Showing posts with label હત્યા. Show all posts
Showing posts with label હત્યા. Show all posts

Wednesday, March 1, 2017

નફરતનું વિનાશક રાજકારણ

દિવ્યેશ વ્યાસ


અમેરિકામાં ઠાર કરાયેલા ભારતીય ઇજનેર શ્રીનિવાસનનું ઉદાહરણ નફરતના રાજકારણ વિરુદ્ધ લાલ બત્તી સમાન છે

(મૂળ એસોશિયેટ પ્રેસ(AP)ની આ તસવીર ‘ડેઇલી મેલ’ની વેબસાઇટ પરથી લેવામાં આવી છે)

ગયા સપ્તાહમાં અમેરિકામાં એક આઘાતજનક જ નહીં, બલકે શરમજનક ઘટના ઘટી હતી. કેન્સાસના ઓલેથ શહેરના એક બારમાં એડમ પુરિંટન નામના માથાફરેલ માણસે શ્રીનિવાસન કુચીભોતલા અને આલોક મદસાની નામના બે ભારતીયોને ‘મારા દેશમાંથી ચાલ્યા જાવ...’ એવું દાદાગીરીભર્યું વાક્ય ઉચ્ચારીને પછી ગાળો ભાંડી હતી. બારવાળાઓએ એડમને કાઢી મૂક્યો, પરંતુ થોડી વારમાં તે ભરી બંદૂકે બારમાં પાછો ફર્યો અને ભારતીયો પર ધડાધડ ગોળીઓ ચલાવવા માંડ્યો, જેમાં શ્રીનિવાસનનું મોત નીપજ્યું અને આલોક માંડ માંડ બચી ગયો.

અમેરિકન નેવીમાં કામ કરી ચૂકેલા 51 વર્ષના હુમલાખોર એડમ પુરિંટનના દિમાગમાં કેટલું ઝેર હશે, એનો અંદાજ એ વાત પરથી આવે છે કે ઘાતક હુમલો કર્યા પછી તેણે એક બીજા બારમાં જઈને બહુ ગર્વભેર કહ્યું હતું કે ‘હું મધ્ય પૂર્વના બે મુસ્લિમોને ઠાર મારીને આવ્યો છું. મને પોલીસથી બચાવો અને ક્યાંક સંતાવાની વ્યવસ્થા કરી આપો.’ અલબત્ત, પેલા બારના સંચાલકો અને હાજર લોકોએ તેને પોલીસના હવાલે કરી દેવાનું જ મુનાસિબ માન્યું. એડમ પર હત્યા અને હત્યાની કોશિશની કલમો લગાડીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, આ લેખ લખાતો હતો ત્યાં સુધી તેના પર વંશીય હુમલાની કલમ લગાવવામાં નહોતી આવી.

એડમને હત્યાના કેસમાં સજા તો ચોક્કસ મળશે જ, પરંતુ ચિંતા એડમના દિમાગમાં રહેલા ઝેરની છે, કારણ કે અમેરિકામાં આવાં ઝેરભરેલાં દિમાગો દિવસે દિવસે વધતાં જ ગયાં છે. એમાંય ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી તો જાણે આવી નફરતને માન્યતા મળી ગઈ હોય એવો માહોલ સર્જાયો છે. સદ્્ગત શ્રીનિવાસનના પિતરાઈ ભાઈ વેણુ માધવે શ્રીનિવાસન પરના હુમલાને હેટ ક્રાઇમ એટેક ગણાવ્યો હતો અને શબ્દ ચોર્યા વિના જણાવ્યું હતું કે હું અમેરિકામાં કામ કરું છું એટલે જાણું છું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી વંશીય હુમલાઓ વધી ગયા છે. પહેલાં આવું નહોતું થતું.

શ્રીનિવાસનનાં પત્ની સુનયના દુમાલાએ એક પત્રકાર પરિષદમાં સત્તાધીશોને સીધો સવાલ કર્યો હતો કે, ‘મારે આ સરકાર પાસેથી એક જ જવાબ જોઈએ છે કે તે નફરતના આધારે થયેલી આ હિંસા રોકવા માટે શું કરી રહી છે?’ સરકારનું કામ નફરત કે નકારાત્મકતા વિરુદ્ધ દેશના નાગરિકોને કોઈ પણ ભેદભાવ વિના રક્ષણ આપવાનું હોય છે, પરંતુ સત્તાસ્થાને જ્યારે ભેદભાવયુક્ત માનસિકતા ધરાવનારનો કબજો હોય ત્યારે મામલો ‘ભેંસ આગળ ભાગવત’નો બની રહેતો હોય છે.

અમેરિકી મીડિયા અને સોશિયલ મીડિયા ખુલ્લેઆમ લખી રહ્યાં છે કે ટ્રમ્પે ઇમિગ્રન્ટ્સની વિરુદ્ધમાં આપેલાં તેજાબી ભાષણોની અસરને કારણે જ આવી ઘટના સર્જાઈ છે. જોકે, ટ્રમ્પનું શાસનતંત્ર આ દલીલને હાસ્યાસ્પદ ગણાવીને અવગણી રહ્યું છે. ટ્રમ્પનાં ચૂંટણી ભાષણોથી લઈને તેમના શાસનના પ્રારંભિક દિવસોની કાર્યવાહીમાં, બહારથી આવીને અમેરિકામાં વસેલા લોકો માટે દ્વેષભાવ ચોખ્ખો વર્તાય છે. ઇમિગ્રન્ટ્સ જાણે અમેરિકાની તમામ સમસ્યાઓ માટે જવાબદાર હોય એવી હવા ફેલાવવામાં આવી રહી છે. અમેરિકાના મૂળ નિવાસી એવા રેડ ઇન્ડિયન્સનો કોઈ અત્તોપત્તો નથી, પણ યુરોપના દેશોમાંથી અહીં વસેલા ગોરા લોકોએ અમેરિકાને જાણે ‘બાપિકી જાગીર’ માની લીધી છે અને એશિયા-આફ્રિકાના દેશોમાંથી આવેલા લોકો પ્રત્યે તુચ્છભાવ ધરાવે છે. એમાંય 9/11 પછી દરેક મુસ્લિમમાં તેઓ ટેટરિસ્ટનાં જ દર્શન કરી રહ્યા છે, એ અત્યંત ગંભીર બાબત છે. બહુમતીવાદી-શ્વેતવાદી માહોલ અમેરિકા જેવા મહાન લોકશાહી દેશને બિલકુલ શોભતો નથી, પણ નફરતના રાજકારણ પર મદાર રાખતા વર્તમાન શાસકોને એની કોઈ પરવા નથી.

નફરતનું રાજકારણ હિંસક હુમલાઓ અને અશાંત માહોલ સર્જવા સિવાય ખાસ કશું ઉકાળી શકતું નથી. નફરતનું રાજકારણ જુસ્સો-ઝનૂન જરૂર જગાવી શકે, પણ તેનાં પરિણામ નકારાત્મક જ નીવડતાં હોય છે. નફરતનું રાજકારણ કરનારા કદી પોતાના રાષ્ટ્રનો વિકાસ કરી શકે નહીં. નફરતનું રાજકારણ ક્યારેય કોઈ દેશને મહાન બનાવી શકે નહીં. નફરતના રાજકારણને કારણે બદબાદ થતા દેશનું ઉદાહરણ આપણે પાકિસ્તાન સ્વરૂપે જોયું જ છે. અમેરિકામાં ઠાર કરાયેલા ભારતીય ઇજનેર શ્રીનિવાસનનું ઉદાહરણ નફરતના રાજકારણ વિરુદ્ધ લાલ બત્તી સમાન છે. દેશનો વિકાસ ઇચ્છતા રાજનેતાઓએ લોકો વચ્ચે એકતા-સંપ અને ભાઈચારો વિકસે એ માટે મથવું જોઈએ, જો તેઓ નફરત ફેલાવવાની ચાનક ન છોડે તો દેશનું નામ તો ન થાય, બલકે નાક જરૂર કપાય!

(‘દિવ્ય ભાસ્કર’ની 1 માર્ચ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ની મૂળ પ્રત)

Friday, August 26, 2016

સમાજના દાક્તર ડૉ. દાભોળકર

દિવ્યેશ વ્યાસ


ડૉ. નરેન્દ્ર દાભોળકરને પીઠ પાછળથી કાયરતાપૂર્ણ હુમલો કરીને ગોળીથી વીંધી દેવાયા. ડૉ. દાભોળકરનો 'વાંક' એટલો જ હતો કે તેઓ સમાજમાંથી અંધશ્રદ્ધાનાં અંધારા ઉલેચવા માગતા હતા

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

ધર્મ, પરંપરા અને રિવાજના નામે અંધશ્રદ્ધાની દુકાન અને જ્ઞાતિઓની ધોરાજી ચલાવનારાઓને સમાજસુધારકો ક્યારેય સહન થતા નથી એટલે તેમનું મોં બંધ કરાવવા કોઈ પણ હદે જતા હોય છે. મહારાષ્ટ્રમાં જાદુટોણા અને અંધશ્રદ્ધાના પ્રખર વિરોધી ડો. નરેન્દ્ર દાભોળકરની હત્યા આનો વધુ એક પુરાવો છે. એકવીસમી સદીમાં પણ અંધશ્રદ્ધાની નાગચૂડમાં ફસાયેલા સમાજની સારવાર કોણ કરશે ?

એક જમાનો હતો જ્યારે ટપાલમાં પોસ્ટકાર્ડ મળતું, જેમાં કોઈ દેવી-દેવતાના પરચાની પાંચ-સાત લીટીઓ લખેલી હોય અને છેલ્લે ગર્ભિત ધમકી કમ લાલચ આપતા લખ્યું હોય કે આ પોસ્ટકાર્ડને ફાડશો તો તમારું ધનોતપનોત નીકળી જશે અને જો આનાં જેવાં જ ૧૧ કે ૨૧ પોસ્ટકાર્ડ લખીને બીજાને મોકલશો તો ફલાણા-ઢીંકણા દેવી-દેવતાની ત્વરિત કૃપા આપના પર વરસશે ... હવે સમય બદલાયો છે. પોસ્ટકાર્ડ આઉટ ઓફ ડેઇટ થઈ ગયાનો ગર્વ લેવાય છે. લોકો ઈ-મેલ અને મોબાઇલથી સંદેશાની આપ-લે કરી રહ્યા છે, સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર હાજરી નોંધાવીને જમાનાની સાથે ચાલવાના કેફમાં રાચે છે ... કમનસીબે સમય બદલાયો છે, પણ સમાજ તો એનો એ જ છે. આજે દેવી-દેવતાઓના ગુણગાન કે તસવીરોવાળા એસએમએસ કે ઈ-મેલ મળે છે અને સાથે થોડી ધમકી ને થોડી લાલચવાળી ઓફર કરાય છે .. આ એસએમએસ-ઈ-મેલ ફોરવર્ડ કરો કે તસવીર લાઇક કરો અને ઇન્સ્ટન્ટ ફળ પ્રાપ્ત કરો કે ખુશખબરી મેળવો!!

આપણને આધુનિક બની ગયાનો દેખાડો કરવો ગમે છે, પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારવાની બાબતમાં આપણો મોટા ભાગનો સમાજ હજુ ભાંખોડિયાં જ ભરે છે. આપણે એકવીસમી સદીમાં પણ અંધશ્રદ્ધાના અંધારામાં કેમ અટવાયા કરીએ છીએ? ધર્મ અને પરંપરાના નામે ધુતારાઓ આજે પણ ઘીંગી કમાણી કરી રહ્યા છે. એક જમાનામાં એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવતો હતો કે લોકો શિક્ષિત થશે પછી અંધશ્રદ્ધા આપોઆપ દૂર થઈ જશે, પણ આજે સાક્ષરતાના દરમાં અત્યંત વધારો થયો હોવા છતાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘટવા કરતાં વધ્યું હોય એવું લાગે છે. સમૂહ માધ્યમોનો ઉપયોગ આજે જ્ઞાન-વિજ્ઞાન માટે થવાને બદલે અંધશ્રદ્ધા અને જાદુટોણાના પ્રચાર-પ્રસાર માટે વધારે થઈ રહ્યો છે, જેને છૂપા સામાજિક આતંકવાદથી કમ ન આંકી શકાય.

દેશ ગુલામ હતો ત્યારે રાજા રામમોહન રાયે બંગાળમાં સતીપ્રથા સામે અવાજ ઉઠાવીને અંગ્રેજો પાસે સતીપ્રથા વિરોધી કાયદો કરાવીને સામાજિક ક્રાંતિ આણી હતી. કાયદા થકી સમાજસુધારણાનો નવો ખયાલ આપણા દેશમાં વિકસ્યો, પણ આજે ય સમાજસુધારણા માટે આપણે કાયદાની જરૂર પડી રહી છે, એ આપણા સમાજની કમનસીબી જ ગણવી જોઇએ, કારણ કે લોકો જાગૃત હોય તો કોઈ નિયમ-કાયદા બનાવવાની જરૂર જ ન પડે! પણ એવું થઈ રહ્યું નથી. આટલું ઓછું હોય આપણી સરકારોને આવા જરૂરી કાયદા બનાવવાની ફરજ પાડવા માટે આંદોલનો ચલાવવા પડે છે! મહારાષ્ટ્રમાં જાદુટોણા અને અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવા માટે લગભગ બે દાયકાથી ઝુંબેશ ચાલી રહી છે. મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના નેજા હેઠળ રાજ્યભરમાં જાદુટોણા વિરોધી ચળવળ ચલાવવામાં આવે છે, પણ કહેવાતાં ધાર્મિક સંગઠનો અને જૂથોને આ પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે, અને એટલે તેઓ સમિતિના સ્થાપક અને કાર્યાધ્યક્ષ ડો. નરેન્દ્ર દાભોળકરની હત્યા કરવા સુધી પહોંચ્યા છે. પુણેમાં ગત ૨૦ ઓગસ્ટ, 2013ના રોજ ડો. નરેન્દ્ર દાભોળકરની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. મોર્નિંગ વોક પર નીકળેલા ડો. દાભોળકરને પીઠ પાછળથી કાયરતાપૂર્ણ હુમલો કરીને ગોળીથી વીંધી દેવાયા. ડો. નરેન્દ્ર દાભોળકરનો 'વાંક' એટલો જ હતો કે તેઓ સમાજમાંથી અંધશ્રદ્ધાનાં અંધારા ઉલેચવા માગતા હતા. છેલ્લાં ૧૮ વર્ષથી તેઓ રાજ્યમાં જાદુટોણા વિરોધી કાયદો લાવવા માટેની ચળવળ ચલાવી રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ થકી રાજ્યમાં શ્રદ્ધા અને પરંપરાના નામે ચાલતાં ધતિંગો સામે લોકજાગૃતિની ઝુંબેશ ચલાવવાની સાથે સાથે સામાજિક બદીઓને દૂર કરવા માટે પ્રયાસરત હતા. પણ કહેવાતા ધાર્મિક સંગઠનો-જૂથોથી ડૉ. દાભોળકરની પ્રવૃત્તિને સમાજસુધારણાની દૃષ્ટિએ તો ક્યાંથી જોઈ શકે, કારણ કે તેમને ખ્યાલ હતો કે લોકો જાગૃત થઈ જશે તો આપણી અબજો કમાતી દુકાનો બંધ થઈ જશે.

ડૉ. નરેન્દ્ર દાભોળકરનું નામ સામાન્ય ગુજરાતીઓ માટે કદાચ અજાણ્યું છે. ૧ નવેમ્બર, ૧૯૪૫ના રોજ સતારામાં જન્મેલા ડો. નરેન્દ્ર દાભોળકર વ્યવસાયે ડોક્ટર હતા. તેમણે એમબીબીએસની ડિગ્રી મેળવ્યા પછી લગભગ બાર વર્ષ સુધી પ્રેક્ટિસ ચલાવી પરંતુ તેમને શારીરિક રોગો કરતાં સામાજિક રોગો વધારે ખતરનાક જણાયા. તેમણે શારીરિક રોગોના ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ બંધ કરીને સામાજિક ડોક્ટરની ભૂમિકા ભજવવાની શરૂ કરી. સામાજિક કાર્યકર તરીકે તેમને સમજાયું કે ધર્મ અને પરંપરાના નામે સમાજમાં જે ચાલે છે, તેનો ભોગ મોટા ભાગના લોકો બને છે, પરંતુ તેની સૌથી ખરાબ અસર ગરીબ લોકો પર પડતી હોય છે. નદીમાં મૂર્તિ વિસર્જનથી ફેલાતું પ્રદૂષણ હોય કે જ્ઞાતિ પંચાયતોના રૂઢીચુસ્ત વલણો, તેમણે ધર્મ-પરંપરાના નામે ચાલતાં ધતિંગોનો તમામ સ્તરે વિરોધ કર્યો. તેમણે અંધશ્રદ્ધાના મુદ્દે અગિયાર પુસ્તકો લખ્યાં હતાં. સાને ગુરુજીએ શરૂ કરેલા ‘સાધના’ સામયિકના તંત્રી તરીકે પણ તેમણે સમાજની અનેક બદીઓને ખુલ્લી પાડી હતી અને તેનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રમાં જાદુટોણા વિરોધી કાયદો લાવવા માથે તેઓ આજીવન મથતા રહ્યા હતા. આ કાયદાને કેબિનેટમાં મંજૂરી મળ્યા છતાં વિધાનસભામાં રજૂ કરવામાં થઈ રહેલાં ઠાગાઠૈયાં બાબતે તેઓ નારાજ હતા. કોંગ્રેસ-એન.સી.પી.ની રાજ્ય સરકાર પાસે પૂરતી બહુમતી હોવા છતાં ભા.જ.પ.-શિવસેનાનો વિરોધ અને મત ગુમાવવાના ડરે તે આ કાયદો લાવતા ડરી રહી હતી, જો કે, ડો. દાભોળકરની હત્યા પછી તેઓ સફાળા જાગ્યા અને હવે રાતોરાત કાયદાનો વટહુકમ લાવવાનું સૂઝ્યું છે. વિધાનસભામાંથી આ કાયદાનું વિધેયક પણ પસાર થશે, છતાં પણ ગઢ આલા, સિંહ ગેલા જેવી દુઃખદ સ્થિતિ સર્જાયાનો અફસોસ કાયમ રહેશે.

કહેવાતા ધાર્મિક ગુરુઓ અને પરંપરા-પોલીસ બની બેઠેલાં સંગઠનોને ધર્મ અને પરંપરાની બદીઓને તાર્કિક રીતે પડકારનારા આંખના કણાની જેમ ખૂંચે છે. ધાક-ધમકી કે સામાજિક દબાણોને અવગણવાનું સાહસ કરનારાની હાલત ડો. દાભોળકર જેવી કરવામાં આવે છે, શું આપણે આવું ચલાવી લેવું જોઇએ? ધર્મના નામે ધતિંગ ચલાવનારા સામે આંખ ઉઘાડવાનો અને લાલ કરવાનો સમય ક્યારનો ય પાકી ગયો છે. 

(25 ઑગસ્ટ, 2013ના રોજ ‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)