Showing posts with label ચીન. Show all posts
Showing posts with label ચીન. Show all posts

Wednesday, July 19, 2017

લોકશાહીના લડવૈયાની વિદાય

દિવ્યેશ વ્યાસ


લ્યૂ શ્યાબાઓનું નિધન માત્ર એક વ્યક્તિની વિદાય નથી, પણ ચીનમાં લોકશાહીના એક જીવતાજાગતાં સપનાનો અંત છે

(તસવીર ગૂગલ પરથી શોધીને મેળવેલી છે.)

Freedom of expression is the foundation of human rights, the source of humanity, and the mother of truth. (અભિવ્યક્તિની આઝાદી માનવ અધિકારનો પાયો છે, માનવતાનો સ્રોત છે અને સત્યની માતા છે.) આ શબ્દો છે ચીનમાં લોકશાહી, વ્યક્તિગત સ્વતંત્રતા, અભિવ્યક્તિની આઝાદી અને માનવ અધિકાર માટે આખરી શ્વાસ સુધી સંઘર્ષરત લ્યૂ શ્યાબાઓના. તાજેતરમાં ગયા ગુરુવારે 13મી જુલાઈ, 2017ના રોજ 61 વર્ષના લ્યૂ શ્યાબાઓનું નિધન થયું. મોતનું દેખીતું કારણ તો લીવરનું કેન્સર ગણાવાયું છે, પણ કેન્સર પીડિત કરતાં તેઓ ચીની શાસકોની ક્રુરતાથી વધારે પીડિત હતા. વર્ષ 2009થી 11 વર્ષની કેદની સજા કાપી રહેલા લ્યૂને કેન્સરનું નિદાન થવા છતાં ચીની સરકારે તેમને ઝડપી અને આધુનિક સારવાર આપવાની તસદી લીધી નહોતી. લ્યૂની તબિયત અત્યંત ખરાબ થઈ, કેન્સર લગભગ આખરી તબક્કામાં વ્યાપી-વકરી ગયું ત્યારે તેમના મેડિકલ પેરોલ મંજૂર કરાયા અને જૂનના આખરી સપ્તાહમાં જ તેમને જેલમાંથી હોસ્પિટલમાં ખસેડાયા. આ માણસ હવે કોઈ કાળે બચશે નહીં એવી ખાતરી થયા પછી જ તેમની સારવાર શરૂ કરવામાં આવી અને એ પણ અત્યાધુનિક મેડિકલ સુવિધા વિનાની હોસ્પિટલમાં. ચીની શાસકો કોઈ પણ રીતે આ માણસને મારી જ નાખવા માગતા હતા, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

એક માણસ એવો તે કેટલો બળવાન કે એક મહાસત્તા તેના અંતિમ શ્વાસ સાથે નિરાંતનો દમ લે! એવું તે શું હતું લ્યૂ શ્યોબાઓમાં કે ચીની શાસકોને તેઓ આંખના કણાની જેમ ખટકતા હતા? લ્યૂ શ્યાબાઓ સાક્ષર હતા, શિક્ષક હતા, સવાલકર્તા હતા, બૌદ્ધિક હતા, આંદોલનકારી હતા, લેખક હતા, માનવ અધિકારવાદી હતા, લોકશાહીના સમર્થક હતા, અભિવ્યક્તિની આઝાદીના લડવૈયા હતા... આ બધાથી ઉપર સત્યના ચાહક હતા અને માનવતાના ઉપાસક હતા, તમે જ કહો આવાં લક્ષણો અને પ્રવૃત્તિઓવાળો માણસ તો કયું શાસન સાંખી લે?! શ્યાબાઓએ જેલ પસંદ કરી, સત્તાધીશોની સતામણી અને સીતમ સહન કર્યા પણ પોતાને જે સત્ય લાધ્યું તેની સાથે સમાધાન કદી ન કર્યું. અનેક દેશોના આશ્રય આપવાના પ્રસ્તાવો છતાં શ્યાબાઓએ કદી પોતાનો દેશ ન છોડ્યો અને દેશમાં કોઈ પણ ભોગે લોકશાહીની પોતાની લડત પણ ન છોડી.

લ્યૂ શ્યાબાઓનું નામ સૌથી પહેલા 1989ની સાલમાં તિઆનમેન ચોક પરના વિદ્યાર્થીઓના આંદોલન વખતે ચર્ચામાં આવ્યું હતું. ‘ફોર જેન્ટલમેન્સ ઑફ તિઆનમેન સ્ક્વેર’માંના એક એવા લ્યૂ ત્યારે કોલંબિયા યુનિવર્સિટીના વિઝિટિંગ સ્કોલર હતા. વિદ્યાર્થી આંદોલનમાં સહયોગ આપવા માટે તેઓ અમેરિકા છોડીને ચીનમાં પાછા ફર્યા અને આંદોલનના બીજા તબક્કા (ભૂખ હડતાળ) વખતે જોડાયા હતા. આ આંદોલન તેમના જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની ગયું. આંદોલન દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને હિંસક બનતાં અટકાવવામાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી તો 4 જૂન, 1989ના રોજ ચીની શાસકોએ આંદોલનને કચડી નાખવા માટે તિઆનમેન ચોક પર આંદોલન કરનારા વિદ્યાર્થીઓ પર બંદૂકની ગોળીઓ અને ટેન્કરોથી તોપગોળા છોડ્યા ત્યારે વિદ્યાર્થીઓને સલામતીપૂર્વક સ્થળ છોડી દેવા માટે રસ્તો કરી આપવા માટે પણ સત્તાધીશો સાથે વાટાઘાટો કરીને મૃત્યુઆંકને ઓછામાં ઓછો રાખવા મથ્યા હતા. આ આંદોલન પછી તેમને કારાવાસ ભોગવવો પડ્યો અને જીવનના આખરી શ્વાસ સુધી તેમણે ચીની સત્તાધીશો સામે ઝઝૂમવું પડ્યું હતું.

વર્ષ 2008માં તેમણે ‘ચાર્ટર 08’ના નામે જાણીતી થયેલી અરજી કરી હતી, જેમાં ચીનમાં રાજકીય ક્રાંતિ થકી ચીનની એક જ રાજકીય પક્ષ કમ્યૂનિસ્ટ પાર્ટીના આધિપત્યને ખતમ કરવાનું આહ્્વાન કર્યું હતું. ચીનમાં લોકશાહીની સ્થાપના માટે અવાજ બુલંદ કર્યો હતો. આ અરજીને કારણે તેમને 2009માં 11 વર્ષની જ જેલની સજા ફટકારવામાં આવી હતી. ચીન સરકારને તેમના પર એટલી બધી દાઝ હતી કે વર્ષ 2010માં તેમને જ્યારે શાંતિનો નોબેલ પારિતોષિક મળ્યો ત્યારે તેમને એ લેવા જવા દેવાયા નહોતા, ઊલટું તેમના પર સીતમ વધી ગયા. તેમનાં પત્નીને લ્યૂ શિયાને પણ નજરકેદ કરી લેવાયાં. (લ્યૂના નિધન પછી તેમને મુક્ત કર્યાના અહેવાલો છે.) લ્યૂએ પોતાને મળેલા નોબેલને 4 જૂન, 1989ના રોજ તિઆનમેન ચોક પર શહીદ થયેલા યુવાનોને અર્પણ કર્યો હતો!

આર્થિક વિકાસ સાધીને કોઈ દેશ મહાસત્તા બની શકે, પરંતુ પોતાના શ્રેષ્ઠ, બૌદ્ધિક-વિચારવંત અને ઉદારમતવાદી નાગરિકોની આઝાદી છીનવનાર, તેમને દબાવનાર-સતાવનાર દેશ ક્યારેય મહાન રાષ્ટ્ર બની શકે નહીં.

લ્યૂનું નિધન માત્ર એક વ્યક્તિની વિદાય નથી, પણ ચીનમાં લોકશાહીના એક જીવતાજાગતાં સપનાનો અંત છે! ૐ શાંતિ!

(‘દિવ્ય ભાસ્કર’ની 19મી જુલાઈ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, April 19, 2017

દલાઈ લામા પ્રત્યે દ્વેષ શા માટે?

દિવ્યેશ વ્યાસ


પ્રેમ અને પ્રસન્નતાનો સંદેશ આપનારા દલાઈ લામા પ્રત્યે ધિક્કાર પેદા થવો મુશ્કેલ છે, પણ ચીનને કોણ સમજાવે?

(તસવીર ગૂગલ પરથી લીધેલી છે.)

થોડા દિવસ પહેલાં જ સમાચાર જાણવા મળ્યા કે આંધ્રપ્રદેશે પણ હવે હેપ્પીનેસ મંત્રાલય શરૂ કર્યું છે. દેશમાં સૌથી પહેલાં હેપ્પીનેસ મંત્રાલય સ્થાપવાનો યશ મધ્યપ્રદેશને જાય છે. અન્ય રાજ્યો પણ હેપ્પીનેસ મંત્રાલય સ્થાપવાનું અનુકરણ કરે તો નવાઈ પામવા જેવું નથી. આજનો માનવી તાણગ્રસ્ત છે ત્યારે આનંદ-પ્રસન્નતા માટે સરકાર દ્વારા ભરવામાં આવતાં પગલાં આવકાર્ય છે. જોકે, સરકાર સુવિધા-સગવડ ઊભી કરી શકે, મનોરંજન પૂરી પાડતી પ્રવૃત્તિઓ પણ કરી શકે, પણ એનાથી લોકોના જીવનમાં આનંદ અને પ્રસન્નતા છવાઈ જાય, એવું માનવું વધારેપડતું ગણાય. હેપ્પીનેસ- પ્રસન્નતાની વાત માંડી છે ત્યારે તરત યાદ આવતું નામ દલાઈ લામાનું છે. દલાઈ લામા એટલે જાણે કરુણા અને પ્રસન્નતાનું જળ સીંચતી અમૃતધારા! દલાઈ લામાએ પ્રસન્નતા (હેપ્પીનેસ) પર લખેલું પુસ્તક બેસ્ટસેલર બન્યું હતું. દલાઈ લામા કહે છે કે, "ખુશ રહેવું આપણા જીવનનો ઉદ્દેશ છે.’ હેપ્પીનેસ મંત્રાલયના દોરમાં દલાઈ લામાની બીજી એક વાત પણ ધ્યાને લેવા જેવી છે કે "પ્રસન્નતા કંઈ રેડીમેઇડ મળતી ચીજ નથી, તે આપણાં પોતાનાં કાર્યોમાંથી જ સર્જાય છે.’ દલાઈ લામા ખુશી-આનંદ કઈ રીતે મળે તેની ગુરુચાવી પણ આપવાનું ચૂકતા નથી, તેમણે લખ્યું છે, "તમે જો અન્યોને ખુશ જોવા માગતા હોવ તો કરુણાનો ભાવ રાખો. જો તમે પોતે પણ ખુશ રહેવા માગતા હોવ તોપણ કરુણાનો ભાવ રાખો.’ આમ, પ્રસન્નતા માટે કરુણાનો ભાવ અનિવાર્ય છે. દલાઈ લામા બુદ્ધની કરુણાને જ પોતાનો ધર્મ માને છે. તમારી કરુણા જ તમને સંવેદનશીલ બનાવી રાખે છે અને સંવેદનશીલતા જ તમારી પાસે એવાં કાર્યો કરાવે છે, જે અન્યોને સુખી કરે છે અને તમને પોતાને પણ સુખ અને સંતોષ આપે છે.

કરુણામૂર્તિ દલાઈ લામાનું શુદ્ધ, સરળ અને સંવેદનશીલ વ્યક્તિત્વ જોતાં કોઈ પણને જરૂર સવાલ થઈ શકે કે આવી વ્યક્તિ પ્રત્યે કોઈ વ્યક્તિ કે રાષ્ટ્ર દ્વેષ કઈ રીતે કરી શકે? છતાં પણ ચીનને તો તેઓ આંખના કણાની જેમ ખટકે છે. તાજેતરમાં દલાઈ લામાએ જ્યારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી ત્યારે ચીન એ યાત્રાને અટકાવવા માટે આડોડાઈ પર ઊતરી આવ્યું હતું. ભારત સરકારે આ મામલે સ્થિર અને કડક વલણ અપનાવીને ચીનને ચોખ્ખું પરખાવી દીધું હતું કે દલાઈ લામાની આ યાત્રા ધાર્મિક છે, તેને રાજકીય કે અન્ય રંગ આપવાની જરૂર નથી. આ મામલે દલાઈ લામાએ એક સંતને શોભે એવું જ નિવેદન આપતાં જણાવેલું કે, ‘ભારતે ક્યારેય મારો રાજકીય ઉપયોગ કર્યો નથી!’ આ સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને દલાઈ લામાની પ્રતિષ્ઠા વધી તો ચીન માટે વધુ એક વખત નીચાજોણું થયું છે.

ભૂતકાળ સૌ જાણે છે કે ચીનના તિબેટ પરના આક્રમણ પછી દલાઈ લામા ઈ.સ. 1959માં હિજરત કરીને ભારત આવી ગયા હતા અને ભારતે તેમને આશ્રય આપ્યો હતો. આ જ વાતે ભારત અને ચીનના સંબંધોમાં ખટાશ પણ આવી હતી. દલાઈ લામાના મામલે માત્ર ભારતની સાથે જ નહીં, પરંતુ અન્ય દેશો સાથે ચીન આવી જ અવળચંડાઈ કરતું રહ્યું છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ હોય કે અમેરિકાના તત્કાલીન પ્રમુખ બરાક ઓબામા હોય, તેમણે જ્યારે પણ દલાઈ લામાની મુલાકાત લીધી ત્યારે ચીને રોડાં નાખવાની કોશિશ કરી હતી. જોકે, એન્જેલા હોય કે ઓબામા તેમણે ચીનને ગણકાર્યા વિના એક સંત તરીકે દલાઈ લામાને મળવાનું પસંદ કર્યું હતું.

વિસ્તારવાદી ચીન તિબેટને ગળી ગયું છે, પરંતુ તિબેટિયન્સ ચીનના શાસનને સ્વીકારવા તૈયાર નથી, કારણ કે તેઓ પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. દલાઈ લામા ચીન પાસે તિબેટની સ્વતંત્રતા નહીં, પણ સ્વાયત્તતા માગે છે, પણ ચીન આજેય તુમાખીમાંથી બહાર આવવા તૈયાર નથી.

ચીનની આટઆટલી આડોડાઈ અને અન્યાય સહન કરવા છતાં ગાંધી વિચારોમાં માનનારા અને શાંતિનો નોબેલ પારિતોષિક મેળવનારા દલાઈ લામા ચીનને મહાન દેશ ગણાવે છે, એટલું જ નહીં તેઓ તહેદિલથી ઇચ્છે છે કે ભારત અને ચીન વચ્ચે મૈત્રી સ્થપાવી જોઈએ. જોકે, દલાઈ લામા ચીનમાં લોકશાહી વ્યવસ્થા હોવી જોઈએ, એવી વાત કરે છે ત્યારે ચીનનું પેટ ચૂંકાવા માંડે છે. ચીને આજે નહીં તો કાલે દલાઈ લામાના ડહાપણને અનુસરવું જ પડશે. દલાઈ લામાના એક શાણા સુવાક્યથી લેખનો અંત લાવીએ, "આપણે ધર્મ અને ચિંતન વિના રહી શકીએ, માનવીય પ્રેમ વિના નહીં.’

(‘દિવ્ય ભાસ્કર’ની 19મી એપ્રિલ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ )

Wednesday, December 7, 2016

લાઓ ત્સેનું લિબર્ટેરિયનિઝમ

દિવ્યેશ વ્યાસ


દુનિયાના સૌપ્રથમ લિબર્ટેરિયન (મુક્તિવાદી) ગણાતા લાઓ ત્સેની નેતા અને શાસન અંગેની વાતો મનનીય છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

‘છેલ્લી પાંચ મિનિટ્સમાં આરબીઆઈનો કોઈ નવો નિયમ તો નથી આવી ગયોને? હું જરા વૉશરૂમમાં ગયેલો.’ નોટબંધી અને પછી નિતનવા નિયમો અને રોજેરોજ બદલાતા નિર્ણયોને લીધે સોશિયલ મીડિયા પર આ પ્રકારના મજાકિયા સંદેશાઓની હવે નવાઈ રહી નથી. નોટબંધીને કારણે સર્જાયેલી મુશ્કેલીઓ હળવી થતી નથી ત્યારે સરકાર હવે કેશલેસ ઇકોનોમીની ‘કેક’ને આગળ ધરી રહી છે. કંઈક સારું થશે એવી આશામાં સામાન્ય લોકો કડક ચા પણ લિજ્જતથી પી રહ્યા છે, તો બીજી તરફ ટેકસાવી યુવાનો સોશિયલ મીડિયા પર રમૂજો કરી કરીને તંગદિલી હળવી કરવા મથી રહ્યા છે. કાળું નાણું અને ભ્રષ્ટાચાર દેશને ઊધઈની જેમ કોરી રહ્યાં છે. આ સમસ્યાઓની નાબૂદી માટે કડક હાથે કામ લેવું જરૂરી છે, પરંતુ કડક હાથનો ફટકો કરોડો નિર્દોષ નાગરિકોને તો ન વાગવો જોઈએને! શાસકોની નીતિ-રીતિ એવી હોવી જોઈએ કે લોકોની વ્યક્તિગત સ્વતંત્રતા (અહીં નાણાકીય સ્વતંત્રતા) જાણે બાનમાં લઈ લેવાઈ હોય, એવો માહોલ પેદા ન થાય.

શાસકોનો મિજાજ અને દેશનો માહોલ જોતાં ચીનના વિખ્યાત ફિલોસોફર અને ધર્મગુરુ લાઓ ત્સેનું સ્મરણ તાજું થઈ આવ્યું. લાઓ ત્સે આમ તો તાઓવાદ (કે ધર્મ)ના પ્રણેતા ગણાય છે, પરંતુ શાસન અને નેતૃત્વ અંગેના તેમના વિચારોને જોઈને મુક્તિવાદીઓ (લિબર્ટેરિયન્સ) તેમને પ્રાચીન મુક્તવાદી તરીકે જ મૂલવે છે. જમણેરી-મુક્તિવાદી અર્થશાસ્ત્રી મૂરે રોથબાર્ડના મતે તો લાઓ ત્સે દુનિયાના સૌ પ્રથમ લિબર્ટેરિયન્સ હતા.

લિબર્ટેરિયનિઝમનો અર્થ ગુજરાતીમાં મુક્તિવાદ, ઉદારવાદ કે સ્વેચ્છાચારવાદ પણ કરવામાં આવે છે. આ વાદ એવી વ્યવસ્થાની હિમાયત કરે છે, જેમાં દરેક પોતાની રીતે મુક્ત હોય અને નાગરિકો પર ઓછામાં ઓછાં બંધનો હોય. લોકશાહી સહિતની કોઈ પણ રાજ્યવ્યવસ્થામાં કાયદાનાં બંધનો જરૂરી છે, પરંતુ કાયદા એવા હોવા જોઈએ કે રોજિંદી જિંદગીમાં માનવીને તે બંધનરૂપ ન લાગે. વ્યવસ્થાના નામે જ્યારે બંધનોની એક પછી એક બેડીઓ વધતી જાય ત્યારે માનવી સ્વાભાવિક રીતે જ બળવાખોર બની જાય. લાઓ ત્સે માનવીના પૂર્ણ વિકાસ માટે તેની મુક્તતાના હિમાયતી હતા. આપણે ત્યાં વિનોબા ભાવેનું એક વાક્ય જાણીતું છે, ઓછામાં ઓછું શાસન કરે, એ સૌથી સારું શાસન. રોજિંદા જીવનમાં શાસનની દખલ શરૂ થઈ જાય ત્યારે એ લોકશાહી વ્યવસ્થા માટે લાલ બત્તી સમાન સંકેતો ગણાય. માણસ માટે વ્યવસ્થા છે, વ્યવસ્થા માટે માણસને સહન કરવું પડે, ભોગ આપવો પડે, એ સ્થિતિ આવકાર્ય ન હોઈ શકે. શાસકોએ એવી સ્થિતિને નિવારવી જ રહી.

‘હજારો માઇલ લાંબી સફર એક ડગલાથી જ શરૂ થતી હોય છે.’ જેવાં અનેક અણમોલ સુવાક્યો આપનારા લાઓ ત્સેના નેતાઓ માટેના માપદંડ અને માર્મિક શિખામણો પર નજર નાખવા જેવી છે. લાઓ ત્સેનું એક સુખ્યાત સુવાક્ય છે, ‘શ્રેષ્ઠ નેતા એ ગણાય, જેની ઉપસ્થિતિ ભાગ્યે જ વર્તાતી હોય. શ્રેષ્ઠ નેતા કોઈ કામને એવી રીતે નિપટાવતા હોય છે કે લોકોને તો એમ જ લાગે કે આ કામ તો તેમણે પોતાની મેળે જ કર્યું છે.’ લાઓ ત્સેએ શાસકોને બહુ માર્મિક સલાહ આપેલી, ‘મહાન રાષ્ટ્રનું શાસન ચલાવવું એ નાની માછલી રાંધવા જેવું છે, વધારે પડતો હસ્તક્ષેપ કરશો તો બધું બગડશે.’ લાઓ ત્સેએ કહેલું કે ‘લોકોનું નેતૃત્વ કરવું હોય તો તેમની પાછળ ચાલો.’ બીજી એક સલાહ એવી પણ આપેલી કે, ‘નેતા બનો, પણ ક્યારેય અધિપતિ (માલિક) ન બનો.’

નેતાઓ ઉપરાંત સામાન્ય લોકોને પણ જીવનમાં ઉતારવા જેવી વાતો લાઓ ત્સે તરફથી મળી છે. લાઓ ત્સે કહેતા, ‘જે વ્યક્તિ અન્ય પર બહુ વિશ્વાસ મૂકતી ન હોય, તેના પર કદી વિશ્વાસ ન કરવો.’ મતાગ્રહના સંદર્ભે પણ લાઓ ત્સેનો વિચાર હતો કે ‘જે વ્યક્તિ પોતાની જ વાત પર બહુ ભાર મૂકતી હોય, તેને બહુ ઓછા લોકોનું સમર્થન મળતું હોય છે.’ આતંકવાદના માહોલમાં હિંસાને પણ ન્યાયિક ઠેરવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ લાઓ ત્સેના મતે ‘હિંસા, સારા ઉદ્દેશથી કરાયેલી હિંસા પણ પોતાના તરફ જ પાછી વળતી હોય છે.’ લાઓ ત્સે હંમેશાં કહેતા, ‘મારી પાસે શીખવવા માટે ત્રણ જ બાબત છે -સાદગી, ધીરજ અને દયા. આ ત્રણેય તમારો સૌથી મોટો ખજાનો છે.’

લેખનો અંત પણ લાઓ ત્સેના માર્મિક વિધાનથી જ કરીએ, ‘એક ચાલતી કીડી ઊંઘી રહેલા બળદ કરતાં વધારે કામ કરતી હોય છે.’ ઊંઘ છોડો!

(‘દિવ્ય ભાસ્કર’ની 7 ડિસેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, March 2, 2016

દાસ્તાન ત્રણ દીકરીઓની

દિવ્યેશ વ્યાસ


આ દીકરીઓએ સાબિત કર્યું છે કે દીકરી જવાબદારી નહિ, પડકારોને જવાબ દેનારી હોય છે


મહેન્દ્રભાઈ મેઘાણી દ્વારા સંપાદિત એક પુસ્તિકામાં એક ટૂંકી વાર્તા વાંચેલી. ડુંગર પર ચડી રહેલા રાહદારીઓ જોવે છે કે એક બાળકી તેના નાના ભાઈને તેડીને તેમની સાથે ચાલી રહી છે. કોઈ રાહદારી એ બાળાને પૂછે છે, ‘તને ભાર નથી લાગતો?’ પેલી બાળા સાવ ટૂંકો જવાબ આપે છે, ‘આ તો મારો ભાઈ છે!’ એ બાળાનો જવાબ દીકરીને શાપનો ભારો કે બોજો ગણનારાની બોલતી બંધ કરવા પૂરતો ગણાય.

દીકરીઓ ઝડપથી ‘મોટી’ એટલે કે પરિપકવ અને જવાબદાર બની જતી હોય છે. દીકરી બહુ નાની ઉંમરથી જ સમજદાર અને ડાહી હોય છે. જોકે, કમનસીબે દીકરીને જવાબદારીનું પોટલું કે બોજ ગણવાની માનસિકતા આજેય જોવા મળે છે. ગયા સપ્તાહે એવી ત્રણ દીકરીઓની દાસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી, જેને જાણીને આપણે છાતી ઠોકીને કહી શકીએ કે દીકરી જવાબદારી નથી, પણ જવાબદાર સંતાન હોય છે, એટલું જ નહિ પહાડ જેવા પડકારોને જવાબ દેનારી, ચેલેન્જ કરનારી હોય છે.



એક દીકરી ચીનની છે. મધ્ય ચીનના હુબઈ પ્રાંતમાં હુઆંગ્હુઆ શહેરથી સાઠેક કિમી દૂર આવેલા અંતરિયાળ ગામમાં રહેતી યી મિયાઓમિયાઓ (Yi Miaomiao) નામની માત્ર 7 વર્ષની દીકરી આખું ઘર સંભાળે છે. યીના પિતાનું ગયા જુલાઈ મહિનામાં માર્ગ અકસ્માતમાં મોત થયેલું. પિતાના નિધનના એક જ અઠવાડિયામાં તેની માતા ઘર-ગામ છોડીને ક્યાંક જતી રહી છે. બચ્યાં દાદા-દાદી. 70 વર્ષનાં માનસિક રીતે બીમાર દાદીનો જમણો હાથ ખોટો પડી ગયો છે એટલે રસોઈથી માંડીને સાફ-સફાઈ સહિતનું તમામ ઘરકામ ટેણકીએ કરવું પડે છે.

અધૂરામાં પૂરું તેના 61 વર્ષના દાદાને એવો ભયંકર ત્વચારોગ છે કે તેઓ પાણીને સ્પર્શી પણ શકતા નથી. આ સ્થિતિમાં 7 વર્ષની બાળાએ પોતાની એક એકરની વાડીમાં ખેતીકામ પણ પોતે જ કરવું પડે છે. ઘર અને કમાવવાની બેવડી જવાબદારી નિભાવતી આ બાળાએ ભણવાનું છોડ્યું નથી. ક્યાંથી આટલી બધી શક્તિ લાવતી હશે આ દીકરી! મીડિયામાં ચમક્યા પછી ઘણા ટેણકીની મદદે આવ્યા છે.
(આ દીકરી વિશે વધુ વાંચવા અને તસવીર જોવા માટે ક્લિક કરો આ લિંક http://www.dailymail.co.uk/news/peoplesdaily/article-3463760/Heart-breaking-story-seven-year-old-girl-sole-carer-grandparents-father-died-accident-mother-vanished.html)



બીજો કિસ્સો અમેરિકાના પેન્સિલ્વેનિયાની મોર્ગન વેયાંડ (Morgan Weyand)નામની 8 વર્ષની દીકરીનો છે. મોર્ગનના ત્રણ વર્ષના પિતરાઈ ભાઈ કૂપરને બ્લડ કેન્સર હોવાનું ગયા જાન્યુઆરી મહિનામાં માલૂમ પડ્યું. કેન્સરને કારણે કૂપરના માથાના વાળ ખરી ગયા છે. કેન્સર સામેની લડતમાં ભાઈની હિંમત વધારવા માટે મોર્ગને પોતાના વાળ ઉતરાવી નાખ્યા છે. પોતે ટકો કરાવશે તો તેનો દેખાવ બદલાઈ જશે કે પછી શાળામાં બાળકો તેને ચીડવશે એવી કોઈ વાતની મોર્ગનને પરવા નથી. વાહ બહેના!
(આ દીકરી વિશે વધુ વાંચવા અને તસવીર જોવા માટે ક્લિક કરો આ લિંક http://www.dailymail.co.uk/news/article-3464715/Girl-8-shaves-hair-support-toddler-cousin-diagnosed-cancer.html)



ત્રીજી દીકરીએ તો એવું સાહસ કર્યું કે ‘શહીદી’ વહોરી લીધી. કેલિફોર્નિયાના લેઇકસાઇડ વિસ્તારની આ ઘટના છે. ગત 22મી ફેબ્રુઆરીએ કિએરા લાર્સન (Kiera Larsen) નામની દસ વર્ષની દીકરી પાડોશમાં રહેતી બે નાની બાળાઓ સાથે રમતી હતી. અચાનક એક કાર તેમના તરફ ધસી આવી ત્યારે કિએરાએ નાનાં બાળકોને કાળમુખી કારથી બચાવી લીધાં પણ પોતે કાર સાથે અથડાઈ ગઈ અને મોતને ભેટી.
(આ દીકરી વિશે વધુ વાંચવા અને તસવીર જોવા માટે ક્લિક કરો આ લિંક http://www.dailymail.co.uk/news/article-3464919/Hero-girl-10-dies-saving-lives-two-toddlers-pushing-way-runaway-SUV.html)

આવી દીકરીઓ આપણી આજુબાજુ પણ હોય છે, બસ જરૂર છે, આંખો ખોલવાની અને દૃષ્ટિ બદલવાની!

(‘દિવ્ય ભાસ્કર’ની 2 માર્ચ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)