Wednesday, July 13, 2016

ઇરવિંગ સ્ટોનનો ‘જીવન’સંદેશ

દિવ્યેશ વ્યાસ


મહાન ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગને શબ્દદેહે અમરતા બક્ષનારા ઇરવિંગ સ્ટોનનું જીવન અને લેખન યુવાલેખકો માટે પ્રેરણાદાયક છે


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

વાત ઈ.સ. 1932ની છે. ન્યૂ યૉર્ક શહેરના એક નાટ્યગૃહની બહાર 30 વર્ષના યુવા નાટ્યલેખક અને દિગ્દર્શક સાથે 18 વર્ષની તરુણી વાતચીત કરી રહી હતી. વર્ગખંડમાં ભણવાને બદલે થિયેટરમાં ફિલ્મો જોવાની શોખીન તરુણી પેલા યુવાનને તેણે દિગ્દર્શિત કરેલા નાટક અંગે ધાણીફૂટ સવાલો કરી રહી હતી. હાઈસ્કૂલ પણ પૂરી નહોતી કરી એવી તરુણીના પરિપક્વ સવાલોથી ઇમ્પ્રેશ થયેલો યુવાન કહે છે કે મેં એક વિખ્યાત ડચ કલાકારની જીવનકથા લખી છે, તું એને વાંચીને કહે કે સત્તર સત્તર પ્રકાશકોએ શા માટે તેને છાપવાનો ઇનકાર કર્યો હશે. પેલી તરુણી એ જીવનકથા વાંચે છે અને કથાલેખક યુવાન સાથે ચર્ચા કરે છે. લેખક કહે છે, હું હવે આ જીવનકથા ફરી લખીશ નહીં, એક કામ કર, તું એને જાતે ટાઇપ કર અને તને યોગ્ય ન લાગે એટલું ટાઇપ ન કરતી. આ રીતે પેલી તરુણીએ સંપાદિત કરેલી જીવનકથા પ્રકાશકને મોકલવામાં આવી. પ્રકાશક તેને છાપવા રાજી થઈ ગયા અને 250 ડૉલર્સ એડવાન્સમાં પણ આપ્યા. આ નાણાંમાંથી જ તેમણે બન્નેએ લગ્ન કરી લીધાં!
 

આ યુવા લેખક એટલે વિશ્વવિખ્યાત જીવનકથા લેખક ઇરવિંગ સ્ટોન, સંપાદક તરુણી એટલે વર્લ્ડ ક્લાસ એડિટર જીન સ્ટોન અને એ પુસ્તક હતું - ‘લસ્ટ ફોર લાઇફ’, વિશ્વપ્રસિદ્ધ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગની જીવનકથા. આ પુસ્તકનો સદ્્ગત વિનોદ મેઘાણીએ ગુજરાતીમાં ‘સળગતાં સૂરજમુખી’ના નામે અદ્્ભુત અનુવાદ કર્યો છે. વાન ગોગનો પરિચય હોય કે નહીં, ચિત્રકળામાં રસ કે સૂઝ હોય કે નહીં, પણ આ પુસ્તક વાંચ્યા પછી તમે જિંદગી (લાઇફ) અને જુસ્સા (પેશન) અંગે જુદી રીતે વિચારતા જરૂર થઈ જાવ. વિનોદભાઈએ આ પુસ્તકનો અનુવાદ એટલી ચીવટ અને જીવટથી કર્યો છે કે વાંચતાં વાંચતાં તમને યાદ જ ન રહે કે તમે મૂળ પુસ્તક વાંચી રહ્યા છો કે અનુવાદિત. ‘સળગતાં સૂરજમુખી’ની વાત વધારે નથી કરવી, કારણ કે એ તો તમે વાંચીને માણી જ શકશો, પરંતુ આજે વાત કરવી છે તેના મૂળ સર્જક ઇરવિંગ સ્ટોનની, જેમનો કાલે (14મી જુલાઈ, 1903) જન્મ દિવસ છે.
 

ઇરવિંગ સ્ટોનને વાંચનનો વારસો તેમની માતા પાસેથી મળેલો. નાનપણથી જ વાંચનના કીડા ઇરવિંગે રાજ્યશાસ્ત્રમાં સ્નાતક થયા પછી અર્થશાસ્ત્ર સાથે માસ્ટર ડિગ્રી મેળવેલી. બર્કલી યુનિવર્સિટીમાં ડૉક્ટરેટની ડિગ્રી માટે પ્રવેશ લીધા પછી તેમને થયું કે કરિયર તો લેખક તરીકે જ બનાવવી છે. ડૉક્ટરેટનો અભ્યાસ છોડીને તે ફ્રાન્સ ગયા. લેખક તરીકે તેમણે નાટ્યલેખનથી શરૂઆત કરેલી. એક જ વર્ષમાં 17 નાટકો લખી નાખ્યાં, પણ એકેયનું કોઈ લેવાલ નહોતું. એવામાં તેમણે પેરીસની રોસનબર્ગ ગેલેરીમાં વિન્સેન્ટ વાન ગોગનાં ચિત્ર પ્રદર્શનને નિહાળ્યું અને નક્કી કરી લીધું કે આ ચિત્રકારના જીવન પરથી પુસ્તક લખવું છે. તેઓ ન્યૂ યૉર્ક પાછા ફર્યા. સડકછાપ સામયિકોમાં રહસ્યકથાઓ લખી લખીને નાણાં એકઠાં કર્યાં અને ફરી યુરોપ જઈને વાન ગોગના જીવન પર સંશોધન શરૂ કર્યું અને એ રીતે લખાયું - ‘લસ્ટ ફોર લાઇફ’. ઇરવિંગ સ્ટોનના પ્રતાપે વાન ગોગનું જીવન અને વ્યક્તિત્વ શબ્દદેહે કામય માટે અમર થઈ ગયું છે.
 

જીવનકથા આધારિત નવલકથાના લેખક તરીકે વિખ્યાત બનેલા ઇરવિંગ સ્ટોને જીવનકથાલેખનમાં એક નવો જ ચીલો ચાતર્યો. ઇરવિંગ સ્ટોને આગળ જતાં માઇકલ એન્જેલો, સિગ્મંડ ફ્રોઇડ, ચાર્લ્સ ડાર્વિન, ચિત્રકાર કામીય પિસારો વગેરે મહાનુભાવોના જીવન આધારિત બે ડઝન જેટલી નવલકથાઓ લખી છે. ગુજરાતીમાં સંશોધન આધારિત લેખન એમાંય નવલકથા લખવાનું હવે સાવ ઠપ જ થઈ ગયું છે ત્યારે ઇરવિંગ સ્ટોનના જીવન અને લેખન પાસેથી યુવા લેખકોએ ઘણું બધું શીખવા જેવું છે. જોકે, આ શીખવાની શરૂઆત તો તેમના પુસ્તક, ખાસ કરીને ગુજરાતીમાં અનુવાદિત પુસ્તક ‘સળગતાં સૂરજમુખી’ વાંચીને જ કરીએ તો એનાથી રૂડું બીજું શું!

(‘દિવ્ય ભાસ્કર’ની 13 જુલાઈ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

1 comment: