Wednesday, December 7, 2016

લાઓ ત્સેનું લિબર્ટેરિયનિઝમ

દિવ્યેશ વ્યાસ


દુનિયાના સૌપ્રથમ લિબર્ટેરિયન (મુક્તિવાદી) ગણાતા લાઓ ત્સેની નેતા અને શાસન અંગેની વાતો મનનીય છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

‘છેલ્લી પાંચ મિનિટ્સમાં આરબીઆઈનો કોઈ નવો નિયમ તો નથી આવી ગયોને? હું જરા વૉશરૂમમાં ગયેલો.’ નોટબંધી અને પછી નિતનવા નિયમો અને રોજેરોજ બદલાતા નિર્ણયોને લીધે સોશિયલ મીડિયા પર આ પ્રકારના મજાકિયા સંદેશાઓની હવે નવાઈ રહી નથી. નોટબંધીને કારણે સર્જાયેલી મુશ્કેલીઓ હળવી થતી નથી ત્યારે સરકાર હવે કેશલેસ ઇકોનોમીની ‘કેક’ને આગળ ધરી રહી છે. કંઈક સારું થશે એવી આશામાં સામાન્ય લોકો કડક ચા પણ લિજ્જતથી પી રહ્યા છે, તો બીજી તરફ ટેકસાવી યુવાનો સોશિયલ મીડિયા પર રમૂજો કરી કરીને તંગદિલી હળવી કરવા મથી રહ્યા છે. કાળું નાણું અને ભ્રષ્ટાચાર દેશને ઊધઈની જેમ કોરી રહ્યાં છે. આ સમસ્યાઓની નાબૂદી માટે કડક હાથે કામ લેવું જરૂરી છે, પરંતુ કડક હાથનો ફટકો કરોડો નિર્દોષ નાગરિકોને તો ન વાગવો જોઈએને! શાસકોની નીતિ-રીતિ એવી હોવી જોઈએ કે લોકોની વ્યક્તિગત સ્વતંત્રતા (અહીં નાણાકીય સ્વતંત્રતા) જાણે બાનમાં લઈ લેવાઈ હોય, એવો માહોલ પેદા ન થાય.

શાસકોનો મિજાજ અને દેશનો માહોલ જોતાં ચીનના વિખ્યાત ફિલોસોફર અને ધર્મગુરુ લાઓ ત્સેનું સ્મરણ તાજું થઈ આવ્યું. લાઓ ત્સે આમ તો તાઓવાદ (કે ધર્મ)ના પ્રણેતા ગણાય છે, પરંતુ શાસન અને નેતૃત્વ અંગેના તેમના વિચારોને જોઈને મુક્તિવાદીઓ (લિબર્ટેરિયન્સ) તેમને પ્રાચીન મુક્તવાદી તરીકે જ મૂલવે છે. જમણેરી-મુક્તિવાદી અર્થશાસ્ત્રી મૂરે રોથબાર્ડના મતે તો લાઓ ત્સે દુનિયાના સૌ પ્રથમ લિબર્ટેરિયન્સ હતા.

લિબર્ટેરિયનિઝમનો અર્થ ગુજરાતીમાં મુક્તિવાદ, ઉદારવાદ કે સ્વેચ્છાચારવાદ પણ કરવામાં આવે છે. આ વાદ એવી વ્યવસ્થાની હિમાયત કરે છે, જેમાં દરેક પોતાની રીતે મુક્ત હોય અને નાગરિકો પર ઓછામાં ઓછાં બંધનો હોય. લોકશાહી સહિતની કોઈ પણ રાજ્યવ્યવસ્થામાં કાયદાનાં બંધનો જરૂરી છે, પરંતુ કાયદા એવા હોવા જોઈએ કે રોજિંદી જિંદગીમાં માનવીને તે બંધનરૂપ ન લાગે. વ્યવસ્થાના નામે જ્યારે બંધનોની એક પછી એક બેડીઓ વધતી જાય ત્યારે માનવી સ્વાભાવિક રીતે જ બળવાખોર બની જાય. લાઓ ત્સે માનવીના પૂર્ણ વિકાસ માટે તેની મુક્તતાના હિમાયતી હતા. આપણે ત્યાં વિનોબા ભાવેનું એક વાક્ય જાણીતું છે, ઓછામાં ઓછું શાસન કરે, એ સૌથી સારું શાસન. રોજિંદા જીવનમાં શાસનની દખલ શરૂ થઈ જાય ત્યારે એ લોકશાહી વ્યવસ્થા માટે લાલ બત્તી સમાન સંકેતો ગણાય. માણસ માટે વ્યવસ્થા છે, વ્યવસ્થા માટે માણસને સહન કરવું પડે, ભોગ આપવો પડે, એ સ્થિતિ આવકાર્ય ન હોઈ શકે. શાસકોએ એવી સ્થિતિને નિવારવી જ રહી.

‘હજારો માઇલ લાંબી સફર એક ડગલાથી જ શરૂ થતી હોય છે.’ જેવાં અનેક અણમોલ સુવાક્યો આપનારા લાઓ ત્સેના નેતાઓ માટેના માપદંડ અને માર્મિક શિખામણો પર નજર નાખવા જેવી છે. લાઓ ત્સેનું એક સુખ્યાત સુવાક્ય છે, ‘શ્રેષ્ઠ નેતા એ ગણાય, જેની ઉપસ્થિતિ ભાગ્યે જ વર્તાતી હોય. શ્રેષ્ઠ નેતા કોઈ કામને એવી રીતે નિપટાવતા હોય છે કે લોકોને તો એમ જ લાગે કે આ કામ તો તેમણે પોતાની મેળે જ કર્યું છે.’ લાઓ ત્સેએ શાસકોને બહુ માર્મિક સલાહ આપેલી, ‘મહાન રાષ્ટ્રનું શાસન ચલાવવું એ નાની માછલી રાંધવા જેવું છે, વધારે પડતો હસ્તક્ષેપ કરશો તો બધું બગડશે.’ લાઓ ત્સેએ કહેલું કે ‘લોકોનું નેતૃત્વ કરવું હોય તો તેમની પાછળ ચાલો.’ બીજી એક સલાહ એવી પણ આપેલી કે, ‘નેતા બનો, પણ ક્યારેય અધિપતિ (માલિક) ન બનો.’

નેતાઓ ઉપરાંત સામાન્ય લોકોને પણ જીવનમાં ઉતારવા જેવી વાતો લાઓ ત્સે તરફથી મળી છે. લાઓ ત્સે કહેતા, ‘જે વ્યક્તિ અન્ય પર બહુ વિશ્વાસ મૂકતી ન હોય, તેના પર કદી વિશ્વાસ ન કરવો.’ મતાગ્રહના સંદર્ભે પણ લાઓ ત્સેનો વિચાર હતો કે ‘જે વ્યક્તિ પોતાની જ વાત પર બહુ ભાર મૂકતી હોય, તેને બહુ ઓછા લોકોનું સમર્થન મળતું હોય છે.’ આતંકવાદના માહોલમાં હિંસાને પણ ન્યાયિક ઠેરવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ લાઓ ત્સેના મતે ‘હિંસા, સારા ઉદ્દેશથી કરાયેલી હિંસા પણ પોતાના તરફ જ પાછી વળતી હોય છે.’ લાઓ ત્સે હંમેશાં કહેતા, ‘મારી પાસે શીખવવા માટે ત્રણ જ બાબત છે -સાદગી, ધીરજ અને દયા. આ ત્રણેય તમારો સૌથી મોટો ખજાનો છે.’

લેખનો અંત પણ લાઓ ત્સેના માર્મિક વિધાનથી જ કરીએ, ‘એક ચાલતી કીડી ઊંઘી રહેલા બળદ કરતાં વધારે કામ કરતી હોય છે.’ ઊંઘ છોડો!

(‘દિવ્ય ભાસ્કર’ની 7 ડિસેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment