Wednesday, March 30, 2016

ડિંકન દેવ કી જય!

દિવ્યેશ વ્યાસ


લોઢું લોઢાને કાપે એ ન્યાયે ધર્મના નામે ચાલતાં ધતિંગોને ખુલ્લાં પાડવાં સ્થપાયો છે એક નવો ધર્મ - ડિંકોવાદ

(ડિંકન ‘દેવ’ અને અન્ય તસવીરો જુદી જુદી ન્યૂઝ પોર્ટલ પરથી મેળવી છે)

વાત ગયા જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોની છે. કેરળમાં ‘પ્રોફેસર ડિંકન’ નામની મલયાલમ ભાષાની 3ડી ફિલ્મની જાહેરાત થઈ. આ ફિલ્મમાં દિલીપ નામના મલયાલમ સ્ટાર જાદુગરનું મુખ્ય પાત્ર ભજવવાના હતા અને શૂટિંગ શરૂ થવામાં જ હતું ત્યાં તો સડકથી લઈને સોશિયલ મીડિયા સુધી તેનો વિરોધ શરૂ થઈ ગયો, કારણ કે કેટલાક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. (લાગણી અને એમાંય ધાર્મિક લાગણી હોય એ તો દુભાય જ ને!) ડિંકોવાદી શ્રદ્ધાળુઓ સડક પર ઊતરી આવ્યા અને શરૂ કર્યો પોતાના દેવાધિદેવ ડિંકનના નામે શરૂ થયેલી ફિલ્મનો આકરો વિરોધ.



વિરોધનું કારણ એ હતું કે ફિલ્મમાં ડિંકન દેવને એક જાદુગર તરીકે ચિત્રિત કરાયા હતા. પોતાના દેવનું આવું અપમાન કોણ સાંખી લે? કેટલાક કટ્ટર શ્રદ્ધાળુઓએ તો સ્ટાર દિલીપને કહી દીધું કે પહેલાં તું ડિંકન દેવ વિશે જાણ અને પછી તેના પર ફિલ્મ બનાવ, તો કેટલાક શાણા શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ અપીલ કરી કે ભાઈ દિલીપ, પહેલાં તું ‘બાલમંગલમ્’ વાંચ પછી તને જ્ઞાન લાધશે કે ડિંકન દેવ કેટલો દયાળુ છે. પછી તું તેમની આવી ફિરકી નહીં લે.

ડિંકોઇવાદની ‘મુષકસેના’એ ચેતવણી આપી દીધી કે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તો અમે થિયેટર બાળી નાખીશું! ધર્મ માટે બાળઝાળ તો કરવી પડે, બાકી ધર્મ લાજે! 


ડિંકોવાદ નામના આ ધર્મનું નામ કદાચ તમારા કાને નહીં પડ્યું હોય કે આંખે નહીં અથડાયું હોય, પરંતુ આ ધર્મ પાળનારા દિવસે દિવસે વધી રહ્યા છે અને તેમનો દાવો છે કે દુનિયામાં એક અબજ કરતાં વધારે લોકો અમારો ધર્મ પાળે છે અને અમે સૌથી વધારે ઝડપથી ફેલાતો ધર્મ છીએ. ધર્મના શ્રદ્ધાળુઓ પોતાનો ધર્મ સૌથી પૌરાણિક હોવાનો દાવો કરે છે. એટલું જ નહીં તેમના મતે પૃથ્વી જ નહીં, સમગ્ર સૃષ્ટિનું સર્જન તેમના દેવાધિદેવ ડિંકને કર્યું છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?

ડિંકનને દેવ નહીં, પરંતુ સુપર ગોડ ગણવામાં આવે છે, જેમનાં વસ્ત્ર પરિધાન સુપરહીરો જેવાં છે. ડિંકન દેવને પૂજનારાનો દાવો છે કે તેઓ કેરળમાં પેદા થયા હોવાને કારણે જ આ રાજ્ય દેવોનો પ્રદેશ ગણાય છે. ડિંકન દેવનો દેખાવ મુષક (ઉંદર ન કહેવાય ક્યાંક કોઈની ધાર્મિક લાગણી દુભાઈ જાય તો!) જેવો છે, પણ તેના પરચા અપાર છે, ક્યારેક તેમની આકૃતિ પ્લુટો ગ્રહ પર જોવા મળે છે તો ક્યારેક તેઓ બ્રેડ કે માછલી પર દેખા દે છે!


આ ધર્મનો પવિત્ર ગ્રંથ છે - ‘બાળમંગલમ્’
(હાલમાં બંધ પડેલું પરંતુ કેરળનું લોકપ્રિય કૉમિક મેગેઝિન). ‘બાળમંગલમ્’ને ડિંકનના પરચાઓનું સચિત્ર પુરાણ માનવામાં આવે છે. આ ધર્મનું અલગ ચિહ્ન પણ છે અને અલગ ધૂન-ગીતો પણ છે (અલબત્ત, તેમનો દાવો છે કે અમારા ભગવાન અમારા વિશે બધું જાણે છે એટલે તેમને પ્રાર્થના કરવાની જરૂર જ નથી!) તેમનો એક દાવો તો સૌથી રસપ્રદ છે કે આ ધર્મ વિશ્વનો સૌથી વધુ વુમન-ફ્રેન્ડલી ધર્મ છે. ડિંકોવાદીઓ હવે લઘુમતીનો દરજ્જો પણ માગી રહ્યા છે. આગળ જતાં તેઓ ડિંકનવાદીઓ માટે એક અલગ રાજકીય પક્ષની સ્થાપના કરવાનો પણ ઈરાદો ધરાવે છે.



ડિંકોવાદની વાતો વાંચી-જાણીને તમને કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના જેવો ભાવ મનમાં પેદા થાય તો માની લેવું કે ડિંકોવાદનો વિજય થયો! કેરળના બૌદ્ધિકો-તર્કવાદીઓએ ડિંકન નામના કૉમિક પાત્રને દેવ તરીકે સ્થાપીને ડિંકોઇઝમ-ડિંકોવાદ નામનો એક પેરોડી ધર્મ, મોક સંપ્રદાય સ્થાપ્યો છે, જે અન્ય ધર્મો જેવા જ દાવાઓ અને દેખાવો કરીને ધર્મના નામે ચાલતાં ધતિંગો, પરંપરાના નામે ચાલતી પાપલીલાઓ તથા (અંધ)શ્રદ્ધાના નામે થતા શોષણને ખુલ્લું પાડવા મથે છે. ભારત જ નહીં, દુનિયાભરના લોકો આ વ્યંગ્યબાણ ચલાવતા વેધક ધર્મના ‘ભક્ત’ બની રહ્યા છે. બોલો, ડિંકન દેવ કી જય!

(‘દિવ્ય ભાસ્કર’ની 30મી માર્ચ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, March 23, 2016

લોહીઝાણ લાડકવાયાં

દિવ્યેશ વ્યાસ


ઇન્ટરનેટ પર સીરિયાનાં યુદ્ધગ્રસ્ત બાળકોની તસવીરો જોઈ લેજો, પછી ક્યારેય યુદ્ધનું નામ નહીં લો!

(તસવીરો ગૂગલ પરથી મેળવી છે)

ર્ષ 2015માં બે એવી તસવીર સામે આવી, જેણે દુનિયાના કરોડો લોકોની આંખો ભીંજવી દીધી હતી. એક તસવીર હતી દરિયાકાંઠે નિશ્ચેતન પડેલા એલનની અને બીજી તસવીર હતી અન્ય સીરિયન બાળકની જેણે કેમેરાને પણ બંદૂક માનીને હાથ ઊંચા કરી લીધા હતા. તસવીરોએ સીરિયન ગૃહયુદ્ધનો ભયાવહ ચહેરો સમગ્ર વિશ્વ સામે ઉજાગર કરીને સીરિયાના નિર્દોષ લોકો પ્રત્યે સહાનુભૂતિ જગાડી હતી ને પાડોશી દેશોએ નિરાશ્રિતો માટે દ્વાર ખોલેલાં. 



માર્ચ-2011થી ફાટી નીકળેલા સીરિયન ગૃહયુદ્ધને જોતજોતામાં પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં છે. ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સીરિયા ઉપરાંત ઇરાકમાં પણ 'કાળો કેર' વર્તાવી રહ્યા છે અને ત્યાંના લોકોની જિંદગી બેહાલ બની ગઈ છે. સીરિયામાં સૌથી દયનીય હાલત બાળકોની થઈ છે. સીરિયન ગૃહયુદ્ધનાં પાંચ વર્ષ નિમિત્તે ગયા સપ્તાહે યુનિસેફ દ્વારા 'નો પ્લેસ ફોર ચિલ્ડ્રન' નામનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે. અહેવાલના આંકડા આંખો ઉઘાડે એવા નહિ, આંખો ભીની કરે એવા છે. 



 'નો પ્લેસ ફોર ચિલ્ડ્રન' અહેવાલ મુજબ સીરિયાનાં 80 ટકા બાળકો યુદ્ધગ્રસ્ત સ્થિતિમાં છે. પાંચ વર્ષથી નાની વયનાં મોટા ભાગનાં બાળકોએ યુદ્ધ સિવાય કંઈ જોયું નથી! સીરિયાની આશરે 2 કરોડ 30 લાખની વસ્તીમાંથી અડધોઅડધ આબાદીએ પોતાનું ઘર છોડીને નિરાશ્રિત જીવન જીવવું પડી રહ્યું છે. એક અંદાજ મુજબ 70 લાખ લોકો યુદ્ધગ્રસ્ત સીરિયાને છોડીને આડોશપાડોશના દેશોમાં હિજરત કરી ગયા છે, જેમાં 24 લાખ બાળકોનો સમાવેશ થાય છે. બાળકો પાસે નથી બે ટંકનું ભોજન કે નથી રમવા કોઈ રમકડું ત્યારે શાળાનું સપનું જોવાનું સાહસ પણ ક્યાંથી થાય? સીરિયામાં રહેતાં 21 લાખ બાળકોની શાળા છૂટી ગઈ છે, કારણ કે કાં તો શાળાઓને તહસનહસ કરી દેવાઈ છે કે પછી બાળકોએ માતા-પિતા સાથે સ્થળાંતર કરવું પડ્યું છે. પાડોશી દેશોમાં નિરાશ્રિત જીવન જીવતાં આશરે લાખો બાળકોને ભણાવનારું કોઈ નથી. આમ, આશરે ત્રીસેક લાખ બાળકો શિક્ષણથી વંચિત છે.

સીરિયન યુદ્ધમાં દસમા ભાગની વસ્તી કાં મોતને ભેટી છે કે ઈજાગ્રસ્ત છે. આશરે 2 લાખ 70 હજાર લોકોએ જીવ ગુમાવ્યાનો અંદાજ છે અને હજારો બાળકો અનાથ બન્યાં છે. ગરીબ પરિવારનાં માંડ સાતેક વર્ષનાં નાનાં બાળકો પેટનો ખાડો પૂરવા માટે સશસ્ત્ર દળોમાં જોડાવા મજબૂર છે, તો નાની દીકરીઓ બાળલગ્નો કરવાં માટે મજબૂર છે. છેલ્લાં પાંચ વર્ષમાં સીરિયામાં 18 વર્ષથી નાની તરુણીઓનાં લગ્નનું પ્રમાણ ત્રણ ગણું વધ્યું હોવાનું નોંધાયું છે.

છેલ્લાં પાંચ વર્ષમાં સીરિયામાં અને સીરિયન પ્રજાનાં 37 લાખ બાળકોનો જન્મ થયો છે. અલબત્ત, યુએન રેફ્યુઝી એજન્સીના આંકડા અનુસાર આશરે 1,51,000 બાળકો નિરાશ્રિત તરીકે જન્મ્યાં છે, જ્યારે સીરિયાની બહાર 3,02,000 બાળકો રેફ્યુઝી કેમ્પોમાં જન્મ્યાં છે. એકલા લેબેનોનમાં 70,000 બાળકોનો જન્મ થયો છે.
વર્ષ 2015માં બાળકો પર આશરે 1500 જેટલા હુમલા થયા, જેમાં 400 બાળકોએ જીવ ગુમાવ્યાં અને 500 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. કોઈનાં લાડકવાયાંઓને કોણ બચાવશે? કોણ ભણાવશે? કોણ શીખવશે શાંતિના-વિકાસના પાઠ?

(‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિના 23 માર્ચ, 2016ના અંકમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ) 

Wednesday, March 16, 2016

મિઝોરમની આ માતાને સો સો સલામ!

દિવ્યેશ વ્યાસ


જમાનો બદલાય, જનેતાનું હૃદય નહીં, આ પંક્તિને ચરિતાર્થ કરી છે મિઝોરમની રોઝી લાલ્નુંસાંગીએ


(આ તસવીર મેઇલ ટુડેના સૌજન્યથી ઉપલબ્ધ થઈ છે.)

જનેતાને માતા કહેવાય, મા કે બા કહેવાય, અમ્મી કે અમ્મા કહેવાય, મમ્મી કે મોમ કહેવાય, કોઈ પણ નામે બોલાવો, તેના વ્યક્તિત્વમાં રહેલા માધુર્ય અને મમતામાં કોઈ ફરક પડતો નથી. માતા પ્રથમ સખી પણ છે અને શિક્ષક પણ. આપણી નબળી માનસિકતાને કારણે મહિલાઓને આપણે ગમે તેટલી કમતર આંકતા હોઈએ, પરંતુ તેના માતૃસ્વરૂપ સામે ભલભલા નતમસ્તક ઊભા રહી જતાં હોય છે. જમાનો બદલાયાે છે, પરંતુ જનેતાનું હૃદય એવું ને એ‌વું જ અમૃતમય રહે છે.

માતાની ભૂમિકા અને ભાવનામાં જરાય બદલાવ આવ્યો નથી અને એટલે જ માતા પ્રત્યેની માયા-મમતામાં પણ સહેજેય ફરક પડ્યો નથી. આજે નથી મહિલા દિવસ કે નથી મધર્સ ડે છતાં માતા અંગેની આટલી વાતો કરવાનું કારણ-નિમિત્ત છે મિઝોરમની એક માતા, જેમનું નામ છે - રોઝી લાલ્નુંસાંગી. રોઝીના મક્કમ માતૃત્વની વાત જાણીને તમને પણ તેને સો સો સલામ કે શત શત વંદન કરવાનું મન થઈ જશે. આપણે પ્રસૂતિના ઘણા કિસ્સામાં સાંભળતા હોઈએ છીએ કે સંકટ સમયે પરિવારજનોને ડૉક્ટર દ્વારા પૂછવામાં આવતું હોય છે કે માતા કે બાળક બેમાંથી કોઈ એકને બચાવી શકાશે.

બોલો, કોને બચાવવા પ્રયાસ કરીએ? સામાન્ય જવાબ હોય છે - માતાને. જોકે, આ જ સવાલ જો ખુદ માતાને પૂછવામાં આવે તો? 41 વર્ષની રોઝી લાલ્નુંસાંગીને આવો સવાલ પૂછાયો ત્યારે તેણે એક માતાને શોભે એવો જ, બાળકને બચાવી લેવાનો નિર્ણય કરેલો. અલબત્ત, રોઝીની સ્થિતિ જોતાં આવો નિર્ણય કરવો આસાન નહોતો. મિઝોરમમાં રહેતી રોઝીને જ્યારે બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે તે સગર્ભા હતી. સગર્ભા સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર ભાગ્યે જ થતું હોય છે.

મિઝોરમના ડૉક્ટરે સલાહ આપી કે દિલ્હી જાવ તો કંઈક ઉપાય થાય. રોઝી દિલ્હી આવી ત્યારે તેની કૂખમાં 20 સપ્તાહનો ગર્ભ હતો. બ્રેસ્ટ કેન્સર બીજા તબક્કામાં હતું, એટલે કીમોથેરપી વિના ચાલે એમ નહોતું. ડૉક્ટરે તેને સલાહ આપી કે ગર્ભ હજુ કાચો છે ત્યારે આસાનીથી ગર્ભપાત કરાવી શકાશે, પણ માતાનું હૃદય ન માન્યું. તેણે નિશ્ચય કરી લીધેલો કે મારું જે થવું હોય તે થાય, પણ ગર્ભસ્થ શિશુને જન્મ તો આપીને જ રહીશ. નસીબની બલિહારી તો જુઓ કે રોઝીના ગર્ભમાં એક નહીં બે બે જીવ વિકસી રહ્યા હતા!

ગયા સપ્તાહે દિલ્હીમાં સંસદની અંદર અને બહાર જેએનયુ, શ્રી શ્રી રવિશંકર, સ્મૃતિ ઈરાની, ઇશરત અને વિજય માલ્યા વગેરેના અનેક વિવાદો ચાલી રહ્યા હતા ત્યારે જ પોતાની જિંદગીનું જોખમ લઈને એક માતાએ બે શિશુઓને, એમાંય બે બાળાઓને જન્મ આપ્યાની સુખદ ઘટનાએ આકાર લીધો હતો. આવી ઘટનાઓ આપણી જાણબહાર ઘટતી રહેતી હોય છે અને આવી ઘટનાઓના પ્રતાપે જ માનવતા ટકી છે, આપણે સૌ ટકી રહ્યા છીએ. ખરુંને?
(‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં 16મી માર્ચ, 2016ના રોજ પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, March 9, 2016

રાષ્ટ્રીય શાયર પર રાજદ્રોહ

 દિવ્યેશ વ્યાસ


‘સિંધુડો'ના સર્જક ઝવેરચંદ મેઘાણી પર પણ અંગ્રેજોએ રાજદ્રોહનો કેસ ચલાવીને તેમને જેલમાં પૂરેલા. રાજદ્રોહના મામલે રોવાનું છે કે કાયદો સર્જકો, બૌદ્ધિકો અને આંદોલનકારીઓ સામે જેટલો ઉગામાયો છે, એટલો ભ્રષ્ટાચારીઓ, ગુંડાઓ અને આતંકીઓ જેવા ખરા દેશદ્રોહીઓ સામે ભાગ્યે લગાડાયો છે.


 (તસવીર પિનાકી મેઘાણી દ્વારા સંચાલિત વેબસાઇટ  www.jhaverchandmeghani.com પરથી લીધી છે.)

જેએનયુના વિદ્યાર્થી નેતા કનૈયાકુમારને રાજદ્રોહના આરોપસર હિરાસતમાં લઈને કોર્ટ સમક્ષ હાજર કરાયો ત્યારે ન્યાયાધીશે પોલીસને એક આકરો સવાલ પૂછેલો, રાજદ્રોહ એટલે શું તમે જાણો છો? આપણે સૌએ અને ખાસ તો કનૈયા-પ્રકરણ દરમિયાન સોશિયલ મીડિયાની વૉલ ચીરીને દેશપ્રેમ દેખાડનારા લોકોએ પણ કાયદા વિશે જરા જાણવું-વિચારવું રહ્યું. રાજદ્રોહ એક ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો છે. સત્તાધારીઓ પોતાની લાજ બચાવવા કે પછી વિરોધીઓનું મોં દબાવવા માટે કાયદાનો કેવો દુરુપયોગ કરે છે, તે આપણે વિનાયક સેન, અરુંધતી રોય અને કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદી વગેરેના કિસ્સાઓમાં જોઈ ચૂક્યા છીએ. ગુજરાતમાં પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ અને તેના સાથીઓને નાથવા માટે પણ રાજદ્રોહનો સહારો લેવાયો છે, એવું માનનારો વર્ગ ઘણો મોટો છે. આવા દુરુપયોગને કારણે માનવ અધિકારવાદીઓ અંગ્રેજોના જમાનાનો રાજદ્રોહનો કાયદો બદલવાની રજૂઆત વારંવાર કરતા આવ્યા છે.








આજે 9મી માર્ચ એટલે કે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 69મી પુણ્યતિથિ છે. આપણામાંના બહુ ઓછા લોકો જાણતા હશે મેઘાણી પર પણ ખોટી રીતે રાજદ્રોહનો કેસ ઊભો કરાયેલો અને તેમને બે વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી. રાજદ્રોહની ચાલુ ચર્ચામાં ઐતિહાસિક ઘટનાની કેટલીક વાતો ધ્યાને લેવા જેવી છે.
12મી માર્ચ, 1930થી શરૂ થયેલી દાંડીકૂચના અંતે 6ઠ્ઠી એપ્રિલના રોજ ગાંધીજીએ મીઠાના કાળા કાયદાનો સવિનય ભંગ કરીને સત્યાગ્રહ શરૂ કર્યો હતો. 6ઠ્ઠી એપ્રિલે અમૃતલાલ શેઠના નેતૃત્વમાં ધોલેરા સત્યાગ્રહનો પ્રારંભ થયેલો. દિવસે મેઘાણીનાં 15 શૌર્યગીતોનો સંગ્રહ ‘સિંધુડો' પ્રસિદ્ધ કરવામાં આવેલો. મેઘાણીનાં શૌર્યગીતોએ સત્યાગ્રહીઓમાં નવું જોમ ભર્યું હતું અને આંદોલનની અસકારકતા વધી ગઈ હતી. બ્રિટિશ સરકારે 'સિંધુડો'ની નકલો જપ્ત કરી લીધી, પણ આંદોલનકારીઓએ હસ્તલિખિત 'કાનૂનભંગ આવૃત્તિ'ની સેંકડો સાઇક્લોસ્ટાઇલ્ડ નકલો લોકો સુધી પહોંચાડી હતી.

‘સિંધુડો'ના સર્જક મેઘાણી બ્રિટિશરોની નજરમાં આવી ગયેલા. 27મી એપ્રિલે બરવાળાના આગેવાનોને ધંધુકા જેલમાં મળવા ગયેલા મેઘાણીને પોલીસે પકડી લીધા. તેમના પર જુઠ્ઠા આરોપો મૂકીને રાજદ્રોહનો કેસ કરાયો. બીજા દિવસે મેજિસ્ટ્રેટ ઇસાણીની વિશેષ કોર્ટમાં તેમને હાજર કરાયા ત્યારે હજારો લોકોથી કોર્ટરૂમ છલકાઈ ગયેલો. પોતાનો બચાવ કરવાનો ઇનકાર કરીને મેઘાણીએ પ્રાર્થના ગાવાની મંજૂરી માગી. મેજિસ્ટ્રેટની અનુમતી પછી મેઘાણીએ 'સિંધુડો'ની એક રચના 'છેલ્લી પ્રાર્થના' ગાઈ, જેના શબ્દો હતા, 'હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ...' કહેવાય છે કે ગીત સાંભળીને આખો કોર્ટરૂમ હિબકે ચડેલો, એટલું નહિ ખુદ મેજિસ્ટ્રેટની આંખો પણ ભીંજાઈ ગઈ હતી. મેજિસ્ટ્રેટે ચુકાદો બીજા દિવસ સુધી મુલતવી રાખ્યો. બીજે દિવસે 29મી મેના રોજ મેઘાણીને બે વર્ષની જેલની સજા ફટકારાયેલી. અહીં નોંધવાલાયક સંયોગ છે કે કનૈયાના સમર્થકોની જેમ મેઘાણી માટે પણ લોકોએ 'ઇન્કિલાબ જિંદાબાદ'ના નારાથી કોર્ટ ગજવી મૂકી હતી!

રાજદ્રોહના મામલે રોવાનું છે કે કાયદો સર્જકો, બૌદ્ધિકો અને આંદોલનકારીઓ સામે જેટલો ઉગામાયો છે, એટલો ભ્રષ્ટાચારીઓ, ગુંડાઓ અને આતંકીઓ જેવા ખરા દેશદ્રોહીઓ સામે ભાગ્યે લગાડાયો છે.

(‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં 9મી માર્ચ, 2016ના અંકમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, March 2, 2016

દાસ્તાન ત્રણ દીકરીઓની

દિવ્યેશ વ્યાસ


આ દીકરીઓએ સાબિત કર્યું છે કે દીકરી જવાબદારી નહિ, પડકારોને જવાબ દેનારી હોય છે


મહેન્દ્રભાઈ મેઘાણી દ્વારા સંપાદિત એક પુસ્તિકામાં એક ટૂંકી વાર્તા વાંચેલી. ડુંગર પર ચડી રહેલા રાહદારીઓ જોવે છે કે એક બાળકી તેના નાના ભાઈને તેડીને તેમની સાથે ચાલી રહી છે. કોઈ રાહદારી એ બાળાને પૂછે છે, ‘તને ભાર નથી લાગતો?’ પેલી બાળા સાવ ટૂંકો જવાબ આપે છે, ‘આ તો મારો ભાઈ છે!’ એ બાળાનો જવાબ દીકરીને શાપનો ભારો કે બોજો ગણનારાની બોલતી બંધ કરવા પૂરતો ગણાય.

દીકરીઓ ઝડપથી ‘મોટી’ એટલે કે પરિપકવ અને જવાબદાર બની જતી હોય છે. દીકરી બહુ નાની ઉંમરથી જ સમજદાર અને ડાહી હોય છે. જોકે, કમનસીબે દીકરીને જવાબદારીનું પોટલું કે બોજ ગણવાની માનસિકતા આજેય જોવા મળે છે. ગયા સપ્તાહે એવી ત્રણ દીકરીઓની દાસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી, જેને જાણીને આપણે છાતી ઠોકીને કહી શકીએ કે દીકરી જવાબદારી નથી, પણ જવાબદાર સંતાન હોય છે, એટલું જ નહિ પહાડ જેવા પડકારોને જવાબ દેનારી, ચેલેન્જ કરનારી હોય છે.



એક દીકરી ચીનની છે. મધ્ય ચીનના હુબઈ પ્રાંતમાં હુઆંગ્હુઆ શહેરથી સાઠેક કિમી દૂર આવેલા અંતરિયાળ ગામમાં રહેતી યી મિયાઓમિયાઓ (Yi Miaomiao) નામની માત્ર 7 વર્ષની દીકરી આખું ઘર સંભાળે છે. યીના પિતાનું ગયા જુલાઈ મહિનામાં માર્ગ અકસ્માતમાં મોત થયેલું. પિતાના નિધનના એક જ અઠવાડિયામાં તેની માતા ઘર-ગામ છોડીને ક્યાંક જતી રહી છે. બચ્યાં દાદા-દાદી. 70 વર્ષનાં માનસિક રીતે બીમાર દાદીનો જમણો હાથ ખોટો પડી ગયો છે એટલે રસોઈથી માંડીને સાફ-સફાઈ સહિતનું તમામ ઘરકામ ટેણકીએ કરવું પડે છે.

અધૂરામાં પૂરું તેના 61 વર્ષના દાદાને એવો ભયંકર ત્વચારોગ છે કે તેઓ પાણીને સ્પર્શી પણ શકતા નથી. આ સ્થિતિમાં 7 વર્ષની બાળાએ પોતાની એક એકરની વાડીમાં ખેતીકામ પણ પોતે જ કરવું પડે છે. ઘર અને કમાવવાની બેવડી જવાબદારી નિભાવતી આ બાળાએ ભણવાનું છોડ્યું નથી. ક્યાંથી આટલી બધી શક્તિ લાવતી હશે આ દીકરી! મીડિયામાં ચમક્યા પછી ઘણા ટેણકીની મદદે આવ્યા છે.
(આ દીકરી વિશે વધુ વાંચવા અને તસવીર જોવા માટે ક્લિક કરો આ લિંક http://www.dailymail.co.uk/news/peoplesdaily/article-3463760/Heart-breaking-story-seven-year-old-girl-sole-carer-grandparents-father-died-accident-mother-vanished.html)



બીજો કિસ્સો અમેરિકાના પેન્સિલ્વેનિયાની મોર્ગન વેયાંડ (Morgan Weyand)નામની 8 વર્ષની દીકરીનો છે. મોર્ગનના ત્રણ વર્ષના પિતરાઈ ભાઈ કૂપરને બ્લડ કેન્સર હોવાનું ગયા જાન્યુઆરી મહિનામાં માલૂમ પડ્યું. કેન્સરને કારણે કૂપરના માથાના વાળ ખરી ગયા છે. કેન્સર સામેની લડતમાં ભાઈની હિંમત વધારવા માટે મોર્ગને પોતાના વાળ ઉતરાવી નાખ્યા છે. પોતે ટકો કરાવશે તો તેનો દેખાવ બદલાઈ જશે કે પછી શાળામાં બાળકો તેને ચીડવશે એવી કોઈ વાતની મોર્ગનને પરવા નથી. વાહ બહેના!
(આ દીકરી વિશે વધુ વાંચવા અને તસવીર જોવા માટે ક્લિક કરો આ લિંક http://www.dailymail.co.uk/news/article-3464715/Girl-8-shaves-hair-support-toddler-cousin-diagnosed-cancer.html)



ત્રીજી દીકરીએ તો એવું સાહસ કર્યું કે ‘શહીદી’ વહોરી લીધી. કેલિફોર્નિયાના લેઇકસાઇડ વિસ્તારની આ ઘટના છે. ગત 22મી ફેબ્રુઆરીએ કિએરા લાર્સન (Kiera Larsen) નામની દસ વર્ષની દીકરી પાડોશમાં રહેતી બે નાની બાળાઓ સાથે રમતી હતી. અચાનક એક કાર તેમના તરફ ધસી આવી ત્યારે કિએરાએ નાનાં બાળકોને કાળમુખી કારથી બચાવી લીધાં પણ પોતે કાર સાથે અથડાઈ ગઈ અને મોતને ભેટી.
(આ દીકરી વિશે વધુ વાંચવા અને તસવીર જોવા માટે ક્લિક કરો આ લિંક http://www.dailymail.co.uk/news/article-3464919/Hero-girl-10-dies-saving-lives-two-toddlers-pushing-way-runaway-SUV.html)

આવી દીકરીઓ આપણી આજુબાજુ પણ હોય છે, બસ જરૂર છે, આંખો ખોલવાની અને દૃષ્ટિ બદલવાની!

(‘દિવ્ય ભાસ્કર’ની 2 માર્ચ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)