે સાથે એક ચિંતાજનક માહિતી રસપ્રદ રીતે રજૂ કરી છે કે ક્રિકેટ મેચમાં હાર્દિક પંડ્યા એક ઓવર નાંખે એટલી વારમાં તો આખી દુનિયા કચરાના ચાર ટ્રક ભરાય એટલું પ્લાસ્ટિક દરિયામાં પધરાવે છે! ગ્લોબલ વૉર્મિંગને કારણે દરિયાની સપાટી વધતી હશે કે નહીં પણ પ્લાસ્ટિકના કચરાના કારણે તો ચોક્કસ વધી જ રહી છે! પ્લાસ્ટિકને નાથીએ, નહિ તો વિનાશ માટે તૈયાર રહીએ!
(‘દિવ્ય ભાસ્કર’ની 28મી માર્ચ, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, March 21, 2018

લોકગીતોનું ‘પાણી’

દિવ્યેશ વ્યાસ


વિશ્વ કવિતા દિવસે આપણાં લોકગીતો કેમ ભૂલી શકાય? આપણાં લોકગીતોમાં પાણીના અનેક રંગો જોવા મળે છે




કવિતા એટલે હૃદયમાંથી પ્રગટતાં ભાવપુષ્પોનો ગુલદસ્તો, કવિતા એટલે સંવેદનાઓના શ્રાવણનાં સરવડાં, કવિતા એટલે શબ્દોની મંત્રદીક્ષા, કવિતા એટલે દિલોમંથનમાંથી પ્રાપ્ત થયેલા અમૃતની લહાણી, કવિતા એટલે અંતરમનમાં પડઘાતા અધ્યાત્મનો ઓચ્છવ...  આજે વિશ્વ કવિતા દિવસ છે ત્યારે કવિતાની આપણા અંગત અને સમાજજીવનમાં કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, તે વિચારવા જેવું છે.

વિશ્વ કવિતા દિવસ નિમિત્તે આજે કાવ્યવિશ્વમાં હાંસિયા પર ધકેલાઈ ગયેલાં લોકગીતોની વાત માંડવાની લાલચ રોકી શકાતી નથી. એક કવિતા કોઈ વ્યક્તિની અંગત લાગણીનો પડઘો પાડી શકે, પરંતુ લોકકાવ્ય, એક લોકગીત સમગ્ર સમાજ અને સંસ્કૃતિની સંવેદનાઓ વ્યક્ત કરતું હોય છે. લોકગીતમાં સ્વની નહીં, સર્વની વાત સમાવિષ્ય હોય છે. ગુજરાતી ભાષા એટલી સદ્્નસીબ છે કે તેને ઝવેરચંદ મેઘાણી જેવા સંવેદનશીલ અને એટલા જ સમર્થ સર્જક કમ સંપાદક મળ્યા, જેમણે આપણી ભાષાનાં લોકગીતો અને લોકસાહિત્યના સંચય અને સંશોધનનું યુગકાર્ય કરીને આપણને સમૃદ્ધ વારસો ઉપલબ્ધ કરાવ્યો છે. લોકસાહિત્ય લોકોની લાગણીનું પ્રતિબિંબ રજૂ કરતું હોય છે.

આજે વિશ્વ કાવ્ય દિવસ છે અને કાલે (22 માર્ચ) વિશ્વ જળ દિવસ છે ત્યારે આપણાં લોકસાહિત્યમાં પંચમહાભૂતોમાંના એક એવા પાણીને કેવી રીતે સાંકળી લેવામાં આવ્યું છે, તે જોવું રસપ્રદ રહેશે. પાણી. ગુજરાતી જ નહીં, બલકે વિશ્વની કોઈ પણ ભાષાનો આ મહાશબ્દ છે. મોટા ભાગના ગુજરાતે છેલ્લા બે દાયકાના અપવાદ બાદ કરતાં સતત જળઅછત ભોગવી છે અને એટલે જ આપણને પાણીનું મહત્ત્વ સારી રીતે સમજાય છે. ગુજરાતી ભાષામાં પાણી શબ્દનો નેત-નાતો ખૂબ જ રસપ્રદ રહ્યો છે. ગુજરાતી ભાષાએ ‘પાણી’ શબ્દને બહુ લાડ લડાવેલા છે. પાણીના સમાનાર્થી શબ્દોનો તો કોઈ પાર નથી. ‘પાણી’ શબ્દ આપણી રોજિંદી જિંદગીમાં તેમજ આપણા લોકજીવનમાં કેટલાં માન-પાન અને મહત્ત્વનું સ્થાન ધરાવે છે, તે સાબિત કરવું હોય તો એક જ માહિતી કાફી છે: ‘ભગવદ્્ગોમંડળ’ અનુસાર ગુજરાતી ભાષામાં ‘પાણી’ શબ્દને લઈને અધધ 164 રૂઢિપ્રયોગો પ્રચલિત છે!

આપણાં લોકગીતો ખરા અર્થમાં ‘પાણીદાર’ છે. આપણાં લોકગીતોમાં પાણીના અનેક રંગો જોવા મળે છે. વઢવાણના ઉમદા રાજનેતા અરવિંદભાઈ આચાર્ય ગુજરાતની જળ સમસ્યા અને જળવ્યવસ્થાના ઊંડા અભ્યાસી હતા. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય જેવાં પદો શોભાવનારા સ્વ. અરવિંદભાઈએ પાણીને કેન્દ્રમાં રાખીને ચાર અભ્યાસપૂર્ણ પુસ્તકો લખ્યાં હતાં, ‘ટીપે ટીપે સરોવર...’, ‘ઝાલાવાડની જળ સમસ્યા’, ‘સૌરાષ્ટ્રની જળ સમસ્યા’ અને ‘પાણી માટે મહિલાઓનો પુરુષાર્થ’. લોકસાહિત્યના ચાહક એવા અરવિંદભાઈએ આ પુસ્તકોમાં નક્કર આંકડાઓની સાથે સાથે લોકગીતો થકી લોકસંવેદનાની વાત પણ સમાવી હતી. પાણીની સમસ્યા સૌથી વધુ મહિલાઓને પજવતી હોય છે અને લોકગીતોમાં મહિલાઓની આ લાગણી રજૂ થયેલી જોવા મળે છે. એક પુસ્તકમાં અરવિંદભાઈએ લોકકથામાં અમર થઈ ગયેલા આણલ દેનો એક પ્રસંગ અને દોહરો ટાંક્યો છે, જેમાં આણલદે બેડું લઈને પાણી ભરવા જાય છે અને એમાં જ સાંજ પડી જાય છે, તેની વાત છે:
સિંચણ ચાલીસ હાથ, પાણીમાં પૂગ્યું નહીં,
વાલ્યમ જોતા વાટ, દી’ આથમાવ્યો દેવરા

‘દાદા હો દીકરી...’ જાણીતું લોકગીત છે, જેમાં જળઅછત ધરાવતા વિસ્તારમાં મહિલાઓને કેટલી મુશ્કેલી ભોગવવી પડે છે, તેનું હૃદયદ્રાવક વર્ણન છે:
દાદા હો દીકરી, વઢિયારમાં નોં દેશો જો,
વઢિયારી સાસુડી રે દાદા દોહ્યલી રે, દાદા હો...
દિયે દળાવે, માડી રાતડીએ કંતાવે જો,
પાછલી તે પરોઢના પાણી મોકલે રે... દાદા
ઓશિકે ઇંઢોણી, વહુ પાંગતે સીંચણિયું જો,
સામે તે ઓસરિયે વહુ તારું બેસણું રે... દાદા
ઘડો ન ડૂબે મારું સીંચણિયું નવ પૂગે જો,
ઊગીને આથમિયો કૂવા કાંઠે રે... દાદા
ઊડતાં પંખીડાં મારો સંદેશો લઈ જાજો જો,
દાદાને કે’જો રે કે દીકરી કૂવે પડી રે... દાદા

પાણીની અછત વચ્ચે મેહુલિયાને વરસવાની વિનંતી કરતું પણ એક લોકગીત અરવિંદભાઈએ સમાવ્યું છે:
‘તું તો વરસીને ભર રે તળાવ  - મેહુલિયા
તારી કીડી મકોડી તરસે મરે,
તારી ગાયોના ગોવાળ તરસે મરે, તું તો વરસીને...’

એક સમયે અમરેલી પંથકના મોલડી ગામ માટે કહેવાતું છે કે ત્યાં ખાવા ધાન મળી જાય, પણ પીવા પાણી મળવું મુશ્કેલ છે. આ અંગેનો દુહો છે:
મોલડીએ મે’માન અસૂરો આવીશ મા,
ધરાઈને ખાજે ધાન, પાણી માગીશ મા પાવળું

લોકગીતોમાં પાણી પ્રત્યેનો સ્નેહ અને તેની અછતની સમસ્યા, બન્નેનું નિરૂપણ ખૂબ જ સચોટ રીતે થયેલું જોવા મળે છે. લેખના અંતે એક જાણીતા લોકગીતની પંક્તિઓ માણીએ:
આજ રે સપનામાં મેંતો ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદિયું રે, સાહેલી મારા સપનામાં રે.

આપણા રાજ્યમાં નદીઓના નામે રાજકારણ રમાતું બંધ થાય અને તમામ નદીઓ ખળખળતી વહેતી રહે, એ શું સપનામાં જ રહેશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 21મી માર્ચ, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કટાર)

Wednesday, March 14, 2018

અરુણા જીવ્યાં, એવું કોઈ ન જીવો

દિવ્યેશ વ્યાસ

અરુણા શાનબાગ 42 વર્ષ સુધી બેસહારા-લાચાર જીવન જીવ્યાં હતાં. ઈશ્વર આવું જીવન કોઈને ન આપે!

(અરુણા શાનબાગનો આ સ્કેચ www.dnaindia.com પરથી લીધેલો છે.)

ગત 9મી માર્ચ, શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુ અંગે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુ માટે એક ગાઇડલાઇન જાહેર કરતાં કહ્યું કે દરેક વ્યક્તિને ગરિમાપૂર્વક મરવાનો અધિકાર છે. વધુ ઇલાજ શક્ય જ ન હોય એવી મરણાસન્ન વ્યક્તિને હવે કૃત્રિમ જીવન સહાયક વ્યવસ્થા (લાઇફ સપોર્ટ સિસ્ટમ) થકી રિબાવું નહીં પડે. વ્યક્તિ પોતાની અને પોતાના પરિવારની મરજીથી ઇલાજ અટકાવીને શાંતિપૂર્વક મૃત્યુને શરણે જઈ શકે, એ માટેનો કાનૂની માર્ગ મોકળો થયો છે.

સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય ખંડપીઠના આ ચુકાદા પછી મીડિયામાં સૌથી વધુ ચર્ચા જો કોઈની થઈ હોય તો તે અરુણા શાનબાગની થઈ રહી છે. આજથી ત્રણેક વર્ષ પહેલાં જ પરલોક સિધાવી ગયેલાં અરુણાબહેનની ચર્ચા થવી સ્વાભાવિક હતી, કારણ કે તેમના કેસને કારણે જ આપણા દેશમાં ઇચ્છામૃત્યુ અંગેની ચર્ચાએ જોર પકડ્યું હતું.

અરુણાબહેનની કરુણ કથની ટૂંકમાં જોઈએ તો કર્ણાટકની આ આશાસ્પદ યુવતી મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલમાં જુનિયર નર્સ તરીકે જોડાઈ હતી. આ કોડભરી યુવતીનાં ટૂંક સમયમાં લગ્ન પણ થવાનાં હતાં. જોકે, 27 નવેમ્બર, 1973ની એ રાતે તેની જિંદગીમાં કાયમ માટે અંધારા ફેલાવી દીધાં. એ રાતે નોકરી પતાવીને તે હોસ્પિટલના બેઝમેન્ટમાં કપડાં બદલી રહી હતી ત્યારે સ્વીપર તરીકે ફરજ બજાવતા સોહનલાલ નામના સફાઈકર્મીએ તેના પર હુમલો કર્યો હતો અને તેના પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. અરુણાને વશ કરવા માટે સોહનલાલે કૂતરાં બાંધવાની ચેઇનથી તેનું ગળું દબાવવાની કોશિશ કરેલી, જેને કારણે મગજને ઓક્સિજન પહોંચાડતી નળી દબાઈ ગયેલી. જાતીય હુમલાથી હેબતાઈ ગયેલી અને આ રીતે ગંભીરપણે ઘાયલ થનાર અરુણા બેભાન થઈ ગઈ અને પછી તેને સો ટકા ભાન ક્યારેય ન આવ્યું. મૃત્યુપર્યંત ન તે બોલી શક્યાં, ન હાથ-પગ પણ હલાવી શક્યાં. બસ, માત્ર શ્વાસ ચાલી રહ્યા હતા.

દાયકાઓથી અર્ધબેભાન (કોમા) અવસ્થામાં કેઈએમ હોસ્પિટલમાં માંડ માંડ જીવી રહેલાં અરુણાબહેન અંગે કર્મશીલ પત્રકાર પિંકી વિરાણીએ ‘અરુણાઝ સ્ટોરી : ટ્રુ એકાઉન્ટ ઑફ રેપ એન્ડ ઇટ્સ આફ્ટરમાથ' નામનું પુસ્તક લખ્યું હતું. પુસ્તક લેખનની પ્રક્રિયા દરમિયાન પિંકીબહેને જોયું કે અરુણા માટે તેના જીવન કરતાં મૃત્યુ વધારે સુખદાયી હોઈ શકે છે. તેમણે અરુણા માટે ઇચ્છામૃત્યુની અપીલ કરી. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. જોકે, સુપ્રીમ કોર્ટે 7 માર્ચ, 2011ના રોજ આ અંગે ચુકાદો આપ્યો, જે ઇચ્છામૃત્યુ માટે શકવર્તી ગણાય છે, કારણ કે આ ચુકાદાએ આપણા દેશમાં પેસિવ યુથેનેસિયાનો માર્ગ આસાન કર્યો હતો. અલબત્ત, અરુણાબહેન પોતે પોતાના જીવન કે મૃત્યુ અંગે કંઈ પણ નિર્ણય લેવા તો શું, કહેવા પણ સમર્થ નહોતાં. વળી, તેમના વતી નિર્ણય લઈ શકે એવું કોઈ પરિવારજન તેમની સાથે ઊભું રહ્યું નહોતું. દાયકાઓથી અરુણાબહેનની સારસંભાળ લેનાર કેઈએમ હોસ્પિટલની નર્સો અને ડૉક્ટરો તેમને મોત તરફ ધકેલી દેવા તૈયાર નહોતાં, એવી સ્થિતિમાં તેમને મોત નસીબ નહોતું થયું. 18મી મે, 2015ના રોજ અરુણા શાનબાગે આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે ગુજરાતી પત્રકાર પિંકી દલાલે પોતાના બ્લોગમાં બહુ માર્મિક વાત લખી હતી, ‘દિલ્હીનો નિર્ભયા કાંડ લોકો હજી ભૂલી શક્યા નથી, પણ નિર્ભયા અને અરુણામાં વધુ દુર્ભાગી કોણ એવી સરખામણી કરવાની આવે તો? નિર્ભયા પર થયેલો બળાત્કાર નિ:શંકપણે બર્બર, પણ એ છોકરી એક જ કારણસર અરુણા કરતાં વધુ નસીબદાર કે એ છૂટી ગઈ. મોત એની પીડા હરવા આવ્યું હોય તેમ ગણતરીના દિવસોમાં જ એને સાથે લઈ ગયું અને આ અરુણા? 42 વર્ષ સુધી મરવાને વાંકે જીવવું એ કેવી સજા? વિશ્વભરના મીડિયાએ કદાચ એ જ કારણસર આ અરુણાના અવસાનની નોંધ લેવી જરૂરી સમજી છે.’ ખરેખર અરુણાબહેને પોતાના જીવનમાં ખૂબ ખૂબ સહન કરવું પડેલું.

ઇચ્છામૃત્યુ અંગે સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા આપી છે, પરંતુ સરકારે આ અંગેનો કાયદો બનાવવા વિધેયક ઘડીને સંસદમાંથી પસાર કરવું પડશે, એ ક્યારે થશે આપણે જાણતા નથી. આપણે આશા રાખીએ આ દિશામાં વહેલી તકે કાર્યવાહી થાય.

ખેર, અરુણા શાનબાગની કરુણ કથની જાણ્યા પછી સૌનાં દિલમાં એક જ વાત નીકળી શકે, અરુણા જીવ્યાં, એવું કોઈ ન જીવો!

(‘દિવ્ય ભાસ્કર’ની 14મી માર્ચ, 2018ની ‘કળશ’  પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ની મૂળ પ્રત)

Wednesday, March 7, 2018

મિસ યુ ગોલ્ડા માયર

દિવ્યેશ વ્યાસ


કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે 1969માં આજની તારીખે વડાપ્રધાન તરીકે ચૂંટાયેલાં ગોલ્ડા માયરને યાદ કરી લઈએ

(ગોલ્ડા માયરની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધીને મેળવી છે.)

ગોલ્ડા માયર, ઇઝરાયેલનાં પ્રથમ અને એકમાત્ર મહિલા વડાપ્રધાન અને વડાપ્રધાન પદ સુધી પહોંચનાર વિશ્વની ત્રીજી મહિલા. વિશ્વ ઇતિહાસમાં ગોલ્ડા માયરનું નામ એક સન્માનનીય નેતા તરીકે સોનેરી અક્ષરે અંકિત થયેલું છે. આવતી કાલે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઊજવાશે. યુવતીઓ-મહિલાઓ માટે પ્રેરણાદાયક અને રોલમૉડલ સમી મહિલાઓને યાદ કરવામાં આવશે, જેમાં ગોલ્ડા માયરનું નામ પણ ચોક્કસ લેવાશે. જોકે, આજે તેમને યાદ કરવાનું નિમિત્ત મહિલા દિવસ ઉપરાંત તેમના જીવનનો મહત્ત્વપૂર્ણ પ્રસંગ પણ છે. ઈ.સ. 1969માં આજના દિવસે એટલે કે 7મી માર્ચના રોજ લેબર પાર્ટીની સેન્ટ્રલ કમિટીના 70 સભ્યોએ એક સૂરે ગોલ્ડા માયરને નવા વડાપ્રધાન તરીકે ચૂંટ્યાં હતાં. ઇઝરાયેલના ત્રીજા વડાપ્રધાન લેવી એસ્કોલના નિધન બાદ સ્થિતિ એવી હતી કે સામાન્ય ચૂંટણીને માત્ર આઠ જ મહિનાની વાર હતી. શાસક પક્ષ માટે વડાપ્રધાન પદ કોને સોંપવું, એ નિર્ણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો. વડાપ્રધાન પદના દાવેદારો એકથી વધારે હતા, પરંતુ પક્ષને સત્તાનું સુકાન 71 વર્ષનાં ગોલ્ડા માયરને સોંપવું જ મુનાસિબ લાગ્યું હતું. ‘ઘરડા ગાડા વાળે’ એવી કોઈ કહેવત શું હિબ્રુ ભાષામાં પણ હશે?! ગોલ્ડા માયરે 17મી માર્ચ, 1969ના રોજ વિધિવત્ રીતે ઇઝરાયેલનું વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.

વડાપ્રધાન બન્યાં પહેલાં ગોલ્ડા માયર અગાઉની સરકારોમાં શ્રમ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને આંતરિક બાબતોનું મંત્રાલય સંભાળી ચૂક્યાં હતાં, એ તો ખરું જ, પરંતુ ઇઝરાયેલની સ્થાપનામાં તેમની કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી, એ જાણવા જેવું છે. ઇઝરાયેલની આઝાદીનું જે જાહેરનામું બહાર પડ્યું, તેમાં કુલ 24 લોકોના હસ્તાક્ષર હતા, જેમાં માત્ર બે મહિલા હતી, એમાંનાં એક હતાં ગોલ્ડા માયર. આમ, ગોલ્ડા માયર ઇઝરાયેલના અસ્તિત્વ કરતાં પહેલાં પણ એક નેતા તરીકે સ્થાપિત થઈ ચૂક્યાં હતાં.

યુક્રેનમાં (તે વખતે રશિયાના તાબા હેઠળનો પ્રદેશ) 3 મે, 1898ના રોજ જન્મેલાં અને અમેરિકામાં ઉછરેલાં-ભણેલાં ગોલ્ડા માયર 20 વર્ષની વયથી જ જાહેરજીવનમાં સક્રિય બની ગયાં હતાં. કરિયાણાની દુકાન ધરાવતા પિતાની દીકરી તરીકે દુકાન સંભાળનારાં ગોલ્ડા માયરે પોતાના દેશને એટલી સારી રીતે સંભાળેલો કે આજે પણ તેમનું નેતૃત્વ જાહેરજીવનમાં આવનારી દુનિયાભરની મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. દૃઢ મનોબળ ધરાવતાં તથા એક ઘા ને બે કટકામાં માનનારાં આ સ્પષ્ટવક્તા નેતા ઇઝરાયેલનાં ‘આયર્ન લેડી’ તરીકે પણ જાણીતાં છે. ગોલ્ડા માયર પરના લોકોના અતૂટ વિશ્વાસને કારણે તેમના નેતૃત્વમાં તેમનો પક્ષ એક નહિ, બે બે સામાન્ય ચૂંટણીઓ જીતી શક્યો હતો.

ગોલ્ડા માયરના કાર્યકાળ દરમિયાન જ મ્યુનિક ઓલિમ્પિકના હત્યાકાંડમાં ઇઝરાયેલના 11 ખેલાડીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ગોલ્ડા માયરે મોસાદના માધ્યમથી ખેલાડીઓના એકેએક હત્યારાને આખી દુનિયામાં શોધી શોધીને પતાવી દીધા હતા. મ્યુનિક હત્યાકાંડનો બદલો ગોલ્ડા માયરે જે સાહસ અને સપાટાભેર લીધો હતો, તેને કારણે પણ તેઓ આખી દુનિયામાં ચર્ચામાં રહ્યાં હતાં. ઇઝરાયેલના અસ્તિત્વ સામે ખતરો પેદા કરનારાઓને ગોલ્ડાએ છોડ્યા નહોતા. જોકે, તેમણે ઇઝરાયેલની ફરતે આવેલા આરબ દેશો સાથે સંબંધો સુધારવા અને શાંતિ સ્થાપના માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા હતા. ગોલ્ડાનું એક ખૂબ જાણીતું મરમી વાક્ય છે, ‘શાંતિ ત્યારે સ્થપાશે જ્યારે આરબ લોકો ઇઝરાયેલને નફરત કરવા કરતાં પોતાનાં સંતાનોને વધારે પ્રેમ કરશે.’

આજે આતંકવાદની સમસ્યા વિશ્વભરને સતાવી રહી છે ત્યારે બોલબચ્ચન નેતાઓ તો ઘણા છે, પરંતુ ગોલ્ડા માયર જેવા ખરા અર્થમાં પોલાદી નેતાઓની ખોટ સાલી રહી છે. મિસ યુ ગોલ્ડા માયર!

(‘દિવ્ય ભાસ્કર’ની 7મી માર્ચ, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ )