Wednesday, February 22, 2017

લોકહૃદયના બેતાજ બાદશાહ ઇન્દુલાલ યાજ્ઞિક

દિવ્યેશ વ્યાસ

ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઇન્દુચાચાનું ગુજરાતની જનતા પર કેટલું ઋણ છે, એની આજની પેઢીને ભાગ્યે જ કલ્પના હશે.


(ઇન્દુચાચાની આ તસવીર વરિષ્ઠ પત્રકાર દિગંત ઓઝા દ્વારા સંપાદિત પુસ્તક ‘ગુજરતાની અસ્મિતાના સ્વપ્નદૃષ્ટા ઇન્દુલાલ યાજ્ઞિક’ના આવરણ પરથી કાપીને લીધી છે.)

આંદોલનપુરુષ, ઇન્દુલાલ યાજ્ઞિક માટે વપરાયેલું વિશેષણ તેમના વ્યક્તિત્વને સૌથી વધારે બંધબેસતું છે. તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે આંદોલન-ધરણાંવાળા વગેરે શાસનવાળાનો જંગ જામ્યો હતો ત્યારે ઇન્દુચાચાનું સ્મરણ તીવ્ર બન્યું હતું, જેમણે આજીવન આંદોલન કર્યાં, કામદારો અને કિસાનો માટે અહિંસક લડતો લડયા, સ્થાપિત હિતો સામે જરૂર પડયે 'મુક્કો' બતાવ્યો અને સાથે સાથે ચૂંટણી જંગ પણ જીતી બતાવ્યા હતા. જો કે, ફકીરી પ્રકૃતિના ફાંકડા રાજનેતાને ક્યારે ય કોઈ પદ આર્કિષત કરી શક્યું નહોતું. મહાગુજરાત આંદોલનના અગ્રણી તરીકે તેમણે ધાર્યું હોત તો ગુજરાતના મુખ્યમંત્રી પદ સુધી પહોંચતાં તેમને કદાચ કોઈ રોકી શક્યું ન હોત, પણ તેમને કોઈ પદમાં નહીં, માત્ર પ્રજાના કલ્યાણમાં રસ હતો. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઇન્દુચાચાનું ગુજરાતની જનતા પર કેટલું ઋણ છે, એની આજની પેઢીને ભાગ્યે જ કલ્પના હશે. આજે ૨૨મી ફેબ્રુઆરીના રોજ ઇન્દુચાચાનો જન્મ દિવસ છે ત્યારે તેમની વંદના કરવાનું કેમ ચુકાય?

તસવીર : સૃષ્ટિ શુકલ
આજે (22 ફેબ્રુઆરી, 2015ના રોજ) અમદાવાદમાં સાબરમતીથી કલોલ જતા હાઇવે અને મોટેરા સ્ટેડિયમ જતા રસ્તાના ક્રોસિંગ પર ઇન્દુચાચાની નવ ફૂટની કાંસ્ય પ્રતિમા સાથેના સ્મારકના લોકાર્પણનો કાર્યક્રમ યોજાવાનો છે. ઇન્દુચાચાને મોટા ભાગના લોકો મહાગુજરાત આંદોલનના નાયક તરીકે ઓળખે છે, આ ઓળખાણ સાચી છે, પણ આખી નથી. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવામાં તેમનો ફાળો અનન્ય હતો એ કબૂલ, પરંતુ એ તો એમના જીવનકાર્યનો એક યશસ્વી અધ્યાય માત્ર હતો. આઝાદી આંદોલનમાં તેમનું યોગદાન નાનુસૂનું નહોતું. દેશને આઝાદી મળ્યા પછી સ્વરાજનું અમૃત ગરીબ-વંચિત-પછાત વર્ગના લોકો સુધી પહોંચાડવામાં તેમણે લીધેલી જહેમત યાદગાર છે. આઝાદ ભારતમાં ખેડૂતો અને આદિવાસીઓના કલ્યાણ માટે તેમણે સ્થાપિત હિતો સામે શિંગડાં ભરાવ્યાં હતાં. ગુજરાતના જ નહિ સમગ્ર દેશના ઇતિહાસમાં ઇન્દુચાચા એવું નામ છે, જેમને યાદ કર્યા વિના ચાલે જ નહીં, છતાં ઇન્દુચાચાની દેશમાં તો જવા દો ગુજરાતમાં પણ જોઈએ એવી કદર થઈ નથી, એ પીડાદાયક વાસ્તવિકતા છે.

આઝાદી આંદોલન વખતે ગાંધીજી સાથે ઇન્દુચાચાને આત્મીય સંબંધો હતા. સૌ જાણે છે કે ગાંધીજીનું 'નવજીવન' સાપ્તાહિક મૂળે તો ઇન્દુલાલ યાજ્ઞિકનું 'નવજીવન અને સત્ય' નામનું માસિક હતું, પણ ગાંધીજીની આત્મકથા જેટલું જ મહાન અને મહત્ત્વપૂર્ણ પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ'ના ગણેશજી એટલે કે લહિયા ઇન્દુચાચા હતા, એ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. ગાંધીજી અને ઇન્દુચાચા યરવડા જેલમાં અમુક મહિનાઓ સુધી સાથે હતા ત્યારે ઇન્દુચાચાએ જ ગાંધીજીએ અધૂરા લખેલા આ પુસ્તકને પૂરું કરવાનો આગ્રહ કર્યો હતો અને ગાંધીજી બોલે એને લખી લેવાની જવાબદારી તેમણે સામેથી જ ઉપાડી લીધી હતી. દેશના વિદ્યાર્થીઓને અંગ્રેજી શિક્ષણ સંસ્થાઓનો બહિષ્કાર કરવાનું આહ્વાન આપવાના કાર્યક્રમની ચર્ચા ચાલતી હતી ત્યારે ઇન્દુચાચા જ હતા, જેમણે વિદ્યાર્થી સમક્ષ કોઈ વિકલ્પ આપવાની, શૈક્ષણિક કાર્યક્રમ મૂકવાનો આગ્રહ સેવ્યો હતો અને તેને પરિણામે જ રાષ્ટ્રીય શાળા સ્થાપવાનો વિચાર વિકસ્યો હતો. એ જ રીતે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં પણ તેમનું પાયાનું યોગદાન હતું. 'જનતા કરફ્યૂ' જેવું અહિંસક સાધન તેમની જ દેન છે.

ગાંધીજી પ્રત્યે ભારોભાર સન્માન હોવા છતાં ઇન્દુચાચા દેશના પહેલા એવા રાજનેતા છે, જેમણે ગેર-કોંગ્રેસવાદની હાકલ કરી હતી અને એ પણ ગાંધી અને સરદારની કોંગ્રેસ સામે ! ઇન્દુચાચા એક માત્ર એવા અપક્ષ ઉમેદવાર છે, જેમણે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીતી છે. ઇન્દુચાચાનું વ્યક્તિત્વ એટલું વિશાળ હતું કે તેઓ કોઈ પક્ષ, સંસ્થા કે સંગઠનમાં સમાઈ ન શકે.

ગાંધીજીની ઇચ્છા છતાં તેઓ કોંગ્રેસનું વિસર્જન કરાવી શક્યા નહોતા, જ્યારે અહિંસક લોકલડતથી અલગ ગુજરાત રાજ્ય હાંસલ કર્યા પછી તેમણે વિજયના દિવસે જ મળેલી વિરાટ સભામાં જાહેર કર્યું હતું, આપણામાંથી કોઈએ પ્રધાન બનવાનું નથી. આપણું ધ્યેય પ્રધાનપદ નહિ પણ મહાગુજરાત હતું, તે મળી ગયું છે અને મહાગુજરાત જનતા પરિષદનું કાર્ય પૂરું થયું છે ... તેઓ પદલાલચુ નેતા નહીં પ્રજાના નેતા પુરવાર થયા હતા.

વિટાર વ્યક્તિત્વના સ્વામી ઇન્દુચાચાને જાણવા હોય તો તેમની છ ખંડોમાં વિસ્તરેલી આત્મકથા જરૂર વાંચવી જોઈએ. ગુજરાતની અસ્મિતાની ખરી લડત લડનારા ઇન્દુચાચા જેવા લોકનાયકનો લોકો આજે ય ઇન્તેજાર કરી રહ્યા છે. લીલાવતી કનૈયાલાલ મુનશીએ ઇન્દુચાચા માટે કહેલી વાત સાથે લેખ પૂર્ણ કરીએ : "ઇન્દુલાલ એટલે ટ્રેનની ઝડપ, ઇન્દુલાલ એટલે બાળકનાં તોફાન, ઇન્દુલાલ એટલે લશ્કરી સિપાઈ. ઇન્દુલાલમાં ઋષિમુનિનો સંયમ નથી પણ યૌદ્ધાઓનો નિગ્રહ છે. એમના બળવાન દેહમાં બાળકનો આત્મા વસે છે ... એ પણ અનંતના આંગણે રમતું બાળક જ છે. દેશકાર્યનું અસિધારાવ્રત એમણે લીધું છે. હનુમાન માફક એમના હૃદયમાં ઊંડા ભાગમાં 'દેશ' શબ્દ કોતરેલો હશે."

(‘સંદેશ’ની 22 ફેબ્રુઆરી, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment