Showing posts with label ધર્મ. Show all posts
Showing posts with label ધર્મ. Show all posts

Tuesday, September 10, 2019

સાધુ તો સ્વામી આનંદ સરીખા હોય

આસારામ અને નિત્યાનંદ જેવા કહેવાતા સાધુ-સંતોની પાપલીલાઓ 'શ્રદ્ધાળુ' સમાજને આહત કરી રહી છે ત્યારે 'દો રોટી, એક લંગોટી'નું સૂત્ર ચરિતાર્થ કરનારા સ્વામી આનંદ જેવા પવિત્ર વ્યક્તિત્વનું સ્મરણ તીવ્રપણે થવું સ્વાભાવિક છે


(જગન મહેતાએ પાડેલી આ તસવીર ગુજરાત સાહિત્ય પરિષદની વેબસાઇટ પરથી લીધેલી છે.)

દિવ્યેશ વ્યાસ

સુરેન્દ્રનગર કહો કે ઝાલાવાડ કહો, ગુજરાતના પછાત જિલ્લા-વિસ્તારમાં જેની ગણતરી થાય છે, એવા આ પ્રદેશે ગુજરાતને અનેક ગૌરવવંતા વ્યક્તિત્વો આપ્યા છે. દલપતરામ, પંડિત સુખલાલજી, મનુભાઈ પંચોળી 'દર્શક', પ્રજારામ રાવળ, મીન પિયાસી, જયભિખ્ખુ, દલસુખ માલવણિયા (પદ્મશ્રી ભાષાશાસ્ત્રી) જેવા કવિ-સાહિત્યકારો-ચિંતકો તો મોતીલાલ દરજી, ગોપાળભાઈ દેસાઈ, ભક્તિબા, ફૂલચંદભાઈ શાહ, ચીમનભાઈ વૈષ્ણવ અને સ્વામી શિવાનંદ જેવા ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાનીઓની સાથે સાથે જુગતરામ દવે અને બબલભાઈ મહેતા જેવા મોટા ગજાના રચનાત્મક કાર્યકર્તાઓ ઉપરાંત રસિકલાલ પરીખ, ઘનશ્યામ ઓઝા અને તાજેતરમાં દેહાંત પામેલા અરવિંદ આચાર્ય જેવા ખરા અર્થમાં લોકસેવકો તેમ જ ભાનુભાઈ શુકલ જેવા પ્રજાકીય પત્રકારોથી માંડીને સી.યુ. શાહ જેવા દાનવીરો, જે ધરતીએ પેદા કર્યા છે, એ જ ધરતીએ 'જૂની મૂડી' સાચવી રાખનારા, જીવન-સાધનાની 'અનંતકળા' જાણનારા, 'ધરતીની આરતી ' ઉતારનાર અને એક પણ પૈસો કે સહેજ પણ પ્રતિષ્ઠાની ખેવના રાખ્યા વિના 'ધરતીનું લૂણ' ચૂકવનાર સ્વામી આનંદને પણ પેદા કરેલા છે.

આજે ૮ સપ્ટેમ્બરના રોજ સ્વામી આનંદનો જન્મ દિવસ છે. સ્વામીજી પોતાનો જન્મદિવસ ઊજવતા નહોતા કે જાહેર કરતા નહોતા એટલે ચોક્કસ જન્મતારીખ અંગે મતમતાંતર પ્રવર્તે છે. સ્વામીદાદાના ગદ્ય પર પીએચ.ડી. કરનાર ગુલાબભાઈ દેઢિયા તેમની જન્મ તારીખ ૧૯ સપ્ટેમ્બર, ૧૮૮૭ નોંધે છે, પણ મોટા ભાગે ૮મી સપ્ટેમ્બર સ્વીકૃત છે. અલબત્ત, સ્વામીદાદાની જન્મતારીખ જે પણ હોય, આજે જ્યારે આસારામો અને નિત્યાનંદ સ્વામીઓ જેવા પાખંડી સાધુ-સંતોની પાપલીલાઓના ભાંડા ફૂટી રહ્યા છે ત્યારે 'દો રોટી, એક લંગોટી'નું સૂત્ર ચરિતાર્થ કરનારા સ્વામી આનંદનું તીવ્ર સ્મરણ થયા વિના રહેતું નથી.

સ્વામી આનંદ સાધુ જરૂર હતા, પણ તેમની આ પૂરી ઓળખાણ નથી, કારણ કે સ્વામી આનંદ ગુજરાતી ભાષાના ઉત્તમ ગદ્યકારોમાંના એક સાહિત્યકાર પણ હતા અને લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધી જેવા નેતાઓની આગેવાની હેઠળ આઝાદીની લડાઈના એક યૌદ્ધા પણ હતા, રચનાત્મક સેવાકાર્યો કરનારા સમાજસેવક પણ હતા. ટૂંકમાં કહી શકાય કે સ્વામી આનંદ મનથી એક નિઃસ્પૃહ સાધુ હતા, વચન એટલે કે શબ્દો થકી તેમણે એક પત્રકાર-સાહિત્યકાર તરીકે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને કર્મથી તેઓ સ્વાતંત્ર્ય-સેનાની તેમ જ સમાજસેવક પણ હતા.

સ્વામી આનંદનું મૂળ નામ હિંમતલાલ દવે હતું. તેમનો જન્મ સુરેન્દ્રનગરના શિયાણી ગામે એક શિક્ષકના સાધારણ પરિવારમાં થયો હતો. સ્વામી આનંદ માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમની માતાએ તેમને પોતાની બહેનને ખોળે દીધા હતા. ત્યાર પછીનું તેમનું બાળપણ મુંબઈમાં માસીના ઘરે લાડકોડથી વીત્યું હતું. સ્વામી આનંદ માત્ર દસ વર્ષના હતા ત્યારે એક સાધુ તેમને 'ચાલ બચ્ચા, તને ભગવાન દેખાડું' એમ કહીને ભગાડી ગયેલો. સ્વામી જાતભાતના ચિત્ર-વિચિત્ર સાધુબાવાઓનાં સંપર્કમાં આવ્યા, પણ આખરે તેમને ધર્મ અને સેવાના સમન્વયમાં માનનારા રામકૃષ્ણ મિશનના સાધુઓનો ભેટો થયો. એ પછી તેઓ આજીવન રામકૃષ્ણ મિશનના સાધુ બનીને રહ્યા હતા. અલબત્ત, તેમણે ભગવા નહીં પણ સફેદ વસ્ત્રો જ આજીવન પહેર્યા હતા. તેમણે કોઈ આશ્રમમાં રહીને માત્ર સાધના કરવાને બદલે લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા પછી લેખન-સંપાદન, પ્રેસ સંચાલન તેમ જ રચનાત્મક કાર્યો થકી આઝાદીના આંદોલનમાં ઝંપલાવ્યું હતું. મહાત્મા ગાંધીના આંદોલન અને નવજીવન પ્રેસના વિકાસમાં સ્વામીજીનો કેટલો મોટો ફાળો હતો, તે માટે ગાંધીજીનું એક વાક્ય કાફી છે, ‘જો મને સ્વામી આનંદની અથાક કાર્યશક્તિ અને સૂઝસમજનો લાભ ન મળ્યો હોત તો આ નવજીવનની જવાબદારી ઉપાડવાની મેં ના પાડી દીધી હોત.’ નવજીવનમાં સ્વામી આનંદના યોગદાન વિશે ગુલાબ દેઢિયાએ નોંધ્યું છે કે ‘છ-સાત હજાર કિંમતના નાના છાપખાનામાંથી નવજીવન મુદ્રણાલયને અમદાવાદનું એક આગેવાન છાપખાનું બનાવીને સ્વામીજીએ નવજીવન પ્રેસ છોડયું ત્યારે તેની મિલકત લગભગ બે લાખ રૂપિયા અંકાઈ હતી. છતાં સૌ જાણે છે કે નિઃસ્પૃહી સ્વામીજીએ પોતાના પગારની પાઈ સરખીયે તેમાંથી લીધી નહોતી. સાધુનું નિઃસ્પૃહીપણું તેમનામાં હતું.’

રૂપિયાની તો તેમને કોઈ તમા નહોતી જ સાથે સાથે તેમને પોતાના નામ-પ્રસિદ્ધિની પણ કોઈ ખેવના નહોતી. ગાંધીજીએ પોતાના સદાબહાર બેસ્ટસેલર પુસ્તક એટલે કે આત્મકથાની પ્રસ્તાવનામાં આત્મકથા લખવાનો ધક્કો કઈ રીતે સ્વામીજી તરફથી મળ્યો એની વાત કરી છે, પણ તેમણે આનો ક્યાંય ઉલ્લેખ કર્યો નહોતો. ઘણાં વર્ષો સુધી તેમણે પોતાનાં લખાણોનાં પુસ્તકો પણ છપાવ્યાં નહોતાં.

સ્વામીદાદાએ પોતાના 'અનંતકળા' નામના પુસ્તકના પ્રારંભમાં 'મારી કેફિયત' શીર્ષક હેઠળની પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘સાધુ 'દો રોટી, એક લંગોટી'નો હકદાર. એથી વધુ જેટલું એ સમાજ પાસેથી લે, તેટલું અણહકનું, હકબહારનું. લીધેલાની દસ ગણી ફેડ એ ગૃહસ્થનો ગજ. સાધુનો સહસ્ત્રનો. સાધુ લે તેનાથી સહસ્ત્રગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી કરી, દુનિયાની ઘરેડે જ ચાલ્યો. અદકું કશું ન કર્યું. એથી વધુ કરે તેની વશેકાઈ.’ આજનો કયો સાધુ કે સંત આ કસોટીએ પાર ઊતરે? આજના પૈસા અને પ્રસિદ્ધિભૂખ્યા સાધુ-સંતો જોઈને રીતસર ચીતરી ચડે છે. આપણો સમાજ સ્વામી આનંદ જેવા સાધુઓને મનમાં આદર્શ તરીકે પણ યાદ રાખે તો ઝાંસારામો જેવાની શું મજાલ કે તેઓ પોતાની જાતને સાધુ કે સંત પણ કહેવડાવે!


(‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિમાં 8મી સપ્ટેમ્બર, 2013ના અંકમાંપ્રકાશિત સમય સંકેત કૉલમ.)
(વિપુલભાઈ કલ્યાણીએ પોતાની વેબસાઇટ (https://opinionmagazine.co.uk/details/594/સાધુ-તો-સ્વામી-આનંદ-સરીખા-હોય) પર આ લેખ લીધેલો, એટલે અહીં આસાનીથી મૂકી શક્યો છું.)

Wednesday, October 4, 2017

ઘડવૈયા મારે ‘કુમારી’ નથી થાવું!

દિવ્યેશ વ્યાસ


નેપાળમાં ‘જીવતી દેવી’ની પ્રથા સદીઓથી ચાલે છે. તાજેતરમાં ત્રણ વર્ષની એક બાળાને ‘કુમારી’ જાહેર કરવામાં આવી છે

(તસવીર ગૂગલ ઇમેર પરથી મેળવી છે)

થોડા દિવસ પહેલાં જ આશરે ત્રણેક વર્ષની ઈભ્યા ગુજરાતનાં અખબારોમાં ચમકી હતી. આ દીકરીનાં પિતા તથા માતા, એમ બન્નેએ સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કરતાં આટલી નાની બાળાનું હવે શું થશે? માતા-પિતાની ગેરહાજરીમાં તેનું બાળપણ કેવું અને કેવી રીતે વીતશે? એવી ચિંતાઓ રાજ્યભરમાં પડઘાવા માંડી હતી. આ સમાચારના તરંગો હજુ શમ્યા નહોતા ત્યાં ઇન્ટરનેટ પર બીજા એક સમાચાર વાંચવા મળ્યા કે નેપાળમાં એક ત્રણ વર્ષની બાળાને ‘કુમારી’ (જીવતી દેવી) જાહેર કરવામાં આવી છે. આ બાળાએ હવે પોતાનું ઘર અને માતા-પિતાને છોડી દેવાં પડશે અને આશરે દશેક વર્ષ સુધી ઘર-પરિવારથી દૂર કુમારીઘરમાં રહેવાનું થશે!

નેપાળમાં ગત 28મી સપ્ટેમ્બરની મધરાતે શાસ્ત્રોક્ત વિધિવિધાન દ્વારા તૃષ્ણા શાક્ય નામની ત્રણ વર્ષની બાળાને ‘કુમારી’ તરીકે સ્થાપિત કરવામાં આવી. દેવી બનવા માટે શાસ્ત્રોમાં વર્ણિત તમામ 32 લક્ષણો ધરાવતી તૃષ્ણા હવે તલેજુ (તુલજા) માતા તરીકે પૂજાશે. તૃષ્ણાએ હવે ઘર-પરિવારથી દૂર ચોવીસેય કલાક ‘કુમારી ઘર’માં જ રહેવાનું થશે. તૃષ્ણાકુમારી ઘરમાંથી બહાર નીકળી શકશે, પરંતુ વર્ષમાં માત્ર 13 વખત અને એ પણ વારે-તહેવારે- માત્ર ‘દર્શન’ આપવા માટે! જીવતી દેવી તરીકે તેની કાળજી બહુ લેવાશે, તેનો પડ્યો બોલ ઝિલાશે, તેની મોટા ભાગની જીદ પણ પૂરી કરાશે, તેને માન-સન્માન પણ ખૂબ મળશે, લોકો તેને દેવી તરીકે પૂજશે, પરંતુ એનું બાળપણ તો છિનવાઈ જ જશે. ‘કુમારી’ તરીકે તે પૂજાશે, પરંતુ તેના પર કેવાં કેવાં નિયંત્રણો હશે, કેવા નિયમો તેણે પાળવા પડશે, એનો બિચારી ત્રણ વર્ષની બાળાને અંદાજ પણ નહીં હોય.

નેપાળમાં કુમારીપ્રથા કંઈ આજકાલની નથી, આશરે અઢીસો વર્ષથી ચાલી આવે છે. કુમારિકાને તેઓ જીવતી દેવી ગણીને પૂજે છે. કુમારિકામાં સાક્ષાત્ મા દુર્ગાનાં દર્શન કરે છે. નેપાળમાં હવે રાજાશાહી નથી રહી, બાકી પહેલાં તો નેપાળના રાજા પણ કુમારીને વંદન કરીને આશીર્વાદ મેળવતા હતા. આજે પણ રાજપરિવાર જીવતી દેવી પર આસ્થા ધરાવે છે. પહેલી નજરે તો આ વાત જાણીને કોઈ પણને અહોભાવ થઈ શકે. દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આજે પણ ‘જીવતી દેવી’ આકર્ષણનું એક કેન્દ્ર છે જ. અલબત્ત, જીવતી દેવી બનાવાયેલી બાળાની દૃષ્ટિએ વિચારીએ તો તેનો સામાન્ય બાળકની જેમ બાળપણ ભોગવવાનો અધિકાર છિનવાઈ જતો હોય છે. દીકરી બનીને લાડકોડ કરવાની વયે તેણે માતા-દેવી બનવાનો ભાર ભોગવવો પડે છે. ખુલ્લા આકાશમાં રમવાની ઉંમરે તેણે મંદિરમાં કેદ થઈ જવું પડતું હોય છે. ખેલવા-કૂદવાની અવસ્થામાં તેણે પાલખીમાં ખોડાઈ જવું પડે છે. નથી તે પોતાના ઘરે જઈ શકતી કે નથી પોતાનાં ભાઈ-બહેનો સાથે રમી શકતી. કુમારી જાહેર થયેલી બાળાના બાળપણનાં સુવર્ણ વર્ષો છિનવાઈ જાય છે. આગળ જતાં તે તરુણાવસ્થામાં પ્રવેશે અને માસિક ધર્મની શરૂઆત થાય ત્યારે તેને ‘કુમારી’ કે ‘જીવતી દેવી’ તરીકે નિવૃત્ત કરવામાં આવે છે. કુમારી કે જીવતી દેવી ન રહ્યાં પછી પણ તે સામાન્ય યુવતી જેવું જીવન જીવી શકતી નથી. શાસ્ત્ર પ્રમાણે તે ‘કુમારી’ મટી ગયા પછી પરણીને સંસાર પણ માંડી શકે છે, પરંતુ દેવી બનેલી યુવતીને પરણવાનું પાપ કરનાર નાની વયે મૃત્યુ પામે છે, એવી લોકમાન્યતાને કારણે ભાગ્યે જ કોઈ તેની સાથે લગ્ન કરવા તૈયાર થતું હોય છે. વળી, તેને શિક્ષણ પણ અપાતું નથી, એટલે સ્વતંત્ર-આત્મનિર્ભર જીવન પણ જીવી શકતી નથી અને પોતાના પરિવાર પર અવલંબિત રહેવું પડે છે. જોકે, બાળ અધિકારના કર્મશીલોની અરજી પછી નેપાળની સુપ્રીમ કોર્ટે વર્ષ 2006માં પોતાના ચુકાદામાં કુમારીના અધિકારોનું હનન ન કરવા માટે તાકીદ કરી હતી અને હવે કુમારીઘરમાં જ કુમારી માટે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે છે. કુમારી જેવી પ્રથાથી સમાજનું કે ધર્મનું શું ભલું થતું હશે, આપણે જાણતા નથી, પણ જીવતી દેવી બનતી બાળાનું ભલું તો ભાગ્યે જ થતું હોય છે.

ઈભ્યા અને તૃષ્ણા, આ બન્ને બાળાઓનાં દૂધમલ જીવનમાં ધર્મ ખરેખર તો સાકર બનવો જોઈતો હતો, પરંતુ નમક કઈ રીતે બની ગયો? ધર્મ તો સૌનું રક્ષણ કરે છે, ત્યારે આપણે ધર્મને એવા તે કયા રસ્તે લઈ ગયા છીએ કે તે બાળાઓના નાજુક અધિકારોનું પણ રક્ષણ કરવા સમર્થ નથી રહ્યો? મનોમંથન જરૂરી છે. કરશોને?

(‘દિવ્ય ભાસ્કર’ની 4 ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-મૂળ પ્રત)

Friday, August 26, 2016

સમાજના દાક્તર ડૉ. દાભોળકર

દિવ્યેશ વ્યાસ


ડૉ. નરેન્દ્ર દાભોળકરને પીઠ પાછળથી કાયરતાપૂર્ણ હુમલો કરીને ગોળીથી વીંધી દેવાયા. ડૉ. દાભોળકરનો 'વાંક' એટલો જ હતો કે તેઓ સમાજમાંથી અંધશ્રદ્ધાનાં અંધારા ઉલેચવા માગતા હતા

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

ધર્મ, પરંપરા અને રિવાજના નામે અંધશ્રદ્ધાની દુકાન અને જ્ઞાતિઓની ધોરાજી ચલાવનારાઓને સમાજસુધારકો ક્યારેય સહન થતા નથી એટલે તેમનું મોં બંધ કરાવવા કોઈ પણ હદે જતા હોય છે. મહારાષ્ટ્રમાં જાદુટોણા અને અંધશ્રદ્ધાના પ્રખર વિરોધી ડો. નરેન્દ્ર દાભોળકરની હત્યા આનો વધુ એક પુરાવો છે. એકવીસમી સદીમાં પણ અંધશ્રદ્ધાની નાગચૂડમાં ફસાયેલા સમાજની સારવાર કોણ કરશે ?

એક જમાનો હતો જ્યારે ટપાલમાં પોસ્ટકાર્ડ મળતું, જેમાં કોઈ દેવી-દેવતાના પરચાની પાંચ-સાત લીટીઓ લખેલી હોય અને છેલ્લે ગર્ભિત ધમકી કમ લાલચ આપતા લખ્યું હોય કે આ પોસ્ટકાર્ડને ફાડશો તો તમારું ધનોતપનોત નીકળી જશે અને જો આનાં જેવાં જ ૧૧ કે ૨૧ પોસ્ટકાર્ડ લખીને બીજાને મોકલશો તો ફલાણા-ઢીંકણા દેવી-દેવતાની ત્વરિત કૃપા આપના પર વરસશે ... હવે સમય બદલાયો છે. પોસ્ટકાર્ડ આઉટ ઓફ ડેઇટ થઈ ગયાનો ગર્વ લેવાય છે. લોકો ઈ-મેલ અને મોબાઇલથી સંદેશાની આપ-લે કરી રહ્યા છે, સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર હાજરી નોંધાવીને જમાનાની સાથે ચાલવાના કેફમાં રાચે છે ... કમનસીબે સમય બદલાયો છે, પણ સમાજ તો એનો એ જ છે. આજે દેવી-દેવતાઓના ગુણગાન કે તસવીરોવાળા એસએમએસ કે ઈ-મેલ મળે છે અને સાથે થોડી ધમકી ને થોડી લાલચવાળી ઓફર કરાય છે .. આ એસએમએસ-ઈ-મેલ ફોરવર્ડ કરો કે તસવીર લાઇક કરો અને ઇન્સ્ટન્ટ ફળ પ્રાપ્ત કરો કે ખુશખબરી મેળવો!!

આપણને આધુનિક બની ગયાનો દેખાડો કરવો ગમે છે, પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારવાની બાબતમાં આપણો મોટા ભાગનો સમાજ હજુ ભાંખોડિયાં જ ભરે છે. આપણે એકવીસમી સદીમાં પણ અંધશ્રદ્ધાના અંધારામાં કેમ અટવાયા કરીએ છીએ? ધર્મ અને પરંપરાના નામે ધુતારાઓ આજે પણ ઘીંગી કમાણી કરી રહ્યા છે. એક જમાનામાં એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવતો હતો કે લોકો શિક્ષિત થશે પછી અંધશ્રદ્ધા આપોઆપ દૂર થઈ જશે, પણ આજે સાક્ષરતાના દરમાં અત્યંત વધારો થયો હોવા છતાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘટવા કરતાં વધ્યું હોય એવું લાગે છે. સમૂહ માધ્યમોનો ઉપયોગ આજે જ્ઞાન-વિજ્ઞાન માટે થવાને બદલે અંધશ્રદ્ધા અને જાદુટોણાના પ્રચાર-પ્રસાર માટે વધારે થઈ રહ્યો છે, જેને છૂપા સામાજિક આતંકવાદથી કમ ન આંકી શકાય.

દેશ ગુલામ હતો ત્યારે રાજા રામમોહન રાયે બંગાળમાં સતીપ્રથા સામે અવાજ ઉઠાવીને અંગ્રેજો પાસે સતીપ્રથા વિરોધી કાયદો કરાવીને સામાજિક ક્રાંતિ આણી હતી. કાયદા થકી સમાજસુધારણાનો નવો ખયાલ આપણા દેશમાં વિકસ્યો, પણ આજે ય સમાજસુધારણા માટે આપણે કાયદાની જરૂર પડી રહી છે, એ આપણા સમાજની કમનસીબી જ ગણવી જોઇએ, કારણ કે લોકો જાગૃત હોય તો કોઈ નિયમ-કાયદા બનાવવાની જરૂર જ ન પડે! પણ એવું થઈ રહ્યું નથી. આટલું ઓછું હોય આપણી સરકારોને આવા જરૂરી કાયદા બનાવવાની ફરજ પાડવા માટે આંદોલનો ચલાવવા પડે છે! મહારાષ્ટ્રમાં જાદુટોણા અને અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવા માટે લગભગ બે દાયકાથી ઝુંબેશ ચાલી રહી છે. મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના નેજા હેઠળ રાજ્યભરમાં જાદુટોણા વિરોધી ચળવળ ચલાવવામાં આવે છે, પણ કહેવાતાં ધાર્મિક સંગઠનો અને જૂથોને આ પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે, અને એટલે તેઓ સમિતિના સ્થાપક અને કાર્યાધ્યક્ષ ડો. નરેન્દ્ર દાભોળકરની હત્યા કરવા સુધી પહોંચ્યા છે. પુણેમાં ગત ૨૦ ઓગસ્ટ, 2013ના રોજ ડો. નરેન્દ્ર દાભોળકરની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. મોર્નિંગ વોક પર નીકળેલા ડો. દાભોળકરને પીઠ પાછળથી કાયરતાપૂર્ણ હુમલો કરીને ગોળીથી વીંધી દેવાયા. ડો. નરેન્દ્ર દાભોળકરનો 'વાંક' એટલો જ હતો કે તેઓ સમાજમાંથી અંધશ્રદ્ધાનાં અંધારા ઉલેચવા માગતા હતા. છેલ્લાં ૧૮ વર્ષથી તેઓ રાજ્યમાં જાદુટોણા વિરોધી કાયદો લાવવા માટેની ચળવળ ચલાવી રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ થકી રાજ્યમાં શ્રદ્ધા અને પરંપરાના નામે ચાલતાં ધતિંગો સામે લોકજાગૃતિની ઝુંબેશ ચલાવવાની સાથે સાથે સામાજિક બદીઓને દૂર કરવા માટે પ્રયાસરત હતા. પણ કહેવાતા ધાર્મિક સંગઠનો-જૂથોથી ડૉ. દાભોળકરની પ્રવૃત્તિને સમાજસુધારણાની દૃષ્ટિએ તો ક્યાંથી જોઈ શકે, કારણ કે તેમને ખ્યાલ હતો કે લોકો જાગૃત થઈ જશે તો આપણી અબજો કમાતી દુકાનો બંધ થઈ જશે.

ડૉ. નરેન્દ્ર દાભોળકરનું નામ સામાન્ય ગુજરાતીઓ માટે કદાચ અજાણ્યું છે. ૧ નવેમ્બર, ૧૯૪૫ના રોજ સતારામાં જન્મેલા ડો. નરેન્દ્ર દાભોળકર વ્યવસાયે ડોક્ટર હતા. તેમણે એમબીબીએસની ડિગ્રી મેળવ્યા પછી લગભગ બાર વર્ષ સુધી પ્રેક્ટિસ ચલાવી પરંતુ તેમને શારીરિક રોગો કરતાં સામાજિક રોગો વધારે ખતરનાક જણાયા. તેમણે શારીરિક રોગોના ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ બંધ કરીને સામાજિક ડોક્ટરની ભૂમિકા ભજવવાની શરૂ કરી. સામાજિક કાર્યકર તરીકે તેમને સમજાયું કે ધર્મ અને પરંપરાના નામે સમાજમાં જે ચાલે છે, તેનો ભોગ મોટા ભાગના લોકો બને છે, પરંતુ તેની સૌથી ખરાબ અસર ગરીબ લોકો પર પડતી હોય છે. નદીમાં મૂર્તિ વિસર્જનથી ફેલાતું પ્રદૂષણ હોય કે જ્ઞાતિ પંચાયતોના રૂઢીચુસ્ત વલણો, તેમણે ધર્મ-પરંપરાના નામે ચાલતાં ધતિંગોનો તમામ સ્તરે વિરોધ કર્યો. તેમણે અંધશ્રદ્ધાના મુદ્દે અગિયાર પુસ્તકો લખ્યાં હતાં. સાને ગુરુજીએ શરૂ કરેલા સાધના’ સામયિકના તંત્રી તરીકે પણ તેમણે સમાજની અનેક બદીઓને ખુલ્લી પાડી હતી અને તેનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રમાં જાદુટોણા વિરોધી કાયદો લાવવા માથે તેઓ આજીવન મથતા રહ્યા હતા. આ કાયદાને કેબિનેટમાં મંજૂરી મળ્યા છતાં વિધાનસભામાં રજૂ કરવામાં થઈ રહેલાં ઠાગાઠૈયાં બાબતે તેઓ નારાજ હતા. કોંગ્રેસ-એન.સી.પી.ની રાજ્ય સરકાર પાસે પૂરતી બહુમતી હોવા છતાં ભા.જ.પ.-શિવસેનાનો વિરોધ અને મત ગુમાવવાના ડરે તે આ કાયદો લાવતા ડરી રહી હતી, જો કે, ડો. દાભોળકરની હત્યા પછી તેઓ સફાળા જાગ્યા અને હવે રાતોરાત કાયદાનો વટહુકમ લાવવાનું સૂઝ્યું છે. વિધાનસભામાંથી આ કાયદાનું વિધેયક પણ પસાર થશે, છતાં પણ ગઢ આલા, સિંહ ગેલા જેવી દુઃખદ સ્થિતિ સર્જાયાનો અફસોસ કાયમ રહેશે.

કહેવાતા ધાર્મિક ગુરુઓ અને પરંપરા-પોલીસ બની બેઠેલાં સંગઠનોને ધર્મ અને પરંપરાની બદીઓને તાર્કિક રીતે પડકારનારા આંખના કણાની જેમ ખૂંચે છે. ધાક-ધમકી કે સામાજિક દબાણોને અવગણવાનું સાહસ કરનારાની હાલત ડો. દાભોળકર જેવી કરવામાં આવે છે, શું આપણે આવું ચલાવી લેવું જોઇએ? ધર્મના નામે ધતિંગ ચલાવનારા સામે આંખ ઉઘાડવાનો અને લાલ કરવાનો સમય ક્યારનો ય પાકી ગયો છે. 

(25 ઑગસ્ટ, 2013ના રોજ ‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Tuesday, June 21, 2016

સૌમ્ય સત્યાગ્રહીની શાણી ફિલસૂફી

દિવ્યેશ વ્યાસ


વર્ષ 2015માં પ્રથમ વિશ્વ યોગ દિવસ અને દલાઈ લામાના 80મા જન્મ દિનનો સુભગ સમન્વય સધાયો હતો

 
(તસવીર ‘હફિંગ્ટન પોસ્ટ’ની વેબસાઇટ પરથી મેળવેલી છે)

આશરે સાડા પાંચ દાયકાથી નિરાશ્રિત જીવન જીવતા હોવા છતાં તિબેટિયનોના ૧૪મા ધર્મગુરુ એવા દલાઈ લામા પ્રત્યે સમગ્ર વિશ્વમાં સહાનુભૂતિને બદલે સન્માનની ભાવના જોવા મળે છે, એ જ તેમની મહાનતાનો સૌથી મોટો પુરાવો છે. આજે સમગ્ર વિશ્વમાં ધર્મના નામે ધિક્કાર વધારે ફેલાવવામાં આવે છે ત્યારે દલાઈ લામા એક એવું વ્યક્તિત્વ છે, જે પ્રેમ, કરુણા અને માનવતાનો સંદેશ અસ્ખલિતપણે વહાવી રહ્યા છે. ધર્મને પોથીપંથી કે જડ પરંપરાવાદી બનાવવાને બદલે સતત વહેતી કરુણાની નદી જેવો રાખવા માટેની તેમની મથામણ જ સૌને તેમના પ્રત્યે માન ઉપજાવે છે. બુદ્ધનો ૭૪મો અવતાર ગણાતા દલાઈ લામાને આજે યાદ કરવાનું વિશેષ નિમિત્ત છે, તેમનો ૮૦મો જન્મદિવસ. આમ તો દલાઈ લામાનો જન્મદિવસ છઠ્ઠી જુલાઈએ આવશે, પરંતુ તિબેટિયન તારીખિયા અનુસાર પાંચમા ચંદ્ર માસનો પાંચમો દિવસ દલાઈ લામાનો જન્મદિન છે, જે આ વર્ષે (2015) ૨૧મી જૂને એટલે કે આજે છે. સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે હંમેશાં પ્રસન્ન યોગમાં રાચતા સૌમ્ય સત્યાગ્રહી એવા દલાઈ લામાના જન્મદિવસે અનોખો સંયોગ રચી આપ્યો છે.

મહાત્મા ગાંધીના વિચારોને અનુસરનારા દલાઈ લામાને પોતાના 'રાજપાટ' પડાવી લેનારા ચીન પ્રત્યે પણ સહેજેય કડવાશ નથી, ઊલટું તેઓ ચીનને એક મહાન દેશ ગણાવવાની ઉદારતા દાખવી શકે છે, એટલું જ નહીં ભારત-ચીનની દોસ્તીને દ્વેષરહિત દિલે આવકારી શકે છે. હા, ચીનમાં લોકશાહી વ્યવસ્થા હોવી જોઈએ અને દુનિયાના દેશોએ એ માટે મથવું જોઈએ, એવું આંતરરાષ્ટ્રીય મંચો પરથી કહેવાનું સાહસ દાખવવામાં તેઓ કદી પાછા પડતા નથી.

દલાઈ લામા આજે બૌદ્ધધર્મીઓના જ નહીં કરોડો લોકોના આદર્શ-સન્માનનીય વ્યક્તિ છે. ટ્વિટર પર સૌથી લોકપ્રિય વ્યક્તિઓમાં દલાઈ લામાનો સમાવેશ થાય છે. એ જ બતાવે છે કે આજની યુવા પેઢીને તેમના વિચારો આકર્ષી રહ્યા છે. દલાઈ લામાના ૮૦મા જન્મદિનની ઉજવણીમાં આપણે ભલે ધર્મશાળા ન જઈ શકીએ, પરંંતુ તેમની ફિલસૂફી જાણીને હેપ્પી બર્થડે જરૂર મનાવી શકીએ.

પ્રસન્નતા પર બેસ્ટસેલર પુસ્તકો લખનારા દલાઈ લામા દૃઢપણે માને છે કે, "ખુશ રહેવું આપણા જીવનનો ઉદ્દેશ છે." જોકે, ખુશી કે પ્રસન્નતા બાબતે તેઓ બહુ સ્પષ્ટ છે. "પ્રસન્નતા કંઈ રેડીમેઇડ મળતી ચીજ નથી, તે આપણાં પોતાનાં કાર્યોમાંથી જ સર્જાય છે." દલાઈ લામા ખુશીની ચાવી પણ આપે છે, "તમે જો અન્યોનેે ખુશ જોવા માગતા હોવ તો કરુણાનો ભાવ રાખો. જો તમે પોતે પણ ખુશ રહેવા માગતા હોવ તોપણ કરુણાનો ભાવ રાખો."

દલાઈ લામાની સમગ્ર ફિલસૂફી ભગવાન બૌદ્ધની કરુણા અને મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતના પાયા પર ઊભેલી જોવા મળે છે. તેઓ કહે છે, "બને ત્યાં સુધી દયાવાન બની રહો અને દયાવાન બની રહેવું હંમેશાં શક્ય છે." સંગઠિત ધર્મનાં દૂષણોથી વાકેફ દલાઈ લામા ખુદ ધર્મગુરુ હોવા છતાં બિન્ધાસ્તપણે કહી શકે છે, "તમે કોઈ એક વિશેષ શ્રદ્ધા કે ધર્મમાં આસ્થા રાખતા હોવ તો એ સારી વાત છે, બાકી તમે તેના વિના પણ જીવતા રહી શકો છો." તેઓ દૃઢપણે માને છે કે, "આપણે ધર્મ અને ચિંતન વિના રહી શકીએ, માનવીય પ્રેમ વિના નહીં."

તેમણે કહ્યું છે, "નથી મંદિરોની જરૂર કે નથી જટિલ તત્ત્વજ્ઞાાનની. મારું દિમાગ અને મારું દિલ મારાં મંદિરો છે અને મારી ફિલસૂફી છે - કરુણા." દુનિયાના ચોથા ક્રમના સૌથી મોટા ધર્મ એવા બૌદ્ધના ધર્મગુરુ હોવા છતાં દલાઈ લામા એમ નથી કહેતા કે મારો ધર્મ બૌદ્ધ છે, તેઓ કહે છે, "મારો ધર્મ બહુ સરળ છે, મારો ધર્મ કરુણા છે." દુનિયાના દરેક ધર્મ શાશ્વત માનવમૂલ્યોની જ વાત કરે છે, છતાં પણ દરેક ધર્મગુરુ માનવમૂલ્યોનો જ સંદેશ આપતા નથી. બધાય દલાઈ લામા જેવા થોડા હોય? કદાચ આજના વિશ્વની આ જ સૌથી મોટી કરુણતા છે!

(‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિના 21મી જૂન, 2015ના અંકમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, March 30, 2016

ડિંકન દેવ કી જય!

દિવ્યેશ વ્યાસ


લોઢું લોઢાને કાપે એ ન્યાયે ધર્મના નામે ચાલતાં ધતિંગોને ખુલ્લાં પાડવાં સ્થપાયો છે એક નવો ધર્મ - ડિંકોવાદ

(ડિંકન ‘દેવ’ અને અન્ય તસવીરો જુદી જુદી ન્યૂઝ પોર્ટલ પરથી મેળવી છે)

વાત ગયા જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોની છે. કેરળમાં ‘પ્રોફેસર ડિંકન’ નામની મલયાલમ ભાષાની 3ડી ફિલ્મની જાહેરાત થઈ. આ ફિલ્મમાં દિલીપ નામના મલયાલમ સ્ટાર જાદુગરનું મુખ્ય પાત્ર ભજવવાના હતા અને શૂટિંગ શરૂ થવામાં જ હતું ત્યાં તો સડકથી લઈને સોશિયલ મીડિયા સુધી તેનો વિરોધ શરૂ થઈ ગયો, કારણ કે કેટલાક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. (લાગણી અને એમાંય ધાર્મિક લાગણી હોય એ તો દુભાય જ ને!) ડિંકોવાદી શ્રદ્ધાળુઓ સડક પર ઊતરી આવ્યા અને શરૂ કર્યો પોતાના દેવાધિદેવ ડિંકનના નામે શરૂ થયેલી ફિલ્મનો આકરો વિરોધ.



વિરોધનું કારણ એ હતું કે ફિલ્મમાં ડિંકન દેવને એક જાદુગર તરીકે ચિત્રિત કરાયા હતા. પોતાના દેવનું આવું અપમાન કોણ સાંખી લે? કેટલાક કટ્ટર શ્રદ્ધાળુઓએ તો સ્ટાર દિલીપને કહી દીધું કે પહેલાં તું ડિંકન દેવ વિશે જાણ અને પછી તેના પર ફિલ્મ બનાવ, તો કેટલાક શાણા શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ અપીલ કરી કે ભાઈ દિલીપ, પહેલાં તું ‘બાલમંગલમ્’ વાંચ પછી તને જ્ઞાન લાધશે કે ડિંકન દેવ કેટલો દયાળુ છે. પછી તું તેમની આવી ફિરકી નહીં લે.

ડિંકોઇવાદની ‘મુષકસેના’એ ચેતવણી આપી દીધી કે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તો અમે થિયેટર બાળી નાખીશું! ધર્મ માટે બાળઝાળ તો કરવી પડે, બાકી ધર્મ લાજે! 


ડિંકોવાદ નામના આ ધર્મનું નામ કદાચ તમારા કાને નહીં પડ્યું હોય કે આંખે નહીં અથડાયું હોય, પરંતુ આ ધર્મ પાળનારા દિવસે દિવસે વધી રહ્યા છે અને તેમનો દાવો છે કે દુનિયામાં એક અબજ કરતાં વધારે લોકો અમારો ધર્મ પાળે છે અને અમે સૌથી વધારે ઝડપથી ફેલાતો ધર્મ છીએ. ધર્મના શ્રદ્ધાળુઓ પોતાનો ધર્મ સૌથી પૌરાણિક હોવાનો દાવો કરે છે. એટલું જ નહીં તેમના મતે પૃથ્વી જ નહીં, સમગ્ર સૃષ્ટિનું સર્જન તેમના દેવાધિદેવ ડિંકને કર્યું છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?

ડિંકનને દેવ નહીં, પરંતુ સુપર ગોડ ગણવામાં આવે છે, જેમનાં વસ્ત્ર પરિધાન સુપરહીરો જેવાં છે. ડિંકન દેવને પૂજનારાનો દાવો છે કે તેઓ કેરળમાં પેદા થયા હોવાને કારણે જ આ રાજ્ય દેવોનો પ્રદેશ ગણાય છે. ડિંકન દેવનો દેખાવ મુષક (ઉંદર ન કહેવાય ક્યાંક કોઈની ધાર્મિક લાગણી દુભાઈ જાય તો!) જેવો છે, પણ તેના પરચા અપાર છે, ક્યારેક તેમની આકૃતિ પ્લુટો ગ્રહ પર જોવા મળે છે તો ક્યારેક તેઓ બ્રેડ કે માછલી પર દેખા દે છે!


આ ધર્મનો પવિત્ર ગ્રંથ છે - ‘બાળમંગલમ્’
(હાલમાં બંધ પડેલું પરંતુ કેરળનું લોકપ્રિય કૉમિક મેગેઝિન). ‘બાળમંગલમ્’ને ડિંકનના પરચાઓનું સચિત્ર પુરાણ માનવામાં આવે છે. આ ધર્મનું અલગ ચિહ્ન પણ છે અને અલગ ધૂન-ગીતો પણ છે (અલબત્ત, તેમનો દાવો છે કે અમારા ભગવાન અમારા વિશે બધું જાણે છે એટલે તેમને પ્રાર્થના કરવાની જરૂર જ નથી!) તેમનો એક દાવો તો સૌથી રસપ્રદ છે કે આ ધર્મ વિશ્વનો સૌથી વધુ વુમન-ફ્રેન્ડલી ધર્મ છે. ડિંકોવાદીઓ હવે લઘુમતીનો દરજ્જો પણ માગી રહ્યા છે. આગળ જતાં તેઓ ડિંકનવાદીઓ માટે એક અલગ રાજકીય પક્ષની સ્થાપના કરવાનો પણ ઈરાદો ધરાવે છે.



ડિંકોવાદની વાતો વાંચી-જાણીને તમને કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના જેવો ભાવ મનમાં પેદા થાય તો માની લેવું કે ડિંકોવાદનો વિજય થયો! કેરળના બૌદ્ધિકો-તર્કવાદીઓએ ડિંકન નામના કૉમિક પાત્રને દેવ તરીકે સ્થાપીને ડિંકોઇઝમ-ડિંકોવાદ નામનો એક પેરોડી ધર્મ, મોક સંપ્રદાય સ્થાપ્યો છે, જે અન્ય ધર્મો જેવા જ દાવાઓ અને દેખાવો કરીને ધર્મના નામે ચાલતાં ધતિંગો, પરંપરાના નામે ચાલતી પાપલીલાઓ તથા (અંધ)શ્રદ્ધાના નામે થતા શોષણને ખુલ્લું પાડવા મથે છે. ભારત જ નહીં, દુનિયાભરના લોકો આ વ્યંગ્યબાણ ચલાવતા વેધક ધર્મના ‘ભક્ત’ બની રહ્યા છે. બોલો, ડિંકન દેવ કી જય!

(‘દિવ્ય ભાસ્કર’ની 30મી માર્ચ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)