Wednesday, June 14, 2017

સંસદ પર હુમલાનો સિલસિલો

દિવ્યેશ વ્યાસ

સંસદો અને વિધાનસભાઓ પરના આતંકી હુમલા પુરવાર કરે છે કે કટ્ટરપંથીઓ લોકશાહીને ધિક્કારે છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

આતંકવાદી હુમલાનું પ્રમાણ દિવસે દિવસે ઘટવાને બદલે વધી રહ્યું છે. આતંકવાદીઓ જાહેર ભીડભાડવાળાં સ્થળો પર ત્રાટકીને વધુ ને વધુ લોકોની હત્યા કરીને હાહાકાર મચાવવાની ફિતરત ધરાવતા હોય છે. ધાર્મિક સ્થળો પણ તેમના નિશાના પર હોય છે. જોકે, સૌથી નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા કેટલાક સમયથી આતંકવાદીઓ જે તે દેશની સંસદ અને વિધાનસભાઓને પણ નિશાન બનાવી રહ્યા છે. ગયા બુધવારે 7મી જૂન, 2017ના રોજ ઈરાનની સંસદ પર આતંકી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. ઈરાનની રાજધાની તહેરાનમાં ઈરાનની સંસદ ઉપરાંત ક્રાંતિકારી નેતા આયાતોલ્લાહ ખોમેનીના મકબરા પર પણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં 14 લોકોનાં મોત થયાં હતાં. આ આતંકી હુમલાની જવાબદારી કુખ્યાત આતંકી સંગઠન આઈએસઆઈએસે લીધી હતી. ચાર સશસ્ત્ર આતંકીઓ મહિલાનાં વસ્ત્રોમાં વિઝિટર્સ ગેટથી સંસદ પરિસરમાં ઘૂસ્યા હતા. રાઇફલ અને પિસ્તોલ જેવાં હથિયારોથી સજ્જ આતંકીઓ સંસદને બાનમાં લેવાનો ઇરાદો ધરાવતા હતા, પરંતુ તેમને ઠાર કરીને હુમલાને નિષ્ફળ બનાવાયો હતો. ઈરાન પછી આઈએસઆઈએસે હવે સાઉદ અરબને હુમલા માટે તૈયાર રહેવાની ધમકી ઉચ્ચારી હતી.

ઈરાનની સંસદ પર હુમલા અગાઉ આતંકીઓએ લંડન ખાતે પણ બ્રિટિશ સંસદ બહાર આતંકી હુમલો કર્યો હતો. 22મી માર્ચ, 2017ના રોજ બ્રિટિશ સંસદની બહાર ગોળીબારો કરવા ઉપરાંત આતંકીઓએ લોકોને કારની નીચે કચડી નાખીને હાહાકાર મચાવવાની પણ કોશિશ કરી હતી. સંસદની પાસે વેસ્ટમિનિસ્ટર બ્રિજ નજીક આતંકી હુમલો થયો ત્યારે બ્રિટિશ સંસદમાં આશરે 200 સાંસદો મોજૂદ હતા. આતંકી હુમલાને કારણે સંસદની કાર્યવાહી અટકાવી દઈને સંસદભવનને લૉક કરી દેવાયું હતું. આતંકી હુમલામાં એક મહિલાનું મોત થયું હતું તો ડઝનેક લોકો ઘવાયા હતા.

સંસદ પર આતંકી હુમલાની વાત નીકળે ત્યારે નવી દિલ્હી ખાતે આપણા સંસદભવન પર થયેલો હુમલો તો કેમ ભુલાય? 13 ડિસેમ્બર, 2001ના રોજ જૈશે મોહમ્મદના પાંચ આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો. સફેદ એમ્બેસેડરમાં સંસદ પરિસરમાં ઘૂસી ગયેલા આતંકીઓએ 30 મિનિટ સુધી સંસદ પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. જોકે, સંસદમાં તૈનાત સુરક્ષાકર્મીઓએ આતંકીઓનો સામનો કરીને ઠાર માર્યા હતા. સુરક્ષા જવાનોએ ભારતીય સંસદ અને દેશની સુરક્ષાવ્યવસ્થાની લાજ બચાવી હતી. આતંકવાદીઓનો સામનો કરતાં કરતાં દિલ્હી પોલીસના પાંચ જવાન, સીઆરપીએફનાં એક મહિલા કોન્સ્ટેબલ અને સંસદના બે ગાર્ડ શહીદ થયા હતા તથા 16 જવાનો ઘાયલ થયા હતા. સંસદમાં ઘૂસેલા આતંકીઓ એકે-47 જેવાં શસ્ત્રો ઉપરાંત વિસ્ફોટકો પણ લાવ્યા હતા. એ વખતે સંસદ ચાલુ હતી અને આતંકીઓનો ઇરાદો સાંસદોને બાનમાં લેવાનો હતો. જોકે, આતંકીઓ ફાવી શક્યા નહોતા.

સંસદ ઉપરાંત વિધાનસભાઓ પણ આંતકી હુમલાનો ભોગ બનેલી છે. 1 ઑક્ટોબર, 2001ના રોજ જૈશે મોહમ્મદના ત્રણ આંતકીઓએ શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર હુમલો કર્યો હતો. કાર બૉમ્બથી વિધાનસભાને ઉડાવી દેવાનું ષડ્્યંત્ર રચાયું હતું. આતંકીઓ વિધાનસભાના મુખ્ય દ્વાર સુધી પહોંચી ગયા હતા અને કાર બૉમ્બ ફોડ્યો હતો, જેમાં 38 લોકો અને ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા.

ભારત ઉપરાંત પાકિસ્તાનમાં લાહોર વિધાનસભા પણ આતંકી હુમલાનો ભોગ બની ચૂકી છે. 13 ફેબ્રુઆરી, 2017ના રોજ લાહોરની વિધાનસભાની બહાર આતંકી હુમલો કરાયો હતો, જેમાં 16 લોકોના જીવ ગયા હતા અને 81 નિર્દોષ નાગરિકો ઘવાયા હતા.

આતંકવાદીઓના સંસદ અને વિધાનસભા પરના હુમલાઓ પરથી સ્પષ્ટ છે કે કટ્ટરવાદીઓ લોકશાહીને ધિક્કારે છે. સંસદ લોકશાહીનું પ્રતીક જ નહીં મંદિર પણ છે. આતંકવાદીઓને લોકોનું શાસન, કાયદાનું શાસન પસંદ નથી, તેમને તો લોહીની નદીઓ વહાવવી હોય છે. લોકશાહી મૂલ્યો અને કટ્ટરતા ક્યારેય એકસાથે ચાલી શકે નહીં. આતંક સામે હંમેશાં લોકોની સત્તા અને એકતા જ જીતતી હોય છે!

(‘દિવ્ય ભાસ્કર’ની 14મી જૂન, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment