Wednesday, July 5, 2017

સર્જનની ઋતુમાં સાધનાની કસોટી

દિવ્યેશ વ્યાસ


વિખ્યાત શબ્દસ્વામી બર્નાર્ડ શૉએ લેખન માટે નોકરી છોડી દીધેલી. સર્જકતા ઘણા બધા ભોગ માગતી હોય છે! 


(બર્નાર્ડ શૉની યુવાનીની આ તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

વર્ષાઋતુનો વૈભવ એવો નિરાળો છે કે મોટા ભાગના લોકોની આ પ્રિય ઋતુ છે. વર્ષાઋતુ સર્જનાત્મકતાની ઋતુ ગણાય છે. ઝરમર વરસતો વરસાદ હોય કે મુશળધારે ખાબકતો મેઘો હોય, તે આપણામાં રહેલા સર્જકત્વને જબરી કિક આપતો હોય છે. ચમકતી વીજળીની સાથોસાથ આપણા દિમાગમાં પણ સહજપણે ક્રિએટિવ આઇડિયાઝ ચમકવા માંડે છે. વરસાદને કારણે માત્ર માટી જ નહીં, આપણું મન પણ પલળીને ભીનું ભીનું થઈ જતું હોય છે. વરસાદ પછી જેમ ધરતી લીલીછમ બની જાય છે તેમ આપણી ભીતર પણ હરિયાળી છવાઈ જતી અનુભવાતી હોય છે. આ હરિયાળી થકી જાતજાતનાં પુષ્પો જેવાં રંગબેરંગી સર્જનોનો ફાલ ઊતરી શકે છે. વર્ષાઋતુ ચોક્કસપણે સર્જનની ઋતુ બની શકે છે, પરંતુ શરત માત્ર એટલી જ કે તમારામાં ધરતી જેટલી ધરપત હોવી જોઈએ.

ધરપત? એ વળી શું? લાવ લાવ અને ખાવ ખાવની વિસ્તરતી જતી માનસિકતા વચ્ચે ‘ધરપત’ નામનાે શબ્દ જાણે હવે સાવ અજાણ્યો થઈ પડ્યો છે. આપણને બધું અબ્બીહાલ, અર્જન્ટ, ઇન્સ્ટન્ટ જોઈએ છે. તૃષા, તાલાવેલી અને તલસાટના ઉકળાટા વધી પડ્યા છે ત્યારે ધરપત રાખવાની સૂધબૂધ આપણે લગભગ ગુમાવી દીધી છે. ઉકળાટા અને ઉધામા હોય ત્યાં ધરપતનું નામોનિશાન ન હોય અને જ્યાં ધરપત નહીં ત્યાં નવા સર્જનનો શૂન્યાવકાશ જ સર્જાય!

સર્જનાત્મકતા-સર્જકતા કંઈ સહેલી નથી હોતી, તે બહુ બધા ભોગ માગે છે. એક નાનકડું સર્જન માત્ર તમારો સમય અને શક્તિ જ નહીં, સાથે સાથે બીજું ઘણું બધું ઓળવી લેતું હોય છે. સર્જનાત્મક વ્યક્તિએ એક અર્થમાં સાધક જ બનવાનું હોય છે. કળાની-ક્રિએટિવિટીની સાધના કરવી પડે છે અને તો જ એ ખીલે છે.

સર્જનની આ ઋતુમાં સર્જકો-સાહિત્યકારોએ કેવી સાધના કરવી પડે છે, કેવા કેવા ભોગ આપવા પડે છે, તે મુદ્દો સૂઝવાનું નિમિત્ત બન્યા છે - વિખ્યાત શબ્દસ્વામી જ્યોર્જ બર્નાર્ડ શૉ. ઈ.સ. 1880માં આજની તારીખે એટલે કે 5મી જુલાઈએ જ બર્નાર્ડ શૉએ લેખનમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે પોતાની સારા પગારની નોકરીનો ત્યાગ કર્યો હતો. માત્ર 23 વર્ષના શૉએ જ્યારે નોકરી છોડી ત્યારે લેખક તરીકે તેમનું એવું કોઈ નામ પણ નહોતું થયું કે લેખનમાંથી તેઓ એવી કોઈ માતબર રકમ પણ નહોતા મેળવતા, છતાં તેમના માંહ્યલાએ સંકેત કરી દીધેલો કે આપણે તો લેખન માટે જ સર્જાયા છીએ અને હવે બીજું કશું કરવું નથી, ભલે જે થવું હોય તે થાય!

બર્નાર્ડ શૉ કંઈ માલેતુજાર પરિવારમાંથી નહોતા આવતા. તેમના પરિવારની આર્થિક હાલત નિમ્ન મધ્યમ વર્ગની ગણાય. માતા-પિતાનાં ત્રણ સંતાનોમાં સૌથી નાના અને એકમાત્ર દીકરા હોવાને કારણે ઘરની સ્થિતિ જોઈને તેમણે માત્ર પંદર વર્ષની વયથી નોકરી કરવાનું શરૂ કરી દીધેલું. બર્નાર્ડ શૉએ પોતાના વતન ડબલિન ખાતે જમીન દલાલની પેઢીમાં જુનિયર ક્લાર્ક તરીકે નોકરી સ્વીકારેલી. પોતાની સખત મહેનતને કારણે તેઓ ટૂંક સમયમાં હેડ કેશિયર બની ગયા હતા. જોકે, પછી તેઓ પોતાની માતાની જેમ લંડન આવી ગયા. લંડનમાં તેમને કારકૂની કામ કરવાની જરાય ઇચ્છા નહોતી. તેઓ ચિત્રકાર બનવા માગતા હતા, પણ નિયતિમાં કંઈક જુદું જ નિર્ધાર્યું હતું. શૉનાં માતાના મિત્ર એક મેગેઝિનમાં સંગીત સંબંધિત કૉલમ લખતા હતા, તેમણે શૉને ઘોસ્ટ રાઇટિંગ કરવાનું કામ આપ્યું. ભૂતિયા લેખક બન્યા પછી શૉ પર લખવાનું, ખાસ કરીને નવલકથા અને નાટકો લખવાનું ભૂત સવાર થયું! એ દરમિયાન શૉને નવી નવી શરૂ થયેલી એડિસન ટેલિફોન કંપનીમાં 1879માં નોકરી મળી ગઈ અને તેમનું કામ જોઈને ફટાફટ પ્રમોશન પણ મળ્યું, પણ સર્જન-લેખનનો સ્વાદ ચાખી ગયેલા શૉને નોકરીમાં બહુ રસ નહોતો રહ્યો. તેમણે 1880માં સારા પગારની નોકરીને ત્યજી દીધી અને પૂર્ણ સમય લેખન પાછળ વિતાવવાનો નિર્ધાર કર્યો. આ નિર્ધારે તેમને ઘણાં વર્ષો નિર્ધન રાખ્યા, પણ તેમની ધરપતને કારણે વિશ્વસાહિત્ય ઘણું સમૃદ્ધ થઈ શક્યું!

(‘દિવ્ય ભાસ્કર’ની 5મી જુલાઈ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment