Wednesday, April 19, 2017

દલાઈ લામા પ્રત્યે દ્વેષ શા માટે?

દિવ્યેશ વ્યાસ


પ્રેમ અને પ્રસન્નતાનો સંદેશ આપનારા દલાઈ લામા પ્રત્યે ધિક્કાર પેદા થવો મુશ્કેલ છે, પણ ચીનને કોણ સમજાવે?

(તસવીર ગૂગલ પરથી લીધેલી છે.)

થોડા દિવસ પહેલાં જ સમાચાર જાણવા મળ્યા કે આંધ્રપ્રદેશે પણ હવે હેપ્પીનેસ મંત્રાલય શરૂ કર્યું છે. દેશમાં સૌથી પહેલાં હેપ્પીનેસ મંત્રાલય સ્થાપવાનો યશ મધ્યપ્રદેશને જાય છે. અન્ય રાજ્યો પણ હેપ્પીનેસ મંત્રાલય સ્થાપવાનું અનુકરણ કરે તો નવાઈ પામવા જેવું નથી. આજનો માનવી તાણગ્રસ્ત છે ત્યારે આનંદ-પ્રસન્નતા માટે સરકાર દ્વારા ભરવામાં આવતાં પગલાં આવકાર્ય છે. જોકે, સરકાર સુવિધા-સગવડ ઊભી કરી શકે, મનોરંજન પૂરી પાડતી પ્રવૃત્તિઓ પણ કરી શકે, પણ એનાથી લોકોના જીવનમાં આનંદ અને પ્રસન્નતા છવાઈ જાય, એવું માનવું વધારેપડતું ગણાય. હેપ્પીનેસ- પ્રસન્નતાની વાત માંડી છે ત્યારે તરત યાદ આવતું નામ દલાઈ લામાનું છે. દલાઈ લામા એટલે જાણે કરુણા અને પ્રસન્નતાનું જળ સીંચતી અમૃતધારા! દલાઈ લામાએ પ્રસન્નતા (હેપ્પીનેસ) પર લખેલું પુસ્તક બેસ્ટસેલર બન્યું હતું. દલાઈ લામા કહે છે કે, "ખુશ રહેવું આપણા જીવનનો ઉદ્દેશ છે.’ હેપ્પીનેસ મંત્રાલયના દોરમાં દલાઈ લામાની બીજી એક વાત પણ ધ્યાને લેવા જેવી છે કે "પ્રસન્નતા કંઈ રેડીમેઇડ મળતી ચીજ નથી, તે આપણાં પોતાનાં કાર્યોમાંથી જ સર્જાય છે.’ દલાઈ લામા ખુશી-આનંદ કઈ રીતે મળે તેની ગુરુચાવી પણ આપવાનું ચૂકતા નથી, તેમણે લખ્યું છે, "તમે જો અન્યોને ખુશ જોવા માગતા હોવ તો કરુણાનો ભાવ રાખો. જો તમે પોતે પણ ખુશ રહેવા માગતા હોવ તોપણ કરુણાનો ભાવ રાખો.’ આમ, પ્રસન્નતા માટે કરુણાનો ભાવ અનિવાર્ય છે. દલાઈ લામા બુદ્ધની કરુણાને જ પોતાનો ધર્મ માને છે. તમારી કરુણા જ તમને સંવેદનશીલ બનાવી રાખે છે અને સંવેદનશીલતા જ તમારી પાસે એવાં કાર્યો કરાવે છે, જે અન્યોને સુખી કરે છે અને તમને પોતાને પણ સુખ અને સંતોષ આપે છે.

કરુણામૂર્તિ દલાઈ લામાનું શુદ્ધ, સરળ અને સંવેદનશીલ વ્યક્તિત્વ જોતાં કોઈ પણને જરૂર સવાલ થઈ શકે કે આવી વ્યક્તિ પ્રત્યે કોઈ વ્યક્તિ કે રાષ્ટ્ર દ્વેષ કઈ રીતે કરી શકે? છતાં પણ ચીનને તો તેઓ આંખના કણાની જેમ ખટકે છે. તાજેતરમાં દલાઈ લામાએ જ્યારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી ત્યારે ચીન એ યાત્રાને અટકાવવા માટે આડોડાઈ પર ઊતરી આવ્યું હતું. ભારત સરકારે આ મામલે સ્થિર અને કડક વલણ અપનાવીને ચીનને ચોખ્ખું પરખાવી દીધું હતું કે દલાઈ લામાની આ યાત્રા ધાર્મિક છે, તેને રાજકીય કે અન્ય રંગ આપવાની જરૂર નથી. આ મામલે દલાઈ લામાએ એક સંતને શોભે એવું જ નિવેદન આપતાં જણાવેલું કે, ‘ભારતે ક્યારેય મારો રાજકીય ઉપયોગ કર્યો નથી!’ આ સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને દલાઈ લામાની પ્રતિષ્ઠા વધી તો ચીન માટે વધુ એક વખત નીચાજોણું થયું છે.

ભૂતકાળ સૌ જાણે છે કે ચીનના તિબેટ પરના આક્રમણ પછી દલાઈ લામા ઈ.સ. 1959માં હિજરત કરીને ભારત આવી ગયા હતા અને ભારતે તેમને આશ્રય આપ્યો હતો. આ જ વાતે ભારત અને ચીનના સંબંધોમાં ખટાશ પણ આવી હતી. દલાઈ લામાના મામલે માત્ર ભારતની સાથે જ નહીં, પરંતુ અન્ય દેશો સાથે ચીન આવી જ અવળચંડાઈ કરતું રહ્યું છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ હોય કે અમેરિકાના તત્કાલીન પ્રમુખ બરાક ઓબામા હોય, તેમણે જ્યારે પણ દલાઈ લામાની મુલાકાત લીધી ત્યારે ચીને રોડાં નાખવાની કોશિશ કરી હતી. જોકે, એન્જેલા હોય કે ઓબામા તેમણે ચીનને ગણકાર્યા વિના એક સંત તરીકે દલાઈ લામાને મળવાનું પસંદ કર્યું હતું.

વિસ્તારવાદી ચીન તિબેટને ગળી ગયું છે, પરંતુ તિબેટિયન્સ ચીનના શાસનને સ્વીકારવા તૈયાર નથી, કારણ કે તેઓ પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. દલાઈ લામા ચીન પાસે તિબેટની સ્વતંત્રતા નહીં, પણ સ્વાયત્તતા માગે છે, પણ ચીન આજેય તુમાખીમાંથી બહાર આવવા તૈયાર નથી.

ચીનની આટઆટલી આડોડાઈ અને અન્યાય સહન કરવા છતાં ગાંધી વિચારોમાં માનનારા અને શાંતિનો નોબેલ પારિતોષિક મેળવનારા દલાઈ લામા ચીનને મહાન દેશ ગણાવે છે, એટલું જ નહીં તેઓ તહેદિલથી ઇચ્છે છે કે ભારત અને ચીન વચ્ચે મૈત્રી સ્થપાવી જોઈએ. જોકે, દલાઈ લામા ચીનમાં લોકશાહી વ્યવસ્થા હોવી જોઈએ, એવી વાત કરે છે ત્યારે ચીનનું પેટ ચૂંકાવા માંડે છે. ચીને આજે નહીં તો કાલે દલાઈ લામાના ડહાપણને અનુસરવું જ પડશે. દલાઈ લામાના એક શાણા સુવાક્યથી લેખનો અંત લાવીએ, "આપણે ધર્મ અને ચિંતન વિના રહી શકીએ, માનવીય પ્રેમ વિના નહીં.’

(‘દિવ્ય ભાસ્કર’ની 19મી એપ્રિલ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ )

No comments:

Post a Comment