Wednesday, February 8, 2017

મણિપુરમાં ઇરોમની ‘વ્હીસલ’

દિવ્યેશ વ્યાસ


ઇરોમ શર્મિલાએ હવે મણિપુરના ચૂંટણી શમરાંગણમાં ઝુકાવ્યું છે. ઇરોમની ‘અનઅપેક્ષિત’ સફળતા સમગ્ર દેશને ફળી શકે છે

 (તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

‘ચૂંટણીનું નામ પડતાં હંમેશાં મને ઝણઝણાટી અનુભવાય છે. મારે ઈશ્વરને કહેવું છે કે તું ઇચ્છે એ થવા દે. હું કંઈ જાણતી નથી. હું કંઈ છું નહીં. ચૂંટણી લડવા માટે મારે કંઈ ખાસ કરવાનું નથી, મારે તો માત્ર લોકોનાં દિલ જીતવાના છે.’ આ શબ્દો છે ‘આયર્ન લેડી ઑફ મણિપુર’ના નામે સુવિખ્યાત ઇરોમ ચાનુ શર્મિલાના. ઇરોમે અત્યારે મણિપુર વિધાનસભાની ચૂંટણીઓમાં ઝુકાવ્યું છે. આમરણ ઉપવાસ આંદોલનનો માર્ગ છોડીને હવે રાજકીય પ્રભાવ ઊભો કરીને તેઓ આફસ્પા (આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ) હટાવવા માટે કટિબદ્ધ છે.

પાંચ રાજ્યોની ચૂંટણીઓમાંથી ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગોવાની તો ક્યારેક વધીને ઉત્તરાખંડની ચર્ચા થાય છે, પરંતુ ઉત્તર-પૂર્વી રાજ્ય મણિપુરની ચૂંટણીઓની ચર્ચા બહુ ઓછી થઈ રહી છે. આમ જોવા જઈએ તો બાકીનાં ચાર રાજ્યોમાં પરંપરાગત રાજકીય આકાઓ અને આખલાઓ જ જલ્લીકુટ્ટી જલ્લીકુટ્ટી રમી રહ્યા છે, જ્યારે મણિપુરમાં ઇરોમ શર્મિલાને કારણે ભારતીય રાજકારણમાં નવો અધ્યાય રચાઈ રહ્યો છે. અલબત્ત, ઇરોમ શર્મિલાને રાતોરાત કોઈ મોટી રાજકીય સફળતા મળવાની સંભાવના ઓછી વર્તાય છે, છતાં ઇરોમના સંઘર્ષ અને મણિપુરના લોકોની આફસ્પા વિરુદ્ધની લડાઈને અવગણી શકાય એમ નથી.

ઇરોમ શર્મિલાએ ગત 9મી ઑગસ્ટ, 2016ના રોજ 16 વર્ષે પોતાનું આમરણ ઉપવાસ આંદોલન સમેટ્યું ત્યારે તેમના ઘણા સમર્થકો નારાજ થયા હતા. કેટલાકને એવું લાગ્યું હતું કે ઇરોમનું ધ્યાન લક્ષ્ય પરથી હટી ગયું છે. તેઓ આ લડતને મઝધારે છોડી દેવા માગે છે. જોકે, ઇરોમે થોડા દિવસ પછી સ્પષ્ટતા કરેલી કે તેઓ હવે રાજકીય રીતે સક્ષમ બનીને આફસ્પા હટાવવા માટે મથશે. તેમણે રાજકીય પક્ષ સ્થાપીને વિધાનસભા ચૂંટણી લડવાનો ઇરાદો જાહેર કરેલો. ઇરોમ શર્મિલાએ 18મી ઑક્ટોબર, 2016ના રોજ પોતાના નવા પક્ષની રચના કરી. પક્ષનું નામ રાખ્યું - પીપલ્સ રિસર્જન્સ એન્ડ જસ્ટિસ અલાયન્સ (PRaJA-પ્રજા), જેનું ગુજરાતી કરી શકાય, લોકોનું નવજાગરણ અને ન્યાય ગઠબંધન. આ પક્ષના પાયામાં મુખ્ય ચાર સિદ્ધાંતો રખાયા છે - ન્યાય, પ્રેમ, સમજ અને શાંતિ. આ પક્ષ આફસ્પા, ભ્રષ્ટાચાર, વિભાજક રાજકારણ અને બેરોજગારીના મુદ્દે ચૂંટણી લડી રહ્યો છે.

ઇરોમનો પક્ષ મણિપુરમાં કેવી રાજકીય સફળતા હાંસલ કરે છે, એ તો ટૂંક સમયમાં ખબર પડી જશે, પરંતુ આ પક્ષે પહેલા જ ધડાકે મણિપુરના રાજકીય ઇતિહાસમાં બે નવા વાના જરૂર ઉમેર્યા છે: એક, તે રાજ્યનો પહેલો ક્રાઉડ-ફન્ડેડ રાજકીય પક્ષ બન્યો છે. અને બે, આ પક્ષે એક મુસ્લિમ મહિલાને ટિકિટ આપી છે. મણિપુરની વિધાનસભા ચૂંટણીઓના ઇતિહાસમાં પહેલી વખત કોઈ મુસ્લિમ મહિલા આ સ્તરની ચૂંટણી લડવાનાં છે.

આંદોલન છોડીને રાજકારણમાં ઝંપલાવવાની બાબતે ઇરોમ શર્મિલા અરવિંદ કેજરીવાલના રસ્તે ચાલ્યા છે. ઇરોમ કેજરીવાલ જેટલા લાઉડ નથી, છતાં તેમણે સળંગ ત્રણ વખત ચૂંટણી જીતેલા વર્તમાન મુખ્યમંત્રી ઓકરામ ઇબોબીસિંહની વિરુદ્ધ જ થોબલ મતક્ષેત્ર પરથી ચૂંટણી લડવાનું સાહસ દાખવ્યું છે. ઇરોમ થોબલ ઉપરાંત ખુરાઈ બેઠક પરથી પણ ચૂંટણી લડવાનાં છે. ઇરોમનો પક્ષ રાજ્યની કુલ 60 બેઠકોમાંથી માત્ર 20 બેઠકો પર જ ચૂંટણી લડી રહ્યો છે. કદાચ આ નવા પક્ષ પાસે પર્યાપ્ત નાણાં-સંસાધનો તથા અનુભવ ન હોવાને કારણે પણ ચર્ચામાં નથી, પરંતુ તેનો ઉદ્દેશ અને સાહસ ચોક્કસ સલામ અને શાબાશીને પાત્ર છે.

વર્ષ 2005માં નોબેલ માટે નામાંકન મેળવનારાં ઇરોમ શર્મિલાના પ્રજા પક્ષે ચૂંટણીપંચ પાસે પક્ષના પ્રતીક તરીકે વ્હીસલ (સિસોટી)ની માગણી કરેલી. ઇરોમ જેવા જ વ્હીસલ બ્લોઅરની દેશના રાજકારણને તાતી જરૂર છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 8મી ફેબ્રુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

2 comments:

  1. ઈરોમ જી એ બધી સીટો પરથી ચૂંટણીમાં એમના પ્રજા પક્ષને ઉભો રાખવો જોઇએ.અને હા એમને કોઈ સાથે પ્રેમ થાય એ ખુબજ સહજ અને સ્વીકાર્ય ગણવું જોઇએ.

    ReplyDelete