Wednesday, July 26, 2017

રબર સ્ટેમ્પ નહીં, ખરા રાષ્ટ્રપતિ

દિવ્યેશ વ્યાસ


આશા રાખીએ, નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ‘વર્કિંગ પ્રેસિડન્ટ’ નારાયણન સરીખા પૂર્વસૂરિઓને અનુસરવામાં ક્યારેય પાછા ન પડે!

(નારાયણનની તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

‘વરસાદ પડતો ત્યારે ઘાસની બનેલી કાચી છતમાંથી પાણી ટપકતું. અમે ભાઈ-બહેનો દીવાલ સાથે લપાઈને વરસાદ બંધ પડવાની રાહ જોતાં. આજે પણ કોણ જાણે કેટલાક કોવિંદ વરસાદમાં ભીંજાતા હશે, ખેતરમાં કામ કરતા હશે અને બે ટંકના ભોજન માટે કાળી મજૂરી કરતા હશે. પરોંખા ગામનો રામનાથ કોવિંદ આ તમામના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રપતિભવનમાં જઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ પદે મારી પસંદગી ભારતીય લોકશાહીની મહાનતા છે.’ દેશના 14મા રાષ્ટ્રપતિ બનેલા રામનાથ કોવિંદના આ લાગણીભીના શબ્દોએ 20 વર્ષ અગાઉ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ સમયે જ કહેવાયેલાં વાક્યોની યાદ તાજી કરી દીધી, ‘દેશે પોતાના સર્વોચ્ચ પદ માટે એક એવી વ્યક્તિને પસંદ કરી છે, જે સમાજના સૌથી તળિયાના વર્ગમાં જન્મ્યો અને આ પવિત્ર ભૂમિની માટી અને તડકામાં મોટો થયો છે. આમ આદમીની નિસબત આપણા સામાજિક અને રાજકીય જીવનના મુખ્ય મંચ પર આવી ગઈ છે, તેના આ સંકેત છે. અંગત ગૌરવના કોઈ ભાવ સાથે નહીં, પણ વ્યાપક મહત્ત્વની દૃષ્ટિએ હું રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયો તેથી આજે ખુશ છું.’ કહેવાની કદાચ જરૂર નથી કે આ શબ્દો દેશના 10મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કે. આર. નારાયણનના છે. દેશના સર્વોચ્ચ પદે એક પછાત ગણાતી જાતિના નેતા માનભેર ચૂંટાયા છે ત્યારે દેશના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનનું સ્મરણ થવું સ્વાભાવિક છે. જોકે, સદગત નારાયણન દલિત રાષ્ટ્રપતિ કરતાં પણ ‘વર્કિંગ પ્રેસિડન્ટ’ તરીકે વધારે જાણીતા છે, એ સુખદ બાબત છે.

કોચ્ચેરીલ રામન નારાયણનનો જન્મ 27 ઓક્ટોબર, 1920ના રોજ કેરળ રાજ્યના ત્રાવણકોર જિલ્લાના નાનકડા ગામ પેરુમથાનમ ઉઝાવુરમાં એક દલિત ગણાતી જાતિના ગરીબ પરિવારમાં થયો હતો. બાર-પંદર કિલોમીટર ચાલીને રોજ ભણવા જતાં નારાયણને પરિવાર દ્વારા મામૂલી ફી પણ ન ભરી શકાતાં ઘણા દિવસો સુધી વર્ગખંડની બહાર ઊભાં ઊભાં ભણવું પડતું હતું. પિતા વૈદ્ય હતા અને શિક્ષણનું મહત્ત્વ સમજતા હતા, એટલે નારાયણનનો અભ્યાસ અટક્યો નહીં. પોતાની મહેનત અને તેજસ્વિતાના જોરે સ્કોલરશિપ મેળવી મેળવીને નારાયણન ભણતા રહ્યા. યુનિવર્સિટી ઑફ ત્રાવણકોરમાં અંગ્રેજી સાહિત્યમાં સૌથી વધારે માર્ક સાથે તેમણે માસ્ટર ડિગ્રી મેળવી. એ વખતે એવો કાયદો હતો કે કૉલેજના ટોપરને કૉલેજમાં જ પ્રોફેસર તરીકે નોકરીએ રાખી લેવામાં આવે. નારાયણન દલિત પરિવારમાંથી આવતા હોવાથી કૉલેજે તેમને પ્રોફેસર નહીં, ક્લાર્કની પોસ્ટ સ્વીકારવા કહેવાયું! સ્વમાની નારાયણને પદવીદાન સમારંભનો જ બહિષ્કાર કર્યો. (ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી યુનિવર્સિટી દ્વારા તેમને સસન્માન પદવી એનાયત કરવામાં આવી હતી.) નારાયણન નોકરીની શોધમાં દિલ્હી પહોંચી ગયા. દિલ્હીમાં પત્રકાર તરીકે (ધ હિંદુ અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં) થોડા સમય કામ કર્યું. પછી ફેલોશિપની મદદથી તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ભણવા ગયા અને ત્યાં અર્થશાસ્ત્ર તથા પોલિટિકલ સાયન્સમાં ડિગ્રીઓ મેળવી. હેરાલ્ડ લાસ્કીના માનીતા શિષ્ય બન્યા. લાસ્કીએ નહેરુ પર એક ચિઠ્ઠી લખી દીધી. નહેરુ લાસ્કીની ભલામણ કરતાં પણ નારાયણનની પ્રતિભા અને પ્રતિબદ્ધતાથી પ્રભાવિત થયા અને તેમને વિદેશ સેવાઓમાં અધિકારી તરીકે નિયુક્ત કર્યા. નારાયણને થાઇલેન્ડ, તુર્કી, ચીન અને છેલ્લે અમેરિકામાં રાજદૂત તરીકે સેવાઓ આપી હતી. ઇન્દિરા ગાંધીએ તેમને રાજકારણમાં જોતર્યા. કેરળના ઓટ્ટાપલમથી તેઓ ત્રણ વખત (1984, 1989 અને 1991) સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા. કેન્દ્રમાં આયોજન, વિદેશી બાબતો અને સાયન્સ-ટેક્નોલોજીના મંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી. 1992માં તેઓ સર્વસંમતિથી ઉપરાષ્ટ્રપતિ તરીકે બિનહરિફ ચૂંટાઈ આવ્યા હતા. 1997માં વિક્રમસર્જક 95 ટકા મતો સાથે રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા હતા. ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર ટી.એન. શેષન સામે તેમણે જંગી મતોથી જીત મેળવેલી. સૌથી વધારે મતોથી જીતવાનો તેમનો રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી.

ખંડિત જનાદેશના દોરમાં નારાયણને રાષ્ટ્રપતિ તરીકે સરકાર રચવા માટે સૌથી વધુ બેઠકો ધરાવતા પક્ષને નહીં, પણ બહુમત હાંસલ કરી શકવા સક્ષમ પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપવાની નવી અને સ્વસ્થ પરંપરા ઊભી કરી હતી. રાષ્ટ્રપતિ પદે તેઓ રબર સ્ટેમ્પ બનીને ક્યારેય રહ્યા નહોતા, તેઓ હંમેશાં બંધારણને સર્વોચ્ચ માનીને પોતાનો સ્પષ્ટ મત વ્યક્ત કરતા હતા. ઉત્તર પ્રદેશ કે બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો મુદ્દો હોય કે કારગિલ યુદ્ધ વખતે કાર્યવાહક વાજપેયી સરકારના શાસનમાં રાજ્યસભામાં ચર્ચા કરાવવવાનો નિર્ણય હોય, 2002માં ગુજરાત રમખાણોમાં કેન્દ્ર સરકારની ભૂમિકા હોય કે પછી બંધારણ બદલવાની તોફાની ચર્ચા હોય, દરેક વખતે તેમણે રાષ્ટ્રપતિને છાજે એવું સ્ટેન્ડ લીધું હતું અને એટલે જ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે જાણીતા (સાથે સાથે અળખામણા પણ) બન્યા હતા. આશા રાખીએ, નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નારાયણન સરીખા પૂર્વસૂરિઓને અનુસરવામાં ક્યારેય પાછા ન પડે!

(‘દિવ્ય ભાસ્કર’ની 26મી જુલાઈ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમના લેખની મૂળ પ્રત)

No comments:

Post a Comment