Wednesday, June 28, 2017

જૂનમાં ગાંધીજીની જમાવટ

દિવ્યેશ વ્યાસ


જૂન મહિનાએ જ ગાંધીજીને બારિસ્ટર બનાવ્યા અને આ જ મહિનાએ તેમને સત્યાગ્રહ થકી સત્ય અને અહિંસાના વકીલ બનાવ્યા હતા



રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આપણે સામાન્ય રીતે બીજી ઓક્ટોબરે તેમના જન્મદિવસે અથવા તો 30મી જાન્યુઆરીના રોજ તેમના નિર્વાણ દિને યાદ કરતા હોઈએ છીએ. જોકે, પ્રાત:સ્મરણીય ગાંધીજીના વિચારો અને વ્યક્તિત્વ તો હરહંમેશ પ્રેરણા આપે એવાં છે. આપણે જૂન મહિનાના આરે ઊભા છીએ ત્યારે એ જાણી લેવું ખૂબ જ જરૂરી છે કે જૂન મહિનામાં ગાંધીજીના જીવનમાં એવી અનેક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ ઘટી છે, જેને યાદ કરીને આપણે ગાંધીવંદનાની તક ઝડપી શકીએ.

ઈ.સ. 1893ના જૂન મહિનાની 7મી તારીખે તો ગાંધીજીના જીવનમાં એવી મોટી ઘટના બની હતી જે તેમના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી. આ કારણે જ 7મી જૂન પણ ગાંધીજયંતી અને ગાંધી નિર્વાણ દિન જેટલો જ મહત્ત્વપૂર્ણ દિવસ ગણાવો જોઈએ. 7મી જૂનના રોજ પૈસા કમાવાના હેતુથી દક્ષિણ આફ્રિકા ગયેલા બારિસ્ટર મોહનદાસની સાથે એવી ઘટના ઘટી હતી, જે તેમને મહાત્મા બનવા તરફ દોરી ગઈ હતી.
આ ઘટનાની નોંધ ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં સવિસ્તર લીધી છે. ગાંધીજીએ આત્મકથાના બીજા ભાગના આઠમા પ્રકરણ ‘પ્રિટોરિયા જતાં’માં આ ઘટનાનું વર્ણન કર્યું છે. ગાંધીજીને નોકરીના ભાગ રૂપે ડરબનથી પ્રિટોરિયા જવાનું થયું. મોહનદાસ પહેલા વર્ગની ટિકિટ લઈને ટ્રેનમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં રાતે નવેક વાગ્યે નાતાલની રાજધાની મેરિત્સબર્ગ આવ્યું. મેરિત્સબર્ગ સ્ટેશન પર એક ગોરા મુસાફરની ફરિયાદને કારણે ટ્રેનના અમલદારે મોહનદાસને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી ઉતારીને છેલ્લા, જનરલ ડબ્બામાં જતા રહેવા જણાવ્યું, પરંતુ મોહનદાસે પ્રથમ વર્ગની ટિકિટ હોવાનું જણાવીને પ્રતિકાર કર્યો. અમલદારે જાતે નહીં ઊતરો તો સિપાહી ઉતારશે એવી ધમકી ઉચ્ચારી ત્યારે મોહનદાસે પોતાના જીવનનો પહેલો સત્યાગ્રહ, એ પણ અહિંસક આદર્યો. મોહનદાસે અમલદારને મક્કમ સ્વરે જણાવ્યું, ‘ત્યારે ભલે સિપાહી ઉતારે, હું મારી મેળે નહીં ઊતરું.’ અમલદારે સિપાહીઓ થકી મોહનદાસને ધક્કા મારીને ખેંચીને ડબ્બામાંથી ઉતારી દીધા અને તેમનો સામાન પણ સ્ટેશન પર ફેંકી દેવાયો. આ અપમાન અને અત્યાચાર પછી પણ મહોનદાસ જનરલ ડબ્બામાં તો ન જ ગયા.

મેરિત્સબર્ગની એ ઠંડી રાત મોહનદાસે સ્ટેશન પર જ વિતાવી. એ રાતે તેમના મનમાં મનોમંથન ચાલ્યું. જેના અંતે તેમણે અન્યાય, રંગભેદ વિરુદ્ધ લડવાનો નિર્ધાર કર્યો હતો. 7મી જૂને મોહનદાસ સાથે ઘટેલી ઘટનાએ તેમનો મહાત્મા બનવાનો માર્ગ પ્રશસ્ત કર્યો અને તેમના જીવનની દિશા જ બદલાઈ ગઈ.

જૂન મહિનામાં અા મોટી ઘટના ઉપરાંત મહાત્મા ગાંધીના બે મહત્ત્વપૂર્ણ આશ્રમોની સ્થાપના પણ જૂન મહિનામાં જ થઈ હતી. અમદાવાદમાં કોચરબ આશ્રમ નાનો પડતાં પછી તેમણે સાબરમતીમાં ‘સત્યાગ્રહાશ્રમ’ની સ્થાપના કરી હતી. આ સાબરમતી આશ્રમ પણ 17 જૂન, 1917ના રોજ સ્થાપવામાં આવ્યો, જે ભારતની આઝાદી માટેની અહિંસક લોકક્રાંતિનું નાભિકેન્દ્ર બનીને ઊભર્યું હતું. અહીંથી જ ગાંધીજીએ ઐતિહાસિક દાંડીકૂચ પણ આદરી હતી. વ્યક્તિ પોતાની પ્રિય વસ્તુનો ત્યાગ કરીને જ પ્રતિજ્ઞા લેતો હોય છે. એમ દાંડીકૂચ માટે અાશ્રમથી પ્રસ્થાન કરતી વખતે ગાંધીજીએ પણ લીધેલું કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ નહીં મૂકું.’ આમ, ગાંધીજીનો પ્રિય આશ્રમ પણ જૂન મહિનામાં જ સ્થપાયો હતો. સાબરમતી આશ્રમની શતાબ્દી હાલમાં ઊજવાઈ રહી છે.

નોંધનીય યોગાનુયોગ એ પણ છે કે સાબરમતીની જેમ જ વર્ધાની નજીક આવેલા સેવાગ્રામ આશ્રમની સ્થાપના પણ ઈ.સ. 1936માં 16મી જૂનના રોજ થઈ હતી. આ દિવસથી ગાંધીજી અહીં સ્થાયી થયા હતા અને છેક 25 ઓગસ્ટ, 1946 સુધી તેમનું કાયમી સરનામું સેવાગ્રામ આશ્રમ જ રહ્યો હતો. સેવાગ્રામ આશ્રમમાંથી જ ગાંધીજીએ 1942માં ‘ભારત છોડો આંદોલન’ની આહલેક જગાડી હતી.

ગાંધીજીની શૈક્ષણિક કારકિર્દીમાં પણ જૂન મહિનો મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, કેમ કે તેમને 10મી જૂન, 1891ના રોજ બારિસ્ટરની ઉપાધિ પ્રાપ્ત થઈ હતી. 11મી જૂન, 1891ના રોજ તેમણે ઇંગ્લેન્ડની હાઇકોર્ટમાં અઢી શિલિંગની ફી ભરીને પોતાનું નામ અને ડિગ્રીની નોંધણી કરાવેલી. બીજા દિવસે 12મી જૂને તેઓ બારિસ્ટર બનીને સ્વદેશ પરત ફર્યા હતા.

જૂન મહિનામાં ગાંધીજીના જીવનમાં અન્ય કિસ્સાઓ પણ બન્યા હશે, પણ અહીં આટલેથી અટકીએ. જૂન મહિનાએ જ ગાંધીજીને બારિસ્ટર બનાવ્યા અને આ જ મહિનાએ તેમને સત્યાગ્રહ થકી સત્ય અને અહિંસાના વકીલ બનાવ્યા હતા.

(‘દિવ્ય ભાસ્કર’ની 28મી જૂન, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત. આ કૉલમ ગાંધી ટૂર દરમિયાન સારનાથમાં ફરતાં ફરતાં લખી હતી. ભાગ્યે જ હાથે લખાયેલી કૉલમોમાંની આ એક છે.)

No comments:

Post a Comment