Monday, January 30, 2017

સર્વધર્મ પ્રાર્થના થકી શીખ્યા શિસ્ત અને શાંતિના પાઠ

ઇલા ર. ભટ્ટ


સર્વધર્મ પ્રાર્થના થકી ગાંધીજીએ દેશવાસીઓને સંગઠિત અને વૈચારિક-નૈતિક રીતે સુસજ્જ કરવામાં અસાધારણ સફળતા મેળવી હતી



મહાત્મા ગાંધીમાં જે બળ અને તેજ હતું, તેના મૂળમાં તેમની અપાર આધ્યાત્મિકતા હતી. આધ્યાત્મિકતા વિના તો આટલું બધું બળ આવે જ ક્યાંથી? સૂતેલા અજગર જેવા દેશને તેમણે હચમચાવીને બેઠો કરેલો. ગાંધીજીનું લક્ષ્ય માત્ર અંગ્રેજો પાસેથી આઝાદી મેળવવા પૂરતું સીમિત ક્યારેય નહોતું, પરંતુ તેઓ દેશના દરેક વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ ઇચ્છતા હતા. હિંદુ સંસ્કૃતિનાં (ધર્મ નહીં!) મહામૂલાં મૂલ્યોની પુન:સ્થાપના કરવા માટે તેઓ આજીવન ઝઝૂમ્યા હતા. સત્ય અને અહિંસા જેવાં મૂલ્યોને જાહેરજીવનમાં સ્થાપવા માટે તેઓ ખૂબ મથ્યા હતા. આઝાદી આંદોલનની સાથે સાથે ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો, સમાજસુધારણાનાં કાર્યો સતત આગળ વધાર્યાં હતાં. ગાંધીજીની આધ્યાત્મિકતાની અસર તેમના આંદોલનો પર ચોખ્ખી વર્તાય છે. તેમણે આંદોલનો ચલાવવા માટે વૉર રૂમ્સ નહીં, પરંતુ આશ્રમો સ્થાપ્યા હતા! આશ્રમવાસીઓ માટે તેમણે અગિયાર વ્રતો ફરજિયાત કર્યા હતા. દેશમાં નૈતિક મૂલ્યોના પુન:સ્થાપન માટે તેમણે આશ્રમોને પ્રયોગશાળા કમ ધરુવાડિયામાં ફેરવી નાખ્યા હતા.

ગાંધીજીના આશ્રમો અને આંદોલનોમાં એક વિશેષ પાસું હતું - સર્વધર્મ પ્રાર્થના. વિવિધ ધર્મોનું પાલન કરનારા દેશવાસીઓમાં એકતા સ્થાપવા માટે, આધ્યાત્મિક પેદા કરવા માટે તેમણે પ્રાર્થનાનું માધ્યમ અપનાવ્યું હતું. પ્રાર્થના ગાંધીજીની દિનચર્યાનો અભિન્ન હિસ્સો હતી. સામુહિક સર્વધર્મ પ્રાર્થના થકી તેમણે દેશવાસીઓને સંગઠિત અને વૈચારિક-નૈતિક રીતે સુસજ્જ કરવામાં અસાધારણ સફળતા મેળવી હતી.
પ્રાર્થનામાં સામાન્ય રીતે આપણે ભગવાન પાસે કંઈક ને કંઈક માગતા હોઈએ છીએ, પણ ગાંધીજીએ સર્વધર્મ-સમૂહ પ્રાર્થનાનો મૌલિક ખ્યાલ આપીને પ્રાર્થનાની ભાવનાને કંઈક માગવાથી વિશેષ વ્યાપક બનાવી હતી. ગાંધીજીએ પ્રાર્થનામાં માત્ર પોતાનું નહીં, પરંતુ સમાજ, રાષ્ટ્ર અને એનાથી આગળ વધીને સમગ્ર વિશ્વનું કલ્યાણ ઇચ્છવાનું શીખવ્યું. ઈશ્વરનું સ્મરણ ચોક્કસ કરવાનું છે, પરંતુ સાથે સાથે આપણા અંત:કરણમાં પણ ઝાંખવાનું છે. માણસ નીતીના માર્ગે ચાલે એ માટે અંત:કરણની શુદ્ધિ અને જાગૃિત જરૂરી હોય છે અને આ બે વાનાં તમને પ્રાર્થના થકી પ્રાપ્ત થઈ શકે છે. આ કારણોસર જ ગાંધીજીએ પોતાના નિત્યક્રમમાં સવાર-સાંજની પ્રાર્થના દાખલ કરેલી. પ્રાર્થના માટે તેમણે બહુ ચૂંટી ચૂંટીને ભજનો-પદો-પ્રાર્થનાઓ પસંદ કરેલાં. જેને ‘આશ્રમ ભજનાવલી’માં સમાવવામાં આવ્યાં છે. આ ભજનો પર નજર નાખીએ તો તમને ખ્યાલ આવશે કે એક પણ ભજનમાં નથી કોઈ અંધશ્રદ્ધાનો અંશ કે નથી ભક્તિના નામે વેવલાવેડા!

ગાંધીજીની દરેક પ્રાર્થનાઓમાં અચૂક ગવાતું ભજન છે - વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે.... આ ભજનમાં દુનિયાના તમામ ધર્મોનો સાર આવી જાય છે. બહુ સરળ રીતે માનવતાનાં મૂલ્યો તેમાં સમજાવ્યાં છે. ધાર્મિકતા-આધ્યાત્મિકતા માટે બીજાં કોઈ પુસ્તકો ન વાંચો અને માત્ર આ ભજનને જો જીવનમાં ઉતારો તો તમારો બેડો પાર થઈ જાય!

ગાંધીજી દ્વારા સ્થાપિત મજૂર મહાજન સંઘના સંસ્કારોને કારણે મેં જ્યારે સેવાની સ્થાપના કરી ત્યારે સંસ્થામાં સમૂહ પ્રાર્થનાનો ઉપક્રમ આપોઆપ સામેલ થઈ ગયેલો. મારો અનુભવ છે કે પ્રાર્થનાને કારણે એક પ્રકારની શિસ્ત આવી જાય છે. આત્માનું અનુસંધાન તો દૂરનો મુકામ થયો પણ પ્રાર્થનાને લીધે વ્યક્તિના વ્યવહારમાં શિસ્ત જરૂર આવી જાય છે. સમૂહ પ્રાર્થનાને કારણે એક માહોલ રચાતો હોય છે, જેનાથી સમૂહભાવના-એકતા આપોઆપ ઊભી થતી હોય છે.

ભદ્રકાળી ચોકના પાથરણાવાળા-લારીવાળાઓ સાથેનો એક કિસ્સો અહીં જણાવવા માગું છું. કોઈ પણ મંદિર હોય ત્યારે તેની આજુબાજુ નાના-નાના વેપારીઓનું એક કુદરતી બજાર ઊભું થતું હોય છે. ભદ્રકાળી મંદિરની આજુબાજુ બેસતા પાથરણાવાળા-લારીવાળાઓને હટાવવાની તજવીજ કરવામાં આવી ત્યારે તેમની પાસે પોતાના અધિકાર માટે કોર્ટમાં ગયા વિના છૂટકો નહોતો. તેમની રોજગારી અને અધિકારની લડાઈમાં સેવા દ્વારા સમર્થન પૂરું પાડવામાં આવ્યું. અમે ભદ્રકાળી ચોકમાં વેપાર કરનારાઓનું એક સંમેલન યોજ્યું. અમારી પરંપરા મુજબ સંમેલનના પ્રારંભે સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી. આ પ્રાર્થનાથી એક જબરદસ્ત માહોલ સર્જાયો. હાજર ભાઈઓ-બહેનો દ્રવિત થઈ ગયા, તેમનાં અંત:કરણ શુદ્ધ થયાં અને તેમના વચ્ચે એકતાની ભાવના તો ઊભી થઈ જ પરંતુ આ કેસમાં કશુંય ખોટું કરવું નથી, એવી પ્રતિબદ્ધતા પેદા થઈ. અમે તૈયાર કરેલી યાદીમાં ન કોઈએ ખોટું નામ ઉમેરાવ્યું, ન કોઈએ ખોટી વિગતો જણાવી. એ દિવસે મને પાક્કો પુરાવો મળી ગયો કે પ્રાર્થનામાં કેટલી બધી શક્તિ રહેલી છે.

સમૂહ પ્રાર્થનાથી આપણે સૌ એક પિતાના સંતાન છીએ, એકબીજા સાથે અનુબંધિત છીએ એવી સામૂહિક ચેતના કેળવાય છે, સંગઠન મજબૂત બને છે અને દરેક વ્યકિતમાં નૈતિકતા ઊભી થાય છે. નીતિ વિના ધર્મ હોઈ જ ન શકે અને સામાન્ય લોકો માટે તો ભજન-પ્રાર્થના એ જ ધર્મ હોય છે. પ્રાર્થનાના શબ્દો રોજ આપણા દિલોદિમાગ પર પડઘાતા હોય છે અને વહેલી કે મોડી તેની અસર થયા વિના રહેતી નથી.

આજે દેશનો માહોલ જોતાં સર્વધર્મ પ્રાર્થના વધારે પ્રસ્તુત બની છે. આજે ગામ કે શહેરના વોર્ડમાં સામૂહિક સર્વધર્મ પ્રાર્થના ફરી શરૂ કરવા જેવી પરંપરા છે. જોકે, આવી પ્રાર્થના સ્વૈચ્છિક રાખવી જોઈએ અને તદ્દન બિનરાજકીય હોવી જોઈએ. કોમી એકતા અને નૈતિક મૂલ્યોનું ધોવાણ અટકાવવામાં સર્વધર્મ પ્રાર્થના બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે.

(ઇલા ર. ભટ્ટ સેવા સંસ્થાના સંસ્થાપક ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ અને ગાંધી આશ્રમના ચેરમેન છે.)

(‘દિવ્ય ભાસ્કર’ની 30મી જાન્યુઆરી, 2017ની ‘ધર્મદર્શન’ પૂર્તિ માટે ઇલાબહેન સાથે થયેલી વાતચીતના આધારે લખેલો લેખ - મૂળ પ્રત)

No comments:

Post a Comment