Wednesday, December 21, 2016

ટ્યૂનિશિયાના ક્રાંતિ+શાંતિકારી

દિવ્યેશ વ્યાસ


ટ્યૂનિશિયામાં ક્રાંતિ પછી શાંતિ અને સ્થિરતા લાવવા માટે રાશીદ ઘન્નુશીએ રાજકીય સ્તરે ગાંધીમાર્ગ અપનાવ્યો છે


(તસવીરો ગૂગલ પરથી મેળવેલી છે)

ડિસેમ્બર-2010માં ટ્યૂનિશિયામાં ક્રાંતિનો તણખો પ્રગટ્યો હતો અને ધીમે ધીમે આરબ વિશ્વમાં ક્રાંતિની જ્વાળાઓ પ્રજ્જ્વલિત થઈ હતી. એ જ્વાળાઓએ દાયકાઓથી એકહથ્થુ શાસન કરનારા સત્તાધીશોની રાજગાદીઓને આગ ચાંપી દીધી હતી અને તેમના રાજને ભસ્મીભૂત કરી દીધું હતું. અરબ વસંત તરીકે જાણીતી બનેલી એ ક્રાંતિની શરૂઆત ટ્યૂનિશિયાથી થઈ હતી, તેમ ક્રાંતિ પછી દેશમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવામાં પણ ટ્યૂનિશિયા અન્ય દેશો કરતાં અગ્રણી રહ્યું છે. ટ્યૂનિશિયાએ આજે પોતાનું બંધારણ રચી દીધું છે અને લોકશાહી સરકાર ચૂંટાઈને સારી રીતે શાસન ચલાવી રહી છે. ટ્યૂનિશિયામાં વહેલી શાંતિ અને રાજકીય સ્થિરતા સ્થપાવા પાછળ એક રાજનેતાની બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે, એ રાજનેતાનું નામ છે - રાશીદ ઘન્નુશી. રાશીદ ઘન્નુશીની રાજકીય સૂઝ, સમજદારી, સમતા, સહિષ્ણુતા, સમાદરની ભાવના તથા સર્વસમાવેશક અભિગમને કારણે ટ્યૂનિશિયા ઘણી આસાનીથી એક નવા રાષ્ટ્ર તરીકે ઉદયમાન થઈ શક્યું છે. રાશીદ ઘન્નુશીના રાજકીય અભિગમ અને વ્યવહારમાં ગાંધીમૂલ્યો ઝળક્યા કરે છે અને એટલે જ તેમને ટ્યૂનિશિયાના નેલ્શન મંડેલા પણ કહેવામાં આવે છે.

નોટબંધીના કકળાટને કારણે અનેક સારા સમાચારો આપણા ધ્યાન બહાર ગયા, એમાંના એક સમાચાર એ પણ હતા કે રાજકીય ક્ષેત્રમાં ગાંધીમાર્ગ અપનાવનારા રાશિદ ઘન્નુશીને ગયા નવેમ્બર મહિનામાં જ ભારત બહાર ગાંધીમૂલ્યોને પ્રોત્સાહન આપનારાઓને અપાતો પ્રતિષ્ઠિત જમનાલાલ બજાજ આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો હતો.


રાશિદ ઘન્નુશીની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેઓ ઇસ્લામિક મૂલ્યોમાં જબરી શ્રદ્ધા ધરાવવાની સાથે સાથે એવો વિશ્વાસ પણ ધરાવે છે કે ઇસ્લામ અને લોકતાંત્રિક વ્યવસ્થા બહુ સારી રીતે એક સાથે ચાલી શકે છે. તેઓ ઇસ્લામના કટ્ટરતા કરતાં સર્વસમાવેશક પાસાંની વધારે હિમાયત કરે છે અને તેમના આ ઉદારવાદી દૃષ્ટિકોણનો લાભ સમગ્ર ટ્યૂનિશિયાને મળ્યો છે. ઘન્નુશીનો સુધારાવાદી એન્નાહદાહ પક્ષ ટ્યૂનિશિયામાં રાજકીય વર્ચસ્વ ધરાવે છે અને તેઓ ધારે તો આસાનીથી રાષ્ટ્રપ્રમુખ થઈ શકે એમ છે, પરંતુ તેમને સત્તા કરતાં દેશસેવામાં વધારે રસ છે. તેમણે જાહેર કરેલું છે કે તેમને રાષ્ટ્રપ્રમુખ સહિતના કોઈ રાજકીય પદમાં રસ નથી અને એટલે જ તેઓ દેશના રાષ્ટ્રપ્રમુખ કરતાં પણ વધારે લોકચાહના, સ્વીકાર્યતા અને સન્માન ધરાવે છે.

રાશિદ ઘન્નુશી વિદ્વાન છે અને ઇસ્લામના ઊંડા મર્મી છે. વળી, મુસ્લિમ બ્રધરહુડ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ અંગેનાં તેમનાં નિવેદનો જોઈને તમને તેઓ કટ્ટરવાદી નેતા પણ લાગી શકે, પરંતુ ટ્યૂનિશિયામાં તેમણે સેક્યુલર અભિગમ અપનાવ્યો છે અને સેક્યુલર પક્ષો, ડાબેરી પક્ષોને પણ સાથે લઈને ચાલી શક્યા છે. ટ્યૂનિશિયાના બંધારણમાં શરિયતની મોટા ભાગની બાબતોને આવરી લેવામાં આવી છે, છતાં પણ બંધારણને ઉદારમતવાદી અને સેક્યુલર બનાવી શકાયું છે. આવું કરવામાં કટ્ટરવાદી અગ્રણીઓનો ઉગ્ર વિરોધ પણ સહેવો પડી રહ્યો છે, છતાં ઘન્નુશી જેવા નેતૃત્વને કારણે સમતોલ અભિગમ લઈ શકાયો અને જાળવી શકાયો છે.

રાશિદ ઘન્નુશીની રાજનીતિનું સૌથી આકર્ષક પાસું રાજકારણમાં મહિલાઓની સહભાગિતા માટેની તેમની પ્રતિબદ્ધતા છે. તેમના પક્ષના ચૂંટાયેલા નેતાઓમાં મહિલાઓનું ઘણું ઊંચું પ્રમાણ છે. તેમની પહેલની સીધી અસર સમગ્ર રાષ્ટ્ર પર જોવા મળે છે. 2011ની ક્રાંતિ પછી દેશની બંધારણ સભાની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં મહિલા સભ્યો ચૂંટાઈને આવ્યાં હતાં. ઘન્નુશીના પક્ષ એન્નાહદાહની જ વાત કરીએ તો તેના 89 ચૂંટાયેલા સભ્યોમાંથી 42 મહિલા સભ્યો હતાં, જે પ્રમાણ ઘણું મોટું કહી શકાય. કોઈ મુસ્લિમબહુલ દેશમાં ટ્યૂનિશિયા આ બાબતે સૌથી અલગ તરી આવે છે. આ બાબત પ્રશંસનીય અને પ્રેરણાદાયક છે.

આરબ ક્રાંતિ અગાઉનાં ઘણાં વર્ષો પહેલાંથી રાશિદ ઘન્નુશી દેશના રાજકારણમાં પરિવર્તન કરવા માટે સંઘર્ષરત હતા. દેશમાં એક પક્ષનું જ વર્ચસ્વ હતું ત્યારે એ રાજકીય માળખા સામે બળવો પોકારીને તેમણે બહુપક્ષીય લોકશાહીની હિમાયત કરી હતી. આ માટે તેમને ઘણાં વર્ષો જેલમાં પણ વિતાવવા પડ્યાં છે અને છેલ્લે તો તેમને દેશવટો જ આપી દેવામાં આવ્યો હતો.  ટ્યૂનિશિયામાં ક્રાંતિ થઈ અને બેન અલીના શાસનનો અંત આવ્યો પછી જ તેઓ સ્વદેશ પરત ફરી શક્યા હતા.

ક્રાંતિ પછી રાષ્ટ્રીય બંધારણ સભાની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં ઘન્નુશીના એન્નાહદાહ પક્ષને બહુમતી પ્રાપ્ત થઈ હતી, છતાં ઘન્નુશીએ અન્ય પક્ષોને હંમેશાં પોતાની સાથે રાખ્યા અને નવા દેશના બંધારણમાં સૌનાં સૂચનો અને ભલામણોને આવકારીને સર્વસંમતિથી જ આગળ વધવાનો અભિગમ અપનાવ્યો હતો. વળી, તેમણે બેન અલીના શાસનમાં મોટા હોદ્દા ધરાવનારા લોકોને પણ આ પ્રક્રિયામાં સામેલ કર્યા હતા, આને કારણે પણ તેમને નેલ્સન મંડેલા સાથે સરખાવાય છે. બંધારણના ઘડતર પછી જ્યારે ચૂંટણી કરવાની વાત આવી ત્યારે નિષ્પક્ષ ચૂંટણીઓ થાય એ માટે તેમણે પોતાના પક્ષની સરકારને રાજીનામું અપાવીને તટસ્થ વહીવટીતંત્રની દેખરેખમાં ચૂંટણીઓ કરાવીને પણ લોકશાહી મૂલ્યો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પુરવાર કરી હતી.

આજે જ્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બહુમતીવાદ વધી અને વકરી રહ્યો છે, ત્યારે ઘન્નુશીએ ટ્યૂનિશિયામાં બહુમતીવાદ ન વ્યાપે એની કાળજી લીધી છે. ઘન્નુશી જેવા સર્વસમાવેશક નેતા જ દેશને લાંબા ગાળાની સ્થિરતા અપાવી શકે. રાશિદ ઘન્નુશી જેવા નેતાઓની દરેક દેશને જરૂર હોય છે!

(‘દિવ્ય ભાસ્કર’ની 21મી ડિસેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

No comments:

Post a Comment