Wednesday, January 4, 2017

પેટ ઠારવાનું ‘પુણ્ય’

દિવ્યેશ વ્યાસ


કેટલાંક રાજ્યોમાં ગરીબ વર્ગ માટે સસ્તા ભાવે ભોજન પૂરું પાડવાની સરકારી યોજનાઓને કેવી રીતે જોઈશું?


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

કોઈ પણ સવાલનો ઉત્તમ જવાબ આપવા માટે જાણીતી બનેલી ક્વોરા.કોમ નામની વેબસાઇટે થોડા સમય પહેલાં પોતાના વાચકોને પ્રશ્ન પૂછેલો, તમારી જિંદગીમાં આંખ ઉઘાડનારો સૌથી મોટો બનાવ કે અનુભવ કયો છે? અનેક વાચકોના અનુભવોમાંથી કેટલાક કિસ્સાઓ હૃદયસ્પર્શી હતા. મુંબઈના અબ્દુલ કાદિર સૈફીએ પોતાનો કિસ્સો વર્ણવ્યો હતો : ‘એક દિવસ મિત્રો સાથે અમે ભોજન લીધું. વધેલું ભોજન ફેંકી દેવાને બદલે ભૂખ્યા લોકોને આપી દેવાનું વિચાર્યું. ત્યારે રાતના લગભગ બે વાગ્યા હતા એટલે અમને થયું કે અત્યારે કોણ ભૂખ્યું હશે? તો પણ અમે રસ્તા પર જઈને મોટા અવાજે બોલ્યા કે અમારી પાસે ભોજન છે, કોઈને ભૂખ લાગી છે? ભોજનનું નામ પડતાં ચાર-પાંચ લોકો તરત જાગી ગયા. અમે તેમને ભોજન આપ્યું. તેઓ જે ઝડપથી જમતા હતા, તેના પરથી સ્પષ્ટ ખ્યાલ આવતો હતો કે તેઓ સાવ ભૂખ્યા જ સૂઈ ગયા હશે. એ દૃશ્ય જોયા પછી મને જિંદગીમાં પહેલી વખત ભૂખ કેવી ચીજ છે, તેનો અહેસાસ થયો અને પછી મેં ક્યારેય થાળીમાં ભોજન એંઠું નથી મૂક્યું અને ભોજન વધ્યું હોય તો ફેંકી દેવાને બદલે ભૂખ્યા માણસને શોધીને આપી દઉં છું.’

ભૂખનું દુ:ખ સૌથી વધારે કપરું હોય છે. પેટની આગ દુનિયાને સળગાવી દે એટલી કાતિલ બની શકે છે અને એટલે જ આપણા મહાકવિ ઉમાશંકર જોશીએ લખેલું, ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાધશે.’ આપણા દેશમાં આજે પણ આશરે 60 ટકા લોકો ગરીબીરેખા હેઠળ જીવી રહ્યા છે અને દેશમાં કરોડો લોકોને માત્ર એક ટંકનું જ ભોજન નસીબ થાય છે ત્યારે ભૂખનો મુદ્દો સૌથી વધારે ગંભીર ગણાવો જોઈએ.

દેશમાં લાખો નાગરિકો કુપોષણથી પીડાય છે અને દર વર્ષે હજારો લોકો ભૂખમરાને કારણે જાન ગુમાવી રહ્યા છે, છતાં ‘દરેક હાથને રોટી’નું સપનું પૂરું કરવાની રાજકીય કે શાસકીય પ્રતિબદ્ધતાનો અભાવ પ્રવર્તે છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષથી દેશની કેટલીક રાજ્ય સરકારોએ સસ્તા અનાજની દુકાન કે મધ્યાન ભોજનથી આગળ વધીને ધ્યાનાકર્ષક પહેલ કરી છે. હમણાં તામિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાનાં નિધન પછી તેમને અપાયેલી શ્રદ્ધાંજલિઓમાં સૌથી વધારે  અન્ના કેન્ટિનનો ઉલ્લેખ જોવા મળ્યો. જયલલિતાએ વર્ષ 2013થી સસ્તા ભોજન માટે ‘અમ્મા ઉનાવગમ’ એટલે કે અમ્મા કેન્ટિનની યોજના શરૂ કરી હતી, જેમાં રૂ. એકમાં ઈડલી અને પાંચ રૂપિયામાં ભાત-સાંભાર પીરસવામાં આવે છે. જયલલિતાએ તામિલનાડુની ચૂંટણી સળંગ બીજી વખત જીતવાનો રેકોર્ડ કર્યો, એમાં આ યોજનાનો સવિશેષ ફાળો ગણાય છે. આમ તો, ગરીબજનો માટે સસ્તાં ભોજન કેન્દ્રોની શરૂઆત મહારાષ્ટ્રમાં 1995ની સાલમાં થયેલી. તત્કાલીન ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકારે ‘ઝુણકા-ભાખર કેન્દ્રો’ શરૂ કરાવેલાં, જે એક રૂપિયામાં જમાડતાં હતાં. જોકે, સરકાર બદલાયા પછી એ યોજના લાંબી ચાલી નહોતી. તામિલનાડુમાં આ યોજનાને કારણે જયલલિતાને મળેલી સફળતા પછી અન્ય રાજ્ય સરકારો પણ આવી યોજના ચલાવવા આકર્ષાઈ છે. દિલ્હીની શિલા દીક્ષિતની સરકારે પંદર રૂપિયામાં આખું ભાણું જમાડતાં ‘જન આહાર કેન્દ્રો’ શરૂ કરાવેલાં. કેજરીવાલે સત્તા પર આવીને જન આહાર કેન્દ્રોને બદલે ‘આમ આદમી કેન્ટિન’ ખોલવાનું વિચારેલું, જેનો અમલ હજુ થઈ શક્યો નથી. ઉત્તરાખંડની કૉંગ્રેસી સરકારે પણ વર્ષ 2015માં ઇન્દિરા અમ્મા ભોજનાલયો શરૂ કરાવેલાં તો તાજેતરમાં જ રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ‘અન્નપૂર્ણા રસોઈ’ યોજના શરૂ કરી છે, જેમાં 5 રૂપિયામાં નાસ્તો અને 8 રૂપિયામાં થાળી ઉપલબ્ધ કરાવાશે. થોડા સમય પહેલાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ રાજ્યમાં ગરીબોને રૂ. 10માં એક ટંકનું ભોજન મળી રહે, એવી યોજના લાવવાની જાહેરાત કરી હતી.

આમ, એક પછી એક રાજ્યમાં ગરીબો માટે સસ્તા ભોજનનાં આવાં કેન્દ્રો શરૂ થઈ રહ્યાં છે. ગરીબો માટેની આવી યોજનાઓને તો આવકાર જ હોય, પરંતુ સૌથી મોટી ચિંતા યોજનામાં થતાં ભ્રષ્ટાચારની છે. આપણે ત્યાં મધ્યાહ્ન ભોજન યોજનાની શું હાલત છે, એ જાણીએ જ છીએ. એટલે મુદ્દો યોજનાના ઉદ્દેશ કરતાં પણ યોજનાના અમલીકરણનો ઊભો થાય છે. અમલીકરણમાં પ્રતિબદ્ધતા અને સજ્જડ વ્યવસ્થાના અભાવે જ અન્ય રાજ્યોમાં આવી યોજનાને તામિલનાડુ જેવી સફળતા મળી રહી નથી.

આ મામલે બીજો મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે આવી યોજનાઓ ટૂંકા ગાળાનું સમાધાન હોઈ શકે, પરંતુ લાંબા ગાળે સસ્તા કે મફતની યોજનાઓ લોકો, સરકાર, અર્થતંત્ર કે દેશ માટે ફાયદાકારક હોતી નથી. એક કહેવત છે કે કોઈને માછલી પકડીને દાનમાં આપવા કરતાં તેને માછલી પકડતા શીખવવું વધુ બહેતર છે. કોઈ પણ પક્ષની સરકાર ગરીબોના પેટ ઠારવાનું ‘પુણ્યֹ’ કમાઈને સત્તાનું સ્વર્ગ કન્ફર્મ કરાવાની ફિરાકમાં રહે, એ લાંબા ગાળે ગરીબો માટે કે દેશ માટે હિતાવહ ન ગણાય. સરકારે ખરેખર તો ગરીબોને રોજગારી અને આર્થિક ઉન્નતિ માટેની તક પૂરી પાડવી જોઈએ. આ માટે લાંબા ગાળાની ચોક્કસ નીતિઓ અને આયોજન જરૂરી છે. જોકે, ટી-20 સ્ટાઇલથી રાજકારણ રમનારા નેતાઓને આવી વાત માફક આવતી નથી. પરિણામે ગરીબોએ સસ્તાં ભોજન કેન્દ્રોથી પેટને ઠારવું પડે છે અને મનને મનાવવું પડે છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 4 જાન્યુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

1 comment: