Wednesday, January 25, 2017

યાદ રાખજો, તમે નાગરિક છો!

દિવ્યેશ વ્યાસ


દેશમાં વ્યાપ્ત આર્થિક, સામાજિક, શાસકીય અને રાજકીયથી માંડીને રોજિંદી સમસ્યાઓનાં મૂળમાં જઈએ જોઈશું તો ભારતીય નાગરિક તરીકેની આપણી અભાનતા અને ઉદાસીનતાનો અહેસાસ થયા વિના રહેશે નથી



(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

તમને કોઈ પૂછે કે તમે કોણ છો ત્યારે તમે સૌથી પહેલાં તમારું નામ જણાવતા હશો, ક્યારેક ઉત્સાહમાં અટક સાથેનું પૂરું નામ પણ જણાવતા હશો. અટકના આધારે સામેવાળા મોટા ભાગે તમારી જ્ઞાતિ કે ધર્મનો અંદાજ મેળવી લેતા હોય છે અને વહેમ પડે તો ખાતરી કરવા જ્ઞાતિ પણ પૂછી લેતા હોય છે. સામેવાળાને વધુ પરિચય આપવાનું યોગ્ય લાગે તો તમે વધુમાં તમારો વ્યવસાય કે ગામ-શહેરનું નામ પણ જણાવતા હશો. તમને એવો એકેય પ્રસંગ યાદ છે કે જ્યારે તમે તમારો પરિચય ‘ભારતના નાગરિક’ તરીકે આપ્યો હોય? વિદેશજનારે કદાચ પાસપોર્ટ ચેક કરાવતી વખતે કહેવું પડતું હશે કે હું ભારતીય છું કે પછી ભારતનો નાગરિક છું. બાકી ભાગ્યે જ આપણા મનમાં એવી ભાવના પેદા થતી હોય છે કે, બંદા તો ભારતના નાગરિક છે! ભારતીય હોવાનો ગર્વ લેવાની તક આપણને વારંવાર મળતી હોય છે, પરંતુ ભારતીય નાગરિક હોવાની આપણી ઓળખ અને ભૂમિકા અંગે વિચારવાનું બહુ જવલ્લેજ બનતું હોય છે. દેશમાં વ્યાપ્ત આર્થિક, સામાજિક, શાસકીય અને રાજકીયથી માંડીને રોજિંદી સમસ્યાઓનાં મૂળમાં જઈએ જોઈશું તો ભારતીય નાગરિક તરીકેની આપણી અભાનતા અને ઉદાસીનતાનો અહેસાસ થયા વિના રહેશે નથી.

આવતી કાલે 26મી જાન્યુઆરી એટલે કે આપણો પ્રજાસત્તાક દિન છે. આ દિવસ આપણને ભારતીય નાગરિક હોવાનો અહેસાસ કરવાની શ્રેષ્ઠ તક પૂરી પાડે છે. 26મી જાન્યુઆરીનો દિવસ આપણને હંમેશાં યાદ કરાવતો રહે છે કે આપણે માત્ર આઝાદ જ નહીં પરંતુ પ્રજાસત્તાક દેશના નાગરિકો છીએ. આ એ જ દિવસ છે, જ્યારે આપણે આઝાદી પછી ઝંખેલું સ્વરાજ પ્રાપ્ત કરવા માટે એક નાગરિકની રૂએ કેટલાક પાયાના અધિકારો-હકો હાંસલ કર્યા હતા અને સાથે સાથે કેટલીક જવાબદારીઓ પણ સ્વીકારી હતી. પ્રજાસત્તાકનો દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે હવે કોઈ રાજા-શાસકની રૈયત નથી રહ્યા, જે રાંકડી હોય, પણ આપણે દેશના શાસન માટે જવાબદાર નાગરિકો છીએ. લોકશાહી રાજવ્યવસ્થામાં પણ સત્તાનું સુકાન ચોક્કસપણે અમુક લોકોના હાથમાં રહે છે, પરંતુ નાગરિકો સભાન અને સક્રિય હોય તો એ સત્તાધારી લોકોને નિયંત્રણમાં જરૂર રાખી શકે છે. લોકશાહીમાં શાસકો લોકમતને અવગણવાની ભૂલ ભાગ્યે જ કરતા હોય છે. સજ્જ, સક્ષમ અને સમજદાર નાગરિક હોય એ દેશમાં નેતાઓ ભાગ્યે જ પોતાની મનમાની કરી શકે છે. આજે દેશમાં નેતાઓ બેફામ અને બેફિકર છે, તો એના માટે નાગરિકોનું બેજવાબદાર વલણ વધારે કારણભૂત છે.
આજે 25મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાર દિવસ છે. 25મી જાન્યુઆરી એ આમ તો ભારતના ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. વર્ષ 2011માં ચૂંટણી પંચની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે સરકારે આ દિવસને રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે મનાવવાનું શરૂ કર્યું હતું. આ દિવસ ખાસ તો મતદારોને જાગૃત કરીને તેમને નિયમિત મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો, સાથે સાથે કોઈ નાગરિક મતદારયાદીમાંથી બહાર ન રહે, મતદાનથી વંચિત ન રહે, એ સુનિશ્ચિત કરવાનો પણ હતો. મતદાર તરીકે આપણે સારી વ્યક્તિને આપણો નેતા-શાસક તરીકે ચૂંટવાનો હોય છે. મતદાર જેવું વાવે છે, દેશને એવું જ લણવાનું હોય છે.

અલબત્ત, નાગરિક એટલે માત્ર મતદાર જ નહીં. મતદાર તરીકે તો પાંચ વર્ષે એક વખત કે પછી અલગ અલગ સ્તરની ચૂંટણીઓ માટે વધીને ચાર-પાંચ વખત મતદાન કરીને ફરજ બજાવવાની હોય છે, પરંતુ નાગરિકની ભૂમિકા તો 24 X 7 નિભાવવાની હોય છે. પોતે માત્ર મતદાર નથી, પરંતુ આ દેશના જવાબદાર નાગરિક છે, એ વાતનો અહેસાસ સૌથી પહેલાં જનતાને થવો જરૂરી છે, પછી નેતાઓને તો એ વાત આપોઆપ સમજાઈ જવાની. મતબેન્કનું રાજકારણ હોય કે પછી કોમવાદી-જ્ઞાતિવાદી-પ્રાંતવાદી રાજકારણ, આ બદીઓ એક જ ઝાટકે નામશેષ થઈ જાય તો દેશનો દરેક વ્યક્તિ પોતાની નાત-જાત-કોમ-વર્ગ-ભાષા-પ્રદેશ વગેરે સાંકડા વાડાઓ ભૂલીને નાગરિક તરીકે વર્તતો થઈ જાય. પણ તમે સાંકડી ઓળખો ભૂલવા માટે તૈયાર છો?

દેશના બંધારણે આપણને નાગરિક તરીકેની ઓળખ આપી છે અને ઓળખ સાથે જ આપણા અધિકારો અને જવાબદારીઓ પણ જોડાયેલી છે. 26મી જાન્યુઆરીએ બીજું કંઈ થઈ શકે કે નહીં, ક્યાંકથી શોધીને પણ બંધારણના આમુખની સાથે સાથે નાગરિક તરીકેના અધિકારો અને ફરજો પર પણ એક નજર નાખી લેજો... પછી તમારે જે કરવું હોય તે, તમારી મરજી!

(‘દિવ્ય ભાસ્કર’ની 25મી જાન્યુઆરી, 20174ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

No comments:

Post a Comment