Wednesday, March 15, 2017

હારીને કમાનારા બાજીગરો

દિવ્યેશ વ્યાસ


કોઈ વિચારધારા કે સમાજસેવા વિના ચૂંટણી ટાણે રાતોરાત ફૂટી નીકળતા નેતાઓથી ચેતવા જેવું છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)



ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે. ચૂંટણીના દિવસોમાં સામાન્યમાં સામાન્ય નાગરિકને પણ અહેસાસ થતો હોય છે કે આપણું પણ કોઈ વજૂદ છે અને આપણું પણ કંઈક મહત્ત્વ છે. મત આપવાની નમ્ર અપીલ કરતા અને લળી લળીને સલામો ભરતા નેતાઓને જોઈને કૉમન મેનને પણ લાગે છે કે આ દેશમાં આપણોય ‘ભાવ પુછાય’ છે! બીજા કોઈ દિવસોમાં થતા હોય કે નહીં, પરંતુ ચૂંટણીના દિવસોમાં તો દેશ-રાજ્ય કે ગામ-શહેરને લગતા મુદ્દાઓની જાહેર ચર્ચાઓ થતી હોય છે. ચૂંટાયેલા નેતાઓનાં કાર્યોનાં લેખાંજોખાં થાય છે. ચૂંટણીના દિવસોમાં સાચાં-ખોટાં વાયદા-વચનો પણ અપાતાં હોય છે. ખુદને વિઝનરી ગણાવવાની ઝંખના ધરાવતા નેતાઓ ગુલાબી સપનાંઓ પણ દેખાડતા હોય છે. પક્ષપલટાનાં ધાર્યાં-અણધાર્યાં દૃશ્યો પણ ભજવાતાં હોય છે. ખાટી-મીઠી વાતો થતી હોય છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો મારો પણ થતો હોય છે. દિવસે દિવસે નેતાઓની ભાષા અને લોકરંજન મુદ્દાઓની ભરમાર વધતી જાય છે, છતાં દરેક ચૂંટણીએ આપણા દેશની જનતાની સમજદારીનો જ પુરાવો આપ્યો છે, એ બાબત બહુ આશ્વસ્તકારક છે.

ચૂંટણીઓ દરમિયાન થતાં કીચડઉછાળ નિવેદનો લોકશાહીના પવિત્ર પર્વને દૂષિત કરતાં હોય છે. જોકે, ચૂંટણીમાં ચાલતી ગંદી રાજરમતો અને કાવાદાવા ભાગ્યે જ સામાન્ય નાગરિકોના ધ્યાનમાં આવતાં હોય છે. મોટા રાજકીય પક્ષો અને વગદાર ઉમેદવારો વિજય માટે પ્રયાસ કરવાની સાથે સાથે હરીફ ઉમેદવારને ગમે તેમ કરીને હરાવવા માટે અપક્ષ ઉમેદવારોને હાથા બનાવતા હોય છે. ચૂંટણીમાં આજકાલ બૂથ સ્તરે માઇક્રો મેનેજમેન્ટની બોલબાલા છે. માઇક્રો મેનેજમેન્ટમાં માત્ર એક એક મતદારને મનાવવા કે પોતાના તરફ વાળવાના પ્રયાસો ઓછા, પરંતુ વિરોધી ઉમેદવારના સંભવિત મતોને કોઈ પણ રીતે કાપવાના પ્રયાસો કરવામાં આવે છે. આ પ્રયાસોમાં હાથા બને છે - અપક્ષ ઉમેદવારો અને નાના-પરચૂરણ પક્ષો. ઉત્તર પ્રદેશની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં નેતાઓ અને પક્ષોની હારજીતમાં પરચૂરણ પક્ષોની શું ભૂમિકા હતી, એની ભાગ્યે જ ચર્ચા થતી હોય છે.

ચૂંટણી પરિણામો પહેલાં જ ઇન્ડિયાસ્પેન્ડ.કોમ નામની વેબસાઇટ પર એક વિશ્લેષણાત્મક અહેવાલ પ્રકાશિત થયો હતો. જેમાં નોંધાયેલા નાના રાજકીય પક્ષોની કરમકુંડળીની ઉદાહરણ સહિત ચર્ચા કરવામાં આવી હતી. એ બધી ચર્ચામાં ન પડીએ તોપણ કેટલાક આંકડા જાણવા રસપ્રદ છે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી વિશાળ રાજ્ય છે. આ રાજ્યમાં 404 બેઠકો માટે વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની બેઠકો કરતાં પણ વધારે 474 નોંધાયેલા નાના રાજકીય પક્ષો કાર્યરત છે! સમગ્ર દેશમાં ચલાવાતા નાના પક્ષોમાંથી ચોથા ભાગના પક્ષો એકલા ઉત્તર પ્રદેશમાં છે. ઉત્તર પ્રદેશમાં એક પછી એક ચૂંટણીમાં નાના પક્ષોની સંખ્યામાં સતત વધારો નોંધાતો ગયો છે. ઉત્તર પ્રદેશમાં 2002ના વર્ષમાં નાના પક્ષોની સંખ્યા માત્ર 75 હતી, જ્યારે 2012માં 204 પક્ષો ચૂંટણી મેદાનમાં કૂદી પડ્યા હતા અને આ વખતની ચૂંટણીમાં અધધ 474 નાના પક્ષોએ વિધાનસભા ચૂંટણીમાં ઝુકાવ્યું હતું! 

ચૂંટણીની સિઝનમાં ફૂટી નીકળતા નાના પક્ષોના મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઈ જાય એવી ખરાબ રીતે હારતા હોય છે, છતાં નાના પક્ષોની સંખ્યા વધતી જ જાય છે અને તેમને ઉમેદવારોની અછત પણ નડતી નથી! આની પાછળનું મુખ્ય કારણ એ છે કે તેઓને ચૂંટણી જીતવા કે હારવા માટે નહીં, પણ કોઈને હરાવવા-જિતાડવા માટે જ લડાવાતી હોય છે. ચૂંટણી લડવા માટે તેમને પોતાના અચ્છે દિન આવી જાય, એટલાં નાણાં પણ અપાતાં હોય છે. આમ, હારીને પણ કમાનારા આવા બાજીગર નેતાઓ ચૂંટણીની સિઝનમાં ધીકતી કમાણી કરી લેતા હોય છે.

ચૂંટણીપંચના ચોપડે નોંધાયેલા નાના પક્ષો ભાગ્યે જ કોઈ ચૂંટણી જીતી શકતા હોય છે, છતાં તેમનું અસ્તિત્વ ટકી રહે છે અને તેમની સંખ્યા વધતી જ જાય છે, તેનું એક કારણ નોંધાયેલા રાજકીય પક્ષોને મળતી વેરામાફી પણ ગણાવાય છે. ઇન્કમ ટેક્સ એક્ટ - 1961 અનુસાર રાજકીય પક્ષને દાન કરનારને કરવેરામાંથી માફી મળે છે. વળી, રાજકીય પક્ષે પણ કોઈ વેરો ચૂકવવો પડતો નથી. હવે મર્યાદા ઘટાડાઈ છે, છતાં 2000થી ઓછું દાન કરનારાઓનાં નામ-ઠામ-સ્રોત જાહેર કરવા પડતાં નથી. મોટા મોટા રાજકીય પક્ષો પણ પોતાનો હિસાબ ચોખ્ખો રાખતા નથી ત્યારે નાના પક્ષોને તો કોણ પૂછે, એટલે નાના રાજકીય પક્ષો ધીકતા ધંધાનું માધ્યમ બની જતા હોય છે. જોકે, બધા નાના પક્ષો કે અપક્ષ ઉમેદવારો પર આવો આક્ષેપ ન કરી શકાય, છતાં સ્થિતિ એવી છે કે સ્વચ્છ પક્ષો અને સેવાધર્મી ઉમેદવારો હવે અપવાદરૂપ જ જોવા મળે છે.

ઑગસ્ટ-2015માં ચૂંટણીપંચના આંકડા અનુસાર નોંધાયેલા નાના પક્ષોની સંખ્યા 1866 હતી. ડિસેમ્બર-2016માં ચૂંટણીપંચે વર્ષ 2005 પછી માત્ર કાગળ પર ચાલી રહેલા અને એકેય સ્તરની ચૂંટણી નહીં લડનારા 255 પક્ષોને નોંધાયેલા રાજકીય પક્ષોની યાદીમાંથી રદ કર્યા હતા, એટલું જ નહીં તેમની પંચે તેમની તપાસ હાથ ધરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસને તાકીદ પણ કરી હતી. આમ છતાં દેશમાં હાલ 1786 નાના પક્ષો અસ્તિત્વ ધરાવે છે.

બ્રિટિશ અર્થશાસ્ત્રી ઈ.એફ. શુમાકરનું સૂત્ર ‘સ્મોલ ઇઝ બ્યૂટીફૂલ’ રાજકીય પક્ષોની બાબતમાં સાચું પડતું નથી અને તેઓ લોકશાહીની બ્યૂટીને હાનિ પહોંચાડતા હોય છે. ગુજરાતમાં પણ ચૂંટણીઓ આવી રહી છે... હારીને કમાનારા બાજીગરોથી ચેતજો!

(‘દિવ્ય ભાસ્કર’ની 15 માર્ચ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment