Wednesday, March 29, 2017

મહર્ષિ દધીચિનો દેહદાનનો વારસો

દિવ્યેશ વ્યાસ


સદગત તારકભાઈ મહેતા અને ચિનુભાઈ મોદીએ દેહદાન કરીને સમાજને મહામૂલી પ્રેરણા પૂરી પાડી છે


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)
 તાજેતરમાં ગુજરાતે ઉપરાઉપરી બે મોટા સાહિત્યકારો-સર્જકો ગુમાવ્યા, દુનિયાને ઊલટાં ચશ્માં થકી સતત હસાવનારા તારકભાઈ મહેતા અને ગઝલથી માંડીને ખંડકાવ્ય અને નાટકથી લઈને નવલકથામાં પોતાનું સર્જકત્વ સાબિત કરનારા ચિનુ મોદી. તારકભાઈના નિધન પછી તેમના મિજાજને શોભે એવી હાસ્યાંજલિની છોળો ઊડી, પણ ચિનુ મોદીના નિધન પછી તેમની શોકસભાના આયોજન બાબતે સાહિત્યિક સંસ્થાઓના વાદવિવાદને કારણે વિષાદ ઘેરો બન્યો. આ વાદવિવાદના દેકારામાં એક વાત તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું કે આ બન્ને સાહિત્યકારોએ દેહદાન કરીને પોતાના જીવનના અંતિમ પર્વને માનવતા માટે ન્યોછાવર કરી દીધું હતું! દેશમાં એક તરફ કબ્રસ્તાન અને સ્મશાનના નામે રાજકારણ રમાઈ રહ્યું છે ત્યારે આ બન્ને મહાનુભાવોએ સમાજને એક ત્રીજો જ રાહ ચીંધ્યો છે. દેહદાનનો માર્ગ નિર્વિવાદપણે માનવતાનો માર્ગ છે! વળી, સારું છે કે દુનિયાના લગભગ તમામ ધર્મોમાં દેહદાન પ્રત્યે સકારાત્મક વલણ જોવા મળે છે. સદ્્ગત તારકભાઈ અને ચિનુ મોદીએ દેહદાન કરીને સમગ્ર સમાજને મહામૂલી પ્રેરણા પૂરી પાડી છે.

ભારતીય સંસ્કૃતિમાં દેહદાન મામલે સૌથી જૂનું અને ચમકતું નામ મહર્ષિ દધીચિનું. દધીચિ ઋષિની વાર્તા કંઈક એવી છે કે તેઓ નૈમિષારણ્યમાં નિવાસ કરતા હતા. દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. યુદ્ધ ઘણા દિવસ સુધી ચાલ્યું, પણ વૃત્રાસુરના નેતૃત્વમાં લડી રહેલા અસુરોને દેવો હરાવી શકતા નહોતા. દેવતાઓ ઇન્દ્ર પાસે ગયા અને ઇન્દ્ર તરત બ્રહ્માજીને મળ્યા. બ્રહ્માજીએ ઉપાય સૂચવ્યો કે નૈમિષારણ્યમાં તપ કરી રહેલા દધીચિ ઋષિએ પોતાના શરીરમાં અપાર શક્તિઓ હાંસલ કરી છે. તેમનાં હાડકાંમાંથી જો હથિયાર બનાવવામાં આવે તો તેનાથી અસુરોને પરાસ્ત કરી શકાશે. ઇન્દ્ર દધીચિ પાસે ગયા અને ખચકાતાં ખચકાતાં બધી વાત કરી. દધીચિ પોતાના દેહદાન માટે રાજી થઈ ગયા અને તેમણે યોગબળથી પોતાનું શરીર છોડી દીધું. તેમનાં હાડકાંમાંથી વજ્ર બનાવવામાં આવ્યું. વજ્રના પ્રહારથી જ વૃત્રાસુર હણાયો અને અસુરો પર વિજય મેળવી શકાયો.

આજે અનેક બીમારી રૂપ વૃત્રાસુરો-અસુરો માનવજાત પર ત્રાટકી રહ્યા છે, લાખો લોકોને રંજાડી રહ્યા છે ત્યારે દેહદાન-અંગદાન બહુ આવશ્યક બન્યું છે. આજની દુનિયાને એક નહીં હજારો દધીચિની જરૂર છે. દધીચિ ઋષિએ તો સામેથી મોતને આમંત્રિત કરવું પડ્યું હતું, પરંતુ આપણે એવા ભાગ્યશાળી છીએ કે આપણે મૃત્યુ પછી જ દેહદાન કરવાનું હોય છે. આપણી જિંદગી પૂર્ણપણે જીવી લીધા પછી પણ અન્ય માનવબંધુઓને નવી જિંદગી બક્ષી શકીએ છીએ.

દધીચિ ઋષિના વારસ હોવા છતાં આપણે ત્યાં દેહદાન બાબતે જોઈએ એટલી જાગૃતિ જોવા મળતી નથી. એક થોડોક જૂનો આંકડો છે કે વર્ષ 2014માં સ્પેનમાં દર દસ લાખે 36 લોકો દેહદાન કરેલું, ક્રોએશિયામાં 35 લોકોએ દેહદાન કરેલું, અમેરિકામાં દર દસ લાખે દેહદાન કરનારાનો આંકડો 27.2 હતો, જ્યારે ભારતમાં આ આંકડો માંડ 0.34 હતો! લિવર, હૃદય કે કિડની જેવાં અંગોની ખરાબીને કારણે આપણા દેશમાં દર વર્ષે આશરે પાંચ લાખ લોકો પોતાનો જીવ ગુમાવે છે. બીજી તરફ એક વ્યક્તિ દેહદાન કરીને આશરે 8 વ્યક્તિઓની જિંદગી બચાવી શકે છે. દાન કરાયેલો દેહ મેડિકલ ક્ષેત્રનાં સંશોધન અને શિક્ષણમાં પણ ઉપયોગી પુરવાર થતો હોય છે.

માર્ચ મહિનામાં તારકભાઈ અને ચિનુ મોદીના દેહદાન ઉપરાંત બીજા એક સમાચાર જાણવા મળ્યા હતા કે દિલ્હીનાં આંચલ ગુપ્તા અને સૂરજ ગુપ્તા નામના એક દંપતીએ પોતાની સાત દિવસની નવજાત દીકરીનું મોત થતાં તેના દેહનું દાન કરીને એક દાખલો બેસાડ્યો હતો. અત્રે નોંધનીય છે કે પ. બંગાળનાં વિખ્યાત મુખ્યમંત્રી જ્યોતિ બસુએ દેહદાન કરેલું. આપણાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પણ દેહદાનનો સંકલ્પ લીધેલો છે. ગુજરાતમાં અનેક સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ અંગદાન-દેહદાન માટે પ્રયાસરત છે. જિંદગીના અંતિમ પર્વને માનવસંવેદના ખાતર દેહદાન થકી ઊજવનારા તારકભાઈ અને ચિનુભાઈને સો સો સલામ!

(‘દિવ્ય ભાસ્કર’ની 29મી માર્ચ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment