Wednesday, June 7, 2017

પ્લાસ્ટિક રોડ : બેય હાથમાં લાડું!

દિવ્યેશ વ્યાસ

પ્લાસ્ટિકના કચરામાંથી સડક બનાવવાનો નવો ટ્રેન્ડ આવકાર્ય છે. આનાથી પ્લાસ્ટિકના પ્રદૂષણમાંથી મુક્તિ મળશે, સાથે સાથે સડક વધુ ટકાઉ બનશે


(પ્લાસ્ટિકયુક્ત રોડની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી સર્ચ કરીને મેળવી છે.)

પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ આવ્યો અને ગયો. પર્યાવરણના મુદ્દે નાગરિકો અને સરકારોમાં હવે સભાનતા ઊભી થઈ રહી છે, છતાં સક્રિયતા ઘણી ઓછી છે. આપણે આદર્શોની વાતો કરવામાં તો પાવરધા છીએ, પણ રોજિંદા જીવનમાં તેના અમલીકરણની વાત આવે ત્યારે આપણે છટકબારી શોધવા માંડતા હોઈએ છીએ. પર્યાવરણની ચર્ચામાં પ્રદૂષણ કેન્દ્રીય મુદ્દો હોય છે, છતાં પ્રદૂષણ દિવસે ને દિવસે વધતું જ જાય છે, જે આપણી વિચારોને આચારમાં ઉતારવાની નબળાઈ છતી કરે છે. ગાયના મુદ્દે ગોકિરો કરનારા પણ દર દર ભટકતી ગાય ફેંકી દેવાયેલી ખાદ્યસામગ્રીની સાથે સાથે પ્લાસ્ટિકની થેલીઓ ખાઈને મરણને શરણ થાય છે, એ બાબતે બહુ ઉદાસીન જોવા મળે છે.

આપણી સંસ્કૃતિમાં ગાય ઉપરાંત ધરતી અને નદીને પણ માતાનો દરજ્જો અપાયો છે, પણ તેના પ્રદૂષણ બાબતે આપણને ભાગ્યે જ પરવા હોય છે. પર્યાવરણ બચાવવા કે પ્રદૂષણ અટકાવવા માટે આપણે ભાગ્યે જ આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવાની જહેમત લેતા હોઈએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટિકની થેલીથી પર્યાવરણને કેટલું નુકસાન જઈ રહ્યું છે. પ્લાસ્ટિકનો નાશ થતો ન હોવાથી કચરાના ઢગલા નહિ, પણ ડુંગરો વધતાં જાય છે, પ્લાસ્ટિક બાળવામાં આવે તો ઝેરી વાયુઓ હવામાં ફેલાય છે, પ્લાસ્ટિકને કારણે આપણી ગટરો ચોકઅપ થઈ જાય છે, વરસાદી પાણીનો નિકાલ ન થતાં રસ્તાઓ પર પાણી ભરાઈ રહે છે, પ્લાસ્ટિક ખેતીની જમીનથી લઈને જંગલોને નુકસાન પહોંચાડે છે, પ્લાસ્ટિકને કારણે આપણી નદીઓ તેમજ દરિયાઓમાં પણ પ્રદૂષણ ફેલાય છે.

પ્લાસ્ટિક વાપરવાના અનેક જોખમો છતાં પ્લાસ્ટિક આપણી રોજિંદી જિંદગીનો અભિન્ન હિસ્સો બની ગયું છે. આપણા જીવનમાં સવારના ટૂથબ્રશથી લઈને રાત્રે સૂતા પહેલાં બંધાતી મચ્છરદાની સુધી પ્લાસ્ટિકની બોલબાલા છે. આવા સંજોગોમાં પ્લાસ્ટિકના કચરાનો એક રચનાત્મક ઉપયોગ સામે આવ્યો છે. સડક બનાવવાના ડામર-કપચીના મિશ્રણમાં પ્લાસ્ટિક વેસ્ટ ઉમેરવાનો ઇનોવેટિવ આઇડિયા ધીમે ધીમે રંગ લાવી રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ એક અંદાજ પ્રમાણે આજે દેશમાં 40,000 કિલોમીટર કરતાં વધારે એવી સડકો બંધાઈ ચૂકી છે, જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. આજે કોલકાતા, બેંગલુરુ, દિલ્હી, ચેન્નઈ, મુંબઈ, પુણે, બનારસ, તિરુવંતપુરમ, મદુરાઈ, કોઝીકોડ, રાયપુર,  ઇંદૌર, જમશેદપુરથી લઈને અમદાવાદ સહિતનાં શહેરોમાં પ્લાસ્ટિકયુક્ત સડકો બંધાવા લાગી છે.

પ્લાસ્ટિકયુક્ત સડકોનો આઇડિયા મૂળે તો મદુરાઈ સ્થિત ત્યાગરાજ કૉલેજ ઑફ એન્જિનિયરિંગના રસાયણશાસ્ત્રના પ્રોફેસર આર. વાસુદેવનનો છે. પ્લાસ્ટિક પણ આખરે તો ડામરની જેમ પેટ્રોલિયમ પ્રોડક્ટ જ છે, એટલે તેમને થયું કે રોડ બનાવવામાં જો પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ થાય તો એક કાંકરે અનેક સમસ્યાનો ઉકેલ મળે. તેમણે પ્રયોગો હાથ ધર્યા અને પોતાની કૉલેજમાં વર્ષ 2002માં પ્લાસ્ટિકયુક્ત સડક બનાવી. પ્રો. વાસુદેવને પ્લાસ્ટિકયુક્ત સડક બનાવવાની ટેક્નોલોજીની પેટન્ટ ઈ.સ. 2006માં મેળવી અને ત્યારથી દેશમાં રોડ બાંધકામમાં પ્લાસ્ટિકના વપરાશના આઇડિયાની સ્વીકાર્યતા ઊભી થઈ છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ તકનીકને ગ્રીન ટેક્નોલોજી જાહેર કરી છે. ઇન્ડિયન રોડ કૉંગ્રેસે પ્લાસ્ટિકના કચરામાંથી સડક બનાવવાની મંજૂરી આપી છે તો કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે તમામ રાજ્યોને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનનારા રોડમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાના નિર્દેશ આપ્યા છે. વર્ષ 2015માં કેન્દ્ર સરકારે પાંચ લાખથી વધુ વસતી ધરાવતા શહેરની નગરપાલિકાઓ માટે રોડમાં ડામરની સાથે સાથે પ્લાસ્ટિકનો કચરાનો ઉપયોગ કરવાનું ફરજિયાત કરી દીધું છે, જેને લીધે પ્લાસ્ટિકયુક્ત સડકોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

માર્ગનિર્માણમાં પ્લાસ્ટિકના ઉપયોગથી ફેંકી દેવાયેલા-નકામા પ્લાસ્ટિકનો સદુપયોગ થાય છે અને પર્યાવરણને થતું નુકસાન અટકે છે. એ ઉપરાંત પણ ઘણા ફાયદા મળી રહ્યા છે, જેમકે, ડામર ઘટતાં રોડ બનાવવાનો ખર્ચ ઘટે છે. ડામરનો રોડ માંડ પાંચ વર્ષ સારો રહેતો હોય છે, પરંતુ તેમાં જો પ્લાસ્ટિક વેસ્ટ ઉમેરવામાં આવે તો તેનું આયુષ્ય બેવડું થઈ જાય છે, એટલે કે 10 વર્ષ જેટલું વધી જાય છે. પ્લાસ્ટિકને કારણે વરસાદમાં માર્ગ ધોવાઈ જવાની સમસ્યા પણ ઓછી થઈ રહી છે. પ્લાસ્ટિકને કારણે ડામરના રોડ વધારે મજબૂત અને ટકાઉ બની રહ્યા છે. આશા રાખીએ પ્લાસ્ટિક વેસ્ટયુક્ત રોડનો વ્યાપ સતત વધતો રહે.

પ્લાસ્ટિકના કચરાનો સદુપયોગ કરવાનો એક વિકલ્પ ઊભો થયો છે, છતાં પ્લાસ્ટિકનો ઉપયોગ જેટલો ઘટે, એ તો ઇચ્છનીય જ છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 7મી જૂન, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-મૂળ પ્રત)

1 comment:

  1. Sir,

    pollution control kari sakay eva be (2) concepts maara dhyan maa che.
    ena maate koi mota corporate group na platform ni jarur che.
    divya bhaskar madad kari sake?

    anil gohil - 9825048503

    anilgohil@rediffmail.com

    ReplyDelete