Wednesday, April 5, 2017

રંગભેદની ભીંત્યું ભાંગનાર

દિવ્યેશ વ્યાસ


દ. આફ્રિકામાં નેલ્સલ મંડેલાની સજાથી લઈને સત્તા સુધીના સાથી રહેલા અહેમદ કથરાડા આજીવન સંઘર્ષવીર હતા

(તસવીરો kathradafoundation.org પરથી લીધી છે.)

દ. આફ્રિકા હંમેશાં એક વાતે ગૌરવ લેતું રહ્યું છે કે તમે અમને મોહનદાસ ગાંધી આપ્યા અમે તમને મહાત્મા ગાંધી આપ્યા! ગાંધીજીની એડવોકેટમાંથી આંદોલનવીર બનવાની યાત્રાએ દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર જ આકાર લીધો હતો, એ હકીકત છે, પરંતુ સાથે સાથે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી રહી કે ગાંધીજીના આંદોલને સમગ્ર દ. આફ્રિકાને એવું તો આંદોલિત કરેલું કે તેની અસર દાયકાઓ સુધી જળવાઈ રહી. આ અસર હેઠળ જ નેલ્સન મંડેલા જેવા નેતા પેદા થયા. આ અસરનું જ પરિણામ છે કે દ. આફ્રિકા આજે ભેદભાવમુક્ત અને ન્યાયી રાષ્ટ્ર તરીકે સ્થાપિત થઈ શક્યું છે અને ટકી પણ રહ્યું છે.

દ. આફ્રિકાની આટલી વાત અને મંડેલાનું સ્મરણ કરવા પાછળ એક કારણ છે અને કમનસીબે આ કારણ દુખદ છે. નેલ્સન મંડેલાના નિકટતમ સાથીઓમાંના એક એવા ભારતીય મૂળના સંઘર્ષવીર અહેમદ કથરાડાનું ગત 28મી માર્ચ, 2017ના રોજ 87 વર્ષની વયે નિધન થયું. રંગભેદ અને અન્યાય સામે આખી જિંદગી આંદોલન રૂપી તલવાર તાણનારા અહેમદ કથરાડા માત્ર દ. આફ્રિકામાં જ નહીં, સમગ્ર વિશ્વમાં એક આંદોલનપુરુષ-રાજપુરુષ તરીકે નામના ધરાવતા હતા. કથરાડાના સંઘર્ષનો અંદાજ માંડવો હોય તો એક આંકડો પૂરતો છે કે તેમણે 87 વર્ષના આયુષ્યમાં 75 વર્ષ જાહેરજીવન-સેવા-સંઘર્ષ પ્રવૃત્તિઓમાં ગાળ્યાં હતાં, માત્ર 17 વર્ષની વયે વિરોધ આંદોલન કરતાં કરતાં ધરપકડ વહોરી હતી. તેમણે પોતાની જિંદગીનાં 26થી વધુ વર્ષો જેલમાં વિતાવવા પડેલાં, જેમાંથી 18 વર્ષ તો કુખ્યાત રોબેન ટાપુ પર આકરી સજા વેઠી હતી.
અહેમદ કથરાડાને આપણે ગુજરાતીઓએ તો ખાસ ઓળખવા જોઈએ અને આદર્શ બનાવી પ્રેરણા મેળવવી જોઈએ, કારણ કે તેઓ મૂળે તો ગુજરાતી પરિવારનું જ ફરજંદ હતા. તેમનો પરિવાર સુરતથી સ્થળાંતર કરીને આફ્રિકામાં સ્થાયી થયો હતો. અલબત્ત, કથરાડાનો જન્મ (21 ઑગસ્ટ, 1929) અને ઉછેર દ. આફ્રિકામાં જ થયો હતો. ભારતીય મૂળના હોવાને કારણે જ સ્વાભાવિક રીતે જ તેઓ મહાત્મા ગાંધીએ દ. આફ્રિકામાં ચલાવેલા આંદોલનના પ્રભાવ અને પ્રવૃત્તિઓના સંપર્કમાં આવ્યા. કથરાડા યુવા વયે જ ભારતીય મૂળના લોકોના રાજકીય પક્ષ ટ્રાન્સવાલ ઇન્ડિયન યૂથ કૉંગ્રેસ સાથે જોડાયા હતા અને બહુ ઝડપથી સંગઠનકાર તરીકે આગળ વધ્યા હતા. આગળ જતાં તેઓ નેલ્સન મંડેલાના સંઘર્ષના સાથી બની રહ્યા હતા.


કથરાડા અને નેલ્સન મંડેલા આજીવન ગાઢ મિત્રો બની રહ્યા હતા. મંડેલા કથરાડાને પોતાના ‘મિરર’ તરીકે ઓળખાવતા તો કથરાડા મંડેલાને ‘મોટા ભાઈ’ માનતા હતા. જોકે, તેઓ યુવા વયમાં પહેલી વખત મળ્યા તેનો કિસ્સો બહુ જ રસપ્રદ છે અને તેઓ હંમેશાં તે વાત વાગોળતા હતા. મંડેલાએ તો પોતાની આત્મકથા ‘લૉંગ વૉક ટુ ફ્રીડમ’માં પણ આ કિસ્સો નોંધેલો છે. નેલ્સન મંડેલા જે પક્ષ સાથે જોડાયેલા હતા, એ આફ્રિકન નેશનલ કૉંગ્રેસ (એએનસી) દર વર્ષે પહેલી મેના રોજ રંગભેદી કાયદાઓ વિરુદ્ધ સ્વતંત્રતા દિવસ મનાવતી હતી. ઈ.સ. 1950માં યોજાયેલા આ કાર્યક્રમમાં એએનસી ઉપરાંત કથરાડા જેમાં સક્રિય હતા એ ટ્રાન્સવાલ ઇન્ડિયન યૂથ કૉંગ્રેસ તથા દ.આફ્રિકાની કમ્યુનિસ્ટ પાર્ટી પણ જોડાઈ હતી. એ વખતે મંડેલાને લાગતું હતું કે આફ્રિકન નેશનલ કૉંગ્રેસે અન્ય પક્ષો સાથે અંતર જાળવી રાખવું જોઈએ, જેથી પક્ષના મૂળ ઉદ્દેશો પર જ ફોકસ રહે. મંડેલાના વલણથી 22 વર્ષના અહેમદ કથરાડા તમતમી ગયા હતા. એ દિવસોમાં એક દિવસ અચાનક મંડેલા અને કથરાડાનો ભેટો રસ્તા વચ્ચે જ થઈ ગયો. કથરાડાએ કોઈ ખચકાટ વિના પોતાનો વાંધો-વિરોધ નોંધાવી દીધો અને મંડેલાને સંભળાવી દીધું કે તમે ભારતીયો સાથે કામ કરવા જ માગતા નથી. મંડેલા પણ ત્યારે તપી ગયેલા અને તેમણે કથરાડા વિરુદ્ધ ફરિયાદ પણ કરેલી. જોકે, પક્ષના અન્ય સભ્યોની સમજાવટથી ફરિયાદ પાછી પણ ખેંચી લીધેલી. આ પહેલી મુલાકાત ભલે તીખી રહી, પણ પછી મંડેલા અને કથરાડા વચ્ચે દોસ્તી એવી તે જામી કે તેઓ સજાથી લઈને સત્તા સુધી એકબીજાના વિશ્વાસુ સાથી બની રહ્યા હતા. ઈ.સ. 1964માં કુખ્યાત રિવોનિયા કેસમાં મંડેલા ઉપરાંત જે ત્રણ લોકોને રાજકીય કેદી તરીકે જનમટીપની સજા મળેલી, એમાંના એક અહેમદ કથરાડા હતા. મંડેલાની જેમ રોબેન ટાપુ પર તેમણે પણ આકરી સજા કાપી હતી. સંઘર્ષની જેમ જ  નેલ્સલ મંડેલા જ્યારે દ. આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા ત્યારે પણ કથરાડાએ તેમના પાર્લમેન્ટરી કાઉન્સેલર તરીકે જોડાઈને દેશમાં રંગભેદમુક્ત નવી નીતિ નિર્ધારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દ. આફ્રિકાના અન્ય દેશો સાથેના સંબંધો સ્થાપવા અને વધારવામાં પણ કથરાડાનું મોટું પ્રદાન રહ્યું છે. છેલ્લાં વર્ષોમાં તેમણે રાજકારણ છોડીને સમાજસેવા અને રંગભેદ વિરોધી લોકજાગૃતિ માટે પ્રયાસો કર્યા હતા.

‘અંકલ કેથી’ તરીકે જાણીતા કથરાડાએ ક્યારેય સત્તા કે પદ માટે રાજકારણ કર્યું નહોતું. દ. આફ્રિકામાં આઝાદી, લોકશાહી અને શાંતિ માટેના તેમના આજીવન સંઘર્ષને સલામ!

(‘દિવ્ય ભાસ્કર’ની 5મી એપ્રિલ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - બિનસંપાદિત)

No comments:

Post a Comment