Wednesday, July 19, 2017

લોકશાહીના લડવૈયાની વિદાય

દિવ્યેશ વ્યાસ


લ્યૂ શ્યાબાઓનું નિધન માત્ર એક વ્યક્તિની વિદાય નથી, પણ ચીનમાં લોકશાહીના એક જીવતાજાગતાં સપનાનો અંત છે

(તસવીર ગૂગલ પરથી શોધીને મેળવેલી છે.)

Freedom of expression is the foundation of human rights, the source of humanity, and the mother of truth. (અભિવ્યક્તિની આઝાદી માનવ અધિકારનો પાયો છે, માનવતાનો સ્રોત છે અને સત્યની માતા છે.) આ શબ્દો છે ચીનમાં લોકશાહી, વ્યક્તિગત સ્વતંત્રતા, અભિવ્યક્તિની આઝાદી અને માનવ અધિકાર માટે આખરી શ્વાસ સુધી સંઘર્ષરત લ્યૂ શ્યાબાઓના. તાજેતરમાં ગયા ગુરુવારે 13મી જુલાઈ, 2017ના રોજ 61 વર્ષના લ્યૂ શ્યાબાઓનું નિધન થયું. મોતનું દેખીતું કારણ તો લીવરનું કેન્સર ગણાવાયું છે, પણ કેન્સર પીડિત કરતાં તેઓ ચીની શાસકોની ક્રુરતાથી વધારે પીડિત હતા. વર્ષ 2009થી 11 વર્ષની કેદની સજા કાપી રહેલા લ્યૂને કેન્સરનું નિદાન થવા છતાં ચીની સરકારે તેમને ઝડપી અને આધુનિક સારવાર આપવાની તસદી લીધી નહોતી. લ્યૂની તબિયત અત્યંત ખરાબ થઈ, કેન્સર લગભગ આખરી તબક્કામાં વ્યાપી-વકરી ગયું ત્યારે તેમના મેડિકલ પેરોલ મંજૂર કરાયા અને જૂનના આખરી સપ્તાહમાં જ તેમને જેલમાંથી હોસ્પિટલમાં ખસેડાયા. આ માણસ હવે કોઈ કાળે બચશે નહીં એવી ખાતરી થયા પછી જ તેમની સારવાર શરૂ કરવામાં આવી અને એ પણ અત્યાધુનિક મેડિકલ સુવિધા વિનાની હોસ્પિટલમાં. ચીની શાસકો કોઈ પણ રીતે આ માણસને મારી જ નાખવા માગતા હતા, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

એક માણસ એવો તે કેટલો બળવાન કે એક મહાસત્તા તેના અંતિમ શ્વાસ સાથે નિરાંતનો દમ લે! એવું તે શું હતું લ્યૂ શ્યોબાઓમાં કે ચીની શાસકોને તેઓ આંખના કણાની જેમ ખટકતા હતા? લ્યૂ શ્યાબાઓ સાક્ષર હતા, શિક્ષક હતા, સવાલકર્તા હતા, બૌદ્ધિક હતા, આંદોલનકારી હતા, લેખક હતા, માનવ અધિકારવાદી હતા, લોકશાહીના સમર્થક હતા, અભિવ્યક્તિની આઝાદીના લડવૈયા હતા... આ બધાથી ઉપર સત્યના ચાહક હતા અને માનવતાના ઉપાસક હતા, તમે જ કહો આવાં લક્ષણો અને પ્રવૃત્તિઓવાળો માણસ તો કયું શાસન સાંખી લે?! શ્યાબાઓએ જેલ પસંદ કરી, સત્તાધીશોની સતામણી અને સીતમ સહન કર્યા પણ પોતાને જે સત્ય લાધ્યું તેની સાથે સમાધાન કદી ન કર્યું. અનેક દેશોના આશ્રય આપવાના પ્રસ્તાવો છતાં શ્યાબાઓએ કદી પોતાનો દેશ ન છોડ્યો અને દેશમાં કોઈ પણ ભોગે લોકશાહીની પોતાની લડત પણ ન છોડી.

લ્યૂ શ્યાબાઓનું નામ સૌથી પહેલા 1989ની સાલમાં તિઆનમેન ચોક પરના વિદ્યાર્થીઓના આંદોલન વખતે ચર્ચામાં આવ્યું હતું. ‘ફોર જેન્ટલમેન્સ ઑફ તિઆનમેન સ્ક્વેર’માંના એક એવા લ્યૂ ત્યારે કોલંબિયા યુનિવર્સિટીના વિઝિટિંગ સ્કોલર હતા. વિદ્યાર્થી આંદોલનમાં સહયોગ આપવા માટે તેઓ અમેરિકા છોડીને ચીનમાં પાછા ફર્યા અને આંદોલનના બીજા તબક્કા (ભૂખ હડતાળ) વખતે જોડાયા હતા. આ આંદોલન તેમના જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની ગયું. આંદોલન દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને હિંસક બનતાં અટકાવવામાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી તો 4 જૂન, 1989ના રોજ ચીની શાસકોએ આંદોલનને કચડી નાખવા માટે તિઆનમેન ચોક પર આંદોલન કરનારા વિદ્યાર્થીઓ પર બંદૂકની ગોળીઓ અને ટેન્કરોથી તોપગોળા છોડ્યા ત્યારે વિદ્યાર્થીઓને સલામતીપૂર્વક સ્થળ છોડી દેવા માટે રસ્તો કરી આપવા માટે પણ સત્તાધીશો સાથે વાટાઘાટો કરીને મૃત્યુઆંકને ઓછામાં ઓછો રાખવા મથ્યા હતા. આ આંદોલન પછી તેમને કારાવાસ ભોગવવો પડ્યો અને જીવનના આખરી શ્વાસ સુધી તેમણે ચીની સત્તાધીશો સામે ઝઝૂમવું પડ્યું હતું.

વર્ષ 2008માં તેમણે ‘ચાર્ટર 08’ના નામે જાણીતી થયેલી અરજી કરી હતી, જેમાં ચીનમાં રાજકીય ક્રાંતિ થકી ચીનની એક જ રાજકીય પક્ષ કમ્યૂનિસ્ટ પાર્ટીના આધિપત્યને ખતમ કરવાનું આહ્્વાન કર્યું હતું. ચીનમાં લોકશાહીની સ્થાપના માટે અવાજ બુલંદ કર્યો હતો. આ અરજીને કારણે તેમને 2009માં 11 વર્ષની જ જેલની સજા ફટકારવામાં આવી હતી. ચીન સરકારને તેમના પર એટલી બધી દાઝ હતી કે વર્ષ 2010માં તેમને જ્યારે શાંતિનો નોબેલ પારિતોષિક મળ્યો ત્યારે તેમને એ લેવા જવા દેવાયા નહોતા, ઊલટું તેમના પર સીતમ વધી ગયા. તેમનાં પત્નીને લ્યૂ શિયાને પણ નજરકેદ કરી લેવાયાં. (લ્યૂના નિધન પછી તેમને મુક્ત કર્યાના અહેવાલો છે.) લ્યૂએ પોતાને મળેલા નોબેલને 4 જૂન, 1989ના રોજ તિઆનમેન ચોક પર શહીદ થયેલા યુવાનોને અર્પણ કર્યો હતો!

આર્થિક વિકાસ સાધીને કોઈ દેશ મહાસત્તા બની શકે, પરંતુ પોતાના શ્રેષ્ઠ, બૌદ્ધિક-વિચારવંત અને ઉદારમતવાદી નાગરિકોની આઝાદી છીનવનાર, તેમને દબાવનાર-સતાવનાર દેશ ક્યારેય મહાન રાષ્ટ્ર બની શકે નહીં.

લ્યૂનું નિધન માત્ર એક વ્યક્તિની વિદાય નથી, પણ ચીનમાં લોકશાહીના એક જીવતાજાગતાં સપનાનો અંત છે! ૐ શાંતિ!

(‘દિવ્ય ભાસ્કર’ની 19મી જુલાઈ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment