Wednesday, March 1, 2017

નફરતનું વિનાશક રાજકારણ

દિવ્યેશ વ્યાસ


અમેરિકામાં ઠાર કરાયેલા ભારતીય ઇજનેર શ્રીનિવાસનનું ઉદાહરણ નફરતના રાજકારણ વિરુદ્ધ લાલ બત્તી સમાન છે

(મૂળ એસોશિયેટ પ્રેસ(AP)ની આ તસવીર ‘ડેઇલી મેલ’ની વેબસાઇટ પરથી લેવામાં આવી છે)

ગયા સપ્તાહમાં અમેરિકામાં એક આઘાતજનક જ નહીં, બલકે શરમજનક ઘટના ઘટી હતી. કેન્સાસના ઓલેથ શહેરના એક બારમાં એડમ પુરિંટન નામના માથાફરેલ માણસે શ્રીનિવાસન કુચીભોતલા અને આલોક મદસાની નામના બે ભારતીયોને ‘મારા દેશમાંથી ચાલ્યા જાવ...’ એવું દાદાગીરીભર્યું વાક્ય ઉચ્ચારીને પછી ગાળો ભાંડી હતી. બારવાળાઓએ એડમને કાઢી મૂક્યો, પરંતુ થોડી વારમાં તે ભરી બંદૂકે બારમાં પાછો ફર્યો અને ભારતીયો પર ધડાધડ ગોળીઓ ચલાવવા માંડ્યો, જેમાં શ્રીનિવાસનનું મોત નીપજ્યું અને આલોક માંડ માંડ બચી ગયો.

અમેરિકન નેવીમાં કામ કરી ચૂકેલા 51 વર્ષના હુમલાખોર એડમ પુરિંટનના દિમાગમાં કેટલું ઝેર હશે, એનો અંદાજ એ વાત પરથી આવે છે કે ઘાતક હુમલો કર્યા પછી તેણે એક બીજા બારમાં જઈને બહુ ગર્વભેર કહ્યું હતું કે ‘હું મધ્ય પૂર્વના બે મુસ્લિમોને ઠાર મારીને આવ્યો છું. મને પોલીસથી બચાવો અને ક્યાંક સંતાવાની વ્યવસ્થા કરી આપો.’ અલબત્ત, પેલા બારના સંચાલકો અને હાજર લોકોએ તેને પોલીસના હવાલે કરી દેવાનું જ મુનાસિબ માન્યું. એડમ પર હત્યા અને હત્યાની કોશિશની કલમો લગાડીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, આ લેખ લખાતો હતો ત્યાં સુધી તેના પર વંશીય હુમલાની કલમ લગાવવામાં નહોતી આવી.

એડમને હત્યાના કેસમાં સજા તો ચોક્કસ મળશે જ, પરંતુ ચિંતા એડમના દિમાગમાં રહેલા ઝેરની છે, કારણ કે અમેરિકામાં આવાં ઝેરભરેલાં દિમાગો દિવસે દિવસે વધતાં જ ગયાં છે. એમાંય ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી તો જાણે આવી નફરતને માન્યતા મળી ગઈ હોય એવો માહોલ સર્જાયો છે. સદ્્ગત શ્રીનિવાસનના પિતરાઈ ભાઈ વેણુ માધવે શ્રીનિવાસન પરના હુમલાને હેટ ક્રાઇમ એટેક ગણાવ્યો હતો અને શબ્દ ચોર્યા વિના જણાવ્યું હતું કે હું અમેરિકામાં કામ કરું છું એટલે જાણું છું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી વંશીય હુમલાઓ વધી ગયા છે. પહેલાં આવું નહોતું થતું.

શ્રીનિવાસનનાં પત્ની સુનયના દુમાલાએ એક પત્રકાર પરિષદમાં સત્તાધીશોને સીધો સવાલ કર્યો હતો કે, ‘મારે આ સરકાર પાસેથી એક જ જવાબ જોઈએ છે કે તે નફરતના આધારે થયેલી આ હિંસા રોકવા માટે શું કરી રહી છે?’ સરકારનું કામ નફરત કે નકારાત્મકતા વિરુદ્ધ દેશના નાગરિકોને કોઈ પણ ભેદભાવ વિના રક્ષણ આપવાનું હોય છે, પરંતુ સત્તાસ્થાને જ્યારે ભેદભાવયુક્ત માનસિકતા ધરાવનારનો કબજો હોય ત્યારે મામલો ‘ભેંસ આગળ ભાગવત’નો બની રહેતો હોય છે.

અમેરિકી મીડિયા અને સોશિયલ મીડિયા ખુલ્લેઆમ લખી રહ્યાં છે કે ટ્રમ્પે ઇમિગ્રન્ટ્સની વિરુદ્ધમાં આપેલાં તેજાબી ભાષણોની અસરને કારણે જ આવી ઘટના સર્જાઈ છે. જોકે, ટ્રમ્પનું શાસનતંત્ર આ દલીલને હાસ્યાસ્પદ ગણાવીને અવગણી રહ્યું છે. ટ્રમ્પનાં ચૂંટણી ભાષણોથી લઈને તેમના શાસનના પ્રારંભિક દિવસોની કાર્યવાહીમાં, બહારથી આવીને અમેરિકામાં વસેલા લોકો માટે દ્વેષભાવ ચોખ્ખો વર્તાય છે. ઇમિગ્રન્ટ્સ જાણે અમેરિકાની તમામ સમસ્યાઓ માટે જવાબદાર હોય એવી હવા ફેલાવવામાં આવી રહી છે. અમેરિકાના મૂળ નિવાસી એવા રેડ ઇન્ડિયન્સનો કોઈ અત્તોપત્તો નથી, પણ યુરોપના દેશોમાંથી અહીં વસેલા ગોરા લોકોએ અમેરિકાને જાણે ‘બાપિકી જાગીર’ માની લીધી છે અને એશિયા-આફ્રિકાના દેશોમાંથી આવેલા લોકો પ્રત્યે તુચ્છભાવ ધરાવે છે. એમાંય 9/11 પછી દરેક મુસ્લિમમાં તેઓ ટેટરિસ્ટનાં જ દર્શન કરી રહ્યા છે, એ અત્યંત ગંભીર બાબત છે. બહુમતીવાદી-શ્વેતવાદી માહોલ અમેરિકા જેવા મહાન લોકશાહી દેશને બિલકુલ શોભતો નથી, પણ નફરતના રાજકારણ પર મદાર રાખતા વર્તમાન શાસકોને એની કોઈ પરવા નથી.

નફરતનું રાજકારણ હિંસક હુમલાઓ અને અશાંત માહોલ સર્જવા સિવાય ખાસ કશું ઉકાળી શકતું નથી. નફરતનું રાજકારણ જુસ્સો-ઝનૂન જરૂર જગાવી શકે, પણ તેનાં પરિણામ નકારાત્મક જ નીવડતાં હોય છે. નફરતનું રાજકારણ કરનારા કદી પોતાના રાષ્ટ્રનો વિકાસ કરી શકે નહીં. નફરતનું રાજકારણ ક્યારેય કોઈ દેશને મહાન બનાવી શકે નહીં. નફરતના રાજકારણને કારણે બદબાદ થતા દેશનું ઉદાહરણ આપણે પાકિસ્તાન સ્વરૂપે જોયું જ છે. અમેરિકામાં ઠાર કરાયેલા ભારતીય ઇજનેર શ્રીનિવાસનનું ઉદાહરણ નફરતના રાજકારણ વિરુદ્ધ લાલ બત્તી સમાન છે. દેશનો વિકાસ ઇચ્છતા રાજનેતાઓએ લોકો વચ્ચે એકતા-સંપ અને ભાઈચારો વિકસે એ માટે મથવું જોઈએ, જો તેઓ નફરત ફેલાવવાની ચાનક ન છોડે તો દેશનું નામ તો ન થાય, બલકે નાક જરૂર કપાય!

(‘દિવ્ય ભાસ્કર’ની 1 માર્ચ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ની મૂળ પ્રત)

No comments:

Post a Comment