Wednesday, January 18, 2017

‘ચૂપ રહે, ક્યાંય ખોવાઈ જઈશ!’

દિવ્યેશ વ્યાસ

 

પાકિસ્તાનમાં સામાજિક કાર્યકરો અને બ્લોગરોનું ભેદી રીતે ગુમ થવું બતાવે છે કે ત્યાં લોકશાહી આજેય દિવાસ્વપ્ન છે




‘સરકાર દ્વારા નાગરિક સમાજ વિરુદ્ધ ખેદજનક, ગેરકાયદેસર જંગ શરૂ થતાં દેશના ઇતિહાસનું વધુ એક કાળું પ્રકરણ આરંભાયું છે.’ આ આકરા શબ્દો છે, પાકિસ્તાનના જાણીતા અખબાર ‘ડૉન’ના 10મી જાન્યુઆરીના તંત્રીલેખના, જેનું શીર્ષક હતું - ‘મિસિંગ એક્ટિવિસ્ટ્સ’. એક સાથે પાંચ-પાંચ સામાજિક કાર્યકરો અને બ્લોગરોના અચાનક ગુમ થવાની ઘટના સંદર્ભે ‘ડૉને’ શબ્દો ચોર્યા વિના લખ્યું છે કે ‘ખોવાયેલા લોકો’ કે ‘ગુમ થયેલા’ જેવા રૂપાળા શબ્દો થકી તમે ‘બિહામણા સત્ય’ને (અગ્લી ટ્રુથ) છુપાવી ન શકો.’ તંત્રીલેખમાં આગળ લખ્યું છે, ‘સરકાર અને પોલીસ માત્ર એટલું કહીને અટકી ન શકે કે તપાસ ચાલી રહી છે. તેમની જવાબદારી બને છે કે ગુમ થયેલા લોકોને તાત્કાલિક ધોરણે સહીસલામત તેમના ઘરે પહોંચાડી દે.’ માત્ર ‘ડૉન’ જ નહિ, પાકિસ્તાનનાં મોટા ભાગનાં અખબારો-ટીવી ચેનલોમાં ગુમ થયેલા સામાજિક કાર્યકરો-બ્લોગરોનો મુદ્દો ખાસ્સો ચર્ચાયો હતો. પાકિસ્તાન ઉપરાંત આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ આ મુદ્દાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી.

સૌથી પહેલા તો આ મામલો સમજી લઈએ. 2017ના નવા વર્ષની શરૂઆત પાકિસ્તાનના ઉદારમતવાદી, લોકશાહીના ચાહકો, બિનસાંપ્રદાયિક (સેક્યુલર) અને ડાબેરી વિચારધારાના લોકો માટે આઘાતજનક રહી છે. વર્ષ 2017ના પ્રથમ સપ્તાહમાં જ એક નહિ પણ પાંચ પાંચ સામાજિક કાર્યકરો અને બ્લોગરો ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા છે. આ પાંચેય લોકો અત્યારે ક્યાં છે? કઈ હાલતમાં રખાયા છે? કોના કબજા હેઠળ છે? તેમના પર શું વીતી રહી છે? બીજું તો બધું ઠીક, પણ તેઓ અત્યારે જીવે છે કે મારી નંખાયા છે? એની પણ કોઈને ગંધ સુધ્ધાં નથી.

આ પાંચ ગુમ થયેલાઓમાંથી સૌથી મોટું નામ ડૉ. સલમાન હૈદરનું છે. કવિ, સંપાદક, શિક્ષણકાર અને માનવ અધિકાર કર્મશીલ એવા ‘સલ્લુભાઈ’ તરીકે જાણીતા ડૉ. સલમાન હૈદર ફાતિમા ઝીણા વીમેન યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. બલુચિસ્તાનના લોકો માટે ભારોભાર સંવેદના ધરાવતા ડૉ. સલમાન પાકિસ્તાનની સરકાર અને સૈન્યને ન ખટકે તો જ નવાઈ! તેઓ ‘તાંકીદ’ નામનું રાજનીતિ અને સંસ્કૃતિને લગતું સામયિક ચલાવે છે. બલુચિસ્તાન મુદ્દે સરકાર અને સૈન્ય વિરુદ્ધ સતત લખતાં-બોલતાં રહ્યા હોવાથી જ તેમનું અપહરણ કરાયું હોવાનું મનાય છે. આ માનવ અધિકાર કર્મશીલ ગત છઠ્ઠી જાન્યુઆરીથી ગાયબ છે. તેમના છેલ્લા સગડ ઇસ્લામાબાદના બની ગલા વિસ્તારમાંથી મળેલા, જ્યારે તેમની કાર કોરલ ચોક વિસ્તારમાંથી મળી આવી છે. ડૉ. સલમાન માટે સોશિયલ મીડિયા પર ‘રિકવર સલમાન હૈદર’ના હેશટેગ સાથે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જોકે, સલમાન હૈદરની સાથે સાથે અહેમદ વકાસ ગોરયા, આસીમ સઈદ, અહેમદ રઝા નાસીર અને સમર અબ્બાસ જેવા બ્લોગરોનું પણ અપહરણ કરાયું છે, એટલે ‘રિકવર ઑલ એક્ટિવિસ્ટ્સ’ હેશટેગ સાથે ઝુંબેશ ઉગ્ર બની ગઈ છે. એક જ સમયગાળામાં પાંચ પાંચ સામાજિક કાર્યકર અને બ્લોગરોનું અપહરણ થતાં પાકિસ્તાનમાં રાષ્ટ્રીય સ્તરે હોબાળો મચી ગયો છે.

જોવાની વાત એ છે કે બ્લોગર અહેમદ વકાસ ગોરયા તો હોલેન્ડમાં રહે છે તો આસીમ સઈદ સિંગાપોરમાં નોકરી કરે છે. તેઓ આ દિવસોમાં પોતાના વતનની મુલાકાતે લાહોર આવ્યા હતા અને તેમનું અપહરણ કરી લેવાયું છે અને એ પણ એક જ દિવસે-4થી જાન્યુઆરીએ. જાણે અપહરણકર્તાઓ લાગ જોઈને જ બેઠા હતા અને એકદમ આયોજનપૂર્વક તેમનું અપહરણ કરાયું હોય, એવું લાગે છે. આ બન્ને બ્લોગરોની વિશેષતા એ છે કે તેઓ પાકિસ્તાની સૈન્યના પ્રખર ટીકાકાર રહ્યા છે. તેઓ ‘મોચી’ નામના બ્લોગ ઉપરાંત ફેસબુક પર પણ આ જ નામનું પેજ ધરાવે છે. પાકિસ્તાની સૈન્ય દ્વારા લોકોની થતી કનડગત, જોરજુલમ, રાજકારણમાં દખલગીરી-દાદાગીરી અને તેમના અફસરો દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેઓ સતત અવાજ બુલંદ કરતા રહ્યા છે. ફેસબુક પેજ પર કવર ફોટોની સાથે તેમણે તીખા મરચા જેવું વાક્ય ટાંક્યું છે, ‘અમે પાકિસ્તાનના સૈન્યને એટલું જ માન આપીએ છીએ, જેટલું તે પાકિસ્તાનના બંધારણને આપે છે.’
પોલિયોગ્રસ્ત બ્લોગર અહેમદ રઝા નાસીર પણ પોતાના બ્લોગ થકી સૈન્યના દુરાચારો વિરુદ્ધ ખુલ્લેઆમ લખતા રહ્યા છે. નાસીરને પણ 7મી જાન્યુઆરીએ લાહોરના શૈખુપુરા ગામમાં આવેલી તેની દુકાનમાંથી જ પરિવારજનોની નજર સામે ઉઠાવી જવાયો છે. કરાચીથી 7મી જાન્યુઆરીના રોજ ઇસ્લામાબાદ આવેલા બ્લોગર સમર અબ્બાસનો પણ 11મી જાન્યુઆરી પછી કોઈ અત્તોપત્તો મળી રહ્યો નથી.

આ પાંચેય લોકો સતત ભ્રષ્ટાચાર અને પાકિસ્તાની સૈન્ય વિરુદ્ધ લખતાં હોવાથી જ તેમના અપહરણ પાછળ સરકારી અધિકારી કે પછી લશ્કરના અફસરોનો હાથ હોવાની શંકા પ્રબળ રીતે સેવાઈ રહી છે. વળી, સામાન્ય રીતે આતંકવાદીઓ કોઈનું અપહરણ કરે તો તેઓ જવાબદારી લેતા હોય છે અને અપહૃતને છોડાવવા માટે શરતો મૂકતા હોય છે, પરંતુ આ પાંચેય માટે કોઈએ નથી જવાબદારી લીધી કે નથી કોઈ શરત મૂકી. આમ, શંકાની સોય પાકિસ્તાની સૈન્ય તરફ જ તકાઈ રહી છે. વળી, સરકાર તથા પોલીસ તંત્ર પણ જે રીતે મોળી મોળી વાતો કરે છે, તેને કારણે આ શંકા દૃઢ બની રહી છે. જોકે, સરકાર આવા આક્ષેપોને નિરાધાર ગણાવે છે.

આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને હ્યુમન રાઇટ્સ વૉચ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ બહુ ગંભીરતાથી લીધો છે અને પાકિસ્તાનમાં અભિવ્યક્તિની આઝાદી બાબતે ચિંતા વ્યક્ત કરી છે તો અમેરિકાના વિદેશ મંત્રાલયે પણ આની ગંભીર નોંધ લીધી છે. પાકિસ્તાનના લેખકો, પત્રકારો અને સામાજિક કર્મશીલોના મતે સરકાર અને સૈન્ય દ્વારા અખબાર અને ટીવી પછી હવે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા પર ધાક અને ધોંસ જમાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ રીતે લોકોની અભિવ્યક્તિની આઝાદી છીનવાઈ રહી છે.

પાકિસ્તાનની મથરાવટી જોતાં આવી ઘટના સહજ લાગી શકે, પરંતુ જે રીતે પાકિસ્તાનના માનવ અધિકાર કર્મશીલો, પત્રકારો, સામાજિક કાર્યકરો અને સામાન્ય જનતાએ ઇસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવાં શહેરોની સડક પર ઊતરીને વિરોધ નોંધાવ્યો છે, એ બદલાતા માહોલનો સંકેત છે. પાકિસ્તાનમાં છેલ્લાં થોડાંક વર્ષોથી લોકશાહી સરકાર સ્થિર રીતે શાસન કરતી થઈ છે, છતાં દેશમાં લોકશાહી માહોલ આજે પણ દિવાસ્વપ્ન સમાન છે.

પાકિસ્તાન નિમિત્તે અહીં બાંગ્લાદેશમાં બ્લોગરોની હત્યા કે આપણે ત્યાં દાભોળકર, પાનસરે અને કલબુર્ગી વગેરેની હત્યાના કિસ્સાઓ યાદ આવ્યા વિના રહેતા નથી. પાકિસ્તાન અને બાંગ્લાદેશની ચિંતા છોડીએ તોપણ છેલ્લાં કેટલાંક વર્ષોથી ઘરઆંગણે સર્જાયેલા માહોલમાં દેશના ઉદારમતવાદીઓ, માનવ અધિકાર કર્મશીલો, બૌદ્ધિકો અને બિનસાંપ્રદાયિક-લોકતાંત્રિક મૂલ્યોમાં વિશ્વાસ ધરાવનારા લોકોનો ઉચાટ વધ્યો છે, એ વાસ્તવિકતાની અવગણના ન થઈ શકે. ભૂતકાળમાં આપણે અનેક વ્હીસલબ્લોઅર્સનાં કરુણ મોત જોયાં છે, છતાં સંસદમાં વ્હીસલબ્લોઅર વિધેયકને પસાર કરાવવાની જાણે કોઈને ઉતાવળ નથી, એ ચિંતાપ્રેરક છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 18મી જાન્યુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment