Wednesday, July 12, 2017

હિંદના દાદા : દેશવાસીઓના હમદર્દ

દિવ્યેશ વ્યાસ


હિંદના દાદા ગણાતા દાદાભાઈ નવરોજી ભારતના ખેડૂતોના દુ:ખો અને સમસ્યાઓથી સુપરિચિત-સુચિંતિત હતા


(ગૂગલ પરથી ઇમેજ મેળવેલી છે.)

મહાત્મા ગાંધીએ તેમને ‘હિંદના દાદા’ ગણાવીને વંદના કરી હતી, એવા દાદાભાઈ નવરોજીએ પોતાના 93 વર્ષના દીર્ઘજીવનમાં અનેક રીતે દેશસેવા કરી હતી. કોઈ પણ ક્ષેત્રે ‘દાદા’ કે ‘દાદુ’ (માસ્ટર) એમ જ બનાતું નથી. દાદાભાઈએ પોતાની બુદ્ધિ, સમજ, ક્ષમતા, વિવેક, મહેનત અને સંઘર્ષ થકી પોતાના નામને સાર્થક કરી બતાવ્યું હતું. ગત 30મી જૂનના રોજ દાદાસાહેબના નિધનને 100 વર્ષ થયાં એટલે ભારત માતાના આ લાલને યાદ કરવાનું એક મહત્ત્વપૂર્ણ નિમિત્ત ઊભું થયું છે.

મુંબઈમાં એક સાધારણ પારસી પરિવારમાં 4 સપ્ટેમ્બર, 1825ના રોજ જન્મેલા દાદાભાઈના જીવનમાં સંઘર્ષનું શરૂઆત બહુ નાની વયથી થઈ ચૂકી હતી. દાદાભાઈ માત્ર ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતા નવરોજી પાલનજીનું નિધન થયું. એ જમાનામાં માતા કંઈ ભણેલા નહોતા, પરંતુ તેમણે દીકરાને ભણાવ્યો અને મેધાવી વિદ્યાર્થી તરીકે દાદાભાઈએ વિખ્યાત એલ્ફિંસ્ટન કૉલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. દાદાભાઈની જીવનમાં બધે સર્વપ્રથમ જ રહેવાની આદતનો પાયો એલ્ફિંસ્ટન કૉલેજથી જ નખાયો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી માત્ર 25 વર્ષની વયે તેમણે પોતાની માતૃસંસ્થા એટલે કે એલ્ફિંસ્ટન કૉલેજમાં ગણિતના પ્રોફેસરનું પદ હાંસલ કર્યું. એલ્ફિંસ્ટન જેવી શિક્ષણસંસ્થાઓમાં પ્રોફેસર જેવું સન્માનનીય પદ હાંસલ કરનારા તેઓ સર્વપ્રથમ ભારતીય હતા. પ્રોફેસર તરીકે તેમણે મહિલાઓના શિક્ષણ માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા હતા. દાદાભાઈની પ્રતિભાને જોઈને કામા બંધુઓએ તેમને પોતાની કંપનીમાં ભાગીદાર બનાવ્યા અને યુરોપમાં કંપનીના કામકાજની મોટી જવાબદારી સોંપી. ઈંગ્લેન્ડમાં કાર્યરત થનારી કામ એન્ડ કંપની દેશની પહેલી કંપની હતી અને તેનું સુકાન દાદાભાઈએ બખૂબી સંભાળ્યું હતું. આ કંપની છોડીને પછી તેમણે 1859માં પોતાની કંપની પણ ત્યાં સ્થાપી હતી. ઇંગ્લેન્ડમાં રહીને વેપારની સાથે સાથે દાદાભાઈએ ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મદદરૂપ બનીને તેમને માર્ગદર્શન આપવાનું મોટું કામ કર્યું. મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા સહિતના અનેક ભારતીય વિદ્યાર્થીઓને દાદાસાહેબની હુંફ મળી હતી. આગળ જતાં દાદાસાહેબે જ્યારે જાહેરજીવનમાં જંપલાવ્યું ત્યારે ઝીણાએ તેમના સહાયક તરીકે પણ કામ કર્યું હતું!

દાદાભાઈની એ સમજને દાદ દેવી પડે કે તેમણે અંગ્રેજી રાજવહીવટમાં ભારતીયોની સામેલગીરીનો મુદ્દો પકડ્યો હતો. તેઓ દૃઢપણે માનતા હતા કે પ્રશાસનમાં પણ ભારતીયોનો સમાવેશ થવો જ જોઈએ તો જ ભારતીયોને ન્યાય મળી શકે. આ માટે તેમણે ઇંગ્લેન્ડમાં રહીને ખૂબ પ્રયાસો કર્યા હતા. ભારતીય વિદ્યાર્થીઓને પ્રશાસનિક સેવાઓ માટે સજ્જ-સક્ષમ કરવા માટે પણ તેમણે ઘણી મહેનત કરી હતી. આ દૃષ્ટિકોણ સાથે જ સંસદીય પ્રણાલીના પ્રખર સમર્થક એવા દાદાભાઈએ બ્રિટિશ લોકસભા (હાઉસ ઑફ કૉમન્સ) માટે ચૂંટણી લડવાનું પણ સાહસ ખેડ્યું હતું. પહેલી વાર તો ચૂંટણી હારી ગયેલા, પરંતુ હતાશ થયા વિના તેમણે જાહેરજીવનમાં ધીમે ધીમે એવી પ્રતિષ્ઠા હાંસલ કરી કે 1892માં લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે માત્ર 3 મતની પાતળી બહુમતી સાથે પણ ચૂંટણી જીતીને હાઉસ ઑફ કોમન્સના સભ્ય બન્યા હતા. બ્રિટિશ પાર્લમેન્ટમાં સાંસદ બનનારા તેઓ સર્વપ્રથમ ભારતીય જ નહિ, એશિયન હતા!

તાજેતરમાં આપણે શશિ થરુરે બ્રિટનમાં આપેલા એક જુસ્સાદાર ભાષણથી ખૂબ પ્રભાવિત થઈ ચૂક્યા છીએ ત્યારે નોંધનીય વાત એ છે કે બ્રિટિશ સાંસદ તરીકેના પહેલા જ વક્તવ્યમાં દાદાસાહેબે ભારતમાં અંગ્રેજોની શોષણકારી આર્થિક નીતિને ઉઘાડી પાડી હતી. અંગ્રેજો કઈ રીતે ભારતને ગરીબ બનાવી રહ્યા છે, તેની અભ્યાસપૂર્ણ રજૂઆત કરીને સમગ્ર બ્રિટિશ સલ્તનતને હચમચાવી દીધી હતી. દાદાસાહેબે ‘ડ્રેઇન થિયરી’ રજૂ કરી હતી, જેમાં આંકડાકીય વિગતો સાથે તેમણે બ્રિટિશરો સમક્ષ સાબિત કરી દીધું હતું કે તેઓ ભારતનું મોટા પાયે આર્થિક શોષણ કરી રહ્યા છે, જે અન્યાયી અને અમાનવીય છે. દાદાસાહેબે ‘પોવર્ટી એન્ડ અન-બ્રિટિશ રુલ ઇન ઇન્ડિયા’માં (1901) બ્રિટિશર્સ કેવા કેવા મોટા પાયે વેરા ઉઘરાવે છે, તથા ભારતીયોનું શોષણ કરીને આર્થિક સમૃદ્ધિ બ્રિટનમાં ખેંચી જવામાં આવે છે, એ વાતને સ્પષ્ટ અને સખત શબ્દોમાં વ્યક્ત કરી હતી.દાદાસાહેબનાં વક્તવ્યોમાં ભારતના ખેડૂતો માટેની હમદર્દી વારંવાર છલકાતી હતી. એક તરફ ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી ઊજવાઈ રહી છે તો બીજી તરફ ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો અટકતો નથી એવા સંજોગોમાં હિંદના દાદાની ખેડૂતો માટેની હમદર્દી વિશેષ પ્રસ્તુત બની છે. દેશમાં દુષ્કાળ અને અંગ્રેજોના આર્થિક શોષણ સામે દાદાસાહેબે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. આજે દેશમાં ખેડૂતોના હમદર્દ હોય એવા નેતાઓનો દુષ્કાળ છે ત્યારે દાદાસાહેબનું સ્મરણ વધુ તીવ્ર બને છે.

‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઑફ ઇન્ડિયા’ તરીકે જાણીતા દાદાસાહેબના દેશસેવામાં અગણિત યોગદાનોમાંનું એક મહત્ત્વપૂર્ણ યોગદાન છે - ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની સ્થાપનામાં સહભાગિતા. ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની સ્થાપના કરનારાઓમાં એ.ઓ. હ્યુમ અને દિનશૉ અદુલજી વાચા પછી ત્રીજા પાયાના પથ્થર હતા દાદાભાઈ નવરોજી. દાદાભાઈ 1886, 1893 અને 1906, એમ ત્રણ વખત કૉંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા. દાદાભાઈએ કૉંગ્રેસના યુવા નેતાઓ તરીકે લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે અને મહાત્મા ગાંધી જેવાને હંમેશાં પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

બ્રિટિશ પાર્લમેન્ટના સાંસદ તરીકેના શપથ બાઇબલ પર હાથ મૂકીને નહીં પણ પોતાના પારસી ધર્મના ધર્મગ્રંથ પર હાથ મૂકીને લેવાનો આગ્રહ રાખનારા દાદાભાઈને પોતાના ધર્મ પ્રત્યે પૂરેપૂરો આદર અને ગર્વ જરૂર હતો, પરંતુ તેઓ ધર્મ કરતાં માતૃભૂમિને-દેશને વધારે મહત્ત્વ આપતા હતા. પોતાના ધર્મનું ઠાલું ગૌરવ લેવાનું તો આ બૌદ્ધિકને ક્યાંથી પોષાય? તેમણે પારસી ધર્મની સુધારણા માટે ઘણી જહેમત ઉઠાવીને પોતાના ધર્મ-સમુદાયની મોટી સેવા કરી હતી.

દાદાભાઈના ગુજરાત કનેક્શનની વાત કરીએ તો એક તો તેઓ ગુજરાતીભાષી પરિવારમાં જ ઉછર્યા હતા. બીજું તેમણે ‘રાસ્ત ગોફ્તાર’ નામનું ગુજરાતી સામયિક શરૂ કર્યું હતું અને વડોદરા રાજ્યના દીવાન તરીકે પણ સેવાઓ આપી હતી.

દાદાભાઈનું નિધન 30મી જૂન, 1917ના રોજ મુંબઈ ખાતે થયું હતું. તેમની યાદમાં મુંબઈમાં તેમના નામનો માર્ગ હોય કે પ્રતિમા હોય એ સ્વાભાવિક છે, પરંતુ દાદાભાઈનું તૈલચિત્ર બ્રિટિશ પાર્લમેન્ટમાં રાખવામાં આવી છે, તેમના મતક્ષેત્રમાં તેમના નામે માર્ગ છે, એટલું જ નહિ, પાકિસ્તાનના કરાચી શહેરમાં પણ તેમના નામનો માર્ગ છે!

હિંદના દાદાને હૃદયપૂર્વક વંદન!

(‘દિવ્ય ભાસ્કર’ની 12મી જુલાઈ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment