Wednesday, February 1, 2017

મોરારજીભાઈની પુરસ્કારબંધી

દિવ્યેશ વ્યાસ


બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે મોરારજી દેસાઈએ વડાપ્રધાન બન્યા પછી પદ્મ પુરસ્કારોની પ્રથા એક ઝાટકે બંધ કરી દીધેલી



ગુજરાતી વડાપ્રધાન હોવાનો એક ફાયદો ગુજરાતને ચોક્કસપણે મળી રહ્યો છે કે રાષ્ટ્રીય સ્તરના નાગરિક સન્માનોમાં હવે ગુજરાતીઓની સંખ્યા અગાઉની સરખામણીએ વધારે જોવા મળી રહી છે. તાજેતરમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ કુલ 89 સન્માનનીય નાગરિકોને પદ્મ પુરસ્કારો જાહેર થયાં, જેમાં સાત ગુજરાતીઓનો સમાવેશ થયો હતો. પદ્મ પુરસ્કૃતોની યાદીને રાજ્યવાર વહેંચીને જોઈએ તો આ વર્ષે સૌથી વધારે આઠ પુરસ્કાર મેળવીને મહારાષ્ટ્ર નંબર-1 રહ્યું તો 7-7 પદ્મ પુરસ્કાર હાંસલ કરીને ગુજરાત અને તામિલનાડુ બીજા ક્રમે રહ્યા. કેરળ અને કર્ણાટક 6-6 પદ્મ પુરસ્કાર સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ગુજરાતીઓ પોંખાય અને દેશના ટોચનાં નાગરિક સન્માનો પ્રાપ્ત કરે, એ જોઈને ગુજરાતી તરીકે કોઈ પણને ગર્વ થાય જ. પદ્મ પુરસ્કાર મેળવનારા સૌ મહાનુભાવોને હાર્દિક અભિનંદન!

ગુજરાતમાં પીએચ.ડી.ની પદવીની જેમ જ પદ્મશ્રી સન્માન મેળવનારાઓની સંખ્યા પણ સતત વધતી જ જાય છે. અન્ય ક્ષેત્રની સરખામણીએ ગુજરાતના સાહિત્યકારોમાં બે મહત્ત્વાકાંક્ષાઓ ખાસ્સી ચર્ચાસ્પદ બને છે, એક - પદ્મ પુરસ્કાર અને બીજો રાજ્યસભાનું સભ્યપદ. રાજ્યસભાના નામાંકિત સભ્ય બનવાનું સપનું તો ભાગ્યે જ કોઈનું ફળે છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી પદ્મશ્રી સન્માન મેળવનારાની સંખ્યા વધી રહી છે, એ નોંધપાત્ર હકીકત છે.

અલબત્ત, લેખનો ઉદ્દેશ પદ્મ પુરસ્કારનું મહત્ત્વ, પદ્મ પુરસ્કાર માટેના ધખારા કે એ માટેના પ્રયાસોની ચર્ચા કરવાનો બિલકુલ નથી.  આ લેખ લખવાનો ધક્કો પહોંચાડનાર ઐતિહાસિક હકીકત એ છે કે સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈએ સત્તા પર આવ્યા પછી પદ્મ પુરસ્કારો-નાગરિક સન્માનની પ્રથાને બંધ કરી હતી. હા, કટોકટી પછી ઇન્દિરા ગાંધીની કૉંગ્રેસનાં સૂપડાં સાફ કરીને સત્તામાં આવેલા જનતા મોરચાની દેશની સર્વપ્રથમ ગઠબંધન સરકારના વડા તરીકે મોરારજી દેસાઈએ જુલાઈ - 1977માં સરકાર દ્વારા અપાતાં સન્માનોને ‘વાહિયાત અને રાજકારણયુક્ત’ ગણાવીને તેની પ્રથાને એક ઝાટકે બંધ કરાવી દીધી હતી. નોટબંધીના દિવસોમાં મોરારજી દેસાઈએ પણ કાળાં નાણાંના દૂષણને ડામવા માટે ઈ.સ. 1978માં રૂ. 1000, રૂ. 5000 અને રૂ. 10,000ની નોટને ચલણમાંથી રદ કરી હતી તે ઘટનાને વારંવાર યાદ કરવામાં આવી હતી, પરંતુ મોરારજી દેસાઈએ પોતાના શાસનકાળ દરમિયાન નોટબંધી ઉપરાંત પુરસ્કારબંધી પણ કરી હતી, એ હકીકત બહુ ઓછા લોકો જાણતા હશે. મોરારજી દેસાઈએ પુરસ્કારબંધી કરી તેની પાછળનાં જે કારણો હતાં, તે આજે પણ અસ્તિત્વમાં છે, પણ હવે એ દિશામાં વિચારવાનું ભાગ્યે જ કોઈને ‘સાનુકૂળ’ જણાઈ રહ્યું છે. સત્તાધારી પક્ષ કરતાં જુદી વિચારધારા ધરાવનારાઓને આજે આવાં સન્માનો નથી મળી રહ્યા છતાં પણ તેઓ આ મામલે મૌન રાખવાનું જ વધારે પસંદ કરે છે, કારણ કે કાલે સરકાર બદલાય તો તેઓ પણ લાભાર્થી બની શકે!

મોરારજી દેસાઈની ગઠબંધન સરકાર તો માંડ બે-અઢી વર્ષ ચાલી અને ઇન્દિરા ગાંધી ફરી સત્તા પર આવ્યાં. તેમણે નાગરિક સન્માનોની પરંપરાને 1980ની સાલથી પુન:જીવિત કરી હતી. જોકે, 1992ના વર્ષમાં સરકાર દ્વારા અપાતાં સન્માનો વિરુદ્ધ જાહેર હિતની અરજીઓ કરવામાં આવી. એક અરજી ફેબ્રુઆરી-1992માં બાલાજી રાઘવન અને અન્યો દ્વારા કેરળ હાઇકોર્ટમાં કરવામાં આવી હતી તો બીજી અરજી સત્યપાલ આનંદ દ્વારા ઑગસ્ટ-1992માં મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જાહેર હિતની અરજી કરનારાઓની મુખ્ય દલીલ એ હતી કે બંધારણની કલમ 18 (1) અનુસાર સરકાર દ્વારા અપાતા સન્માન-ઇલકાબને નાબૂદ કરવામાં આવ્યા છે ત્યારે પદ્મ પુરસ્કારો બંધારણ વિરુદ્ધ છે. 25 ઑગસ્ટ, 1992ના રોજ મધ્યપ્રદેશ હાઇકોર્ટે નાગરિક સન્માનો પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકી દીધો હતો. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચેલો અને પાંચ ન્યાયાધીશોની ડિવિજન બેન્ચને સોંપાયો હતો. આ ખંડપીઠે 15 ડિસેમ્બર, 1995ના રોજ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ભારત રત્ન અને પદ્મ પુરસ્કારો બંધારણમાં દર્શાવેલા ‘ટાઇટલ્સ’ અંતર્ગત આવતા નથી અને એ પછી પદ્મ પુરસ્કારો આપવાનું ફરી થયું હતું.

સન્માન-ઇલકાબ આપવાની પ્રણાલી બ્રિટિશ શાસનમાં ખૂબ પ્રચલિત હતી. સર, નાઇટ, લૉર્ડ, કિંગ વગેરે જાતભાતના નામધારી ઇલકાબો (ટાઇટલ્સ) સન્માનનીય (બ્રિટિશર્સની દૃષ્ટિએ) લોકોને અપાતા હતા. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને નાઇટનો ઇલકાબ તો સુધારાવાદી રામમોહન રાયને રાજા (કિંગ)નો ઇલકાબ બ્રિટિશર્સ દ્વારા જ અપાયા હતા. ટાગોરે તો જલિયાંવાલાબાગ હત્યાકાંડ પછી ઇલકાબ પાછો આપી દીધેલો.  બંધારણમાં આ ટાઇટલ્સને નાબૂદ કરવા માટે એક વિશેષ કલમ 18 ઉમેરવામાં આવી હતી. આઝાદી પછી છેક ઈ.સ. 1954માં નાગરિક સન્માનો શરૂ કરાયા હતા. આજે પણ નાગરિક સન્માનોનો ઉપયોગ તમે તમારા નામની આગળ કે પાછળ કરી શકતા નથી, કારણ કે આ સન્માન છે, પણ ઇલકાબ નથી. સરકારની અધિકૃત વેબસાઇટ (http://www.padmaawards.gov.in) પર આ સન્માનનો ઉલ્લેખ નામની આગળ કે પાછળ ન કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે, છતાં કેટલાક ઉત્સાહી લોકો પોતાના નામ આગળ ‘પદ્મશ્રી’ લખવા-લખાવવાનો મોહ છોડી શકતા નથી!

ખેર, પ્રશંસા-કદર-પુરસ્કાર વ્યક્તિને વધુ સારું કામ કરવા માટે પ્રોત્સાહક નીવડતા હોય છે. મોટાં સન્માનો વ્યક્તિને વધારે જવાબદાર પણ બનાવી શકે છે, છતાં સરકારી સન્માનોમાં રખાતા પક્ષપાત કે રમાતા રાજકારણવાળી મોરારજીભાઈની દલીલ સાથે કોણ સહમત નહીં થાય? સમાજમાં સન્માનો ચોક્કસપણે જરૂરી છે, પરંતુ જે તે ક્ષેત્રની સંસ્થાઓ તે આપે તો વધારે યોગ્ય ગણાય. લોકશાહી સરકારે ‘રાજા-મહારાજાવાળી’ કરવાનો કોઈ મતબલ કે જરૂર નથી.

(‘દિવ્ય ભાસ્કર’ની 1 ફેબ્રુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - મૂળ પ્રત)

No comments:

Post a Comment